તું જિંદગી સામે ફરિયાદો કરવાનું બંધ કર તો સારું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું જિંદગી સામે ફરિયાદો
કરવાનું બંધ કર તો સારું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


જગતમાં આપનાથી ક્યાં કોઇ સારી હવેલી છે,
પરંતુ કેમ એને ત્યાં હવા ઉપર ચણેલી છે?
મને સમજાય એ પહેલાં એ સમજી જાય છે વાતો,
કે મારી લાગણી મારાથી બહુ સારું ભણેલી છે.
-ગુંજન ગાંધી



દરેક માણસને પોતાની જ જિંદગી વિશે ક્યારેક ને ક્યારેક સવાલો થતા જ હોય છે. મારી સાથે કેમ આવું જ થાય છે? ગમે એટલા પ્રયાસો કરું તો પણ કેમ મારી લાઇફમાં પ્રોબ્લેમ જ ઊભા થાય છે? માંડ માંડ બધું સેટ કરું ત્યાં કંઇક એવું થાય છે કે બધું ઊંધું ચત્તું થઇ જાય છે. દરેક માણસને જિંદગીમાં એક સમયે એવું પણ લાગે છે કે, હવે બધું સેટ થઇ ગયું છે. બધા કેલ્ક્યુલેશન કરીને વિચારે છે કે, હવે કોઇ વાંધો નહીં આવે. સમય ક્યારેય એકસરખી શાંતિ કે સુખ લેવા દેતો નથી. સમય એવો ઘૂમે છે કે માણસને ચક્કર આવી જાય. જિંદગીમાં એક વખત તો એવો સમય આવે જ છે જ્યારે માણસનું ક્યાંય ધ્યાન ન પડે. કોઇ પણ વડીલને પૂછજો કે, તમારી જિંદગીમાં એવો તબક્કો ક્યારે આવ્યો હતો જ્યારે તમારી દશા ખરાબ થઇ ગઇ હતી? ઘણાની જિંદગીમાં તો એક વખત નહીં, પણ અનેક વખત એવો સમય આવ્યો હોય છે જ્યારે એમની મૂંઝવણનો કોઇ પાર રહ્યો ન હોય. એમની વાત સાંભળીને આપણને એમ થાય કે, આના તો નસીબ જ વિચિત્ર છે. એકમાંથી બહાર આવ્યા ન હોય ત્યાં બીજી ઉપાધિ આવી જાય છે! એક પછી એક પડકાર આવે તો માણસ હજુયે એને ઝીલી લે છે, પણ ક્યારેક તો સમસ્યાઓ બટાલિયન મોઢે આવે છે. એકસાથે એટલું બધું સામે આવીને ઊભું રહી જાય કે કોઇ દિશા જ ન સૂઝે. આપણાથી બોલી જવાય કે, હે ભગવાન! તું શું કરવા ધારે છે? આટલી કસોટી તે કંઇ હોતી હશે?
જિંદગી ક્યારેક આંખે અંધારાં લાવી દે છે. કંઇ જ સૂઝે નહીં. અઘરા અને કપરા સમયનું એક સોલ્યુશન એ છે કે, આ સમય શાંતિથી પસાર કરી લેવો. કોઇ ખોટા ઉધામા ન મચાવવા. જિંદગીમાં ક્યારેક સમય અને સ્થિતિના સાક્ષી બનીને જીવવું પડતું હોય છે. એક ભાઇ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ચારે બાજુથી સંકટો જ ત્રાટકતાં હતાં. તેના એક સ્વજને પૂછ્યું કે, તું આ સમય કેવી રીતે પસાર કરે છે? એ માણસે કહ્યું કે, જે થાય છે એ થવા દઉં છું. કંઇ જ કરતો નથી. આપણે માનીએ કે ન માનીએ, પણ ક્યારેક આપણે જિંદગીની કમાન ઉપરવાળાના હાથમાં સોંપી દેવી જોઇએ. તમે જ્યારે કંઇ કરી શકો એમ ન હોવ ત્યારે બધું ધરાર પકડી રાખવાનો કોઇ મતલબ નથી હોતો. ઘણા લોકોથી તો પોતાની પરિસ્થિતિ કંટ્રોલમાં ન હોય એ જ સહન નથી થતું. એક ભાઇની આ વાત છે. તે સખત મહેનતું હતા. બધા એમને માન આપતા હતા. ધંધો ધમધોકાર ચાલતો હતો. કોઇની એવી હિંમત નહોતી કે, તેમની સામે બોલે. સમયે પલટી મારી. ધંધામાં ખોટ જવા લાગી. બહુ વિચારીને કરેલા નિર્ણયો પણ ઊંધા પડવા લાગ્યા. નબળો સમય આવે ત્યારે લોકો પણ મોકો જોઇને મનમાં આવે એમ બોલતા હોય છે. ઘણાએ તો ત્યાં સુધી કહ્યું કે, એ તો એના નસીબ સારાં હતાં એટલે અત્યાર સુધી ચાલ્યું, બાકી એનામાં કંઇ હીર હતું જ નહીં. તેણે પત્નીને કહ્યું કે, મારા વિશે અગાઉ કોઇ આવું બોલ્યું નથી. મારાથી સહન થતું નથી. એક તો ધંધાના કોઇ ઠેકાણાં નથી રહ્યાં અને ઉપરથી નજીકના લોકો જ નબળી વાતો કરે છે. પત્ની ડાહી અને સમજુ હતી. તેણે કહ્યું કે, કોઇ વાત દિલ પર ન લો. ધંધાની ચિંતા તો ન જ કરો. લોકો બોલે છે એની જરાયે પરવા ન કરો. સમય ફરશે અને બધું સરખું થશે એટલે આ લોકો જ પાછા ગુણગાન ગાવા લાગશે! સંસારનો તો એ નિયમ છે કે, નબળું ભાળે એટલે દબાવવા લાગે. સબળું થાય એટલે સલામ ઠોકવા લાગે!
