મારી સાથે થયું એવું તારી
સાથે થાય એ જરૂરી નથી
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે,
ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.
-દર્શક આચાર્ય
માણસની વાણી અને માણસનું વર્તન સમયે સમયે બદલાતું રહે છે. માણસ જેવો ગઇ કાલે હતો એવો આજે હોતો નથી. આજે છે એના જેવો જ એ આવતી કાલે રહેવાનો નથી. સમય, સંજોગો, મૂડ, માનસિકતા અને પરિસ્થિતિ મુજબ માણસનું વર્તન બદલતું રહે છે. અનુભવો માણસને પરિપક્વ અથવા તો ઉદ્ધત બનાવે છે. આપણી આસપાસ જ એવા ઘણા લોકો હોય છે, જેને આપણે બદલતા કે બગડતા જોયા હોય છે. કોઇ માણસ અચાનક કોઇ ખરાબ કૃત્ય કરે ત્યારે આપણે કહેતા હોઇએ છીએ કે, એ તો કેવો સજ્જન લાગતો હતો. કોઇને કલ્પના પણ ન આવે કે એ આવું પણ કરી શકે! અમુક કિસ્સામાં એવું પણ થતું હોય છે કે, આપણે કોઇને ખરાબ માણસ સમજી લીધા હોય એ સારું કૃત્ય કરે. ઘણી વખત આપણે કોઇની ઇમેજ આપણી રીતે જ ઘડી લેતા હોઇએ છીએ. એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરી જોબ કરતી હતી. તેની સાથે એક છોકરો કામ કરતો હતો. એકદમ વિચિત્ર. કામ સિવાય કોઇની સાથે વાત ન કરે. કંઇ સેલિબ્રેશન હોય તો પણ કોઇની સાથે મિક્સ ન થાય. એક વખત એ છોકરીને પેલા છોકરા સાથે જ ઓફિસના કામ સબબ બહાર જવાનું થયું. છોકરીને થયું કે, આનો ક્યાં પનારો પડ્યો! ઓફિસનું કામ હતું એટલે જવું પડે એમ જ હતું. ટેક્સીમાં બંને સાથે જતાં હતાં ત્યાં જ ટેક્સીનો સામાન્ય એક્સિડન્ટ થયો. બંનેને થોડું વાગ્યું. એક્સિડન્ટ વખતે એ છોકરાનું વર્તન એટલું સારું હતું કે, છોકરીને આશ્ચર્ય થયું. પોતાની ઇજાની પરવા કર્યા વગર એ છોકરો છોકરીનું ધ્યાન રાખતો હતો. તેને નજીકના દવાખાને લઇ જઇ જરૂરી ટ્રીટમેન્ટ કરાવી. છોકરીને ઘર સુધી મૂકી ગયો. બીજા દિવસે બંને ઓફિસે ભેગાં થયાં. એ છોકરીએ મોઢામોઢ કહ્યું કે, તારા વિશે મને સારી છાપ નહોતી. એ છોકરો કંઇ જ ન બોલ્યો. છોકરીએ સામો સવાલ કર્યો. તને મારી કેવી ઇમેજ હતી? છોકરાએ કહ્યું, હું કોઇની ઇમેજ બાંધતો નથી, કોઇને જજ કરતો નથી. મારે શા માટે તારું સારું કે ખરાબ વિચારવું જોઇએ? માણસ અનુભવે સમજાતો હોય છે. કોઇ તમારા વિશે શું ધારે છે એ વિચારવામાં પણ હું માનતો નથી. હું એ જ વિચારું છું કે, મારે શું કરવું જોઇએ? બીજાને સારું લગાડવા માટે હું કંઇ કરતો નથી. મને સારું લાગે એવું જ હું કરું છું. આપણે સારા હોઇએ તો દુનિયા સારા જ સમજવાની છે. ન સમજે તો પણ શું ફેર પડે છે? આપણી જિંદગીનું સ્ટીયરિંગ આપણા હાથમાં હોવું જોઇએ. કોઇને નજર સમક્ષ રાખીને તમે જિંદગીની ગાડી ચલાવવા જાવ તો એક્સિડન્ટનું જોખમ વધી જાય છે. આપણી જિંદગી કોઇના અભિપ્રાયોની મોહતાજ ન હોવી જોઇએ. કોઇ માણસને સારા, ખરાબ, બદમાશ, સ્વાર્થી, અકડુ, જિદ્દી કે બીજું કોઇ લેબલ મારવું ન જોઇએ. પોતાની વ્યક્તિ વિશે પણ આપણે ઘણી વખત ખોટું ધારી કે માની લેતા હોઇએ છીએ. આપણે કોઇને જજ કરીને તેની સાથે વર્તન કરીએ ત્યારે ઘણી વખત આપણે તેને અન્યાય કરી બેસતા હોઇએ છીએ.
ઘણી વખત આપણે બીજાના અનુભવના આધારે આપણા નિર્ણય કરતા હોઈએ છીએ. તને કેવું લાગ્યું? સંબંધની વાત તો દૂર છે, કોઇ ચીજવસ્તુ ખરીદતી વખતે પણ આપણે જેણે એ ચીજવસ્તુ વાપરી હોય એનો અભિપ્રાય લેતા હોઇએ છીએ. એ વસ્તુ કે એ બ્રાન્ડ લેવાય કે નહીં? અલબત્ત, એમાં કશું ખોટું નથી, પણ કોઇને કંઇ પૂછતા પહેલાં કે અભિપ્રાય લેતા પહેલાં એ પણ ચેક કરવું જોઇએ કે મને એ ફાવે એમ છે કે નહીં? વાત સંબંધની હોય ત્યારે તો વધુ કાળજી રાખવી પડતી હોય છે. એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરીના ડિવોર્સ થયા હતા. એક દિવસ એક છોકરી તેને મળવા આવી. એ છોકરીએ કહ્યું, તમે જેની સાથે ડિવોર્સ લીધા છે એની સાથે મારા મેરેજની વાત ચાલે છે. એમાં પડવા જેવું છે કે નહીં? છોકરીએ કહ્યું, એ હું ન કહી શકું. મારા અને તેના વિચારો મળતા નહોતા. જરૂરી નથી કે, તારા વિચારો પણ એની સાથે ન મળે. મારી સાથે જે થયું એ તારી સાથે થાય એવું જરૂરી નથી. મને તેની સાથે ઇશ્યૂઝ હતા એમાં ના નહીં, પણ કદાચ એના માટે હું પણ જવાબદાર હોઉં. તું એને મળીને તારી રીતે જ નક્કી કર કે એ વ્યક્તિ તારી ટાઇપનો છે કે નહીં? જિંદગી તારી છે, ડિસિઝન પણ તું તારી રીતે જ લે. મારો અભિપ્રાય તને ગેરમાર્ગે દોરી શકે છે.
આપણે ક્યારેક કોઇના કહ્યે દોરવાઇ જતા હોઇએ છીએ. વાત માનતા માની લઇએ છીએ અને પછી એમ થાય છે કે, ખોટું થઇ ગયું. આપણે જે નિર્ણયો કરીએ છીએ તે ખરેખર કેટલા આપણા હોય છે? નાના હોઇએ ત્યારે આપણાં ડિસિઝન માતા-પિતા લેતાં હોય છે. થોડા મોટા થઇએ પછી આપણા નિર્ણયો આપણે કરવા જોઇએ. એક જજ હતા. તેમણે કહ્યું કે, મારી સામે ઘણા કિસ્સા આવે છે. મેં જોયું છે કે, જે લોકો ગુના આચરે છે એ બીજાના દોરવાયા દોરવાઇ જાય છે. ઘણું બધું મનમાં ધારી અને માની લે છે. માણસે પહેલાં તો પોતાના જજ બનવું જોઇએ. સારા નરસાનો વિચાર કરવો જોઇએ. એ પછી જ કોઇ નિર્ણય કરવો જોઇએ. નજીકની વ્યક્તિ હોય એને વિશ્વાસમાં લો, પણ એ કહે એવું જ ન કરો. એક કપલની આ વાત છે. પત્ની કંઇ પણ પૂછે ત્યારે પતિ કહેતો કે, તને યોગ્ય લાગે એ નિર્ણય લે. પત્ની બધી વાત કરતી અને પતિ તેને એમ જ કહેતો કે, તું જે કરે એ સાચું. એક વખત પતિને તેના મિત્રએ પૂછ્યું, તને ક્યારેય એનો નિર્ણય ખોટો નથી લાગ્યો? એ યુવાને કહ્યું કે, મને તો ઘણી વખત મારા નિર્ણયો પણ ખોટા લાગ્યા છે. મારી પત્ની મારા કરતાં સારી ડિસિઝનમેકર છે. એવું ઘણી વખત બન્યું છે કે, મારી વાઇફે ડિસિઝન લીધું હોય ત્યારે મને એમ થયું હોય કે, એનું આ ડિસિઝન ખોટું અને અયોગ્ય સાબિત થવાનું છે. જોકે, થાય છે સાવ ઊલટું. એનું ડિસિઝન સાચું પડે છે. એ જોઇને જ મેં એવું નક્કી કર્યું હતું કે, આપણી વ્યક્તિના નિર્ણયને પણ આપણે એક હદથી વધુ પ્રભાવિત ન કરવા જોઇએ. આપણે ક્યારેક આપણી વ્યક્તિને અંડરએસ્ટિમેટ કરતા હોઇએ છીએ. ક્યારેક એની ખૂબીઓને દબાવી કે મારી પણ દેતા હોઇએ છીએ. પોતાની વ્યક્તિને એની રીતે જીવવા દેવી અને એના નિર્ણયો કરવા દેવા એ પણ પ્રેમનો જ એક પ્રકાર છે.
છેલ્લો સીન :
માણસને સમજવામાં ક્યારેય ઉતાવળ ન કરવી. કેટલાક માણસો લાંબા સમયે અને ઘણા અનુભવે ઓળખાતા હોય છે. આંખો મીંચીને મુકાયેલો ભરોસો ક્યારેક અફસોસ બનીને રહી જતો હોય છે! – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 15 સપ્ટેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com