માત્ર ઘર જ નહીં,
મનની પણ સફાઇ કરીએ
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
દિવાળીના પર્વે સાફસફાઇનો અનેરો મહિમા છે.
સફાઇ માત્ર ઘર, ઓફિસ કે દુકાનમાં જ કરવાની નથી,
તન, મન અને ધનને પણ પવિત્ર કરવાનો આ અવસર છે!
———–
તહેવારો જિંદગીને વધુ જીવવા જેવી બનાવે છે. કોઇ પણ તહેવારથી આપણી જિંદગીમાં જો નાનો સરખો પણ બદલાવ ન આવે તો સમજવું કે તહેવાર વ્યર્થ ગયો. દિવાળી તો તહેવારોનો રાજા છે. દિવાળીને રંગ અને પ્રકાશનું પર્વ કહેવામાં આવે છે. દીવા થશે, રંગોળી પુરાશે, મીઠાઇ ખવાશે, પણ જિંદગી કેટલી તરોતાજા થશે? દીવાળી આવે એ પહેલાં લોકો ઘરની સાફસફાઇ કરે છે. બીજા દિવસોમાં ઘરમાં સફાઇ તો થતી જ હોય છે, પણ દિવાળી સફાઇની મેગા ઇવેન્ટ છે. હવે ઘર અને લાઇફ સ્ટાઇલ ધરમૂળથી બદલાઇ ગયાં છે. અગાઉના સમયમાં કાંધી પરથી પિત્તળનાં વાસણો ઉતારાતાં અને ઘસી ઘસીને સોના જેવા ચમકાવવામાં આવતાં હતાં. ઘરનો ખૂણેખૂણો સાફ થતો. ચૂનો ધોળાતો અને બીજું ઘણું બધું થતું. પડોશીઓ એકબીજાને સફાઇમાં મદદ કરતા હતા. સફાઇનું કામ જાણે તહેવારની ઉજવણીનો જ એક હિસ્સો હતું. હજુ પણ સફાઇ તો થાય જ છે, પણ સ્ટાઇલ થોડીક બદલી છે. લોકો ઓનલાઇન એજન્સીઓનો સંપર્ક કરીને સફાઇ કરનારાઓને બોલાવી લે છે. હવે લોકોના મોઢે એવું સાંભળવા મળે છે કે, આપણાથી સફાઇનું કામ થાય નહીં હોં! વેલ, ગમે તે રીતે થાય, ઘરના લોકો કરે કે બહારથી બોલાવે, સફાઇ થવી જોઇએ.
સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું પહેલેથી કહેવાતું આવ્યું છે. એક સમય હતો જ્યારે લોકો કંઇ પણ ખરીદતા પહેલાં સો વખત વિચાર કરતા. ખર્ચનો તો વિચાર કરવો જ પડતો હતો, સાથોસાથ એ પણ વિચારવામાં આવતું કે, મારે ખરેખર આ ચીજ કે વસ્તુની જરૂર છે ખરી? હવે લોકો ખરીદી કરવામાં બહુ લાંબું વિચારતા નથી. સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા હોય અને કોઇ સારી વસ્તુ નજરે પડે તો તરત જ ઓનલાઇન શોપિંગ કરી લે છે. ઘરમાં જરાક નજર ફેરવજો, એવી કેટલી વસ્તુઓ હશે જે લીધા પછી ભાગ્યે જ આપણે વાપરી હશે. ખરીદવી પરવડે એમ હોય એટલે લોકો ખરીદી લેતા હોય છે. મારે એની જરૂર છે કે કેમ એવું વિચારવાની કોઇ પરવા કરતું નથી. કબાટ અને ટેબલનાં ખાનાંઓ કામની કરતાં નકામની ચીજવસ્તુઓથી વધુ ભર્યાં હોય છે. ઘણી વખત તો સફાઇ કરીએ ત્યારે ખબર પડે કે આપણી પાસે આ પણ છે! સફાઇ ક્યારેક માણસને ભૂતકાળમાં પણ ઢસડી જાય છે. કેટલીક ચીજો સાથે સ્મરણો જોડાયેલાં હોય છે. એ વસ્તુ હાથમાં આવે ત્યારે ક્યારેક હસી પડાતું હોય છે તો ક્યારેક આંખોના ખૂણા ભીના પણ થઇ જતા હોય છે! કેટલીક ચીજવસ્તુઓ ક્યારેય વાપરતા ન હોય તો પણ ફેંકી શકાતી નથી. એ ક્યારેક આપણી જિંદગીનો એવો હિસ્સો બની હોય છે, જે આપણા માટે કંઇક વિશિષ્ઠ હોય છે. ઘણા લોકો કંઇ ફેંકી શકતા કે કોઇને આપી શકતા નથી. સંઘરેલો સાપ પણ કામ લાગે એવું માનવાવાળા હજુયે છે. બગડી ગયેલો મોબાઇલ કે સડી ગયેલું ચાર્જર પણ કેટલાક લોકો ફેંકી દેતા નથી. ઘરમાં પડેલો ઇ-વેસ્ટ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. સામા પક્ષે એવા લોકો પણ છે, જે કંઇ નવું લાવે એ સાથે જૂનું કોઇને આપી દે છે. સંગ્રહની વૃત્તિ સરવાળે માણસને સંકુચિત બનાવતી હોય છે.
ઘર, ઓફિસ કે દુકાનની વાત તો ઠીક છે, તન અને મનની સફાઇનું શું? તન માટે પણ હવે લોકો ડિટોક્સ થેરેપી લે છે. નિયમિત રીતે જિમ જાય છે અને બીજું ઘણું બધું કરે છે. મન માટે ભાગ્યે જ લોકો વિચાર કરતા હોય છે. આપણે કેટલા બધા પૂર્વગ્રહો, કેટલી બધી ઇર્ષા, નારાજગી, ગુસ્સો, ઉદાસી અને બીજું ઘણું બધું આપણામાં સંગ્રહી રાખતા હોઇએ છીએ. આખા દિવસ દરમિયાન આપણને જે વિચારો આવે છે એની અસર આપણા શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. નેગેટિવ વિચારોનો પણ ગઠ્ઠો જામતો હોય છે. એ આપણું જીવવું હરામ કરી દે છે. દિવાળી ઘણા બધા બેગેજીસને ખંખેરી નાખવાનો પણ અવસર છે. ગયા વર્ષ દરમિયાન કોઇ સાથે ઝઘડો થયો હશે, કોઇ સાથે અણબનાવ બન્યો હશે, નજીકના લોકો સાથે નાની અમથી વાતે નારાજગી સર્જાઇ હશે, કોઇએ આપણું દિલ દુભવ્યું હશે, આપણાથી પણ કોઇનું દિલ દુભાવાઇ ગયું હશે. આ બધું જો ન હટે તો જિંદગી ભારે લાગવા માંડે છે. હળવાશ માટે ઘણું બધું ભૂલવાની જરૂર પડે છે. માફ કરવું પડે છે. જતું કરવું પડે છે. આમ તો આ બધું રોજેરોજ કરવાની જરૂર હોય છે, પણ ઘણી વખત એ થઇ શકતું નથી. વર્ષમાં એકાદ વખત થઇ શકે તો પણ ઘણું છે.
