મને કંઇ કામ કરવાનું મન જ નથી થતું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને કંઇ કામ કરવાનું
મન જ નથી થતું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


મસીહા થઇ આમ દોડી ન આવો,
મેં તમને કદી પણ કહ્યું, કે બચાવો!
જવું ન પડ્યું શોધવા ક્યાંય બીજે,
કે મારી જ ફરતે છે મારા અભાવો.
– ભાવેશ ભટ્ટ


મનની દુનિયા માયાવી છે. મનને મ્યાનમાં રાખવું પડે છે. મન તો ગમે તે કરવાનું થાય પણ કરાય નહીં. માણસને જાતજાતના વિચારો આવતા રહે છે. સારા પણ આવે અને ખરાબ પણ આવે. ગમે એવો સાત્ત્વિક માણસ હોય એને પણ ક્યારેક તો ખરાબ વિચાર આવતા જ હોય છે. વિચારો ક્યારેક આપણને ડરાવે છે તો ક્યારેક રડાવે પણ છે. મન જે કહે એને બુદ્ધિના ત્રાજવે તોલવું પડે છે અને પછી જો મનની વાત સાચી લાગે તો જ માનવી જોઇએ. મનને ક્યારેક ટપારવું પડે છે અને ક્યારેક મારવું પણ પડે છે. માણસ રોજ સવારે ઊઠે એ પછી સૌથી પહેલો વિચાર એને શું આવે છે? એ કંઇ પણ હોઈ શકે છે, પણ સાથે એ વિચાર તો આવે જ છે કે, આજે શું કરવાનું છે? રવિવારે એ વિચાર આવ્યા વગર ન રહે કે, આજે તો સન્ડે છે. કોઇ ચિંતા નથી. રવિવારે પણ રજાની મજા જ હોય એવું ક્યાં જરૂરી છે? રવિવારે તો ઘણી વખત રોજિંદા દિવસ કરતાં પણ વધુ બિઝી રહેવાતું હોય છે. ઘણાં કામો એવાં હોય છે જેને આપણે રવિવાર પર મુલતવી રાખ્યાં હોય છે. રવિવારના નામે એટલાં બધાં કામો ચડી ગયાં હોય છે કે, રવિવારે પણ નવરા જ ન રહેવાય! સોમવારે એવો વિચાર આવ્યા વગર નથી રહેતો કે, ફરીથી બધું પાછું હતું એનું એ! કામ આપણને ઘેરી રાખે છે. કામ કર્યા વગર ચાલતું પણ નથી. જિંદગી અને ઘર ચલાવવાનાં હોય છે. જેને ઘર ચલાવવાની ચિંતા નથી એ પણ કામ તો કરતા જ હોય છે.
કામ માણસ માત્ર રૂપિયા રળવા માટે જ નથી કરતો. કામ જિંદગી જીવવાનું કારણ પૂરું પાડે છે. જિંદગીનું કોઇ મકસદ હોય છે. એક યુવાન હતો. સાત પેઢી ખાય તો પણ ન ખૂટે એટલું એને વારસામાં મળ્યું હતું. એક તબક્કે તેણે નક્કી કર્યું કે, આપણે કમાવવાની ક્યાં કંઇ જરૂર છે? આપણે કંઇ કામ નથી કરવું! થોડાક દિવસો તો બધું ચાલ્યું, મજા પણ આવી. જોકે, પછી એવું થવા લાગ્યું કે, હવે આખો દિવસ કરવું શું? માણસની એક ફિતરત છે. એને એકસરખું કંઇ જ ગમતું કે સદતું નથી. કામ છે તો આરામની મજા છે. આરામ જ હોય તો પછી શું કરવાનું? સતત સુખ પણ સહન થતું નથી. કુદરતે કદાચ એટલે જ જિંદગીમાં અપ ડાઉન્સ રાખ્યા છે. એને વિચાર આવ્યો હશે કે, કંઇ પણ એકસરખું હશે તો માણસ બોર થઇ જશે! ઇશ્વરે એટલે જ લાઇફમાં વેરાઇટીઝ આપી હશે. દરેકના નસીબમાં કામ પણ એટલે જ લખ્યું હશે કે તેને આરામ કરવાની મજા આવે! માણસની બીજી એક ખાસિયત એ પણ છે કે, એ કંઇ કર્યા વગર પણ રહી શકતો નથી. માણસને કંઇક ને કંઇક કરવા જોઇએ જ છે. સાવ લેઝી મૂડમાં પડ્યા રહવું પણ થોડો સમય જ સારું લાગે. નવરા માણસને પણ એ વિચાર આવતો હોય છે કે, હવે શું કરવું? છેલ્લે એમ થાય કે, ચલો ક્યાંક જઇએ, ચલો કંઇક જોઈએ, ચલો કોઇ સાથે વાત કરીએ. એક રીતે જોવા જઇએ તો માણસ સતત કંઇક ને કંઇક કરતો જ હોય છે. આપણે કામને અલગ અલગ વ્યાખ્યામાં ઢાળી દીધું છે. મોટા ભાગે આવક થાય કે પગાર મળે એને જ આપણે કામની કેટેગરીમાં મૂકવા લાગ્યા છીએ!
