આપણે બહુ ખરાબ
દિવસો જોયા છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
બટન નથી કદી, ક્યારેક ક્યાંક ગાજ નથી,
બધું’ય સરખું હો, એવો કોઇ સમાજ નથી,
સમયના ન્હોર ઘણાં તીણાં છે, એ માન્યું પણ,
સમય ભરી ન શકે એવો કોઇ ઘા જ નથી.
-વિવેક કાણે
જિંદગી ક્યારેય સીધી લીટીમાં ચાલતી નથી. હાથની રેખા એક વખત જોઇ જોજો, કોઇ રેખા એકદમ સીધી હોતી નથી. જિંદગીનું પણ એવું જ છે. ક્યારેક જિંદગી આપણને એવો અહેસાસ કરાવે છે કે, આપણા જેવું સુખી દુનિયામાં કોઇ નથી. ક્યારેક જિંદગી ધોળે દિવસે તારા દેખાડી દે છે. આપણું ક્યાંય ધ્યાન ન પડે. એવું લાગે જાણે બધું જ ખતમ થઇ ગયું છે. એવામાં જ અચાનક કંઇક એવું થાય છે જેનાથી બધું જ બદલાઇ જાય. આપણા બધાની જિંદગીમાં ચડાવ ઉતારની ઘટના બની જ હોય છે. કોઇપણ વ્યક્તિને પૂછજો કે, તમારી જિંદગી કેવી રહી છે તો એ પોતાના સંઘર્ષની આખી કથા સંભળાવી દેશે. કેટલાંક લોકોની વાત તો એવી હોય છે જે સાંભળીને આપણે આશ્ચર્યમાં મૂકાઇ જઇએ. બધું જ હોય અને અચાનક રોડ પર આવી ગયા હોય, કોઇ હાથ ઝાલવા તૈયાર ન હોય, બધેથી જાકારો મળતો હોય અને ભવિષ્ય જ ધૂંધળું લાગતું હોય! શૂન્ય થઇ ગયા બાદ જિંદગી એકડે એકથી ફરી શરૂ કરી હોય અને ધીમે ધીમે ફરીથી બધું થોળે પડ્યું હોય. દરેક વખતે વાત માત્ર રૂપિયાની જ નથી હોતી, ઇમોશનલ ઉતાર ચડાવ પણ ઘણી વખત ક્યાંય ધ્યાન ન પડે એવી સ્થિતિ પેદા કરી દે છે.
એક ઘનાઢ્ય વ્યક્તિની આ વાત છે. સંપત્તિ કે સાધન સુવિધાની કોઇ કમી નહોતી. જ્યારે પણ કોઇ પૂછે ત્યારે એ એવું કહે કે, માણસને સુખી રહેવા માટે જે જોઇએ એ બધું જ મારી પાસે છે. એક વખત તેઓ પત્ની સાથે કારમાં જઇ રહ્યા હતા ત્યારે એક્સિડન્ટ થયો. એને તો કંઇ ન થયું પણ પત્નીને ગંભીર ઇજા થઇ. પત્નીના બંને પગ કાપવા પડ્યા. આખી દુનિયાના બેસ્ટ ડોકટરોનો સંપર્ક કર્યો, બધાએ એવું જ કહ્યું કે, પગ કાપવા સિવાય કોઇ વિકલ્પ જ નથી. એ માણસ સતત એ ગિલ્ટમાં જીવવા લાગ્યો કે, મારા કારણે મારી પત્નીએ પગ ગુમાવ્યા પડ્યા. પત્ની ઉલટું તેને સમજાવતી કે, જે થવાનું હતું એ થઇ ગયું. ભગવાનનો પાડ માનો કે જીવ તો બચી ગયો. એ માણસના મગજમાંથી તો પણ કંઇ ખસતું નહોતું. આખરે તેની પત્નીએ કહ્યું કે, અગાઉ જે થયું એ અકસ્માત હતો, હવે તું જે કરે છે એ તારા જ વિચારોનું પરિણામ છે. તું ગિલ્ટમાં રહીને ઉલટું મને વધુ દુ:ખી કરે છે. ક્યાં સુધી એકની એક વાતના ગાણા ગાતો રહીશ? ખંખેરી નાખ મનમાંથી બધું અને નક્કી કર કે, આપણે બેસ્ટ રીતે જીવવું છે. જિંદગીનું પણ પાટી જેવું છે. કંઇક નવું લખવા માટે જૂનું ભૂંસવું પડે છે. પગ મારા કાપવા પડ્યા છે છતાં હું રોદણા રડતી નથી પછી તું શા માટે જીવ બાળે છે?
એક યુવાનની હતો. આ યુવાન એક સંત પાસે ગયો. સંતને તેણે સવાલ કર્યો. આ દુનિયામાં શક્તિશાળી બનવા માટે શું કરવું જોઇએ? સંતે કહ્યું, શક્તિશાળી બનવા માટે સૌથી પહેલી શરત એ છે કે, વર્તમાનમાં જીવવું. ભાગ્યેજ કોઇ માણસ વર્તમાન ક્ષણમાં જીવતા હોય છે. માણસ કાં તો ભૂતકાળમાં બની ગયેલી ઘટના વાગોળ્યા રાખે છે અને કાં તો ભવિષ્યની ચિંતામાં રહે છે. ભૂતકાળની ઘટનાઓમાં પણ માણસ સારું બન્યું હોય એ નહીં યાદ રાખે પણ ખરાબ બન્યું હોય એના જ વિચાર કરતો રહેશે. ભૂતકાળની ખરાબ ઘટનાઓ અને ભવિષ્યની ખોટી ચિંતા માણસને નબળા બનાવે છે. શક્તિશાળી બનવા માટે સૌથી પહેલા તો મનથી મક્કમ અને સક્ષમ રહેવું પડે છે. માણસના હાથમાં માત્ર અત્યારનો જ સમય હોય છે. જે સમય વીતી ગયો એ તો ગયો, આવનારા સમયની કોઇને ખબર નથી, આ ક્ષણ તમે જીવો છો કે વેડફો છો એ જ મહત્ત્વનું છે.
