HURRY SICKNESS
દરેક વાતમાં ઉતાવળની
આ બીમારી જોખમી છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
અમુક લોકો હંમેશાં ઉતાવળમાં જ હોય છે.
નહાવામાં, ખાવામાં કે ઓફિસના કામમાં
પણ તેના માથે ઉતાવળ સવાર હોય છે!
તમે તો આવું નથી કરતાને?
———–
ઉતાવળા સો બ્હાવરા, ધીરા સો ગંભીર અને ઉતાવળે આંબા ન પાકે, જેવી કહેવત તમે સો ટકા સાંભળી જ હશે. અત્યારના હાઇટેક જમાનામાં ઉતાવળ અને હાયહોય સતત વધી રહી છે. કોઇ કામમાં જરાકેય વાર લાગે તો લોકો ઇરિટેટ થઇ જાય છે. કંઇક ડાઉનલોડ થવામાં વાર લાગે તો મગજની નસો તંગ થઇ જાય છે. લિફ્ટ આવવામાં વાર લાગે તો પણ લોકો ઊકળી ઊઠે છે. ટ્રાફિક સિગ્નલ પર જેવી ગ્રીન લાઇટ થાય કે હોર્ન મારવા માંડે છે. એવું નથી કે, માણસ બિઝી હોય ત્યારે જ આવું કરે છે. સાવ ફ્રી હોય, કોઇ જલદી ન હોય તો પણ જરાકેય મોડું થાય તો માણસ છંછેડાઇ જાય છે. હમણાંનો એક સાવ સાચો કિસ્સો છે. પતિ-પત્ની કારમાં લોંગ ડ્રાઇવ માટે નીકળ્યાં હતાં. હસબન્ડ ડ્રાઇવ કરતો હતો. એ સતત હોર્ન મારતો હતો અને જે લોકો ધીમા ચાલે કે આડા આવે તેના પર બરાડા પાડતો હતો. પત્નીએ તેને કહ્યું કે, આપણે ચક્કર મારવા નીકળ્યાં છીએ. આરામથી રે’ને. આપણે ક્યાં ક્યાંય પહોંચવાનું છે? રિલેક્સ થવા નીકળ્યાં છીએ, પણ તું તો એકદમ હાઇપર થઇ જાય છે! આપણે બધા જ જાણે અજાણે ક્યારેક આવું કરતા હોઇએ છીએ. આપણી પ્રકૃતિ જ એવી થઇ જાય છે કે, બસ બધું ફટાફટ થવું જોઇએ. માણસ ક્યારેય પોતાના વર્તન વિશે વિચાર કરતો નથી કે, આખરે હું શું કરું છું અને શા માટે કરું છું?
દરેક વસ્તુની એક રિધમ હોય છે. પ્રકૃતિમાંથી કોઇ પણ ઉદાહરણ લઇ લો, એ એના સમય મુજબ જ ચાલે છે. સૂરજ ક્યારેય ઊગવામાં ઉતાવળ કરતો નથી. ફૂલ ક્યારેય ફટ દઇને ખીલી જતું નથી. ભરતી અને ઓટ પણ એના સમયે જ આવે છે. એક માણસ જ છે જેને દરેક વાતમાં ઉતાવળ જ હોય છે. તમે હરિ સિકનેસ વિશે સાંભળ્યું છે? આમ તો આ વાત કોઇ નવી નથી, પણ આજકાલ હરિ સિકનેસ ખૂબ જ ચર્ચામાં છે. જેમ જેમ સમયજાય છે એમ એમ વધુ ને વધુ લોકો હરિ સિકનેસનો ભોગ બની રહ્યા છે. હરિ સિકનેસનો ભોગ બનેલા લોકો સદાયે ઉતાવળમાં જ હોય છે. એને એવું જ લાગતું હોય છે કે, જો જલદી નહીં કરું તો મોડું થઇ જશે! હું પાછળ રહી જઇશ. હું સમયસર પહોંચી નહીં શકું. એ દરેક વસ્તુ કારણ વગરની ઉતાવળથી જ કરે છે. જમવાના, નહાવામાં અને તૈયાર થવામાં પણ તેને ઉતાવળ જ હોય છે. એના મનમાં સતત ચિંતા, ઉચાટ અને ઉત્તેજના જ હોય છે. તમે માર્ક કર્યું હશે કે, અમુક લોકો બોલવામાં પણ ઉતાવળ કરતા હોય છે. એને જલદીથી પોતાની વાત પૂરી કરવી હોય છે. ઉતાવળે કહેવામાં ઘણી વખત એ લચ્છા પણ મારે છે અને ક્યારેક કેટલાક શબ્દો ખાઇ પણ જાય છે. એને એ વાતનું ધ્યાન જ નથી રહેતું કે, એ સામેની વ્યક્તિને જે મેસેજ કન્વે કરવા માંગે છે એ થતો જ નથી. હરિ સિકનેસ માણસને શાંતિથી જીવવા દેતી નથી. હકીકત એ છે કે, એ બિલકુલ માનસિક સ્થિતિ છે. કોઇ કામ પૂરું કરવામાં જેટલો સમય લાગવાનો છે એટલો લાગવાનો જ છે. ખોટી ઉતાવળ કરવાનો કોઇ અર્થ નથી હોતો. ઊલટું જે લોકો શાંતિથી કામ કરે છે એનું કામ વધુ સારું અને ઝડપી થાય છે. ઉતાવળ કરવામાં ભૂલ થવાના ચાન્સીસ સૌથી વધુ રહે છે. જોન માર્ક કોમર નામના લેખકે `રૂથલેસ એલિમિનેશન ઓફ હરિ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમણે લખ્યું છે કે, દરેક માણસે પોતાની વર્ક પેટર્ન ચેક કરતા રહેવું જોઇએ કે, હું મારું કામ જે રિધમમાં કરવું જોઇએ એ રીતે કરું છુંને? મોડા પડવાનો કે પાછળ રહી જવાનો ભય ટાળવો જોઇએ.
ઘણા લોકો બધી જ જગ્યાએ વહેલા પહોંચી જતા હોય છે. દર વખતે વહેલા પહોંચી જવાથી કોઇ ફેર પડતો નથી. બહુ વહેલા નહીં પણ સમયસર પહોંચવાનું હોય છે. આ બંનેમાં તાત્ત્વિક ભેદ છે. હરિ સિકનેસ શબ્દનો ઉપયોગ સૌથી પહેલાં વર્ષ 1985માં અમેરિકન સાયકોલોજિસ્ટ મેયર ફ્રીડમેન અને રે એચ. રોઝમેને પોતાના પુસ્તક `ટાઇપ એ બિહેવિયર એન્ડ યોર હાર્ટ’માં કર્યો હતો. તેઓ લખે છે કે, હરિ સિકનેસ એ એક માનસિક અવસ્થા છે, એ કોઇ બીમારી નથી, પણ જો ધ્યાન રાખવામાં ન આવે તો એ ઘણી બધી બીમારીઓ નોતરી શકે છે. તેનાથી લાઇફ સ્ટાઇલ ડિસીઝ થવાથી માંડીને હાર્ટએટેક આવવા સુધીનું જોખમ રહે છે. ક્યારેક કોઇ કામમાં કે મોડું થઇ ગયું હોય ત્યારે માણસ ઉતાવળ કરે એ સમજી શકાય એવી વાત છે, પણ જો એ સ્વભાવ બની ગયો તો સાવચેત થઇ જવું પડે. જરાકેય મોડું થાય તો તમે ઇરિટેટ થઇ જાવ છો? નહાતી અને ખાતી વખતે પણ તમને ઉચાટ રહે છે? તમને મોડા પડવાનું સતત ટેન્શન રહે છે? તો તમારે સાવધાન થઇ જવાની જરૂર છે. આવા લોકો સરખી રીતે આરામ પણ કરી શકતા નથી. એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, ઊંઘમાં પણ આવા લોકોના ધબકારા વધુ રહે છે! આવા લોકો સતત થાકનો અનુભવ કરે છે અને એવું માનવા લાગે છે કે, ગમે તે કરું તો પણ મારાથી બધાં કામમાં પહોંચી વળાતું નથી. આવી પ્રકૃતિની વ્યક્તિને પેટમાં પણ ગરબડ રહે છે.