જિંદગી વિશે એક વાત ગાંઠ બાંધીને રાખવા જેવી એ છે કે, ક્યારેક તો કપરો સમય આવવાનો જ છે. જિંદગી ફજરફાળકા જેવી છે, જે ગોળ ગોળ ફરે છે, ક્યારેક આપણને ઉપર લઇ જાય છે તો ક્યારેક નીચે લઇ આવે છે. ઉપર હોઇએ ત્યારે એ વાત યાદ રાખવાની કે નીચે જવાનું જ છે. નીચે હોઇએ ત્યારે તો એ વાત ખાસ યાદ રાખવાની કે, ઉપર પણ જવાનું જ છે. માણસનું ડહાપણ, માણસની સમજણ, માણસની બુદ્ધિ અને માણસનું જ્ઞાન એના પરથી જ મપાતું હોય છે કે, એ દરેક સમયને કેવી રીતે ટેકલ કરે છે? સારા સમયને પણ સંભાળતા અને સાચવતા આવડવું જોઇએ. જે સારા સમયને સાચવી શકતા નથી, એ ખરાબ સમયમાં એકલા પડી જતા હોય છે. સારા સમયમાં માણસ કેટલો સારો રહે છે એના પરથી તેની ખરી સારપ છતી થતી હોય છે. એક યુવાન સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો કે, જિંદગીમાં ખરાબ સમય કેમ આવે છે? સંતે કહ્યું, ખરાબ સમય ન આવતો હોત તો આપણને જિંદગી વિશેની સાચી સમજ કોણ આપત? ખરાબ સમયના અનુભવો જ એ વાત સાબિત કરે છે કે, કોણ આપણા છે અને કોણ પરાયા છે? આપણા પોતાનામાં પણ દરેક પરિસ્થિતિમાં ટકવાની કેટલી તાકાત છે એ ખરાબ સમયમાં ઓળખાતી હોય છે.
ઘણા લોકો ખરાબ સમયમાં રોદણાં રડવા લાગતા હોય છે. કંઇ ન સૂઝે તો છેલ્લે એવા લોકો પોતાના નસીબને દોષ દે છે. મારાં નસીબ જ ખરાબ છે. મારા ભાગે જ બધી પીડા લખી છે. એક યુવાનની નોકરી ચાલી ગઇ. મગજ ઠેકાણે રહેતું નહોતું એટલે ઘરમાં પત્ની સાથે પણ ઝઘડા થતા હતા. એક વખત તેણે પિતાને વાત કરી કે, મારી હાલત ખરાબ છે. મારી જિંદગી જ મને ભારે લાગે છે. બધા મને હેરાન કરવા જ બેઠા છે. પિતાએ બધી વાત સાંભળીને કહ્યું કે, સૌથી પહેલાં તો તું જિંદગી સામે ફરિયાદો કરવાનું બંધ કર તો સારું! તું જેને પ્રોબ્લેમ કહે છે એ કામચલાઉ આવેલી મુશ્કેલી છે. નોકરી તો પાછી મળી જશે. એક નોકરીથી બીજી નોકરી વચ્ચેનો ગાળો આપણને માપે છે કે, આપણે કેટલામાં છીએ! તું ફરિયાદો કરીને અને બૂમબરાડા પાડીને તારી અણસમજ છતી કરે છે. ટકવાનું હોય ત્યારે તૂટી જવું પાલવે નહીં. કોની જિંદગીમાં ખરાબ સમય નથી આવ્યો? દરેકે દરેક માણસે મુશ્કેલીઓનો અનુભવ કર્યો જ હોય છે. મુશ્કેલીમાં પણ મજામાં રહેતા જેને આવડે છે એ જ જિંદગીનો સાચો જાણકાર હોય છે. ગમે તેવી મુશ્કેલી હોય તો પણ એક વાત યાદ રાખવાની કે, કશું જ કાયમી નથી, આ સમય પણ બદલાનો છે અને સરવાળે બધું સારું જ થવાનું છે!
છેલ્લો સીન :
અમુક લોકોને વાત વાતમાં વાંધા પડે છે. પ્રોબ્લેમ એવા લોકોમાં જ હોય છે. વાંધો પણ વાજબી અને યોગ્ય હોવો જોઇએ. ખોટા વાંધા સંબંધ અને પ્રેમનું પતન નોતરે છે. -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 13 ઓક્ટોબર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *