SEXUAL WELLNESS TRAVEL
શારીરિક સુખની અનુભૂતિ માટે
શરૂ થયો ફરવા જવાનો ટ્રેન્ડ
![](https://www.chintannipale.com/wp-content/uploads/2025/01/184A-1024x705.jpg)
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
અત્યારના તણાવભર્યા યુગમાં લોકો સેક્સને સંપૂર્ણપણે માણી
શકતા નથી. સેક્સ લાઇફ ડિસ્ટર્બ હોવાથી કપલ્સમાં ડિસ્ટન્સ
વધે છે. હવે સેક્સયુલ વેલનેસ માટે ટ્રાવેલ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે!
———–
માણસને સુખ, ચેન, શાંતિ અને હળવાશ ન મળે એવો યુગમાંથી દુનિયા પસાર થઇ રહી છે. દરેક માણસ બિઝી છે. કોઇને પોતાના માટે પણ ફૂરસદ નથી. લોકોને પૂરતી ઊંઘ પણ મળતી નથી. માણસ સતત ઉચાટમાં જીવી રહ્યો છે. બધા જ એક એવી દોડમાં ફસાયેલા છે જેનો કોઇ અંત જ નથી. સફળતા, ગોલ, ટાર્ગેટ અને એચિવમેન્ટને પહોંચી વળવા માટે માણસ હાંફી જાય એ હદે ભાગતો રહે છે. લોકો એવી ફરિયાદો કરતા રહે છે કે, હવે કોઇ મળતું નથી, કોઇને કોઇના માટે સમય નથી. બધા પોતાનામાં જ પડ્યા હોય છે. એવું બિલકુલ નથી કે, લોકોને એક-બીજાને હળવું મળવું નથી, બધાને પ્રસંગોમાં હાજરી આપવી હોય છે, બધાને મળવું હોય છે પણ સમય તો હોવો જોઇએને? માંડ એક રવિવાર મળતો હોય છે. રવિવાર આવે ત્યારે માણસને એમ થાય છે કે, કંઇ નથી કરવું, ક્યાંય નથી જવું, બસ પડ્યા રહેવું છે. જિંદગી હાડમારીવાળી થઇ ગઇ છે. આ બધામાં સૌથી મોટી સમસ્યા સેક્સને લઇને થવા લાગી છે. એક લેટેસ્ટ સરવેમાં એવું બહાર આવ્યું છે કે, હસબન્ડ વાઇફમાં ડિસ્ટન્સનું એક અને સૌથી મોટું કારણ સેક્સનું ડિસસેટિસ્ફેકશન છે. પતિને પત્ની માટે સમય નથી. હવે એવું નથી કે માત્ર પુરૂષો જ જોબ કરે છે, મોટા ભાગની મહિલાઓ પણ કામ કરવા લાગી છે. ઘણા કિસ્સાઓમાં પત્ની પણ એટલી બિઝી હોય છે કે, પતિને પૂરતો સમય આપી શકતી નથી. સમયનો અભાવ અને જાતજાતની ચિંતાઓની સીધી અસર લોકોની સેક્સલાઇફ પર પડે છે.
સેક્સની વાત આજની તારીખે ઘણા વર્ગોમાં ટેબુ છે. લોકો સેક્સ વિશે જાહેરમાં ચર્ચા કરવાનું ટાળે છે. સાચી વાત એ છે કે, સેક્સ એ તમામે તમામ વ્યક્તિને સ્પર્શતી બાબત છે. એ વાતથી જરાયે ઇન્કાર ન થઇ શકે કે, સેક્સ એ બે વ્યક્તિ વચ્ચેની અંગત બાબત છે, એનો જાહેરમાં દેખાડો ન હોય. પ્રોબ્લેમ એ છે કે, પતિ પત્ની બંને પણ સેક્સ બાબતે ખુલ્લા દિલે વાત કરતા હોતા નથી. સેક્સમાં અસંતોષ હોય અથવા તો કોઇ પ્રોબ્લેમના કારણે સેક્સને સારી રીતે એન્જોય કરી શકતા ન હોય તો પણ એક-બીજા સાથે વાત કરતા હોતા નથી. ઘણા કિસ્સાઓમાં કોઇને કોઇ પ્રેશરના કારણે સેક્સમાં પર્ફોમન્સ એંગ્ઝાઇટી રહે છે. એવું જરાયે નથી હોતું કે, પતિ કે પત્નીને સેક્સમાં રસ હોતો નથી, રસ તો હોય જ છે, પણ સેક્સના સમયે બેમાંથી એકનું અને ઘણી વખત બંનેનું હન્ડ્રેડ પર્સન્ટ ઇનવોલમેન્ટ હોતું નથી. એના કારણે એવું લાગે છે કે, તારું ધ્યાન નથી અથવા તો તારો જીવ બીજે ક્યાંક છે. ઓફિસના કામ કે બીજા કોઇ ટેન્શનના કારણે સેક્સમાં જે નજાકત હોવી જોઇએ એ રહેતી નથી.
