જવા દેને યાર, ચૂપ
રહેવામાં જ માલ છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે માત્ર એક જ.
નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.
-મનોજ ખંડેરિયા
સાચો સંબંધ એને કહેવાય જ્યાં સંવાદ તો જીવંત હોય જ, વિવાદ પણ સજીવન હોય! વાંધો પડે ત્યારે પણ વાત થાય, દલીલ થાય, એકબીજાની વાત સાંભળવામાં આવે અને સાચી વાત સ્વીકારવામાં પણ આવે. બે વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે ક્યારેક તો કોઇ મુદ્દે ગેરસમજ કે વિવાદ થવાના જ છે. વિવાદ સ્વાભાવિક છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, એ વિવાદ કેવી રીતે ઉકેલાય છે. ઘણા લોકો માથાકૂટ થાય ત્યારે બોલવાનું બંધ કરી દે છે અથવા તો એકબીજા સામે બાંયો ચડાવી લે છે. એક કપલની આ સાવ સાચી વાત છે. ફેમિલી અને સોસાયટીમાં બંનેની ઇમેજ બહુ જ સારી. ઘણા તો તેમને આઇડિયલ કપલ પણ કહેતા હતા. એક વખત બધા મિત્રો ભેગા થયા. આ કપલને પૂછ્યું, તમને ક્યારેય ઝઘડતા નથી જોયા, તમારી વચ્ચે ઝઘડા થતા નથી? પત્નીએ કહ્યું, કોણ કહે છે અમારે ઝઘડા નથી થતા? બિલકુલ થાય છે, જોરદાર થાય છે. બસ એ ઝઘડા સુલટાવવાની અમારી રીત થોડી જુદી છે. માથાકૂટ થાય, વાંધો પડે એટલે અમે એકબીજાને કહીએ છીએ, ચાલ સાથે બેસીને વાત કરીએ. અમે એકબીજાને પોતાની દલીલ કહીએ છીએ. દલીલ વખતે પણ એક નિયમ પાળવામાં આવે છે. એક બોલતો હોય ત્યારે બીજાએ નહીં બોલવાનું! વાત તોડવાની નહીં, વાત પૂરેપૂરી સાંભળવાની. બંનેની દલીલો પતી જાય પછી અમે કન્કલૂઝન પર આવીએ છીએ અને કોનો વાંક હતો તે નક્કી કરીએ છીએ. વાંક હોય એ સોરી કહી દે અને વાંક ન હોય એ માફ કરી દે છે. કોઇ વાતને વધુ ખેંચવાની જ નહીં. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે દરેક વાતને રબરની જેમ તાણીએ છીએ. રબરને બે તરફથી તાણીએ પછી એક છોડી દે તો પણ બીજાને વાગવાનું જ છે. એટલું ક્યારેય ન ખેંચવું કે બેમાંથી કોઇનું દિલ દુભાય! આપણે જેને સૌથી વધુ પ્રેમ કરતા હોઇએ, જેના માટે ગમે તે કરવા તૈયાર હોઇએ, એની સાથે કોઇ મુદ્દે મતભેદ થાય ત્યારે એને લાંબું વિચાર્યા વગર હર્ટ કરી બેસતા હોઇએ છીએ.
મૌન અને અબોલામાં અહિંસા અને હિંસા જેટલો ફર્ક છે. પ્રેમ હોય તો મૌનની ભાષામાં પણ વાત થઇ જતી હોય છે. અબોલા તો મૌનની હિંસા છે. શબ્દો બોલી દેવાય તો વાત પતી જાય છે, અબોલા કાતિલ છે. એ માણસને વેરે છે. અબોલા અહંની પરાકાષ્ઠા છે. અબોલાની ઘણી ઇફેક્ટ હોય છે. આપણી વ્યક્તિ જ એવું વિચારવા લાગે છે કે, આને વતાવવું કે નહીં? બોલવામાં જ્યારે વિચાર કરવો પડે ત્યારે સમજવું કે આપણા સંબંધમાં કંઇક સુકાઇ ગયું છે. કંઇક બોલીશ તો એનું મગજ છટકશે, જવા દેને એને કંઇ કહેવા જેવું જ નથી. એ ભડકશે. આપણી વ્યક્તિ જો આપણી સાથે વાત કરતાં અચકાય તો એ જોખમી છે. એક પતિ-પત્નીની વાત છે. પત્નીને એક વાત કરવી હતી. એક દિવસ તેણે પતિને કહ્યું કે, હું કેટલાયે દિવસથી તમને એક વાત કરવાનું વિચારું છું. પતિએ પત્ની સામે જોયું અને કહ્યું કે, વાત ગમે તે હોય, પણ તું મારી સાથે વાત કરવાનું કેટલાયે દિવસથી વિચારતી હતી? આટલા બધા દિવસ વિચારવું કેમ પડ્યું? આપણે એકબીજાના જીવનસાથી છીએ. બે શરીર ભલે રહ્યાં, પણ એક જીવ છીએ. હવે ક્યારેય વાત કરવામાં વિચાર ન કરતી. વાત ગમે તે હશે, આપણે સમજી વિચારીને નિર્ણય કરીશું. અત્યારના સમયનો એક પ્રોબ્લેમ એ છે કે, વાત કરવા માટે પણ મોકાની રાહ જોવી પડે છે. એનો મૂડ સારો હશે ત્યારે વાત કરીશ. મૂડ ઘણી વખત આવતો જ નથી અને જે વાત કરવાની હોય એ રહી જ જાય છે!