આપણા બધાની લાઇફમાં ક્યારેક એવો સમય આવતો હોય છે જ્યારે આપણને કંઇ જ કામ કરવાનું મન નથી થતું. વધારે પડતા બિઝી રહેવાય ત્યારે પણ આવો વિચાર આવતો હોય છે. આપણે ધારીએ તો પણ કામ તો છોડી જ શકતા નથી. આવા વિચારો આવે ત્યારે નાનકડો બ્રેક લઇને કામે ચડી જવું પડતું હોય છે. માણસ સરવાળે તો કામથી જ ઓળખાતો હોય છે. એક વડીલ ઘરના યુવાનો સાથે કામ સંબંધે વાત કરતા હતા. તેમણે કહ્યું, જેટલું કામ કરશો એટલું નામ થશે. એક છોકરાએ પૂછ્યું કે, એવું કેમ કહી શકાય? વડીલે કહ્યું કે, આપણે જે કામ કરતા હોઇએ તેનાથી જ આપણી આવડત, આપણી હોશિયારી અને આપણી સમજ છતી થતી હોય છે. એનું ઉદાહરણ એ છે કે, આપણે અમુક કામ અમુક લોકોને જ સોંપીએ છીએ. અમુકનું નામ પડે તો આપણે કહીએ છીએ કે, એને રહેવા જ દેજે, એ કામ કરવાને બદલે કામ બગાડશે. તમને લોકો કેવું કામ સોંપે છે એ પણ વિચારવા જેવું હોય છે. આપણને એવું જ કામ સોંપવામાં આવશે જેના માટે આપણે લાયક હોઇએ. કામની બાબતમાં કોઇ જોખમ લેવા માંગતું હોતું નથી. ઓફિસમાં પણ તમે માર્ક કરજો, અમુક કામ અમુક લોકોને જ સોંપવામાં આવતાં હોય છે. એનું કારણ પણ એ જ હોય છે કે, એણે પોતાની જાતને પ્રૂવ કરી હોય છે. લાયક એમ જ નથી થઇ જવાતું, લાયકાત સાબિત કરવી પડતી હોય છે.
કામ વિશે જાતજાતની વાતો થઇ છે. બધાં એટલાં નસીબદાર નથી હોતાં કે એને ગમતું કામ કરવા મળે. કેટલાક કિસ્સામાં જે કામ મળે એ કરવું પડતું હોય છે. કોઇ ચોઇસ મળતી નથી. કામ વિશે એવું પણ કહેવાતું રહે છે કે, કોઇ કામ નાનું નથી અને કોઇ કામ મોટું નથી. સાચી વાત છે, પણ ગમતું અને ન ગમતું કામ પણ હોય જ છે. કામ ન ગમતું હોય એવા કિસ્સામાં બેસ્ટ વે એ જ છે કે, કામને ગમતું કરવું. ફરિયાદ કરવાનો કોઇ મતલબ હોતો નથી. ઊલટું નથી મજા આવતી એવા જ વિચારો કરીએ તો માનિસિક સ્થિતિ વધુ બગડે છે. ગમતું કામ મળ્યું હોય તો પોતાની જાતને નસીબદાર સમજો. ઘણા લોકો કામથી ભાગતા હોય છે. પોતાની માથે કંઇ ન આવે એ માટે એ બચતા ફરે છે. એને એ વાતની ખબર નથી હોતી કે, નજીકના બધા લોકોને એમની વૃત્તિ ખબર પડી જ જતી હોય છે. કેટલાક લોકો એવા હોય છે જેને તમે કામ સોંપો પછી એ પોતાની જવાબદારી હોય એ રીતે કામ પૂરું કરે છે. કામ વિશે એટલે જ એવું કહેવાય છે કે, કામ એવા લોકોને સોંપજો જે બહુ બિઝી હોય, નવરા લોકો પાસે કોઇ કામ માટે સમય હોતો નથી. જે બહુ બિઝી રહેતા હશે એ ગમે તેમ કરીને કામ પૂરું કરી દેશે. કામમાં પણ પ્રાયોરિટી નક્કી કરવી પડતી હોય છે. કામ કેવું છે એની સાથે જ મહત્ત્વનું એ પણ છે કે કામ કોનું છે? આપણી જિંદગીમાં ઘણા લોકો ખૂબ જ અંગત અને નજીક હોય છે. પોતાના લોકોનું કામ નાનું હોય કે મોટું, એને ઓલવેઝ પ્રાધાન્ય આપવું જોઇએ. જે સૌથી નજીક હોય એની સૌથી વધુ કાળજી રાખવી. એનું કારણ એ છે કે, એને આપણા પર ભરોસો હોય છે. સાથોસાથ કોઇ આપણો ફાયદો ન ઉઠાવી જાય એનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. ઘણા લોકોને પોતાનાં કામ બીજા પર ઢોળી દેવાની આદત હોય છે. પોતે નવરા બેઠા રહે છે અને પોતાનું કામ સિફતપૂર્વક બીજા પાસે કરાવી લે છે. કામ ગમે એવું હોય અને ગમે તેનું હોય, કામનો બોજ પોતાના પર હાવી થવા દેવો ન જોઇએ. જિંદગી માટે કામ છે, કામ માટે જિંદગી નથી એ વાત યાદ રાખવાની જરૂર હોય છે. કામ કરો, આરામ માટે પણ સ્પેસ રાખો. જે ગમે છે, જેનો શોખ છે, જેમાં મજા આવે છે એના માટે પણ સમય રાખજો, કારણ કે આખરે તો એ બધું જ જિંદગીને જીવવા જેવી બનાવતું હોય છે!
છેલ્લો સીન :
નામ માટે કામ કરવું પડે છે. કામથી જ નામ સાર્થક થાય છે. જે બેઠા રહે છે એનાં નસીબ પણ ક્યારેય ઊભાં નથી થતાં! -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 22 ડિસેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *