મને તારા પર
પૂરો વિશ્વાસ છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તમારી યાદ શું શું કે’ર વર્તાવે છે જાણીને,
તમારું નામ પણ હોઠો સુધી લાવી નથી શકતો,
કોઇ સમજે કે ના સમજે એ બીજી વાત છે કિંતુ,
અહીં મારા જ અંતરને હું સમજાવી નથી શકતો.
– શૂન્ય પાલનપુરી
શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસા પર દુનિયા કાયમ છે. દરેક સંબંધ ભરોસાના સહારે જ ટકેલો હોય છે. કેટલાક લોકો પર આપણને આપણાથી પણ વધારે ભરોસો હોય છે. તેના પર આપણે આંખ મીંચીને ભરોસો કરતા હોઇએ છીએ. રોજ રાતે આપણને પૂરેપૂરી શ્રદ્ધા હોય છે કે, સવાર પડવાની છે, સૂરજ ઊગવાનો છે. કેટલાક લોકો પણ એવા જ હોય છે જે ક્યારેય પોતાનો ક્રમ છોડતા નથી. ક્રમ અકબંધ હોય ત્યાં ભ્રમને અવકાશ રહેતો નથી. આપણે જન્મીએ ત્યારથી ભરોસો મૂકતા હોઇએ છીએ. માતા પર ભરોસો મૂકતા કોણ શીખવે છે? કોઇ શીખવતું નથી. એ જન્મજાત હોય છે. માતાના હાથમાં આપણે પોતાની જાતને સંપૂર્ણ સુરક્ષિત સમજીએ છીએ. જેમ જેમ મોટા થતા જઇએ એમ એમ આપણે બીજા લોકો પર ભરોસો મૂકતા થઇએ છીએ. ભરોસો જ એવી ચીજ છે જે માણસની ઓળખ છતી કરે છે. ભરોસો માણસનું ટેસ્ટિંગ છે. ભરોસો મૂકીએ નહીં તો ખબર જ ન પડે કે કોણ કેટલો વિશ્વાસપાત્ર છે. ભરોસો મૂક્યા વગર માણસને ચાલતું પણ નથી. આપણે કોઇને કંઇ વાત કરીએ ત્યારે પણ તેના પર ભરોસો જ મૂકતા હોઇએ છીએ. એ મારા સિક્રેટ્સ કોઇની સાથે શેર નહીં કરે. ક્યારેક ભરોસો મૂકવાનાં પરિણામો પણ ભોગવવાં પડે છે. કોઇના ભરોસા સાથે રમત કરવી એ દુનિયાની સૌથી ખરાબ પ્રવૃત્તિ છે.
બે મિત્રો હતા. એક વખત એક મિત્રએ પોતાની અંગત વાત મિત્ર સાથે શેર કરી. મિત્રને કહ્યું, જોજે કોઇને ખબર ન પડે. બીજા જ દિવસે તેના અેક ત્રીજા ફ્રેન્ડના મોઢે એ વાત સાંભળી. આ પછી તેણે પોતાના મિત્રને કહ્યું કે, તેં વાત કરી એનાથી મને બહુ ફેર પડવાનો નથી, પણ તું મારી નજરમાંથી ઊતરી ગયો. માણસ નજરમાંથી ઊતરી જાય એ સાથે દિલમાંથી પણ નીકળી જતો હોય છે. એક વખત ભરોસો તૂટ્યો પછી પાછો બેસતા બહુ વાર લાગે છે. બે પ્રેમીઓની આ વાત છે. બંનેને સારું બનતું હતું. પ્રેમિકાને એવી ખબર પડી કે, તેનો પ્રેમી બીજી છોકરી સાથે પણ સંબંધ રાખે છે. તેણે પ્રેમીને પૂછ્યું કે, સાચી વાત શું છે? પ્રેમીએ કહ્યું, અમારી વચ્ચે ખાલી ઓળખાણ છે, બીજું કંઇ નથી. છોકરીએ કહ્યું, સવાલ એ નથી કે તારે એની સાથે શું છે? સવાલ એ છે કે, તેં મારાથી આ વાત છુપાવી. હવે મને દરકે મુદ્દે શંકા જશે. શંકા બહુ ખરાબ છે. દરેક વખતે સવાલ કરે છે, એ સાચું તો બોલતો હશેને? એ મને ચીટ તો નહીં કરતો હોયને? સાચો પ્રેમ એ છે જેમાં આપણને ગળા સુધીનો ભરોસો હોય કે, મારો પ્રેમી કે મારી પ્રેમિકા મને વફાદાર છે. મારા સિવાય બીજું કંઇ હોય જ નહીં.
એક બીજા પ્રેમી પ્રેમિકાની આ વાત છે. પ્રેમી પોતાની નાનામાં નાની વાત પ્રેમિકાને કરે. આખા દિવસમાં શું કર્યું, કોને મળ્યો, શું વાત થઇ એ વિશે માંડીને વાત કરે. એક વખત પ્રેમિકાએ પૂછ્યું, તું મને કેમ બધી જ વાત કરે છે? પ્રેમીએ કહ્યું, તને મારા પર શ્રદ્ધા બેસે એટલે! તને એવું ક્યારેય ન લાગવું જોઇએ કે, હું તારાથી કંઇ છુપાવું છું. હું ઇચ્છું છું કે, તને મારી દરેકેદરેક વાત ખબર હોય. મારા માટે તારો ભરોસો સૌથી મોટી અને મહત્ત્વની વસ્તુ છે. પ્રેમિકાએ કહ્યું, મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. એના માટે દર વખતે તારે સાબિતી આપવાની જરૂર નથી. આપણે સાચા અને સારા હોઇએ તો પછી એ કહેવું પડતું નથી. એ વર્તાઇ આવતું હોય છે. ઘણી વખત તો ચહેરા પરથી ખબર પડી જાય છે કે, આના પેટમાં કોઇ પાપ છે કે નહીં? ખોટા હોય એણે છુપાવવાના અને બચવાના પ્રયાસો કરવા પડે છે. સાચા હોય એને કોઇ ફિકર હોતી નથી. એક છોકરીની આ વાત છે. તેણે અરેન્જ મેરેજ કર્યા હતા. એને સતત એ વાતનું ટેન્શન રહેતું કે, મારો પતિ મારા પર ક્યારેય કોઇ શંકા તો નહીં કરેને? એક વખત તેની મુલાકાત એક સંત સાથે થઇ. સંતને તેણે પોતાની મૂંઝવણ કહી. સંતે કહ્યું, એ શંકા કરે કે ન કરે એ એણે જોવાનું છે. આપણે કંઇ એવું ન કરીએ જે એને શંકા કરવા પ્રેરે! કોઇ શું કરે એ આપણા હાથમાં હોતું નથી. આપણે શું કરવું એ જ આપણે નક્કી કરતા હોઇએ છીએ.
દુનિયામાં બધા સાચી શંકા કરે એવું પણ જરૂરી નથી. ખોટી શંકા કરવાવાળાની પણ કમી નથી. એક પતિ પત્નીની આ સાવ સાચી વાત છે. પતિને સતત એવી શંકા રહે કે, મારી પત્ની મારી પાછળ કોઇ રમત તો રમતી નથીને? પત્નીને એ વાતની ખબર પડી ગઇ કે, મારો પતિ એક નંબરનો શંકાશીલ છે. ખાનગીમાં મારો મોબાઇલ ચેક કરે છે. પત્નીએ એક વખત પતિને કહ્યું, તારા શંકાશીલ સ્વભાવના કારણે તું જ દુ:ખી થાય છે. તું જોઇ શકે એટલે મેં મોબાઇલમાં પાસવર્ડ પણ રાખ્યો નથી. થોડોક ભરોસો રાખ એ તારા અને આપણા બંનેના હિતમાં છે. ખોટી શંકા તને ચેન લેવા નહીં દે. આ પણ હું તારા સુખ અને શાંતિ માટે કહું છું. ખોટી જાસૂસી ન કર. આ તને નથી શોભતું અને તું આવું કરે એ મને પણ નથી ગમતું. તારે જે પૂછવું હોય એ મને જ પૂછી લેને. ખોટા ટેન્શનમાં શા માટે રહે છે? ભરોસો અને શંકા બે એવી વસ્તુ છે જે બંને એકસાથે ક્યારેય રહી શકતી નથી. કાં ભરોસો રહી શકે અને કાં તો શંકા. તું શંકા હટાવીશ તો જ ભરોસો કરી શકીશ. કંઇ એવું થયું હોય અને માણસ શંકા કરે તો હજુયે સમજી શકાય, ઘણા તો કારણ વગરની શંકા કરતા હોય છે. કોઇનો પતિ કે કોઇની પત્ની કંઇ કરતી હોય તો પણ એને વિચાર આવી જાય છે કે, મારી વ્યક્તિ તો એના જેવું નહીં કરતી હોયને? માત્ર ને માત્ર શંકાના કારણે ઘણા લોકો બરબાદ થતા હોય છે.
