શું સુખી થવાની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા છે ખરી? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

શું સુખી થવાની કોઇ
ચોક્કસ ફોર્મ્યુલા છે ખરી?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

સુખની શોધ એ માણસનું અંતિમ લક્ષ્ય હોય છે.
માંડ એવું લાગે કે, સુખ મળ્યું છે ત્યાં સુખ સરકી જાય છે.
સૌથી મોટો સવાલ એ જ છે કે, આખરે સુખી થવું અને સુખી રહેવું કઇ રીતે?
માણસનું ધાર્યું ક્યાં કંઇ થાય છે!


———–

માણસજાત જ્યારથી અસ્તિત્ત્વમાં આવી ત્યારથી સુખની શોધ ચાલી રહી છે અને જ્યાં સુધી માણસજાત રહેશે ત્યાં સુધી સુખની શોધ ચાલતી જ રહેવાની છે. સુખ વિશે જાતજાતની વાતો, ચર્ચાઓ અને દલીલો થતી રહી છે. સંપૂર્ણ સુખ ખરેખર શક્ય છે ખરું? દુનિયાનો કોઇ માણસ આખી જિંદગી એકસરખો સુખી રહી શકે ખરો? એનો જવાબ કદાચ ના છે. આપણે એવા કિસ્સાઓ ખૂબ વાંચ્યા છે અને સાંભળ્યા છે કે, જે તે માણસ આટલી બધી તકલીફમાં પણ ખુશ રહેતો હતો. મોતના ભય નીચે હિટલરના નાઝી કેમ્પમાં એટ્ટી નામની છોકરી પોતે તો ખુશ રહેતી જ હતી, બીજાને પણ ખુશ રહેવાની પ્રેરણા આપતી હતી. અલબત્ત, એ સુખ નહોતું, પણ દુ:ખની પરિસ્થિતિમાં સુખ શોધવાનો એક પ્રયાસ હતો. એક રીતે જોવા જઇએ તો એ સુખ અથવા તો દુ:ખ સાથે સમાધાન હતું. જો એટ્ટી નાઝીઓના કેમ્પમાં ન હોત તો તેને એવું વિચારવાની જરૂર પડત ખરી? એવું બહુ કહેવાયું છે કે, જિંદગી જેવડી હોય એવડી, એને ભરપૂર જીવી લો! આનંદ ફિલ્મનો ડાયલોગ છે કે, જિંદગી ઔર મોત ઉપર વાલે કે હાથ મેં હૈ. જીવી લેવાની અને સુખી રહેવાની વાત જુદી જુદી રીતે કહેવાતી આવી છે.
સુખની સાયકોલોજી ક્યારેય કોઇને પૂરેપૂરી સમજાઇ નથી. સુખ વિશે એટલે જ એવું પણ કહેવાય છે કે, સુખ એ લખવા, વાંચવા, બોલવા કે વિચારવા કરતાં અનુભવવાનો વિષય છે. આપણે આપણી જાતને સુખી સમજીએ અને બીજી જ ઘડીએ કંઇક એવું થાય છે કે, આપણું મગજ કામ કરતું બંધ થઇ જાય છે. એક સાવ સાચી ઘટના છે. એક માણસ દરિયાકિનારે ઊભો હતો. સરસ મજાનો બીચ હતો. લોકો મજા કરતા હતા. એ માણસના પગ કિનારે આવતાં મોજાંમાં હતા. એક ગજબ પ્રકારની ઠંડક મહેસૂસ થતી હતી. તેણે પોતાની જાત સાથે સંવાદ સાધ્યો. કેટલી શાંતિ છે! કેવો સરસ પવન છે! મને લાગે છે કે હું અત્યારે સુખની ઉત્તમ સ્થિતિમાં છું. મારા જેવો સુખી માણસ બીજો કોઇ નથી. બસ, આવી જ પળો મારે જીવવી છે. એના વિચારનો પ્રવાહ ચાલુ હતો ત્યાં જ એક મોટું મોજું આવ્યું અને એ માણસ ઊલળીને પડ્યો. તેનું માથું કિનારાના પથ્થર સાથે અથડાયું અને એ બેહોશ થઇ ગયો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તેના હાથમાં ત્રણ ફ્રેક્ચર આવ્યાં. ચાર મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. હોસ્પિટલમાં તેને એ જ વિચાર આવ્યે રાખ્યા કે, હું સુખની અદ્‌ભુત સ્થિતિમાં જ હતો ત્યારે જ કેવું થયું? તેને વિચાર આવી ગયો કે, સુખ નહીં, પણ દુ:ખ જ પરમેનન્ટ છે. સુખ તો વચ્ચે વચ્ચે આવીને હાઉકલી કરી જાય છે. બાકી તો બધું ભોગવવાનું જ છે.
સુખ વિશે એવું પણ કહેવાય છે કે, માણસને સુખના વિચાર અને માનસિકતા સાથે સીધો સંબંધ છે. તમે માનો તો તમે સુખી છો અને ન માનો તો દુ:ખી જ રહેવાના છો. સુખને સંપત્તિ કે સાધનો સાથે કંઇ લાગતુંવળગતું નથી. જો એવું હોત તો કોઇ ધનવાન દુ:ખી ન હોત. સુખને અમીરી ગરીબી સાથે કંઇ લેવાદેવા નથી. ગરીબ માણસ પણ સુખી હોઈ શકે છે. બે ટાઇમ પેટ ભરવાનો માંડ માંડ મેળ પડતો હોય એ માણસ પણ સુખની શ્રેષ્ઠ અનુભૂતિ કરી શકે છે. સાચું સુખ સંબંધોમાં છે એવી વાતો પણ બહુ થઇ છે. એમાં વળી એક ઊલટી વાત પણ છે. સંબંધમાં સુખ તો હોય ત્યારે હોય, બાકી દુ:ખનું સૌથી મોટું કારણ પણ સંબંધ જ છે. આપણી નજીકની વ્યક્તિ જ આપણને સૌથી વધુ દુ:ખ આપી શકે છે. સુખની જેમ સંબંધ પણ ક્યારેય કોઇને સમજાયા નથી.
સુખ અને ખુશી એક જ છે કે જુદા જુદા એની પણ ખૂબ ચર્ચાઓ થઇ છે. એ વિશે એવી વાતો પણ થઇ છે કે, જે આંતરિક છે એ સુખ છે અને જે બહારથી મળે એ ખુશી છે. માણસ ખુશ હોય ત્યારે એ સુખ તો ફીલ કરતો જ હોય છે. એમાં મજાની વાત એ પણ છે કે, માણસ જ્યારે દુ:ખી હોય ત્યારે એ દુ:ખ અનુભવતો હોય છે. કેટલાક કિસ્સામાં રોદણાં પણ રડતો હોય છે, પણ જ્યારે ખુશ હોય છે ત્યારે એને પોતાના સુખનો વિચાર ઓછો આવે છે. એ સમયે તો એ એન્જોય કરવામાં જ બિઝી હોય છે. સુખની સમજ એ પૂરું થાય કે ચાલ્યું જાય પછી જ સમજાતી હોય છે. ઘણા બધા કિસ્સાઓમાં આપણને એમ થાય છે કે, ત્યાં બહુ મજા આવી હતી નહીં? દુ:ખ હોય ત્યારે સમજાય છે અને સુખ ચાલ્યું જાય પછી તેનો અહેસાસ થાય છે. કેટલાંક સુખ કામચલાઉ હોય છે. કોઇ વસ્તુ લેવી હોય એ લઇએ ત્યારે ખુશી થાય છે. થોડા જ સમયમાં એ ખુશી ચાલી જાય છે અને પછી જે વસ્તુ લીધી હોય તે પણ આનંદ આપતી નથી.
દુનિયામાં છેલ્લા કેટલાક સમયથી હેપી હોર્મન્સની બહુ વાતો થાય છે. હેપી હોર્મોન્સ ચાર પ્રકારના છે. ડોપામાઇન, સેરોટોનિન, એન્ડોર્ફિન અને ઓક્સિટોક્સિન હેપી હોર્મોન્સ છે. એન્ડોર્ફિન હોર્મોન્સ મગજને શાંત અને હેલ્ધી રાખવાનું કામ કરે છે. કામ પૂરું થાય પછી જે ખુશી મળે છે એ ડોપામાઇન હોર્મોન્સના કારણે થાય છે. પ્રેમ, સેક્સ અને બોન્ડિંગ પાછળ ઓક્સિટોક્સિન હોર્મોન્સ જવાબદાર છે. પાચન શક્તિને સક્ષમ રાખવાનું કામ સેરોટોનિન હોર્મોન્સ કરે છે. ઉદાસીને ટાળવા માટે હેપી હોર્મોન્સને એક્ટિવ કરવાની સલાહ આપવામાં આવે છે. એના માટે જુદી જુદી રીતો પણ કહેવામાં આવી છે. પોતાની વ્યક્તિને હગ કરો, પ્રેમ કરો, ખુલ્લામાં ફરવા જાવ, યોગા અને કસરત કરો. બીજાનું ભલું કરો એનાથી તમને સારું લાગશે. પૂરતી ઊંઘ લો. શરીરને આરામ આપો. રિલેક્સ થઇને પડ્યા રહો. હસતા રહો અને હસાવતા રહો. સવાલ એ છે કે, આપણે ખુશ હોઇએ ત્યારે હેપી હોર્મોન્સ ઝરે છે કે હેપી હોર્મોન્સ ઝરે છે એટલે આપણે ખુશ હોઇએ છીએ? આમ તો આપણે મજામાં હોઇએ ત્યારે જ હેપી હોર્મોન્સ એક્ટિવ થાય છે. અપસેટ, દુ:ખી કે ઉદાસ હોઇએ ત્યારે હેપી હોર્મોન્સ ઝરતા નથી. હેપી હોર્મોન્સની જેમ અનહેપી હોર્મોન્સ પણ હોય છે? માણસ આખરે દુ:ખી, ઉદાસ, હતાશ અને નારાજ કેમ થાય છે? ક્યારેક કેમિકલ લોચા થઇ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. આપણા સુખનાં કેટલાંક કેન્દ્રો હોય છે. આ કેન્દ્રો દર વખતે સક્ષમ હોય એ જરૂરી નથી. એ ન હોય ત્યારે પણ દુ:ખ વર્તાય છે. આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ વ્યક્તિ જ્યારે બીમાર કે કોઇ મુશ્કેલીમાં હોય ત્યારે આપણને કોઇ પ્રોબ્લેમ ન હોય તો પણ આપણે દુ:ખી થતા હોઇએ છીએ. ઉદાસ રહેતા હોઇએ છીએ. ઘણા લોકો દુ:ખી કે ઉદાસ હોય ત્યારે અધ્યાત્મના સહારે જાય છે. એના કારણે થોડુંક સુકૂન મળે છે. શાંતિ ફીલ થાય છે. આશા બંધાય છે. પ્રાર્થના પણ તાકાત પૂરી પાડે છે.
સુખ વિશે છેલ્લે તો એવું જ કહેવાય છે કે, સુખી થવાની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા હોતી નથી. હોય તો પણ એ વ્યક્તિએ વ્યક્તિએ જુદી જુદી હોય છે. દુનિયામાં જેટલા માણસો છે એટલી સુખની ફોર્મ્યુલા છે. દરેકે પોતે જ પોતાનું સુખ શોધવું પડે છે. દુ:ખી રહેવાનો કોઇ અર્થ હોતો નથી. તમને શેમાં સુખ મળે છે? તમારા સુખનાં કારણો કયાં છે? એને શોધો અને તેને ટકાવી રાખો. દુ:ખથી જેટલા દૂર રહેશો એટલું જ સુખ નજીક રહેશે. સુખી થવાનો સરળ રસ્તો એ છે કે, ફરિયાદો ન કરો, આક્ષેપો ન કરો, અફસોસ થાય એવું કંઇ ન કરો. આપણું સુખ આપણા જ હાથમાં છે. જેને સુખી થવું છે એને કોઇ રોકી શકતું નથી. દુનિયામાં દુ:ખી થવા જેવું કંઇ હોતું નથી. બધું સમજવા અને સ્વીકારવા જેવું જ હોય છે. દુ:ખને સ્વીકારીને સુખી રહેનારા લોકોની પણ કમી નથી. નક્કી કરો કે, મારે સુખી રહેવું છે! આપણી ઇચ્છા વગર કોઇ આપણને દુ:ખી કરી શકતું નથી. રોજ સવારે પોતાની જાતને પ્રોમિસ આપો કે, આજે મારે મારો દિવસ સરસ રીતે જીવવો છે અને સુખીની અનુભૂતિ કરવી છે! હું મારા સુખની આડે કોઇ વ્યક્તિને કે કોઇ ઘટનાને આવવા નહીં દઉં!


—————-

પેશ-એ-ખિદમત
તુમ્હેં પાને કી હૈસિયત નહીં હૈ,
મગર ખોને કી ભી હિંમત નહીં હૈ,
દુઆ ક્યા દૂં ભલા જાતે હુએ મૈં,
તુમ્હેં તકને સે હી ફૂરસત નહીં હૈ.
– ફરીહા નકવી


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 19 માર્ચ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *