બધું પૂછ નહીં, થોડીક તારી બુદ્ધિનો પણ ઉપયોગ કર! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધું પૂછ નહીં, થોડીક તારી
બુદ્ધિનો પણ ઉપયોગ કર!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


એ તરફ ચાલે સતત મારા કદમ,
આમ તો એના નગરથી દૂર છું,
એ દુવા વરસી રહી છે આજ પણ,
આમ ક્યાં એની નજરથી દૂર છું?
-કમલ પાલનપુરી



કુદરતે દરેકને બુદ્ધિ આપી છે. એનો કેવો અને કેટલો ઉપયોગ કરવો એ દરેક વ્યક્તિએ નક્કી કરવાનું હોય છે. આપણી બુદ્ધિ જ આપણને બૂરું કરતા અટકાવે છે અને સારું કરવા પ્રેરતી રહે છે. બુદ્ધિ વગરના બળનો કોઇ અર્થ નથી રહેતો. શક્તિનો પણ કેવી રીતે સદ્ઉપયોગ કરવો એની સમજ હોવી જોઇએ. ઘણા લોકો પોતાના હાથે જ પોતાના પગ પર કુહાડા મારતા હોય છે. ક્યારેક એ એવાં પરાક્રમો કરે જેની આપણને કલ્પના પણ ન હોય! આપણાથી કહેવાઈ જાય કે, તારામાં બુદ્ધિ જેવું કંઇ છે કે નહીં? આવા ખુરાફાતી વિચારો તને ક્યાંથી આવે છે? કોઇ વાત કરે ત્યારે જ આપણે થથરી જઇએ છીએ અને કહીએ છીએ કે, ધ્યાન રાખજે હોં, એવા ગાંડા ઘેલા કાઢતો નહીં, તારું તો જે થવાનું હશે એ થશે, તું અમારી હાલત પણ ખરાબ કરી નાખીશ. ઘણાની લાઇફ એવી હોય છે કે એને ચિંતા કરવા જેવું કંઇ નથી હોતું. એ લોકો પેટ ચોળીને શૂળ ઊભું કરતા હોય છે. એક યુવાનની આ વાત છે. એ વાત વાતમાં ઉધામા મચાવે. તેના ફાધરનો સરસ મજાનો બિઝનેસ હતો. પૈસેટકે કોઇ પ્રોબ્લેમ નહોતો. પ્રોબ્લેમ એ યુવાનના મગજનો હતો. એ એવાં કારનામાં કરે કે, તેના પિતા જવાબ દઇ દઇને થાકી જાય. કામ ધંધામાં પણ દાટ જ વાળે. એક વખત તેના પિતાએ તેને પાસે બેસાડીને શાંતિથી કહ્યું કે, તારે કંઇ કામ કરવાની જરૂર નથી. તું કમાઇશ નહીં તો પણ આપણને કોઇ વાંધો આવવાનો નથી. તું કંઇ જ ન કર. બસ શાંતિથી રહે. તારે વાપરવા માટે જેટલા રૂપિયા જોઇએ એટલા આપીશ, પણ તું શાંતિ રાખ. રોજ સવારે અમને એ વાતનું જ ટેન્શન રહે છે કે, તું આજે કંઇ નવાજૂની ન કરે તો સારું! ભગવાને તને શાંતિની જિંદગી આપી છે તો શાંતિથી જીવ અને અમને પણ શાંતિથી જીવવા દે! તું કંઇ પૂછતો નથી અને કહીએ એ માનતો નથી.
સારો માણસ એ છે જેની બુદ્ધિ સાત્ત્વિક છે. જે પોતાની બુદ્ધિનો સારી રીતે ઉપયોગ કરે છે. માણસની આવડત અને સમજણ એના પરથી જ નક્કી થાય છે કે, એ પોતાની બુદ્ધિનો કેવો ઉપયોગ કરે છે. આપણી બુદ્ધિ કેટલી સ્વતંત્ર છે? તમારે તમારા નિર્ણયો માટે બીજાની કેટલી મદદ લેવી પડે છે? ક્યારેક કોઇ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે કોઇની સલાહ લઇએ એ જુદી વસ્તુ છે. અમુક સંજોગોમાં એ જરૂરી પણ હોય છે. દરેકે દરેક બાબતમાં કોઇને પૂછવું કે કોઇનાથી દોરવાતા રહેવું જોખમી હોય છે. દરેક માણસે પોતાના નિર્ણયો પોતે જ લેવા જોઇએ. જેને પોતાની બુદ્ધિ પર ભરોસો નથી, એણે બીજાની બુદ્ધિ પર આધાર રાખવો પડતો હોય છે. ઘણા આધાર આપણને નિરાધાર કરી દે એવા હોય છે. આપણે જેની પાસે બચવા માટે ગયા હોય ત્યાં જ ફસાઇ જઇએ છીએ. આપણે જ ઘણી વખત એવું બોલતા હોઇએ છીએ કે, મારી બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ હતી કે મેં તેની વાત માની! તમે કોની વાત માનો છો? જે ખરેખર યોગ્ય વ્યક્તિ છે એની વાત માનવામાં કશું ખોટું હોતું નથી, પણ એવું કરતા પહેલાં એટલો ભરોસો હોવો જોઇએ કે, એ મારું બૂરું ઇચ્છશે જ નહીં. એવી વ્યક્તિ આપણી લાઇફમાં હોય તો પણ એનો ઉપયોગ જરૂર પડે ત્યારે જ કરવો જોઇએ.
