એ જિંદગી! તારા બધા જ
પડકાર ઝીલવા હું તૈયાર છું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા,
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા!
એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા!
-શ્યામ સાધુ
પેટા : જે છે એનાથી જેને સંતોષ છે અને જે છે એનાથી જેને ખુશી મળે છે એ જ માણસ સાચો સુખી છે
પ્રિય જિંદગી, બેશક હમેં નચાઓ, લેકિન ગાને તો અચ્છે બજાઓ! હમણાં એક જગ્યાએ આવું વાંચવા મળ્યું. જિંદગી ક્યારેક ને ક્યારેક આપણો દાવ લે જ છે. જિંદગીને એટલે જ કાર્ડિયોગ્રામની લાઇન સાથે સરખાવવામાં આવે છે. કાર્ડિયોગ્રામની લાઇન જો સીધી થઇ ગઇ તો ખેલ ખતમ! એ ઉપર નીચે ચાલે છે એટલે જ જિંદગી ધબકતી રહે છે. ચડાવ-ઉતાર, અપ-ડાઉન, પ્લસ-માઇનસ એ જિંદગીની ફિતરત છે. દુનિયામાં એકેય માણસ એવો નહીં હોય, જેણે ક્યારેય દુ:ખ કે સંકટનો સામનો કર્યો ન હોય! કોઇ સુખ કાયમી રહેતું નથી. દુ:ખનું પણ એવું જ છે. જિંદગીથી એ જ માણસ ડરી કે ડગી જાય છે જેને જિંદગીની સમજ નથી. એક યુવાન સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે, જિંદગી વિશે મને સમજ આપો. સંતે કહ્યું કે, જિંદગીનું તથ્ય અને સત્ય એટલું જ છે કે, એ ક્યારેય સરખી કે સખણી રહેવાની નથી. આપણને માંડ માંડ એવું લાગે કે, હવે બધું થાળે પડી ગયું છે ત્યાં જ જિંદગી એવો ટર્ન લે કે આપણી મતિ મૂંઝાઇ જાય. ક્યારેક એવું લાગે કે, ક્યાંય ધ્યાન પડતું નથી. કોઇ દિશા સૂઝતી નથી. ચારેબાજુથી જાકારો જ મળે. શું થવા બેઠું છે એની સમજ જ ન પડે. એ સમયે પણ કંઇક એવી ઘટના બને છે કે બધું જ બદલી જાય. આપણને એવું થયા વગર ન રહે કે, આ તો મારા માટે ચમત્કાર જેવું છે. સમયની તાકાત જ નિરાળી છે. એ પહેલાં અંધારું કરે છે અને પછી એ જ અજવાળું પાથરે છે. આપણને એવું પણ લાગે કે, આપણે અજવાળાનો અનુભવ કરી શકીએ એટલે જ તેણે અંધારું કર્યું હતું. આપણને ભાન થઇ જાય કે, કુદરત જબરી કરામતી છે.
જિંદગી વિશે બહુ ધારણાઓ બાંધી લેવાની નહીં. એનું કારણ એ છે કે, ધારણાઓ ક્યારે ઊંધી વળી જાય એ નક્કી હોતું નથી. દરેક માણસ ગણતરીઓ ઉપર જીવતો હોય છે. આટલા વર્ષમાં આટલું કરવું છે, દરેકનાં સપનાં હોય છે અને એ સપનાં સાકાર કરવા માટેના પ્રયાસો પણ માણસ કરતો હોય છે. એક યુવાનની આ વાત છે. તેણે પોતાની જિંદગી માટેના પ્લાન ઘડી રાખ્યા હતા. કોલેજ પૂરી થાય પછી સારી નોકરીએ લાગી જવું છે. નોકરીમાં સેટ થઇ જવાય એટલે મેરેજ કરવા છે. એ પછી અમુક વર્ષે બાળકનું આગમન કરાવવું છે. જિંદગી સારી રીતે પસાર થાય એ માટે આટલી બચત કરવી છે. ઘરમાં એક વડીલ હતા. એ યુવાને વડીલને પોતાના ફ્યૂચર પ્લાનિંગ વિશે વાત કરી. વડીલે બધી વાત સાંભળીને કહ્યું કે, તારું પ્લાનિંગ તો પરફેક્ટ છે, પણ એક વાત ખૂટે છે. યુવાનને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, હજુ શું ખૂટે છે? વડીલે કહ્યું કે, આ પ્લાનિંગમાં ક્યાંય બ્રિધિંગ સ્પેસ નથી, કોઇ ઇમરજન્સી પ્લાનિંગ નથી. યુવાને પૂછ્યું, એટલે? વડીલે કહ્યું, તેં ધાર્યું છે એવું જ થાય એવું બિલકુલ જરૂરી નથી. થોડુંક પ્લાનિંગ એનું પણ કર કે, આવું ન થયું તો શું? આવું ન થયું અથવા તો આનાથી કંઇક ઊલટું થયું તો પણ હું લડી લઇશ. ગમે તે થાય તો પણ હું હતાશાને મારા પર હાવી થવા નહીં દઉં.
જિંદગી આપણને કલ્પના પણ ન હોય એવી ચેલેન્જીસ લઇને આવતી હોય છે. ઘણી વખત એવી સ્થિતિ સર્જાતી હોય છે કે, સક્ષમ વ્યક્તિ પણ સાક્ષી બની રહેવા સિવાય કંઇ કરી શકતી નથી. આપણે માનીએ કે ન માનીએ, કુદરતે કેટલીક બાબતો પોતાના હાથમાં રાખી છે. દરેક માણસના જીવનમાં એવો તબક્કો આવતો હોય છે જ્યારે એનાથી કહેવાઈ જાય કે, હવે તો ઇશ્વરે ધાર્યું હશે એ થશે. ઘણા લોકોને જોઇને આપણને એવું લાગતું હોય છે કે, એને તો સરખાઇ છે, એને તો શું પ્રોબ્લેમ હોય? એક મધ્યમ વર્ગનો યુવાન હતો. તે એક ખાનગી કંપનીમાં જોબ કરતો હતો. તેના પિતા બીમાર પડ્યા. ઓપરેશન કરવું પડે એમ હતું. ખર્ચ મોટો હતો. એ યુવાન શેઠ પાસે ગયો અને પિતાની સારવાર માટે લોન માંગી. શેઠ સારો માણસ હતો. તેણે તરત જ લોન મંજૂર કરી દીધી અને બીજું કંઇ કામ હોય તો પણ કહેવા કહ્યું. એ યુવાને થેંક્યૂ કહ્યું. શેઠે નમ્રતાભેર કહ્યું કે, મારા માટે પ્રાર્થના કરજે! યુવાનથી રહેવાયું નહીં. તેણે પૂછ્યું, શેઠ તમારા માટે પ્રાર્થના? તમારે ક્યાં કંઇ કમી છે? શેઠે કહ્યું, તારી પાસે માત્ર નાણાંની કમી છે એટલે તું એવું માને છે કે, જેની પાસે નાણાં છે એને કોઇ પ્રોબ્લેમ નથી. એવું હોતું નથી. નાણાં છે એના પ્રોબ્લેમ જુદા હોય છે. કંઇ ન હોય તો સંબંધોના સવાલો હોય છે. એવા સવાલો જેના જવાબો મળતા નથી. કોઇના માટે કંઇ ધારી કે માની લેવું નહીં. કોની પાસે કેટલું છે એ મહત્ત્વનું છે જ નહીં, માણસ પોતાને કેટલો સુખી સમજે છે એ જ મહત્ત્વનું છે. જે છે એનાથી જેને સંતોષ છે અને જે છે એનાથી જેને ખુશી મળે છે એ જ માણસ સાચો સુખી છે.
દરેક માણસે જિંદગીના પડકારો માટે તૈયાર રહેવું જોઇએ. તૈયારી હોય એ પછી જ્યારે પડકાર આવે ત્યારે બહુ વાંધો આવતો નથી. જેની કોઇ તૈયારી હોતી નથી એ જ હાંફળાફાંફળા થઇ જાય છે. એક ભાઇને ધંધામાં નુકસાન ગયું. ઘરમાં પણ ઘણા બધા ઇશ્યૂઝ પેદા થયા. થાકી હારીને એ એક સંત પાસે ગયો. સંતને તેણે કહ્યું કે, જે થયું એની તો મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી. સંતે સહજ ભાવે કહ્યું, તેં કલ્પના નહોતી કરી એ જ તારી ભૂલ હતી. તારે કલ્પના કરવી જોઇતી હતી. કલ્પના કરી હોય તો જ્યારે આવું થયું ત્યારે તને આઘાત ન લાગ્યો હોત. આવું તો થાય. તારા એકલા સાથે જ આવું થયું છે એવું પણ નથી. જિંદગીમાં દરેક માણસ સાથે ક્યારેક ને ક્યારેક આવું થયું જ હોય છે. જિંદગીને કહેતા રહેવું પડે છે કે, એ જિંદગી, તારા તમામ પડકારો ઝીલવા માટે હું તૈયાર છું. મને ખબર છે કે, તું સરપ્રાઇઝ આપતી રહેવાની છે. તેં સારાં સરપ્રાઇઝ પણ આપ્યાં છે. તેં ઘણું બધું સારું કર્યું છે. તું પડકાર લઇને આવીશ તો પણ હું તેનું સ્વાગત કરીશ. બસ, એટલું કરજે, મને એ પડકાર ઝીલવાની શક્તિ આપજે. મારી કસોટી કર એમાં વાંધો નથી, પણ મને એ કસોટીમાં પાસ કરજે. મને તારાથી કોઇ ફરિયાદ નથી. જિંદગી, તું જેવી છે એવી જ મને ખૂબ ગમે છે!
છેલ્લો સીન :
માણસે એ નક્કી કરવું પડતું હોય છે કે, મારે જીતવું છે કે સમય અને સંજોગોને જીતવા દેવા છે? આપણે જીતવું હોય તો સતત લડતા રહેવું પડે છે. એ વાત પણ યાદ રાખવાની કે, આપણી લડાઇ આપણે જ લડવી પડે છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 27 ઓક્ટોબર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com