દાંપત્ય લાઇફમાં ઇમોશનલ એટેચમેન્ટનું જેટલું ઇમ્પોર્ટન્સ છે એટલું જ મહત્વ સેક્સયુલ રિલેશન્સનું છે. કપલ્સ પણ હવે એ વાત સમજવા લાગ્યા છે કે, સેક્સના કારણે કોઇ પ્રોબ્લેમ ન થવા જોઇએ. એ માટે તેઓ પ્લાનિંગ કરે છે. આમ તો સેક્સ માટે પ્લાનિંગ કરવું પડે એ પણ આજના સમયની કરૂણતા છે. સેક્સ તો સહજ હોવું જોઇએ. દુનિયામાં હવે સેક્સ વેલનેસનો ખયાલ વિસ્તરી રહ્યો છે. સમૃદ્ધ અને સફળ સેક્સ માટે જુદા જુદા પ્રોગ્રામ્સ ઘડી કાઢવામાં આવે છે. તેમાં સૌથી મોખરે છે, સેક્સ વેલનેસ ટ્રાવેલ. ટ્રાવેલ એક્સપર્ટસ કહે છે કે, લોકોના ફરવા જવા પાછળ જુદા જુદા કારણો હોય છે. મોટા ભાગના લોકો રિલેક્સ થવા માટે ફરવા જાય છે. કેટલાંક લોકો સ્થળ જોવાલાયક અને માણવા લાયક હોય એટલે એ જોવા માટે ફરવા જાય છે. ઘણાને વાતાવરણ માણવું હોય છે તો ઘણાને જંગલમાં જઇ વાઇલ્ડ લાઇફ એન્જોય કરવી હોય છે. હવે તેમાં એક નવો પ્રકાર ઉમેરાયો છે અને તે સેક્સ વેલનેસ છે. હેલ્ધી સેક્સના ઉદ્દેશથી જ આ ટ્રાવેલ કરવામાં આવે છે. એક બીજામાં ઓતપ્રોત થઇ જવું, એક-બીજાનો સાથ માણવો, ફોરપ્લે અને આફટરપ્લેને પણ એન્જોય કરવા અને એક-બીજાને પૂરેપૂરો સમય આપવો.
દુનિયાના અનેક દેશોના ટૂરિસ્ટ પ્લેસોએ હવે સેક્સ વેલનેસ પેકેજ શરૂ કર્યા છે. સ્પેન અને બાર્બાડોસ તેમાં મોખરે છે. ટૂરિઝમના જાતજાતના પેકેજિસ હોય છે, દરેકની પોતાની વિશિષ્ઠતાઓ હોય છે. સેક્સ વેલનેસ પેકેજ બીજા પેકેજથી થોડીક રીતે જુદું પડે છે. આ પેકેજમાં માત્ર સુવિધાઓ જ નથી અપાતી, સારા દાંપત્ય માટે ટિપ્સ પણ અપાય છે અને જો જરૂર પડે તો કાઉન્સેલિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. સેક્સ વિશે સમજ પણ આપવામાં આવે છે. સેક્સ માત્ર શારીરિક ક્રિયા નથી, એ શારીરિક ક્રિયા કરતા માનસિક ક્રિયા વધુ છે. સેક્સની સીધી અસર આપણી હેલ્થ પર થાય છે. સેક્સથી હેલ્થ પણ સુધરે છે અને બોન્ડિંગ પણ વધે છે.
હેલ્ઘી સેક્સ માટે બે વસ્તુ સૌથી મહત્ત્વની છે, મૂડ અને વાતાવરણ. સારા મૂડ માટે પૂરેપૂરું ધ્યાન હોવું જોઇએ. સેક્સ વેલનેસમાં એવું પણ કહે છે કે, બને તો જ્યારે તમે સેક્સ વેલનેસ વેકેશન પર હોવ ત્યારે ગેઝેટ્સથી દૂર રહો. મોબાઇલનો મર્યાદિત ઉપયોગ જ કરો. ફોટા પાડજો પણ અપલોડ તમે રિટર્ન થાવ પછી કરજો. તમારો સમય એક-બીજા માટે છે. જ્યારે તમે પોતાના પાર્ટનરને સમય આપો છો ત્યારે હકીકતે તો તમે પોતાની જાતને જ સમય આપતા હોવ છો. સેક્સ વિશે એક્સપર્ટસનું કહેવું છે કે, મેરેજના શરૂઆતના સમયમાં તો કપલ્સને સેક્સમાં રસ હોય છે પણ જેમ જેમ સમય જાય છે એમ એમ સેક્સમાંથી રસ ઉડતો જાય છે. કેટલાંક કિસ્સામાં સેક્સ થાય તો છે પણ એ મેકેનિકલ થઇ જાય છે. રોજિંદી સમસ્યાઓ તો રહેવાની જ છે. કામના બોજને પણ માણસ એક હદથી વધારે હટાવી શકતો નથી. બધું છે અને રહેવાનું જ છે પણ એક વાત યાદ રાખવાની હોય છે કે, પોતાના પાર્ટનરના ચહેરા પર ખુશી અને હળવાશ સૌથી વધુ મહત્ત્વના છે.