હરિ સિકનેસનો કોઇ ઉપાય ખરો? હા, થોડાક પ્રયાસોથી હરિ સિકનેસથી મુક્તિ મેળવી શકાય છે. બને ત્યાં સુધી મન, મગજ અને શરીરને શાંત રાખો. પોતાની જાતને ધરપત આપો કે, કંઇ અટકી જવાનું નથી. બધું થઇ રહેશે. કામ વધુ રહેતું હોય તો કામની પ્રાયોરિટી મુજબ લિસ્ટ બનાવો. કામ પૂરું થવાના સમયનો અંદાજ બાંધો અને એ રીતે શિડ્યુલ ગોઠવો. કામમાં પણ થોડોક બ્રિધિંગ પિરિયડ રાખો. તમારો શિડ્યુલ એટલો ટાઇટ ન કરી દો કે તેમાં જરાકેય ઊંચુંનીચું થાય તો ટાઇમ ટેબલ વિખાઇ જાય. એક વાત યાદ રાખો, દરેક વખતે આપણે ધાર્યું હોય એવું જ થાય એવું જરૂરી નથી અને એવું શક્ય પણ નથી. યોગ, ધ્યાન અને કસરતને હરિ સિકનેસનો બેસ્ટ ઉપાય માનવામાં આવે છે. થોડી મિનિટો શાંતિથી બેસો. કામનું બહુ જ પ્રેશર લાગતું હોય ત્યારે થોડીક મિનિટનો બ્રેક લો. કોઇ પણ વાતથી જરાયે ઇરિટેટ ન થાવ. કામ કરતા હોવ ત્યારે મોબાઇલથી દૂર રહો, મોબાઇલ ધ્યાન ભટકાવે છે અને કામનું પ્રેશર પણ વધારી દે છે.
આપણે મનને પણ શાંત રહેવા મનાવવું પડે છે. કંઇ અટકી નથી જવાનું, મારે જે કામ કરવાનું છે એ હું કરી જ લઇશ અને એ સમયસર થઇ જ જવાનું છે. ખોટી હાયહોય કરવાની કોઇ જરૂર નથી. ઘણા લોકો વળી સાવ ઊલટા પણ હોય છે. ગમે એટલી ધમાધમ હોય તો પણ એને કશાથી કોઇ ફેર પડતો નથી. આપણને એમ થાય કે, તું શું કરે છે? થોડીક તો સ્પીડ રાખ! સાવ ધીમા રહેવું પણ સારી વાત નથી. આમ તો એવાં કોઇ ચોક્કસ ધોરણો કે માપ નથી કે, કોને ઉતાવળ કહેવાય અને કોને ધીમું કહેવાય, દરેકની પોતાની કામ કરવાની આગવી સ્ટાઇલ હોય છે. દરેક માણસે પોતે જ નક્કી કરવું જોઇએ કે, હું ખોટી ઉતાવળ તો નથી કરતોને? અથવા તો હું બહુ ઢીલાશથી કામ કરતો નથીને? મારી કામ કરવાની જે રીત અને જે રિધમ છે એનાથી મને જ કોઇ ભાર કે ટેન્શનનો અનુભવ થતો નથીને? જો થતો હોય તો સાવધાન થઇ જવાની જરૂર છે. અતિશય ઉતાવળ આપણો આપણી જાત પરનો જ અત્યાચાર છે, જે આપણી હેલ્થ બગાડીને આપણને ગંભીર બીમારીનો ભોગ બનાવી શકે છે. સાજા સારા રહેવું હોય તો જેટલી શાંતિથી બધું કરશો એટલું સારું રહેશે!
———
પેશ-એ-ખિદમત
જબ પ્યાર નહીં હૈં તો ભૂલા ક્યૂં નહીં દેતે,
ખત કિસ લિયે રક્ખે હૈં જલા ક્યૂં નહીં દેતે,
કિસ વાસ્તે લિક્ખા હૈં હથેલી પે મેરા નામ,
મૈં હર્ફે-એ-ગલત હૂં તો મિટા ક્યૂં નહીં દેતે?
-હસરત જયપુરી.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 16 ઓકટોબર 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com