તમને કોઇ એમ પૂછે કે, તમારી જિંદગીની સૌથી ખરાબ ઘટના કઇ? તો તમે શું જવાબ આપો? કંઇક તો એવું હશે જ જેણે તમને હચમચાવી નાખ્યા હોય. હવે બીજો સવાલ, તમારી જિંદગીની બેસ્ટ ઘટના કઇ? આપણે મોટા ભાગે જે સારું બન્યું હોય છે એ યાદ રાખતા નથી! ધ્યાનથી જોશો તો જિંદગીમાં ખરાબ થયું હોય એના કરતા સારું વધુ જ થયું હોય છે. એક કપલની આ વાત છે. લગ્ન થયા ત્યારે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. બધું સારું હતું. પિતાનું અવસાન થયું એ પછી માથાભારે મોટા ભાઇએ બંનેને ઘરમાંથી કાઢી મૂક્યા. કંઇ જ ન આપ્યું. એક મિત્રની મદદથી બંને એક રૂમના ઘરમાં રહેવા લાગ્યા. ઘરવખરી જેવું પણ કંઇ હતું નહીં. બંનેએ નોકરી શોધી. પગારમાંથી માંડ માંડ ઘર ચાલતું. યુવાન હોંશિયાર હતો. એ જે માલિક સાથે કામ કરતો હતો એ તેનાથી પ્રભાવિત હતા. સારું કામ કરતો હતો એટલે તેને બીજેથી નોકરીની ઓફર આવી. પગાર સારો હતો. તેણે નોકરીમાંથી રાજીનામું આપ્યું. માલિક તેને જવા દેવા નહોતા ઇચ્છતા. માલિકે કહ્યું કે, આપણે બંને સાથે મળીને ભાગીદારીમાં નવો ધંધો કરીએ. રૂપિયા મારા અને તું વર્કિંગ પાર્ટનર. નફામાં અડધો ભાગ. યુવાનને નસીબ અજમાવવાનું મન થયું. તેણે માલિક સાથે નવો બિઝનેસ શરૂ કર્યો. જોતજોતામાં બિઝનેસ જબરજસ્ત ચાલી પડ્યો. સારું ઘર, કાર, સાધનો બધું જ થઇ ગયું. એક વખત એ પત્ની સાથે બેઠો હતો ત્યારે તેણે કહ્યું કે, આપણે બહુ ખરાબ દિવસો જોયા છે નહીં? આપણી પાસે ખાવાના પણ પૈસા નહોતા. પત્નીએ કહ્યું કે, સાચી વાત છે પણ હવે એ દિવસોને યાદ ન કર. યાદ કરવા હોય તો પણ એને સારી રીતે યાદ કર. આપણને ઘરમાંથી કાઢી મૂક્યા ન હોત તો આપણે આટલી મહેનત કરી હોત? આપણને પોતાને ક્યાં ખબર હતી કે, આપણામાં પડીને બેઠા થવાની આવડત અને હિંમત છે! જિંદગી ઘણી વખત આપણને માપવા માટે જ આપણી કસોટી કરતી હોય છે.
દરેકના ભાગે સંઘર્ષ લખેલો જ હોય છે. કોઇએ થોડા તો કોઇએ અસંખ્ય પડકારોનો સામનો કર્યો જ હોય છે. જિંદગીની એક હકીકત એ પણ છે કે, દરેકે પોતાની લડાઇ પોતે જ લડવાની હોય છે. જેનામાં હિંમત છે એને સાથ પણ મળી જ રહે છે. એક લડવૈયો હતો. દુશ્મન જ્યારે સામે આવી રહ્યો હતો ત્યારે તે પોતાના મિત્ર પાસે ગયો. મિત્રએ કહ્યું, ચાલ હું પણ લડવા આવું છું. લડવૈયાએ કહ્યું, ના તું મને ખાલી તલવાર અને ઢાલ આપ, મારી લડાઇ હું લડી લઇશ. આપણે બધા આપણી લડાઇ લડતા જ હોઇએ છીએ. જિંદગીના સાચા સંભારણા આપણા સંઘર્ષની કથાઓ જ હોય છે. જેની જિંદગીમાં સંઘર્ષ નથી તેને સુખ પણ ક્યારેય સમજાતું નથી!
છેલ્લો સીન :
સમયને ક્યારે પૂરેપૂરો જીવી લેવો અને ક્યારે પસાર થઇ જવા દેવો એની સમજ જેનામાં છે એ ઓછા દુ:ખી થાય છે. સમય જ્યારે કસોટી કરવા પર ઉતર્યો હોય ત્યારે ધેર્ય ધરી શાંતિથી રહેવું એ જ શાણપણ છે. -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 08 સપ્ટેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com