જિંદગીને જીવવા જેવી બનાવતા
આ સાત નિયમો તમને ખબર છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
લો ઓફ એટ્રેક્શન, લો ઓફ ડિટેચમેન્ટ, લો ઓફ વાઇબ્રેશન,
લો ઓફ કર્મા, લો ઓફ એનર્જી, લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ અને
લો ઓફ વનનેસ આપણી જિંદગીને બહુ મોટી અસર કરે છે!
———–
લાઇફ ઇઝ બ્યૂટીફૂલ. જિંદગી સુંદર છે. જિંદગી જીવવા માટે છે. દરેક માણસ જિંદગીને પોતાની રીતે સમજીને જીવતો હોય છે. દરેક પાસે પોતાની જિંદગીનાં કારણો હોય છે. દરેકના પોતાનાં સપના, પોતાની ઇચ્છા અને પોતાની અપેક્ષાઓ હોય છે. જિંદગી જીવતા શીખવાડે એવા કોઇ પાઠ નથી હોતા. જિંદગી જીવતા તો આપણે જ શીખવું પડે છે. જિંદગીની પણ ચોક્કસ પ્રકૃતિ હોય છે. જિંદગી ચાલતી રહે છે. દુનિયામાં કેટલાક નિયમો એવા છે જે આપણી જિંદગીને સીધી અસર કરે છે. આપણી જિંદગીમાં ઘણી વખત એવા બનાવો બને છે જ્યારે આપણને આપણી જિંદગી, આપણા સંબંધો અને આપણા પોતાના માટે જ સવાલો થાય છે. ક્યારેક એવા વિચાર પણ આવી જાય છે કે, આવું થોડું હોય? જિંદગીની ફિલોસોફી વિશે ખૂબ વાતો થઇ છે. આખરે આપણી જિંદગીને શું અસર કરે છે? એવા સાત નિયમો છે જેને આપણે સમજીએ એ જરૂરી છે. જિંદગીમાં કંઇ જ અકારણ થતું નથી. જે કંઇ થાય છે એની પાછળ કોઇ હેતુ હોય છે. કંઇક મિનિંગ હોય છે. આપણને ઘડીકમાં એ અર્થ સમજાતો નથી. આજે આપણી જિંદગીને સીધી અસર કરતા સાત નિયમોની થોડીક વાત કરવી છે.
લો ઓફ એટ્રેક્શન
આપણે જેવું વિચારીએ એવું થાય છે. આપણા વિચારોમાં જબરજસ્ત તાકાત હોય છે. આપણે જે ઇચ્છીએ છીએ, આપણે જેના પર ફોક્સ કરીએ છીએ અને આપણે જેના માટે પ્રયાસો કરીએ છીએ એ આપણી તરફ ખેંચાય છે. વિચારો પર નજર રાખવાની વાત એટલે જ કરવામાં આવે છે. આપણા વિચારો, આપણું ધ્યાન અને આપણા ઇરાદા એવા હોવા જોઇએ જે આપણને અને આપણી જિંદગીને વધુ સારી બનાવે. સાવ સાદી ભાષામાં વાત કહીએ તો જેવું વિચારશું એવું થશે. આમાં એક સાવધાની રાખવા જેવી છે. જો ખોટું, ખરાબ કે નેગેટિવ વિચારશું તો એવું પણ થવાનું છે. આપણામાં એટલે જ એવી પ્રાર્થના કરવામાં આવે છે કે, ચારે દિશાઓથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાવ. દરેક માણસે ચેક કરતા રહેવું પડે છે કે, મારા વિચારો અને મારા ઇરાદા સારા તો છેને? આપણા વિચારોથી ચોક્કસ પ્રકારનાં વાઇબ્રેશન ક્રિએટ થાય છે અને એ આપણને સારાં અથવા ખરાબ પરિણામો સુધી લઇ જાય છે.
લો ઓફ ડિટેચમેન્ટ
આપણી જિંદગીમાં ઘણી વખત એવું બને છે કે, આપણે જેને ઇચ્છતા હોઇએ, જેના માટે આપણને પ્રેમ હોય, જેની આપણને જરૂર હોય એ લોકો આપણાથી દૂર ચાલ્યા જાય છે. એવું થાય તો પણ ચિંતા ન કરવી. કેટલાક લોકો આપણાથી ડિટેચ થવા માટે એટેચ થયા હોય છે. જતા હોય અથવા ગયા હોય એને જવા દેવાના! એને રોકવાનો કે એની પાછળ દોડવાનો કોઇ અર્થ નથી હોતો. લો ઓફ ડિટેચમેન્ટ એવું પણ કહે છે કે, જે જગ્યા ખાલી થશે એ કોઇ સારી વ્યક્તિથી ભરાવાની હશે. આપણે ઘણી વખત કોઇ આપણી જિંદગીથી દૂર જાય ત્યારે દુ:ખી થતા હોઇએ છીએ. કોઇ દૂર જાય એમાં પણ કુદરતનો કોઇ સંકેત હોય છે. જે કંઇ દૂર જતું હોય એને જવા દો, ત્યારે જ કંઇક વધુ સારું, ઉમદા અને શ્રેષ્ઠ આવશે.
લો ઓફ વાઇબ્રેશન
આપણા વ્યક્તિત્વનો એક ચોક્કસ પ્રભાવ હોય છે. દરેકનાં પોતાનાં વાઇબ્રેશન હોય છે, પોતાની ફ્રીક્વન્સી હોય છે, પોતાની ઓરા હોય છે. આપણે જેવા હોઇએ એવું જ આપણી સાથે થવાનું છે અને આપણે હોઇએ એવા લોકો જ આપણને મળવાના છે. પોઝિટિવ રહેવાનું એટલે જ કહેવામાં આવે છે. દોસ્તો અને સંબંધો આપણે જેવા હોઇએ એવા જ આપણને મળે છે. આપણે ઘણી વખત લાઇક માઇન્ડેડ લોકોની વાત કરતા હોઇએ છીએ. સંબંધોનાં સર્કલો એમ જ નથી બનતાં. એકસરખા વાઇબ્રેશનવાળા લોકો આપોઆપ નજીક આવી જાય છે. આપણે સારા હોઇએ તો સારા લોકો આપોઆપ આપણી નજીક આવવાના છે. ખરાબ સાથે પણ એવું જ થાય છે. તમે માર્ક કરજો, અમુક લોકોની ટોળી એના જેવી જ હશે. એની સાથે જ એને ફાવે! સાચું કે નહીં?
લો ઓફ કર્મા
કર્મનો સીધો હિસાબ છે કે, જેવું કરશો એવું પામશો. માણસ યુનિવર્સને જે આપે છે એ જ તેને મળે છે. આપણે આમ તો પહેલેથી એવું કહેતા અને સાંભળતા આવ્યા છીએ કે, વાવીએ એવું લણીએ. બાવળ વાવીએ તો કેરી ન ઊગે. ગીતામાં એવું કહેવાયું છે કે, તું કર્મ કર અને ફળની ચિંતા ન કર. એનો અર્થ પણ એ જ થાય છે કે, ફળ તો મળવાનું જ છે. એની ચિંતા કરવાનો સવાલ જ નથી. હા, જેવું કરશું એવું જ ફળ મળવાનું છે એ વાત ક્યારેય ભૂલવી ન જોઇએ. મતલબ, દરેક વ્યક્તિએ એ પોતે શું કરે છે એનો ખયાલ રાખવો જોઇએ. આપીશું એવું જ પાછું આવવાનું છે.
લો ઓફ એનર્જી
દરેક માણસમાં ચોક્કસ પ્રકારની શક્તિ હોય છે. એ મુજબના જ એમના વિચાર હોય છે. આપણી એનર્જી જ આપણને ચોક્કસ પ્રકારનાં કામ કરવા પ્રેરે છે. ઘણા લોકો પોતાની શક્તિ, પોતાની એનર્જી અને પોતાની ક્ષમતાને ઓળખતા નથી. આપણા પ્લસ અને માઇનસ પોઇન્ટ્સની આપણને ખબર હોવી જોઇએ. માઇનસ પોઇન્ટ્સને દૂર રાખીને અને પ્લસ પોઇન્ટ્સ પર ફોકસ કરીને તેના પર જ કામ કરવું જોઇએ. આપણે આપણી એનર્જી શેની પાછળ વાપરીએ છીએ તેના આધારે પણ આપણી કરિયર અને આપણું ભવિષ્ય નક્કી થતું હોય છે. કોઇ માણસ એવો નથી હોતો જેનામાં કશુંક યુનિક ન હોય. બધા એ શોધી નથી શકતા એ વાત જુદી છે. જેને પોતાની એનર્જીને યોગ્ય રીતે વાપરતા આવડે છે એ દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.
લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ
આપણે જે કંઇ કરીએ છીએ તેની પાછળ કોઇ તત્ત્વ કામ કરતું હોય છે. આપણે ભલે કરવા ખાતર કંઇ કરતા હોઇએ, પણ તેની પાછળ પણ કોઇ કારણ હોય છે. આપણા એક્શનું રિએક્શન પણ હોય છે. આપણે જે કરીએ છીએ એ સરવાળે તો આપણે કેવા છીએ એ જ છતું કરે છે. આપણે અમુક કામ ક્યારેય નહીં જ કરીએ. આપણી જાત આપણને રોકે છે. આપણે જે કંઇ કરીએ છીએ એની સારી કે નરસી અસર પણ આવવાની જ છે. આપણે શું કરવું છે એના વિશે જેટલી સ્પષ્ટતા હોય એટલી જ સમજ એ પણ હોવી જોઇએ કે શું નથી કરવું. જે કરીએ એનાં પરિણામો ભોગવવાં પડે છે. સમગ્ર સૃષ્ટિ ચોક્કસ રીતે કામ કરે છે. આપણે પણ સૃષ્ટિનો જ એક હિસ્સો છીએ એ વાત ભૂલવી ન જોઇએ.
લો ઓફ વનનેસ
દુનિયાની દરેક વ્યક્તિ એકબીજા સાથે અલૌકિક રીતે જોડાયેલી હોય છે. કોઇ આપણી નજીક આવે છે અને તેની સાથે આપણું વળગણ વધે છે. એ જ્યાં સુધી ન મળી હોય ત્યાં સુધી દૂર ભલે હોય, પણ એ આપણી સાથે જોડાયેલી તો હતી જ! કોણ ક્યારે મળે અને કોની સાથે ક્યારે લાગણીના તાર ઝણઝણે એ નક્કી હોતું નથી. માત્ર વ્યક્તિ જ નહીં, પ્રકૃતિનાં તમામ તત્ત્વો સાથે પણ આપણે જોડાયેલા હોઇએ છીએ. આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે, યથા પિંડે તથા બ્રહ્માંડે. જે આપણા શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે અને જે બ્રહ્માંડમાં છે એ જ આપણા શરીરમાં છે. પંચમહાભૂતની તો બધાને ખબર જ છે.
આ બધાને આપણા વિચારો સાથે સીધો નાતો છે. જિંદગીને સારી રીતે જીવવા માટે સૌથી વધુ જરૂરી એ છે કે, વિચારોને ઉચ્ચ રાખો. આપણે જેવા વિચાર કરીએ એવા જ આપણે બની જઇએ છીએ. આપણા વિચારો, આપણી પ્રકૃતિ અને આપણાં વાઇબ્રેશન પોઝિટિવ અને એનર્જેટિક હોવાં જોઇએ. જીવવાનો ખરો અર્થ ધબકતા રહેવું છે, બાકી માત્ર શ્વાસ લેતા હોય એવા લોકોનો પણ તોટો નથી. આપણી લાઇફ આપણા હાથમાં હોય છે, એને કઇ દિશામાં લઇ જવી એ આપણે જ નક્કી કરવાનું હોય છે.
—————-
પેશ-એ-ખિદમત
મૈં રસ્મ રહ ગયા હૂં ફક્ત ઔર કુછ નહીં,
ઇસ પર ભી લોગ નિભાતે નહીં મુઝે,
દો દિન મિલે બગૈર ભી જિસસે સુકૂં ન થા,
હાયે અબ ઉસકે ખ્વાબ તક આતે નહીં મુઝે.
– ગૌરવ ત્રિવેદી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 09 એપ્રિલ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