વાત કરવાની રાહમાં કેટલીય વાતો મનમાં ને મનમાં ધરબાયેલી રહી જાય છે. ઘરનું વાતાવરણ મુક્ત હોવું જોઇએ. એ ત્યારે જ શક્ય બને જ્યારે બધાનાં મન મુક્ત હોય, કોઇ ગ્રંથિઓ બંધાયેલી ન હોય. જે બોલી નથી શકતા એ ગૂંગળાતા રહે છે. એક હદ સુધી માણસ સહન કરે છે પછી બ્લાસ્ટ થાય છે. એક યુવતીની આ વાત છે. ઘરમાં પતિ સહિત બધાં એને ટોણાં માર્યા રાખે. યુવતીથી સહન થયું ત્યાં સુધી તો એણે કર્યું. એક તબક્કે તેણે બધાને મોઢામોઢ કહેવાનું શરૂ કરી દીધું. જેને જે કહેવું હોય એ કહે, જેને જે કરવું હોય એ કરે, મને કોઇ ફેર પડતો નથી. એક વખત પતિએ તેને કહ્યું કે, આ તને શું થઇ ગયું છે? આવું તો તું ક્યારેય નહોતી કરતી. પત્નીએ કહ્યું, સાચી વાત છે, હું ક્યારેય આવું નહોતી કરતી. તમે જ વિચાર કરો કે મેં ક્યારે આવું કર્યું હશે? દરેક વાતની એક લિમિટ હોય છે, મર્યાદાઓ ઓળંગાય પછી ગમે તે થઇ શકે છે.
એક બાપ-દીકરો હતા. પિતા દીકરાને સમજાવતા, શીખવાડતા અને સાચી સલાહ આપતા હતા. દીકરો મોટો થયો એમ એમ પોતાની રીતે બધું કરવા લાગ્યો. એક સમય એવો આવ્યો જ્યારે પિતાએ દીકરાને કંઇ કહેવાનું બંધ કરી દીધું. દીકરો ડાહ્યો હતો. તેણે એક દિવસ પિતાને પૂછ્યું, તમે કેમ હવે મને કંઇ કહેતા નથી? પિતાએ કહ્યું, તેં માનવાનું બંધ કર્યું એટલે મેં કહેવાનું બંધ કરી દીધું. મારા બોલવાનો જો કોઇ અર્થ ન હોય તો મારે ચૂપ રહેવું જોઇએ. આ વાત સાંભળીને દીકરાએ પિતાની માફી માંગી અને કહ્યું, તમે એવું ન કરશો. તમારી વાત ન માનવી એવું બિલકુલ નથી. પોતાની વ્યક્તિ જ્યારે બોલવાનું બંધ કરે ત્યારે એની પણ આપણને ખબર પડી જવી જોઇએ. કેટલાક લોકો એવા હોય છે જે ઝઘડતા કે માથાકૂટ કરતા નથી, પણ કિનારો કરી લે છે. હવે એને મારી કોઇ જરૂર નથી એવું માનવા લાગે છે. એવા સમયે એને કહેવું પડે છે કે, મારે તારી જરૂર છે. તું મારી જિંદગીનો હિસ્સો છે. પોતાના લોકો દીવાદાંડી જેવા હોય છે. એ માર્ગ બતાવે છે કે, આ તરફ જ જજો, બીજી તરફ ખતરો છે. બોલવાવાળાએ પણ એ વાતનો ખ્યાલ રાખવાનો હોય છે કે, જ્યાં બોલવા જેવું હોય ત્યાં જ બોલવું. બધું કંટ્રોલ કરવા જનારે બધું ગુમાવવું પડતું હોય છે. આપણું માન-સન્માન જળવાય એની સૌથી પહેલી જવાબદારી આપણી પોતાની હોય છે. માણસે પોતાનું વજૂદ પેદા કરવાનું હોય છે. સન્માન માટે લાયક બનવું પડે છે. ઘણા લોકોનાં અપમાન એટલે જ થતાં હોય છે, કારણ કે એ સન્માનની મર્યાદાઓ ચૂક્યા હોય છે. સંવાદને સજીવન રાખો તો જ સંબંધ જીવતો રહેશે.
છેલ્લો સીન :
કેટલાક લોકોના મોઢે બોલાયેલા શબ્દો જ સાવ બોદા હોય છે. કેટલાક લોકોનું મૌન પણ તાકતવર હોય છે. મોઢેથી બોલાયેલા શબ્દો કાનને સ્પર્શે છે અને આંખોની ભાષા સીધી દિલમાં ઊતરે છે. -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 10 નવેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com