સેક્સ માત્ર ફરવા જઇએ ત્યારે જ કે વેલનેસ માટે જ જરૂરી નથી, ઇમોશનલ એટેચમેન્ટને વધુ તીવ્ર બનાવવા માટે પણ જરૂરી છે. સેક્સ વિશેની એક સમસ્યા એ પણ છે કે, પતિ પત્ની સેક્સ વિશે એક હદથી વધારે વાત કરતા નથી. ગમા અણગમાથી માંડીને બધી વાત કરવાની સહજતા હોય એ પણ જરૂરી છે. બેડરૂમને સ્વસ્થ જીવન માટે નિમિત્ત બનાવવાની સલાહ આપવામાં આવે છે. પર્સનલ કે પ્રોફેશનલ ઇશ્યૂઝને બેડરૂમ સુધી પહોંચવા ન દો. અત્યારના સમયમાં એવું થઇ રહ્યું છે કે, બેડ રૂમ બેડ એટલે કે ખરાબ થઇ રહ્યો છે. દંપતિને જો બેડરૂમમાં જ ભાર વર્તાય તો જિંદગીમાં હળવાશ લાગવાની જ નથી. પ્રેમ વગરના સેક્સમાં માધુર્ય રહેતું નથી. સેક્સ પ્રેમને વધુ મજબૂત બનાવે તો જ ખરા અર્થમાં સાર્થક નીવડે છે. ઉંમરના પડાવો સાથે સેક્સની રૂચિમાં બદલાવો આવતા રહે છે, એ બદલાવને પણ સમજવા જરૂરી છે. સંતાનના જન્મ બાદ ખાસ કરીને માતાનું ફોક્સ ચેન્જ થાય છે. બાળકની જવાબદારી નાની સૂની વાત નથી, બાળકની કેર તો કરવાની જ હોય છે, સાથોસાથ દાંપત્ય જીવનમાં પણ કોઇ ઉણપ ન આવે તેનું ધ્યાન રાખવાનું હોય છે. સેક્સ વેલનેસમાં એનો પણ સમાવેશ થાય છે કે, માત્ર ફરવા આવો ત્યારે જ નહીં, એ સિવાય પણ સેક્સ સ્વસ્થ રહેવું જોઇએ. સેક્સ વેલનેસ ટ્રીપની જરૂર તો ત્યારે પડે જ્યારે સેક્સ લાઇફમાં કોઇ અવરોધ પેદા થતા હોય. દરેક વખતે માણસ સેક્સ માટે ફરવા જઇ ન શકે, એ જસ્ટ ફોર ચેન્જ હોવું જોઇએ. રૂટિન લાઇફને મજેદાર બનાવી રાખવા માટે આત્મીયતા, સંવાદ અને સ્પર્શ પણ જરૂરી છે. મોટા ભાગના કપલ્સ રાતે સાથે સૂવાને બાદ કરતા એક-બીજાને સ્પર્શ પણ કરતા હોતા નથી. એક હળવું હગ પણ સુંદર અહેસાસ કરાવી શકે છે. દાંપત્યને સજીવન રાખવા માટે સજાગ ન રહીએ તો ઘણી વખત ગાડી આડા પાટે ચડી જાય છે. ઇમોશનલ અને ફિઝિકલ એક્સપેક્ટેશન સંતોષાવી જોઇએ અને એના માટે જે કંઇ કરવું જોઇએ એ પણ દિલથી થવું જોઇએ!
———
પેશ-એ-ખિદમત
નામ હોંઠો પે તેરા આયે તો રાહત સી મિલે,
તૂ તસલ્લી હૈ દિલાસા હૈ દુઆ હૈ ક્યા હૈ,
તેરી આંખો મેં કંઇ રંગ ઝલકતે દેખે,
સાદગી હૈ કિ ઝિઝક હૈ કિ હયા હૈ ક્યા હૈ.
-નક્શ લાયલપુરી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 29 જાન્યુઆરી 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
![](https://www.chintannipale.com/wp-content/uploads/2025/01/DOORBIN-FOR-29-JANUARY-2025-184-683x1024.jpg)