સૌંદર્ય દેખાવથી નહીં,
સ્વભાવથી વર્તાય છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
શમા આમ પણ ખૂબ થાકી હતી અને એક કારણ હવાનું થયું!!
કર્યા એકડા શૂન્યમાંથી અમે, પરંતુ શુકન તો સવાનું થયું!!
– ડો. મુકેશ જોષી
માણસ સારા દેખાવાના પ્રયાસો કરવામાં કંઇ બાકી રાખતો નથી. દરેક માણસ સારા દેખાવવા માટે કંઇક તો કરતા જ હોય છે. એમાં કશું ખોટું નથી. હોય એના કરતાં થોડાક વધુ સુંદર દેખાવાનો દરેકને અધિકાર છે. જે ખરેખર સુંદર છે એ પણ વધુ સુંદર દેખાવાના પ્રયાસો કરે છે. આપણે ત્યાં કહેવાય છે કે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. અલબત્ત, પહેલી નજરમાં માણસ કોઇ પર છાકો પાડી શકે, પણ છેલ્લે તો પોતાનાં વાણી અને વર્તનથી એ જેવા હોય એવા વર્તાઇ આવે છે. સૌંદર્ય વિશે એક સનાતન સત્ય એ છે કે, કોઇ સૌંદર્ય કાયમી ટકતું નથી. સમયની સાથે સૌંદર્ય ઓસરતું જાય છે. અત્યંત બ્યૂટીફૂલ દેખાતી છોકરી કે ખૂબ જ હેન્ડસમ દેખાતો છોકરો પણ ઉંમર ઢળવાની સાથે રૂપ ખોઇ બેસે છે. ગુણ અને જ્ઞાન એવી ચીજ છે જેનું તેજ સતત વધતું જ રહે છે. આપણે એવા ઘણા લોકોને જોયા છે જે દેખાવમાં તદ્દન સામાન્ય હોય, પણ એણે કામો એવાં કર્યાં હોય છે જેનાથી લોકોમાં એ પૂજાતા રહે છે. માણસ બે રીતે પોતાની ઓળખ ઊભી કરતો હોય છે, પ્રકૃતિથી અને પ્રવૃત્તિથી. આપણું કામ અને આપણો સ્વભાવ જ આપણી ઇમેજ ખડી કરતો હોય છે. એક રાજા હતો. રાજાની જબરજસ્ત ધાક હતી. એક વખત એ રાજા એક સંત પાસે ગયો. સંતને કહ્યું, બધા મને સન્માન આપે છે. સંતે કહ્યું, રાજા એ તમારી ભૂલ છે. લોકો તમારાથી ડરે છે. ભયના કારણે તમારો આદર કરે છે. તમે સાવ સામાન્ય વસ્ત્રોમાં સાવ એકલા કોઇ ગામમાં ચક્કર મારો અને પછી જુઓ કે, તમને કોણ બોલાવે છે? ધાકથી તમે કોઇનું ધ્યાન ખેંચી શકો, પણ કોઇને આકર્ષી ન શકો. કોઇ તમને બોલાવે અને માનપાન આપે ત્યારે એ પણ વિચારવું જોઇએ કે, આટલા સન્માનનું કારણ શું છે? હું ખરેખર આટલા આદરને લાયક છું ખરો?
એક સંગીતકાર હતો. એ જ્યારે સંગીત વગાડે ત્યારે સંગીતમાં ખબર ન પડતી હોય એવા લોકો પણ ઝૂમવા લાગતા હતા. ધીમે ધીમે એમની ખ્યાતિ ફેલાવવા લાગી. લોકો તેમને બોલાવવા લાગ્યા. માન દરેકને ગમે છે. એને પણ ગમતું. એક વખત એક ધનવાને તેમને પોતાને ત્યાં આમંત્ર્યા. સંગીત વગાડ્યું. થોડીક વાર થઇ એટલે સંગીતકારે કહ્યું કે, હવે હું રજા લઉં. ધનવાને કહ્યું, કેમ આમ અચાનક? મારે ત્યાં આવવા માટે લોકો તલપાપડ હોય છે. હું જેને આમંત્રણ આપું એ પોતાને નસીબદાર સમજે છે. હું રજા ન આપું ત્યાં સુધી ઊઠવાનું નામ નથી લેતા અને તમે આમ ચાલ્યા જાવ છો? સંગીતકારે કહ્યું, તમારી વાત સાચી છે. હું પણ તમારો આદર કરું છું. અત્યારે મારા રિયાઝનો સમય થયો છે. તમે મને બોલાવો છો એનું કારણ હું નહીં પણ મારું સંગીત છે. જો એ નબળું પડ્યું તો મને કોઇ નહીં બોલાવે. મને એ વસ્તુનું ભાન છે કે, મારી ઓળખ શેના થકી છે? માણસ જેનાથી ઓળખાતો હોય એને સૌથી પહેલી પ્રાથમિકતા આપીને જાળવી રાખવું જોઇએ.
રૂપ પણ છેલ્લે તો ગુણ અને સ્વભાવથી જ છતું થાય છે. ઘણા લોકો એવા હોય છે જે દેખાવે તો ગજબના હોય છે, પણ બોલે એટલે પૈસા પડી જાય. તોછડાઇ અને તુમાખી માણસને નબળા ચીતરે છે. ઘણા લોકો રોફ જમાવવા મન ફાવે એ રીતે બોલતા હોય છે અને મન ફાવે એમ કરતા હોય છે. એને ખબર નથી હોતી કે સરવાળે તેની ઇમેજ ઘસાતી હોય છે. સાચો વટ પાડવો નથી પડતો, એ એની મેળે જ પડે છે. વટ પાડવાની વૃત્તિ ઘણી વખત વાયડાઇમાં ખપી જતી હોય છે. માણસનો પ્રભાવ તો જ પડે જો એ ખરેખર પ્રભાવશાળી હોય. ઘણા લોકો એકદમ સહજ અને સરળ હોય છે. ઝાકમઝોળ કે ઠાઠમાઠથી તેઓ દૂર રહે છે, આમ છતાં તેની નોંધ લેવાતી હોય છે. એક સાવ સાચી ઘટના છે. એક ભવ્ય કાર્યક્રમમાં એક કલાકારનું સન્માન થવાનું હોય છે. એ વિસ્તારના મોટા રાજકારણીના હાથે કલાકારનું સન્માન થવાનું હતું. સન્માન કર્યા બાદ રાજકારણીએ કહ્યું કે, હું મારી જાતને નસીબદાર સમજું છું કે, મને આમનું સન્માન કરવાની તક મળી છે. એનું કારણ એ છે કે, હું તો અહીં મારા હોદ્દાના કારણે છું, તેઓ અહીં પોતાની કલાના કારણે છે. હું તો ચૂંટણી હારીશ કે હોદ્દો નહીં હોય ત્યારે ફેંકાઇ જઇશ, કલાકાર કાયમ કલાકાર જ રહેવાના છે. કંઇક એવું કરો જે તમારી ઓળખ બનાવે. તમે તેનાથી ઓળખાવ.
એક સ્વરૂપવાન છોકરીની આ વાત છે. યંગ હતી ત્યારે ખૂબ જ દેખાવડી હતી. કોલેજમાં બધા તેને જોઇ રહેતા. વર્ષો વીતી ગયાં. બધા પોતપોતાની લાઇફમાં સેટ થઇ ગયા. વર્ષો પછી કોલેજમાં ભણતા બધાએ રીયુનિયન કરવાનું નક્કી કર્યું. બધા ભેગા થયા. પેલી છોકરી પણ આવી હતી. તેને જોઇને તેની સાથે ભણેલા એક ભાઇએ તેના મિત્રને કહ્યું કે, કેવી હતી ને કેવી થઇ ગઇ, નહીં? આ વાત પેલી છોકરી સાંભળી ગઇ. તેણે પાસે આવીને કહ્યું કે, રૂપ તો જવાનું જ હતું, જે છે એ સુવાસ છે, જે આજેય આપણી વચ્ચે વર્તાય છે. મેં ધ્યાન મારું રૂપ બચાવવા નહીં પણ મારી સમજને સલામત રાખવામાં આપ્યું છે. મારો સ્વભાવ કોલેજમાં હતી ત્યારે પણ સારો હતો અને આજે પણ એવો જ છે! માણસે જેવા હોય એવા જ રહેવું જોઇએ, એ ક્યારેય દેખાવથી થઇ શકવાનું નથી, એ તો માત્ર ને માત્ર સ્વભાવથી જ થવાનું છે.
એક બ્યૂટી પાર્લર હતું. એનું બહુ મોટું નામ હતું. કોઇ પણ ટ્રીટમેન્ટ માટે જતા પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી. આ પાર્લરના એક્ઝિટ ગેટ પાસે એક નાનકડું બોર્ડ મારેલું હતું. અમે મેકઅપ કરી આપ્યો છે, પણ તમારું સાચું સૌંદર્ય તો તમારા હાસ્ય અને તમારી મીઠી વાણીથી જ વ્યક્ત થવાનું છે. સારા દેખાવા માટે હસતા રહેજો અને હળવા રહેજો. આપણે ક્યારેય એ વિચાર કરીએ છીએ કે, આપણે દિવસમાં ખરેખર કેટલી વખત હસીએ છીએ? બાળકને ધ્યાનથી જોજો, એ નાની-નાની વાતમાં કોઇ કારણ વગર પણ હસતું રહે છે. આપણે જેમ જેમ મોટા થતા જઇએ એમ એમ હસવાનું ભૂલતા જઇએ છીએ. હાસ્ય વગરનો ચહેરો જિંદગીનો દુકાળ જ પ્રગટ કરે છે. જે માણસ હસતો ન હોય એનો ભરોસો ન કરવો એવું એમ જ નહીં કહેવાયું હોય. કોઇ ન મળે તો માણસે અરીસામાં જોઇને પોતાની સાથે પણ ક્યારેક થોડુંક હસી લેવું જોઇએ. હાસ્યમાં પણ એટલું ધ્યાન રાખવું કે ક્યારેય ખોટું ન હસવું. લોકો હસવાના પણ નાટક કરવા લાગ્યા છે. હાસ્યને પ્રકૃતિ બનાવો તો જ હળવાશ મહેસૂસ થશે.
છેલ્લો સીન :
રૂપનાં રખોપાં ગમે એટલાં કરો સમયની સાથે સૌંદર્ય ઘટવાનું છે. સમજ, બુદ્ધિ અને જ્ઞાન જ એવી વસ્તુ છે, જેનું ઓજસ ક્યારેય આથમતું નથી. -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 17 નવેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com