શું ખરેખર વફાદાર જીવનસાથી શોધવાનું કામ અઘરું બની ગયું છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

શું ખરેખર વફાદાર જીવનસાથી
શોધવાનું કામ અઘરું બની ગયું છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

લગ્ન માટે લાયક વ્યક્તિ મળવી એ નસીબની વાત છે.
હવે લગ્ન પહેલાં કેરેક્ટર સર્ટિફિકેટનું કામ ડિટેક્ટિવ એજન્સીને
સોંપાવવા લાગ્યું છે. પોતે સારા હોય કે ન હોય, જીવનસાથી
બધાને પરફેક્ટ જોઇએ છે!


———–

પ્રેમ, લગ્ન અને દાંપત્યજીવન દિવસે ને દિવસે વધુ ને વધુ કોમ્પ્લિકેટેડ થઇ રહ્યા છે. દેશ અને દુનિયાના મોટા ભાગના લોકો રિલેશનશિપ ક્રાઇસિસનો ભોગ બનેલા છે. સીધા સંબંધો દુર્લભ બનતા જાય છે અને વાંકાચૂકા અને ત્રાંસા-બાંગા સંબંધો વધી રહ્યા છે. સમાજ જેમ જેમ વધુ ખુલ્લો અને બિન્ધાસ્ત બનતો જાય છે એમ એમ સંબંધો સામેના સવાલો અને શંકાઓ વધી રહ્યા છે. લગ્નો વિશે ખૂબ જ ચવાઇ ગયેલું વાક્ય છે, મેરેજીસ આર મેઇડ ઇન હેવન. લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે. જે હોય તે પણ એક વાત સાચી છે કે, જો જિંદગીમાં અયોગ્ય વ્યક્તિ ભટકાઇ ગઇ તો એ જિંદગી નર્ક જેવી કરી નાખે છે. લગ્ન માટે આપણે ત્યાં પ્રભુતામાં પગલાં જેવા સુંદર શબ્દો વપરાય છે. લગ્ન પછી કેટલી પ્રભુતા અને કેટલી પવિત્રતા રહેશે એ સવાલ બધાને મૂંઝવી રહ્યો છે. દરેક છોકરાને એ વાતનો ડર છે કે, મને સારી છોકરી મળશે કે નહીં? દરેક છોકરીને એ પ્રશ્ન છે કે, મારો જીવનસાથી જિંદગી જીવવા જેવી તો રહેવા દેશેને? એક હકીકત એ છે કે, યંગસ્ટર્સ હવે લગ્ન કરતા ડરવા લાગ્યા છે. દરેકે પોતાના ફ્રેન્ડ્સ કેવા છે એ જોયું હોય છે. પોતે પણ કેવા છે એ દરેકને ખબર હોય છે. આવા સંજોગોમાં તેને દરેક પર શંકા જાય છે. દરેકનો એક પાસ્ટ હોય છે. વહી ગયેલા સમયનાં પાનાંઓ ખોલવામાં આવે તો આંખો પહોળી થઇ જાય છે અને આઘાતનો આંચકો લાગે. લવ મેરેજ હવે કોમન થતા જાય છે. દીકરી કે દીકરા માટે યોગ્ય પાત્ર શોધતા પહેલાં જ મા-બાપ પૂછી લે છે કે, તારી લાઇફમાં કોઇ હોય તો કહી દે, અમે શોધવાની ચિંતા ન કરીએ. આજના સમયમાં ભાગ્યે જ કોઇ એવો છોકરો હશે જેને ગર્લફ્રેન્ડ ન હોય અને જવલ્લે જ એવી કોઇ છોકરી હશે જેને બોયફ્રેન્ડ ન હોય. દોસ્ત કે પ્રેમી હોય એમાં કશું ખોટું નથી, પણ હવે પ્રેમ પણ લાંબા ટકતા નથી. બ્રેકઅપની કોઇ નવાઇ રહી નથી. મા-બાપ પણ એવું કહેવા અને વિચારવા લાગ્યા છે કે, મારી દીકરી કે દીકરો લવ મેરેજ કરે એનો કંઇ વાંધો નથી, બસ એ પોતાના પાત્રની પસંદગીમાં થાપ ન ખાઇ જાય તો સારું! નાતજાતમાં માનનારાં મા-બાપ પણ સંતાનને હવે એવું કહેવા લાગ્યાં છે કે, તારી રીતે ગોતી લે તો કંઇ વાંધો નથી, ધ્યાન એટલું રાખજે કે આપણી કાસ્ટનો હોય કે આપણી જ્ઞાતિની હોય! વિદેશમાં રહેતા ભારતીયોની હાલત તો વધુ કફોડી છે. એ તો એવું જ વિચારવા લાગ્યા છે કે, ગમે તે કાસ્ટ હોય, આપણને વાંધો નથી, બસ ઇન્ડિયન હોવી જોઇએ. છોકરી કે છોકરા માટે લાયક વ્યક્તિ શોધવી એ દરેક મા-બાપ માટે હવે લોઢાના ચણા ચાવવા જેવી ઘટના બની ગઇ છે.
અગાઉના સમયમાં સમાજમાં અને દરેક જ્ઞાતિમાં ચોક્કસ પ્રકારની વ્યવસ્થા હતી. દરેક નાતમાં અમુક લોકો એવા રહેતા જે છોકરી છોકરીઓનું સગપણ કરાવવામાં માહેર હોય. એને ખબર જ હોય કે કોનો છોકરો કોની છોકરી માટે લાયક છે. બ્રાહ્મણો કે મહાજન પણ આ કામ સારી રીતે પાર પાડી આપતા હતા. કેટલાકની ઇમેજ તો એવી ટકોરાબંધ હતી કે, એણે દેખાડ્યું હોય પછી પૂછવાનું જ નહીં. માઇનસ પોઇન્ટ્સ હોય તો પણ એ ખુલ્લાદિલે ચોખવટ કરી દેતા. હવે આવા લોકો ઘટી રહ્યા છે. કોઇને લગ્નના મામલામાં પડવું નથી. બધાને ડર લાગે છે. લોકો કહે છે, આપણું ભલું કરવા જતા હોય અને આપણી હાલત જ કફોડી થઇ જાય. બીજી વાત એ પણ છે કે, હવે છોકરો કે છોકરી કેવા છે, એની ચાલચલગત કેવી છે, એનું શું ચક્કર ચાલી રહ્યું છે, એ જાણવું અઘરું બની ગયું છે. જ્ઞાતિમાં લગ્ન માટે છોકરો કે છોકરી શોધી આપે એવા વડીલો ઘટી ગયા હોવાથી લોકો મેટ્રિમોનિયલ સાઇટના સહારે જવા લાગ્યા છે. એમાં પણ જોખમ તો રહેવાનું જ છે. હજુ એવા લોકો પણ છે જે પોતાની છોકરી કે છોકરાનો ક્યાંય મેળ ન પડે તો જ મેટ્રિમોનિયલ સાઇટના સહારે જાય છે. મેટ્રિમોનિયલ સાઇટમાં કશું ખોટું નથી, પણ સાવ અજાણી વ્યક્તિ સાથે ગોઠવાવું એના કરતાં કોઇ જાણીતા મારફતે યોગ્ય પાત્ર શોધવું સારું એવું માનનારો મોટો વર્ગ છે.
જેની સાથે લગ્ન થવાનાં છે એ છોકરો કે છોકરી કેવા છે એની હકીકત જાણવા માટે ડિટેક્ટિવને રોકવામાં આવતા હોવાની વાત આમ તો નવી નથી, પણ હવે તેનું પ્રમાણ વધી ગયું છે. આ અંગેનો એક સરવે એવું કહે છે કે, લોકો લગ્ન માટે આગળ વધતા પહેલાં પૂરી ચકાસણી કરી લેવા માંગે છે કે, ભવિષ્યમાં કોઇ પ્રોબ્લેમ નહીં થાયને? આમ તો દાંપત્યજીવનની કોઇ ગેરંટી નથી. ગળાડૂબ પ્રેમમાં રહ્યા પછી લવ મેરેજ કરનારાનાં ઘર પણ તૂટ્યાં છે. જોકે, બધાને શક્ય એટલી ખરાઇ અને ચોકસાઇ કરવી હોય છે. મુંબઇના એક ડિટેક્ટિવે કહ્યું કે, હવે કોઇની પણ વાત ચાલે એટલે સૌથી પહેલાં સોશિયલ મીડિયા ચેક કરવામાં આવે છે. છોકરા કે છોકરીઓએ કેવી પોસ્ટ અપલોડ કરી છે એના પરથી તેનાં લખણ જાણવાનો પ્રયાસ થાય છે. ફ્રેન્ડલિસ્ટમાં કોણ કોણ છે અને ઊઠકબેઠક કોની સાથે છે એની તપાસ પણ કરવામાં આવે છે. બીજા એક ડિટેક્ટિવે કહ્યું કે, છોકરાઓ પણ હવે ચાલાક થઇ ગયા છે. લગ્ન કરવાની ઉંમર થાય એટલે અગાઉનું જે દેખાડવાલાયક ન હોય તેને ડિલીટ કરી દે છે અને સારી ઇમેજ રહે એવી પોસ્ટ જ રાખે છે. ઘણા તો સોશિયલ મીડિયા પર જ નથી રહેતા. સોશિયલ મીડિયા પર રહીએ તો કોઇ જજ કરેને? હવે લોકો ડિટેક્ટિવને તેનાથી પણ આગળની તપાસ કરવાનું કહે છે! એ સાંભળીને ખરેખર આશ્ચર્ય થાય એવું છે.
ડિટેક્ટિવને છોકરી કે છોકરીનો મોબાઇલ હેક કરવાનું કહેવામાં આવે છે! બાકાયદા હેકરને તગડી રકમ આપીને એ ચેક કરવાનું કહે છે કે, એ વ્યક્તિ કોની કોની સાથે વાત કરે છે? કેટલી મિનિટ વાત કરે છે? તેની ફોન બુકમાં કોના કોના નંબર છે? કોની સાથે ચેટ કરે છે? કેવી ચેટ કરે છે? મોબાઇલમાં શું જુએ છે? કઇ કઇ વેબસાઇટ સર્ફ કરે છે? તેના ફોનમાં કઇ કઇ એપ્લિકેશન છે? ફોટો ગેલેરીમાં કેવા કેવા ફોટા છે? આ અને આવી બીજી ઘણી વિગતો શોધવાનું કામ ડિટેક્ટિવને સોંપવામાં આવે છે. અલબત્ત, કોઇની પ્રાયવસીનો ભંગ કરવો એ સારી, યોગ્ય કે કાયદાકીય વાત નથી, છતાં લોકો આવું કરતા હોય છે. એક ડિટેક્ટિવ એજન્સીના સંચાલકે કહ્યું કે, લોકો છોકરા કે છોકરી વિશેની વિગતો મેળવવા માટે પચીસ હજાર રૂપિયાથી માંડીને બે-ત્રણ લાખ સુધીનો ખર્ચ કરે છે. જેને જેટલી વિગતો જોઇતી હોય એના મુજબ ચાર્જ વસૂલવામાં આવે છે.
હવે તો છોકરો કે છોકરી મળે ત્યારે પાસ્ટ વિશે સ્પષ્ટ ચોખવટ કરી લેવામાં આવે છે. કોની સાથે દોસ્તી હતી, કોની સાથે પ્રેમ હતો, કેટલાં બ્રેકઅપ થયાં એમાં પડવાનું નહીં. અત્યાર સુધી જે હોય તે, બસ હવે બીજું કંઇ નહીં વિચારવાનું એવી સ્પષ્ટતા પણ કરવામાં આવે છે. ડિટેક્ટિવ એજન્સીઓ કહે છે, હવે લોકોની ચોઇસ, પ્રાયોરિટીઝ અને અપેક્ષાઓ ખૂબ બદલી ગઇ છે. છોકરા છોકરીને એકબીજા પાસે એટલી બધી અપેક્ષાઓ હોય છે કે જેના વિશે જાણીએ તો ચક્કર આવી જાય. લગ્ન માટે જાતજાતની શરતો મૂકવામાં આવે છે. પ્રેમ, વફાદારી, કમિટમેન્ટ, પારિવારિક મૂલ્યો અને સંસ્કૃતિની વ્યાખ્યાઓ જ બદલી ગઇ છે. રોજેરોજ ખાનગીમાં એકબીજાના મોબાઇલ ચેક કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. બહારથી રૂડા રૂપાળા દેખાતા અને સોશિયલ મીડિયા પર સરસ મજાના ફોટાઓ અપલોડ કરનારાં કપલ્સ પણ ખરેખર કેટલાં સુખી હોય છે એ સૌથી મોટો સવાલ છે. એવું જરાયે નથી કે, સાચો પ્રેમ કરનારા કે સરસ દાંપત્યજીવન જીવનારા લોકો નથી, એવા લોકો છે, પણ એની સંખ્યા સતત ઘટી રહી છે! હજુ તો કોણ જાણે કેવા દિવસો આવવાના છે!


———

પેશ-એ-ખિદમત
વો શખ્સ કિ મૈં જિસ સે મોહબ્બત નહીં કરતા,
હંસતા હૈ મુઝે દેખ કે નફરત નહીં કરતા,
પકડા હી ગયા હૂં તો મુજ દાર પે ખીંચો,
સચ્ચા હૂં પર અપની વકાલત નહીં કરતા.
-કતીલ શિફાઇ


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 08 જાન્યુઆરી 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *