તેં એની પોસ્ટ
લાઇક શા માટે કરી?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ક્યાં સંતાડું દરિયો? કાંઠા ક્યાં સંતાડું?
આંસુ ને આંસુના ડાઘા ક્યાં સંતાડું?
પડઘાને તો પલભરમાં ઓગાળી નાખું,
પણ વીંઝાતા આ સન્નાટાને ક્યાં સંતાડું?
–વ્રજેશ મિસ્ત્રી
સંબંધોનું સૌથી મોટું સત્ય સંવેદના અને સાત્ત્વિકતા છે. સંબંધો સીંચવા પડે છે. સંબંધોને જો સાચવીએ નહીં તો સંબંધમાં પણ સુકારો લાગે છે. જેને સંબંધો સમજાતા નથી એ જિંદગીને સોળે કળાએ ક્યારેય જીવી શકતા નથી. માણસને બધા વગર ચાલે છે, પણ માણસ વગર ચાલતું નથી. ભલે કેટલાક લોકો ઉશ્કેરાટમાં ક્યારેક એવું બોલી જતા હોય કે, મારે કોઇની જરૂર નથી, પણ કોઇ માણસ માણસ વગર રહી શકતો નથી. માણસને દરેકેદરેક સંજોગોમાં કોઇની જરૂર પડે છે. સુખમાં માણસને માણસની સૌથી વધુ જરૂર પડે છે. દુ:ખ હજુયે માણસ એકલો સહન કરી લે, માણસ એકલો સુખી રહી શકતો નથી. થોડીક વાર એકાંત ગમે પણ કાયમી એકાંત પણ સહન થતું નથી. માણસે સમયે સમયે પોતાની સાથે સંવાદ સાધવો જોઇએ એ વાત સાચી, પણ માણસ કાયમ માટે પોતાની સાથે સંવાદ કરી ન શકે. માણસને વાત કરવા અને વ્યક્ત થવા માટે કોઇક જોઇતું હોય છે. દરેક પાસે એવી વ્યક્તિ હોય પણ છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે માણસને પોતાની વ્યક્તિની કદર રહેતી નથી. આપણા માટે જે બધું જ કરી છૂટતા હોય એને ઘણી વખત આપણે ટેકન ફોર ગ્રાન્ડેટ લઇ લેતા હોઇએ છીએ.
દુનિયા જેમ જેમ હાઇટેક થતી જાય છે એમ એમ માણસ માણસથી દૂર થઇ રહ્યો છે. માણસ જ્યારે પોતાની વ્યક્તિથી દૂર થાય છે ત્યારે એ પોતાનાથી પણ થોડોક અળગો થતો હોય છે. માણસને અત્યારે એટલા માટે જ એવું કહેવું પડે છે કે, તમારા લોકોની નજીક રહો, તમારા લોકોને સમય આપો. જો તમે એવું નહીં કરો તો જ્યારે તમારે કોઇનો સમય જોઇતો હશે ત્યારે કોઇ પાસે તમારા માટે ટાઇમ નહીં હોય! આજના યુગમાં માણસો વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવવા લાગ્યા છે. એક આભાસી દુનિયા રચીને માણસ એવું માનવા લાગ્યો છે કે, તે સોશિયલી એક્ટિવ છે. તેના ઘણા બધા ફોલોઅર્સ છે. લોકો તેની પોસ્ટ લાઇક કરે છે. તેની વાતો પર કમેન્ટ કરે છે. કેટલા ફોલોઅર્સ છે એના પરથી પોપ્યુલારિટીનું માપ નીકળવા લાગ્યું છે. એક માણસની આ સાવ સાચી વાત છે. સોશિયલ મીડિયા પર તેના હજારો ફોલોઅર્સ હતા. તે રેગ્યુલર કોઇ ને કોઇ પોસ્ટ મૂકતો. તેને અસંખ્ય લાઇક મળતી. એ આખો દિવસ સોશિયલ મીડિયા પર જ રચ્યોપચ્ચો રહેતો. તેનો એક મિત્ર હતો. એ તેને મળવા જાય ત્યારે પણ એ મોબાઇલ લઇને જ બેઠો હોય. તેના ફ્રેન્ડે કહ્યું કે, તું ખોટું કરે છે. તું ભલે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે, પણ જે લોકો તારા પોતાના છે એને પણ સમય આપ. એ કોઇની વાત સાંભળતો નહીં. ધીમે ધીમે એ બધાથી દૂર થઇ ગયો. એક વખત એ બીમાર પડ્યો. તેની હાલત એવી થઇ ગઇ કે, તે હાથમાં મોબાઇલ પણ લઇ ન શકે. એક વીક સુધી એ મોબાઇલથી દૂર રહ્યો. આ દરમિયાનમાં કોઇ તેની ખબર પૂછવા આવ્યું નહીં. અઠવાડિયા પછી તેણે મોબાઇલ હાથમાં લીધો. સોશિયલ મીડિયા પર જે ફોલોઅર્સ હતા તેમાંથી એકેયે એવો મેસેજ કર્યો નહોતો કે, ક્યાં ગુમ થઇ ગયા છો? કેમ દેખાતા નથી? તેનો મિત્ર તેને મળવા આવ્યો. તેણે કહ્યું કે, હું તને કહેતો હતો ને કે, તારા લોકોને સમય આપ, નહીંતર તારે જરૂર હશે ત્યારે કોઇ તારી પડખે નહીં હોય! આ યુવાન તો પણ સોશિયલ મીડિયાને ચીપકી રહ્યો. સોશિયલ મીડિયા પર તેણે લખ્યું કે, બહુ બીમાર થઇ ગયો હતો. અનેક લોકોએ તેને કમેન્ટમાં ગેટ વેલ સૂન વગેરે લખ્યું. તેનો ફ્રેન્ડ ફરી મળવા આવ્યો. આવતાંવેંત તેના મિત્રએ પૂછ્યું, તેં કંઇ ખાધું? એ યુવાનને પહેલી વખત એવો વિચાર આવ્યો કે, સોશિયલ મીડિયા પર કમેન્ટ કરનારમાંથી કોઇએ એવું પૂછ્યું નથી કે, તેં કંઇ ખાધું? તું તારી દવા તો સમયસર લે છેને? તને જ્યૂસ બનાવી દઉં? ગેટ વેલ સૂન કહી દેવાથી વાત પતી જતી નથી એ તેને આખરે સમજાઇ ગયું.
હવે તો ઝઘડા પણ સોશિયલ મીડિયાના કારણે થવા લાગ્યા છે. તેં એવું કેમ લખ્યું? એનો ફોટો મૂકવાની તારે શું જરૂર હતી? મારા વિશે લખવામાં તને શું ઝાટકા લાગે છે? એક પ્રેમીયુગલની આ વાત છે. બંનેને એકબીજા પર ખૂબ જ પ્રેમ હતો. એક વખત યુવાને એવી વ્યક્તિની પોસ્ટ લાઇક કરી જેને તેની પ્રેમિકા પસંદ કરતી નહોતી. પ્રેમિકાએ કહ્યું, તેં કેમ એની પોસ્ટને લાઇક કરી? તને ખબર છેને મને એ માણસ જરાયે ગમતો નથી. હું તો એવું ઇચ્છું છું કે, તું એને અનફોલો કરી નાખ! યુવાન પ્રેમિકા પર ગુસ્સે થયો. તેણે કહ્યું, મેં તને કોઇ દિવસ કહ્યું છે કે, તેં કેમ કોઇની પોસ્ટ પર લાઇક કે કમેન્ટ કરી? તું તો એના પર પણ નજર રાખે છે કે, હું સોશિયલ મીડિયા પર શું કરું છું? કોને ફોલો કરું છું? તું જે કરે છે એ પણ એક પ્રકારની જાસૂસી જ છે. તારી ઘણી બધી શંકાઓનું કારણ તું આવા બધા પર નજર રાખે છે એ જ છે. વફાદારીનું પ્રમાણ સોશિયલ મીડિયા પરની એક્ટિવિટીથી નક્કી ન કર. તારી સાથે મારું વર્તન કેવું છે એના પરથી કર. જો આવું જ કરીશ તો સંબંધોમાં સવાલો જ ઊઠવાના છે. ક્યારેક એવો સવાલ ઊઠશે જેનો જવાબ જ નહીં મળે.
લોકોની અપેક્ષાઓ પણ હવે વર્ચ્યુઅલ થવા લાગી છે. એક પતિ-પત્નીની આ વાત છે. બંનેને એકબીજા સાથે કોઇ ને કોઇ વાતે પ્રોબ્લેમ થતા હતા. પત્ની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હતી. પતિને વર્ચ્યુઅલ વર્લ્ડ બહુ પસંદ પડતું નહોતું. એક વખત બંને ફરવા ગયાં. પત્નીએ કહ્યું, ચાલ મારી સાથે સરસ હસતો હોય એવા ફોટા પડાવ. મારે અપલોડ કરવા છે. પતિએ કહ્યું, આપણે રોજેરોજ ઝઘડીએ છીએ અને તારે એવા ફોટા અપલોડ કરવા છે જે જોઇને બધાને એવું લાગે કે, આપણે બહુ પ્રેમથી રહીએ છીએ. પત્નીએ કહ્યું કે, આપણા વચ્ચે ભલે ગમે તે હોય, દુનિયાને તો એવું જ લાગવું જોઇએ કે આપણે બહુ સુખી છીએ. પતિએ કહ્યું, સુખી હોવું જરૂરી છે, સુખી દેખાવું નહીં. આપણને બીજા લોકોની કમેન્ટની પરવા હોય છે, પણ પોતાના લોકો શું કહે છે એ આપણે સાંભળતા નથી.
માણસનો સ્ક્રીન ટાઇમ સતત વધી રહ્યો છે. માણસ જ્યારે સંબંધોની વાત વાંચે છે કે સાંભળે છે ત્યારે એને સાચી અને સારી લાગે છે, પણ એ જ વાત જિંદગી જીવતી વખતે ભૂલી જાય છે. એક યુવાનની આ વાત છે. એને પણ સોશિયલ મીડિયાની લત હતી. તેને ખબર હતી કે, તેનો સમય વેડફાય છે, પણ એનાથી મોબાઇલ છૂટતો નહોતો. એક વખત તેના એક વડીલે કહ્યું કે, તું સોશિયલ મીડિયાનો ઉપયોગ કર તેની સામે કોઇ પ્રોબ્લેમ નથી. ધ્યાન માત્ર એટલું રાખ કે, સોશિયલ મીડિયાને જેટલો સમય આપે એટલો જ ટાઇમ તારા પોતાના લોકોને આપ. જો બેલેન્સ ખોરવાઇ ગયું તો ધીમે ધીમે તું એકલો પડી જઇશ. સોશિયલ મીડિયા જરાયે ખોટું નથી, પણ એના કારણે જે સાચું છે એ ભુલાઇ જવું ન જોઇએ. તમને તમારા સંબંધની કેટલી વેલ્યૂ છે. સામે હોય એને આપણે જવાબ આપતા નથી અને વોટ્સએપ પર તરત જ રિપ્લાય કરી દઇએ છીએ. માણસનું માણસ સાથે વાતો કરવાનું ઘટતું જાય છે. સામે હોય એ વ્યક્તિ પણ હવે સાથે હોતી નથી. હાથમાં ફોન હોય છે અને નજર સ્ક્રીન પર હોય છે, આવા સંજોગોમાં જે નજીક છે એની સંવેદના ક્યાંથી અનુભવાની છે? સામે છે એની સાથેના સંબંધને તમે કેટલો સમય આપો છો? જે દૂર છે, જેને કોઇ દિવસ જોયા નથી, જેની સાથે કોઇ દિવસ વાત કરી નથી, એના માટે આપણે સમય વેડફતા હોઇએ છીએ અને જે સામે છે એને ઇગ્નોર કરતા હોઇએ છીએ. સાચો સંબંધ એ જ છે કે જે આપણી સાથે અને આપણા માટે જીવે છે એના માટે પણ થોડુંક જીવીએ. બાય ધ વે, જરાક વિચાર કરજો કે જે મારા છે એનો હું કેટલો છું?
છેલ્લો સીન :
જે સંબંધમાં વફાદારી નથી એ સંબંધ ડચકા ખાવા લાગે છે. વફાદારીની સાથે પ્રેમ હોય એ પણ એટલું જ જરૂરી છે. પ્રેમ બધા સંબંધના પાયામાં છે. પ્રેમ હશે તો જ સંબંધ ટકવાનો છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 23 માર્ચ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
