તેં એ વાત મને
કેમ ન કરી?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
શાંતિ પછી તોફાનની વણજાર થઇ શકે,
ધોરી નસોમાં લોહીનો રણકાર થઇ શકે,
દોસ્તો ગયા પછી જ મને એ ખબર પડી,
સાથે હતા જે એ બધા ફરાર થઇ શકે.
– અનિલ જોશી
દરેક સંબંધ અલગ અલગ ધરી પર જીવાતો હોય છે. દરેક સંબંધની એક મર્યાદા હોય છે. બધા સાથે એકસરખો નાતો ક્યારેય નહીં હોવાનો. આપણે માણસ અને તેની સાથેનો નાતો જોઇને સંબંધ રાખતા હોઇએ છીએ. દરેક સંબંધને ટકોરા મારીને ચેક પણ કરવો પડે છે. બોદા બોલતા સંબંધથી કિનારો કરવો પડે છે. દરેક સંબંધ તોડી શકાતા નથી. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ અમુક લોકો સાથે સંબંધ રાખવા પડે છે. એની સાથેના સંબંધમાં સેફ ડિસ્ટન્સ રાખવું પડે છે. કેટલાક લોકો સળગતા કોલસા જેવા હોય છે, એની વધુ પડતા નજીક જઇએ તો દાઝી જવાનો ખતરો રહે છે. મોટાભાગે માણસને જે અનુભવો થાય છે તેના પરથી એ નક્કી કરતો હોય છે કે, કોની સાથે કેટલો સંબંધ રાખવો? કોને કેટલી અને શું વાત કરવી? બધા માણસો બધી વાત પચાવી શકતા નથી. એવા લોકોને તમે કંઇ કહો એટલે તરત જ એ બીજા સમક્ષ ઓકી દેતા હોય છે. કેટલાક લોકો પેક હોય છે. એને કહેલી કોઇ વાત ક્યારેય બહાર જાય નહીં. આપણે અમુક લોકોને કોઇ વાત કરતા પહેલાં ટકોર કરીએ છીએ કે, જોજે હોં કોઇને ખબર ન પડે. આ વાત મારા અને તારા સિવાય ક્યાંય જવી ન જોઇએ. એક જ વ્યક્તિને કહેલી વાત જ્યારે ફરતી ફરતી કોઇના મોઢેથી આપણા કાન સુધી આવે ત્યારે આંચકો લાગે છે. એના ઉપર મેં ભરોસો મૂક્યો હતો અને તેણે મારી વાત લીક કરી દીધી!
હવે વાતો ગમે ત્યારે લીક થઇ જાય એવો જમાનો આવ્યો છે. કોઇને ફોન પર વાત કરતા પણ ડર લાગે છે. ક્યાંક મારો ફોન રેકોર્ડ તો નહીં થતો હોયને? મેસેજ કરવામાં પણ જાળવી જાળવીને લખવું પડે છે. સ્ક્રીન શોટ ફરતા થઇ જતા વાર નથી લાગતી! દુનિયા જેમ જેમ હાઇટેક થતી જાય છે એમ એમ વાત કરવાનો ખતરો વધી રહ્યો છે. પ્રાયવસી જેવું હવે કંઇ રહ્યું નથી. દરેક મોબાઇલને પણ કાન હોય છે. માણસનું કંઇ છૂપું રહેતું નથી. ફોન પર પણ એવું કહેવું પડે છે કે, ફોન પર કહેવાય એમ નથી, રૂબરૂ મળીશ ત્યારે વાત કરશું. ભારે થઇ ગયેલો માણસ હળવા થવા માટે આશરો શોધતો રહે છે. વાત કરવી તો કોને કરવી? આવડી મોટી દુનિયામાં કોનો ભરોસો કરવો એ જ સમજાતું નથી. એક યુવાનની આ વાત છે. તેણે એક પૂતળું ખરીદ્યું હતું. એ રોજ ઘરે આવે પછી પૂતળા સાથે બધી વાત કરે. પૂતળું કંઇ જવાબ ન આપે તો પણ એને જે કહેવું હોય એ કહી દે. એક વખત તેના મિત્રએ સવાલ કર્યો કે, તેં આ પૂતળું શા માટે રાખ્યું છે? તેણે કહ્યું કે, બસ એમ જ! એ વાત પણ તેણે પોતાના મિત્રને ન કરી કે, મેં તો વાતો કરીને હળવા થવા માટે આ પૂતળું રાખ્યું છે. એ યુવાનને હતું કે, જ્યારે કોઇ એવી વ્યક્તિ મળશે જેને બધી વાત કરી શકાય, ત્યારે હું આ પૂતળાને વિદાય આપી દઇશ. એની લાઇફમાં એવી કોઇ વ્યક્તિ આવતી જ નહોતી. એક રાતે એ યુવાન સૂતો હતો. અચાનક પેલું પૂતળું તેના સપનામાં આવ્યું. પૂતળાએ કહ્યું, તું ક્યારેક તો તારી વાત કોઇને કર! ભરોસો મૂકીશ જ નહીં તો ખબર કેમ પડશે કે કોણ ભરાસોપાત્ર છે? તું મને વાત કરે છે, પણ હું હોંકારો કે સધિયારો આપી શકવાનું નથી. માણસે કોઇના પર ભરોસો મૂકવાનું જોખમ પણ લેવું પડે છે. જોખમ લેવું પણ જોઇએ. શક્ય છે ક્યારેક એવી પોતાની વ્યક્તિ મળી આવે જેની સાથે કોઇ વાત કરવાનો શરમ, સંકોચ કે ભય ન રહે! શ્રદ્ધા ન રાખીએ તો શંકા થતી જ રહેવાની છે.
કોઇ આપણને વિના સંકોચે એના દિલની વાત કરે એ માટે લાયકાત કેળવવી પડે છે. ભરોસો મેળવવો પડે છે. ભરોસો એમ જ નથી મળતો, એ પહેલાં સાબિતી માંગે છે. એને ખાત્રી થાય કે, આને કંઇ કહેવામાં વાંધો નથી, પછી જ માણસ બધી વાત કરે છે. દરેક માણસને પોતાની વાત કહેવી હોય છે, ઊઘડવું હોય છે, વ્યક્ત થવું હોય છે, પણ એવો ખૂણો ક્યાં છે? એવો ખભો ક્યાં છે? એવો માણસ ક્યાં છે? દરેક માણસ ભરેલો છે. ક્યારેક આંખોથી છલકાઇ જાય છે, પણ કોઇને કહી શકતો નથી. ઘણી વખત એવું પણ થતું હોય છે કે, આપણે જેને બધી જ વાત કરતા હોઇએ એને પણ અમુક વાત નથી કરતા. એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની હતાં. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ. નાનામાં નાની વાત બંને એકબીજાને કહ્યા વગર ન રહે. એક વખત પત્નીને ખબર પડી કે, તેના પતિએ એક વાત તેનાથી છુપાવી છે. તેણે પતિને સવાલ કર્યો કે, તેં આ વાત કેમ મને નથી કરી? પતિએ કહ્યું, હા મેં એ વાત તને નથી કરી. મને થયું કે એ વાત જાણીને તું ડિસ્ટર્બ થઇશ. હું નહોતો ઇચ્છતો કે એ વાત જાણીને તું દુ:ખી થા. પત્નીએ કહ્યું, એ વાતથી જેટલી ડિસ્ટર્બ થાત એના કરતાં એ વાતથી વધુ ડિસ્ટર્બ થઇ છું કે, તેં મને એ વાત ન કરી! મારા માટે તું ઇમ્પોર્ટન્ટ છે. તું એક તો છે જેની સાથે કોઇ સિક્રેટ નથી, કંઇ છુપાવવાનું નથી. હર્ટ થઉં તો પણ તારી સાથે થવું છે. મને દુ:ખ થશે એ વિચારીને તું કેમ એકલો જ અંદર ને અંદર ધૂંધવાતો રહ્યો? કહી દેવું હતુંને!
તમારી લાઇફમાં કોઇ એવું છે જેને તમે બધી વાત કરી શકો? જે તમારાં તમામ સિક્રેટને સાચવી જાણે છે. જો હોય તો એને જતનથી સાચવી રાખજો. એવી વ્યક્તિ દરેકના નસીબમાં નથી હોતી. કોઇને કહી દેશે અથવા તો કોઇને ખબર પડી જશે એ ભયે કોઇને કંઇ વાત જ ન કરવી એ પણ વાજબી નથી. ટકોરો મારતા રહેવું જોઇએ, કોઇક દરવાજો તો ખૂલશે જ, જે આપણી તમામ વાતો સંઘરી રાખે. સાથોસાથ એવા લોકોથી પણ દૂર રહેવું જે બધાની વાત આપણા મોઢે કરતા હોય. જે બધાની વાત આપણને કરી શકે એ આપણી વાત પણ કોઇને કરતા હોય છે. માણસની પસંદગી વખતે તેની પ્રકૃતિને ખાસ ઓળખવી પડે છે. આપણે બધા સાથે મન ફાવે એવું વર્તન કરી શકતા નથી. માણસ બહુ સિલેક્ટિવ અને સિક્રેટિવ છે. આંખો મીંચીને ભરોસો કરીએ તો ક્યારેક આંખો પહોળી થઇ જાય એવાં પરિણામો ભોગવવાં પડે છે.
બાય ધ વે, તમને કોઇ તેની તમામ વાતો કરે છે? જો એવું કોઇ હોય તો સમજજો કે તમે તેના માટે ભરોસાપાત્ર માણસ છો. કોઇના ભરોસાપાત્ર બનવું નાનીસૂની વાત નથી. ભરોસાનો સંબંધ લોહીના સંબંધ કરતાં પણ ઊંચો હોય છે. લોહી ક્યારેક પાતળું પડી જાય છે, પણ સાચા માણસનો સંગ ક્યારેય નબળો કે હલકો થતો નથી. આજનો માણસ એટલો ભારે થઇ રહ્યો છે કે, પોતાના જ ભાર નીચે દબાઇ જાય. એક પાગલ માણસ હતો. એકલો એકલો બોલતો જાય અને રખડતો રહે. તેનો એક મિત્ર હતો. તેને બીજા એક મિત્રએ પૂછ્યું કે, તારો આ ફ્રેન્ડ કેમ પાગલ થઇ ગયો? મિત્રએ કહ્યું, જ્યારે તેણે જેને જે કહેવું જોઇએ એ કહ્યું નહીં અને હવે આખા ગામમાં રાડો પાડતો ફરે છે! પેઇન હોય કે પ્લેઝર, શેર કરતા રહો. દિલમાં કેટલુંક દબાવીને ફરશો? એવા લોકો હોય જ છે જેના પર ભરોસો મૂકી શકાય. ભરોસાપાત્ર બનવા માટે આપણે પણ ભરોસો મૂકવો પડે છે. ઘણા લોકો ભેદી હોય છે, એના દિલ અને દિમાગમાં શું ચાલી રહ્યું છે એ આપણને સમજાય જ નહીં. આવા લોકો છેલ્લે એકલા પડી જતા હોય છે. જિંદગીમાં થોડાક ખૂણા એવા રાખવા જોઇએ જ્યાં મોઢું છુપાવવું ન પડે, રડવું હોય ત્યારે રડી શકાય, હસવું હોય ત્યારે હસી શકાય અને જે કહેવું હોય એ કહી શકાય!
છેલ્લો સીન :
દગા, ફટકા, બદમાશી અને નાલાયકીના અનુભવો પણ જિંદગી માટે ખૂબ જરૂરી છે. એ ન હોત તો ખબર જ કેમ પડત કે, કોણ સારું અને કોણ ખરાબ છે? કોણ મારું અને કોણ પરાયું છે? – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 06 એપ્રિલ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