એક સાવ સાચો કિસ્સો છે. એક યુવાન હતો. તેના ફેમિલીમાં એક વડીલ હતા. ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રચંડ જ્ઞાની. પોતાના લોકોની વાત તો દૂર રહી, કોઇનું બૂરું ન ઇચ્છે. એ યુવાન કંઇ પણ હોય એટલે તરત જ એ વડીલ પાસે પહોંચી જાય અને તેનું માર્ગદર્શન મેળવે. ધીમે ધીમે સ્થિતિ એવી થઇ ગઇ કે, નાની સરખી વાત હોય તો પણ એ યુવાન એ વડીલ પર જ ડિપેન્ડન્ટ રહેવા લાગ્યો. પોતાની બુદ્ધિનો ઉપયોગ જ ન કરે. વડીલ સમજુ હતા. એક વખત એ યુવાન સલાહ માંગવા આવ્યો ત્યારે તેમણે સામો સવાલ કર્યો કે, આ મુદ્દે તું શું વિચારે છે? એ યુવાને કહ્યું, હું તો કંઇ વિચારતો જ નથી. તમે કહો એમ જ કરવાનો છું પછી હું શા માટે વિચારું? આખરે એ વડીલે કહ્યું કે, બધું પૂછી પૂછીને ન કર, થોડીક તારી બુદ્ધિનો પણ ઉપયોગ કર. મને ત્યારે જ પૂછ જ્યારે તારું ધ્યાન ન પડે. આવું જ કરીશ તો તું બુદ્ધિથી પાંગળો થઇ જઇશ. શરીરથી પાંગળા થઇ જઇએ તો હજુયે બહુ વાંધો નથી આવતો, પણ બુદ્ધિથી પાંગળા થઇ જઇએ તો આપણે બીજાના ઇશારે ઢસડાતા જ રહીએ છીએ. આવા ઘણા બુદ્ધિનાં બારદાનો આપણી આજુબાજુમાં હોય જ છે. અમુકને તો સમજાવી સમજાવીને થાકી જાઓ તો પણ એ ઊંધું જ કરી આવે. આપણને છેલ્લે એમ થાય કે, આને સોંપ્યું એના કરતાં તો હાથે કરી લીધું હોત તો સારું થાત! હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા એ કહેવત આવા લોકો પરથી જ પડી હશે!
ઘણા લોકો કોઇ નિર્ણય લઇ શકતા નથી. મોબાઇલ કયો લેવો? કાર કઇ સારી? એ દરેકે દરેક નિર્ણય કોઇને પૂછીને કરે જ કરે છે. આપણા માટે સૌથી મહત્ત્વનું એ જ હોય છે કે, આપણને શું ગમે છે? આપણને શું પરવડે છે? આપણને શું ફાવે છે? આપણને ગમતું હોય પછી કોઇના સર્ટિફિકેટથી કંઇ ફેર પડતો નથી. દરેકની ચોઇસ અલગ હોવાની છે. આપણને ગમે એ બીજાને ન પણ ગમે. એનાથી આપણને કંઇ ફર્ક પડવો ન જોઇએ. ઘણા લોકો કંઇ પણ કરતા પહેલાં એ વિચારે છે કે, બીજાને કેવું લાગશે? તમે જે કરો છો એ સારું અને વાજબી લાગતું હોય તો બીજાથી કોઇ ફર્ક પડવો ન જોઇએ. આ દુનિયામાં એ જ લોકો આગળ આવ્યા છે જેમણે પોતાના ડિસિઝન પોતાની રીતે લીધા છે. નિર્ણય ખોટો પડે તો પણ વાંધો નહીં, બસ એ નિર્ણય આપણો હોવો જોઇએ. બધા વિચારે છે એના કરતાં જેણે જુદું વિચાર્યું છે એ જ કંઇક કરી શક્યા છે. જોખમો લેવાં એ જ જિંદગીનું બીજું નામ છે. રિસ્ક વગર કંઇ જ સિદ્ધ થવાનું નથી. એનો મતલબ જરાયે એવો નથી કે, આંધળૂકિયાં કરવાં. સમજી વિચારીને જ નિર્ણયો લેવા જોઇએ અને દરેક પરિબળને આપણી બુદ્ધિના ત્રાજવે તોલવા જોઇએ. તમારા ડિસિઝન તમે પોતે જ લો છો? ભલે એ સાવ નજીકની વ્યક્તિ હોય પણ બધું પૂછી પૂછીને કરવાની કંઇ જરૂર હોતી નથી. સન્માન પણ એનું જ થાય છે, જે પોતાની બુદ્ધિનો સાચો અને સારો ઉપયોગ કરી જાણે છે!
છેલ્લો સીન :
દરેક માણસે પોતાની હયાતી, પોતાનું અસ્તિત્વ અને પોતાની હાજરી સમયે સમયે સાબિત કરતા રહેવું પડે છે. લોકોને યાદ અપાવતા રહેવું પડે છે કે તમે છો! એ સિવાય તો દુનિયા આપણો એકડો કાઢી નાખે એવી જ છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 20 ઓક્ટોબર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *