પરફેક્ટ દેખાવાનો પ્રયાસ
કરશો તો પરેશાન થશો!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
લોકો હવે જાહેરમાં અને સોશિયલ મીડિયા પર પરફેક્ટ
દેખાવાના પ્રયાસો કરી રહ્યા છે. આ અંગેનો એક અભ્યાસ
એવું કહે છે કે, જેવા છો એવા રહો, એ જ તમારી ઓળખ બનશે!
———–
પરફેક્ટ હોવું અને પરફેક્ટ દેખાવાના પ્રયાસ કરવા એ બંનેમાં હાથી ઘોડાનો ફેર છે. પરફેક્શન બધાને ગમે છે. તમામ માણસ પરફેક્ટ દેખાવાના પ્રયાસો પણ કરતા રહે છે. તેની સાથે એક હકીકત એ છે કે, કોઇ માણસ પરફેક્ટ હોતો નથી. આપણા બધામાં કોઇ ને કોઇ ખામી, કોઇ ને કોઇ માઇનસ પોઇન્ટ હોવાના જ છે. દરેકમાં હોય છે. લોકોને એ ખબર પણ હોય છે કે, મારામાં શું પ્રોબ્લેમ છે. બધા લોકો એ સ્વીકારી શકતા નથી. એમાંયે જ્યારથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારથી પરફેક્ટ દેખાવાની જે હોડ લાગી છે તેણે અનેક મુસીબતો પેદા કરી છે. લોકો પાસે જે નથી એ બતાવી રહ્યા છે અને જે છે એ છુપાવી રહ્યા છે. દરેકને હોય એનાથી વધુ સુંદર અને સમૃદ્ધ દેખાવું છે. ઘણાને સવાલ થશે કે એમાં ખોટું શું છે? સોશિયલ મીડિયા પર બધા દેખાડો જ કરે છેને? વાત ખોટી નથી, પણ એ દેખાડો જ સૌથી મોટો પ્રોબ્લેમ પેદા કરે છે. માણસ હવે ફિલ્ટર વગરની જિંદગી જીવી શકતો નથી. મોટા ભાગના લોકોને પોતાનો જેવો ફોટો આવ્યો હોય એવો અપલોડ કરવો પસંદ નથી. એ ફિલ્ટર લગાવે છે. હોય એનાથી વધુ રૂપાળા દેખાવવાનો પ્રયાસ કરે છે. ફોટાના બેકગ્રાઉન્ડમાં શું છે એની પણ કાળજી રાખે છે. ક્યાંય ન બતાવવા જેવું તો ફોટાની પાછળ દેખાઇ જતું નથીને? આપણને બધાને ખબર છે કે, ફિલ્મના શૂટિંગમાં જે દૃશ્ય દેખાડવામાં આવે છે એટલો જ સેટ તૈયાર થયો હોય છે, એ સિવાય બધું પોલમપોલ હોય છે. લોકો ફોટામાં પણ હવે એવું જ કરવા લાગ્યા છે. કોઇ એક નાનકડો અને સુંદર ભાગ શોધીને ત્યાં ફોટો પાડી લેશે. જોનારને એમ થાય કે, શું અદ્ભુત લોકેશન છે. લોકોની જિંદગી પણ ફિલ્ટરવાળી થઇ ગઇ છે. જે દેખાડવામાં આવે છે એવું છે નહીં, જે છે એ દેખાડવા જેવું નથી. આવું કરવાથી પહેલાં તો માણસને મજા આવે છે, પણ ધીમે ધીમે એવું થવા લાગે છે કે, આપણી પાસે ક્યાં કંઇ છે?
માત્ર પોતાના ચહેરા જ નહીં, પોતાની ચીજવસ્તુઓ અને ખાસ તો ઘર બતાવવાની ઘેલછા વધી રહી છે. હું સરસ ઘરમાં રહું છું. મારા ઘરમાં બધી જ ફેસિલિટી છે. હું લેવિશ લાઇફ જીવું છું, એવું બતાવવાના ધખારા વધી રહ્યા છે. ફરવા ગયા હોય તેના અને જે હોટલમાં રોકાયા હોય એના ફોટા અપલોડ કરવાનું હવે કોમન થઇ ગયું છે. એ ક્રેઝ ઘટી રહ્યો છે. જે લોકો ફાઇવ સ્ટારમાં ઊતરે છે એ લોકો હજુયે ફોટા અપલોડ કરે છે, પણ જે લોકો સામાન્ય હોટલમાં સ્ટે કરે છે એ હોટલને બદલે જ્યાં ફરવા ગયા હોય એ સ્થળની બ્યૂટીના ફોટો અપલોડ કરે છે. ફરવાની મજા પણ હવે મરી રહી છે, મજા ફોટા પાડવાની જ રહી છે. અગાઉના સમયમાં લોકો રિલેક્સ થવા માટે ફરવા જતા હતા, હવે લોકો કહેવા અને બતાવવા માટે ફરવા જવા લાગ્યા છે. ફરવા જવું પણ હવે ફેશન થઇ ગયું છે. દિવાળીમાં ક્યાં ફરી આવ્યા? એવો સવાલ કોમન થઇ ગયો છે. ફરવા ગયા હોવ અને ફોટા અપલોડ ન કરો તો પણ લોકો પૂછે છે કે, કેમ હમણાં સોશિયલ મીડિયા પર કંઇ અપલોડ કરતા નથી? દેખાદેખી જે રીતે વધી રહી છે એ જોઇને સાઇકોલોજિસ્ટો લોકોને સાવધાન કરી રહ્યા છે કે, આ ચક્કરમાં ફસાતા નહીં, હેરાન થઇ જશો. મનોચિકિત્સકોનો એક વર્ગ એવો પણ છે જે એવું માને છે કે, હજુ બધું નવું નવું છે એટલે લોકો સોશિયલ મીડિયા પર રચ્યાપચ્યા રહે છે. જેમ જેમ સમય જશે એમ એમ સત્ય સમજાશે અને લોકો ફરીથી સીધા થઇ જશે! દરેક સમયનો એક દોર હોય છે. રેડિયો આવ્યો ત્યારે લોકો રેડિયો લઇને ફરતા હતા. ફિલ્મો આવી એ પછી દર અઠવાડિયે લોકો ફિલ્મો જોવા જતા હતા. ટીવી આવ્યું એ પછી લોકો ટીવી સામે બેઠા રહેતા હતા. અમુક કાર્યક્રમના સમયે જો કોઇ મહેમાન આવી ચડે તો પણ લોકોને ગમતું નહોતું. હવે ટીવીનો ક્રેઝ ઘટ્યો છે. બધા મોબાઇલના રવાડે ચડેલા છે. એક સમય આવશે જ્યારે લોકો મોબાઇલથી પણ થાકશે અને જરૂર પૂરતો ઉપયોગ કરવા લાગશે. એ તો જ્યારે થાય ત્યારે, અત્યારે જે ધ્યાન રાખવાનું છે એના તરફ ધ્યાન દોરીને લોકોને કહેવામાં આવે છે કે, દેખાદેખીના રવાડે ચડી જશો તો પોતાની જ વેલ્યૂ નહીં રહે. નેગેટિવ વિચારો આવવા લાગશે. આપણે તો કંઇ નથી એવું થવા લાગે એ રેડ સિગ્નલ છે. પોતાનું ગૌરવ ગુમાવે એ બધું ગુમાવી દે છે. સાચી ખુમારી પોતાનું ગૌરવ જ છે.
દેખાડાની દુનિયા ભ્રામક છે અને તેનાથી માનસિક ક્ષતિ પહોંચવાનું જોખમ છે. આ વિશે હમણાં એડીપીઓ એટલે કે એસોસિએશન ઓફ પ્રોફેશનલ ડિક્લટરર્સ એન્ડ ઓર્ગેનાઇઝર્સના અધ્યક્ષ સિયન પેલેશીએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર ડિક્લટરિંગ અને તેના જેવા બીજા ટ્રેન્ડ્સને ફોલો કરીને લોકો માનસિક દબાણમાં આવતા હોવાનું બહાર આવ્યું છે. લોકો પોતાના ઘરને સ્વચ્છ, સુંદર અને પરફેક્ટ બતાવવાના પ્રયાસો કરે છે. ઘર ક્યારેય એકદમ પરફેક્ટ હોતું જ નથી. ઘરમાં થોડુંક તો અસ્તવ્યસ્ત હોવાનું જ છે. એ જ તો ઘરની ઓળખ છે. એમાંયે જો ઘરમાં નાનાં બાળકો હોય તો વાત જ જવા દો. દીવાલો પર લીટાથી માંડીને વેરવિખેર પડેલાં રમકડાં હોવાનાં જ છે. એ જ ઘરની બ્યૂટી છે. તમે સફાઇ કરો ત્યારે થોડોક સમય સારું રહે, એ પછી ઘરમાં અસ્તવ્યસ્ત થવાનું જ છે. હવે તો આવી દેખાડાની વૃત્તિ સામે પણ ઝુંબેશ શરૂ થવા લાગી છે. બેક ટુ બેઝિક્સ જેવી ઝુંબેશ કરનારાઓ કહે છે કે, જેવા છો એવા રહો. દેખાવ અને દેખાડાના ચક્કરમાં વાસ્તવિક જિંદગી અને આનંદને ન ભૂલો.
સાચો આનંદ એ છે જે નિર્દોષ અને સાત્ત્વિક હોય. મિત્રો સાથે ગપ્પાગોષ્ઠિમાં કોઇ દેખાડો નથી. કંઇ સાબિત કરવાનું હોતું નથી. એટલે જ એમાં મજા આવે છે. પ્રેમ અને દાંપત્ય પણ સહજ રહેવું જોઇએ. લવલાઇફ અને મેરેજલાઇફ પર પણ સોશિયલ મીડિયાનો રંગ ચડતો જાય છે. ફોટા મૂકો, સારા દેખાવ, પ્રેમ કરો છો, એવું જતાવો એમાં પણ વાંધો નથી, પણ એ આપણા પર સવાર ન થઇ જાય એની કાળજી રાખો. માત્ર દેખાડવા માટે પ્રેમ ન કરો, રીઅલ સેન્સમાં પ્રેમ કરો. તેના માટે એક ઉદાહરણ પણ આપવામાં આવે છે. લોકો ફોટા પાડવા પૂરતું જ હસવા લાગ્યા છે. જેવો ફોટો પડી ગયો કે, તરત જ ચહેરા પરથી હાસ્ય ગુમ થઇ જાય છે. મનોચિકિત્સકો કહે છે, ચહેરો હસતો જ રાખો, તેને ફોટો પાડવા પૂરતો મર્યાદિત કરવાની કોઇ જરૂર જ નથી. તમારા સંબંધોને ઓળખો, સંબંધોને માણો. સોશિયલ મીડિયા પર રહો, પણ પ્રમાણભાન રાખો અને સાવચેત રહો. ક્યારેક એ પણ વિચાર કરો કે, સોશિયલ મીડિયાની મારી માનસિકતા પર કેવી અસર થાય છે? કોઇના ભવ્ય ફોટાઓ જોઇને મને કેવા વિચારો આવે છે? ક્યાંય હું પોતે જ મારી જાતને ઓછી કે નબળી આંકવા માંડ્યો નથીને? તમારી જિંદગીનું મહત્ત્વ છે, તમારી હયાતીનું વજૂદ છે, તમારો પોતાનો ગ્રેસ છે એ હેમખેમ રહેવો જોઇએ. ખુશ દેખાવું નહીં, ખુશ હોવું જરૂરી છે. તમે ખુશ, સુખી અને જે છે એનાથી રાજી છો, તો તમે ખરા અર્થમાં સુખી છો! જો જરાકેય વિચારો ઊંધા પાટે ચડ્યા તો સુખ ક્યારે સરકી જશે એનો અંદાજ નહીં રહે. લોકોએ પોતાનાં સુખ, શાંતિ, ખુશી અને આનંદને પણ ચકાસતા રહેવું પડે એવા સમયમાંથી આપણે બધા પસાર થઇ રહ્યા છીએ. સાવધાન રહેવામાં જ ભલું છે!
———
પેશ-એ-ખિદમત
જદ પે આ જાએગા જો કોઇ તો મર જાએગા,
વક્ત કા કામ ગુજરના હૈ ગુજર જાએગા,
ખુદ ઉસે ભી નહીં માલૂમ હૈ મંઝિલ અપની,
જાને વાલે સે ન પૂછો વો કિધર જાએગા.
(જદ – આઘાત) -અસલમ ફર્રુખી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 13 નવેમ્બર 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com