ઘણા લોકો કૂથલી અને દાવપેચમાં વ્યસ્ત રહે છે. તેઓ એવું માનતા હોય છે કે, ટકવા માટે આવું બધું ધ્યાન રાખવું પડે છે. આપણી પાછળ કોઇ રમત રમતું હોય છે. આપણે એને ન ઓળખીએ તો એ આપણું જ પતન નોતરે છે. આ વાત ભલે સાવ ખોટી ન હોય, પણ જે લોકો પોતાનું કામ શાંતિથી, નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરતા હોય છે એણે ખાસ ડરવાની જરૂર હોતી નથી. મોટા ભાગે લોકો ખોટી ઇનસિક્યોરિટીથી પીડાતા હોય છે. એને સતત ભય લાગતો હોય છે કે, કોઇ મને હાનિ પહોંચાડશે, કોઇ મને નીચા દેખાડવાના પ્રયાસો કરશે. જે લોકો એવાં કરતૂતો કરવાના છે એ કરતા જ રહેવાના છે. આપણે જો સાચા અને સારા રસ્તે કામ કરતા રહીએ તો કોઇની કંઇ કારી ફાવતી નથી. કોણ કેવો છે એ લોકોને ખબર હોય છે. આપણે સારા હોઇએ એટલું પૂરતું છે. હું સારો છું એવું સાબિત કરવાની કોઇ જરૂર હોતી નથી. એ આપોઆપ લોકોને ખબર પડી જ જવાની છે. બીજા શું કરે છે એની ચિંતા આપણો જ સમય બગાડે છે અને તેનાથી આપણી જ શક્તિનો વ્યય થાય છે. મનને તમામ ગ્રંથિઓ અને તમામ પૂર્વગ્રહોથી મુક્ત કરી દઇએ તો જ જિંદગી જીવવાની ખરી મજા આવવાની છે. જરાક વિચાર કરી જુઓ કે, શું મને જિંદગી જીવવાની મજા આવે છે? જો જવાબ ના હોય તો એનાં કારણ શોધો અને એ હટાવી દો. દિવાળી ખાતું સરભર કરવાનો અવસર છે. આપણા મનનું બેલેન્સ આપણે જ સાધવું પડે છે.
તન, મન અને ધનની સફાઇનો મહિમા પણ દિવાળીના તહેવારો સાથે જોડાયેલો છે. ધનતેરસના દિવસે આપણે લક્ષ્મીનું પૂજન કરીએ છીએ અને દિવાળીએ ચોપડા પૂજન કરીએ છીએ. ધનનો થોડો સદ્ઉપયોગ કરીએ એ જ ધનની સફાઇ છે. કુદરતે જ આપ્યું હોય એમાંથી શક્તિ મુજબ થોડું તો થોડું સારાં કામોમાં વાપરવું એ ધનની સાચી પૂજા છે. ફેસ્ટિવલ મૂડ જામતો જાય છે. ફેસ્ટિવલ્સના પ્લાનિંગને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યા છે. એક વર્ષ પૂરું થશે. આ એક વર્ષમાં આપણી જિંદગીમાં કેટલું ઉમેરાયું? આપણે ઘણાના મોઢે સાંભળીએ છીએ કે, તારા કરતાં મેં વધુ દિવાળી જોઇ છે! એની પાછળનો ખરો મર્મ એ જ છે કે, તારા કરતાં મને જિંદગીનો વધુ અનુભવ છે. અનુભવો સારા પણ હોય અને નરસા પણ હોય, સરવાળે તો એમાંથી આપણે શું શીખીએ છીએ એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ગયા વર્ષ દરમિયાન એવી ઘટનાઓ પણ બની હશે જે દિલને ઠેંસ પહોંચાડી ગઇ હોય. શું યાદ રાખવું અને શું ભૂલી જવું એ દરેકે નક્કી કરવાનું હોય છે. ખોટા ભાર લઇને ફરવાનો કોઇ મતલબ હોતો નથી. નક્કી કરીએ કે, તહેવારોને દિલથી માણવા છે અને નવા વર્ષમાં વધુ સારી જિંદગી જીવવી છે!
———
પેશ-એ-ખિદમત
મેરે ગરીબ સે ઘર મેં તેરે કદમ આયે,
વો ચંદ લમ્હે થે જો જિંદગી મેં કમ આયે,
કભી કભી તો જમાનોં કે બા’દ મિલતે હો,
મિલા કરો કિ જરા દોસ્તી મેં દમ આયે.
-મહમૂદ ગજની.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 23 ઓકટોબર 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com