બાય ધ વે, તમારા પર કોને સૌથી વધુ શ્રદ્ધા છે? એના ભરોસાને ક્યારેય જરાયે આંચ ન આવે એની કાળજી રાખજો. આપણને સર્વસ્વ સમજતા હોય એના માટે આપણી પણ એટલી જવાબદારી બને છે કે, એ ક્યારેય હર્ટ ન થાય. માત્ર પ્રેમ કે દાંપત્યની જ વાત નથી, કોઇ પણ સંબંધ હોય એમાં શ્રદ્ધા અકબંધ રહેવી જોઇએ. બે ભાગીદારો હતા. એ બંનેના સંબંધો ઘણાથી સહન થતા નહોતા. એક વખત એક માણસે ભાગીદારો વચ્ચે ફૂટ પડાવવાનો પ્રયાસ કર્યો. એકની કાન ભંભેરણી કરવાનું તેણે શરૂ કર્યું. એ માણસ તેના ભાગીદાર વિશે એલફેલ વાતો કરતો હતો. એ માણસે તેને કંઇ કહેતા પહેલાં પોતાના ભાગીદારને કહ્યું, પેલા માણસથી સાવધાન રહેજે. એ મારા મોઢે તારું ખરાબ બોલે છે. બનવા જોગ છે કે, કાલે ઊઠીને એ તારા મોઢે પણ મારું ખરાબ બોલે. આપણે બીજાને સમજાવી નથી શકવાના, આપણે બંને સમજીએ એ જરૂરી છે. આપણા વચ્ચે કોઇ અણબનાવ ન બને એની તકેદારી રાખવાનું કામ આપણા બંનેનું છે. દુનિયાના લોકોથી ઘણું બધું સહન થતું નથી. સારું જોઇને હવે બહુ ઓછા લોકોની આંખ ઠરે છે. ઇર્ષાનું તત્ત્વ એટલું બધું વધી ગયું છે કે, ક્યારેક નજર લાગવાનો પણ ડર લાગવા માંડે! ઘણા લોકો જ ભારે હોય છે. એને આપણે કોઇ સંજોગોમાં હળવા કરી શકતા નથી. બેસ્ટ વે એ જ હોય છે કે, એવા લોકોથી દૂર થઇ જઇએ. આપણી વ્યક્તિને અને આપણા સંબંધોને સાચવી શકીએ એ જ આપણા માટે પૂરતું છે. એના માટે સૌથી પહેલી શરત એ જ છે કે, આપણે સારા હોવા જોઇએ. આપણે જો રમત કરતા હોઇએ તો ક્યારેક એ રમતમાં આપણે જ હારવાનો વારો આવે છે! રમત ન રમીએ તો આપણે જીતેલા જ છીએ.
છેલ્લો સીન :
શ્રદ્ધા પર જ્યારે નાની સરખી પણ આંચ આવે છે ત્યારે શંકાની શરૂઆત થાય છે. શંકા ધીમે ધીમે શ્રદ્ધાને ભરખી જાય છે. સંબંધમાંથી શ્રદ્ધા ગઇ એટલે સન્નાટો જ આકાર લેવાનો છે! – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 13 એપ્રિલ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
