સાવધાન, નોકરીમાં ધ્યાન રાખજો,
ક્યાંક ડિપ્રેશનમાં સરી ન જવાય!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
નોકરીમાં વર્કપ્રેશર વધી રહ્યું છે. ટાર્ગેટ અને ગોલ અચીવ કરવામાં ફાંફાં પડી
જાય છે. નોકરી બદલ્યા પછી પણ અનેક સવાલો પેદા થાય છે
———–
નોકરી કરતી દરેક વ્યક્તિની પોતાની અનોખી અનુભવ કથાઓ હોય છે. હવે સમય બદલાયો છે. એક સમય એવો હતો જ્યારે વર્ષો નહીં, દાયકાઓ સુધી લોકો એક જ કંપનીમાં નોકરી કરતા. લાંબા સમયની નોકરીને વફાદારીનું પ્રમાણ ગણવામાં આવતી. આજનો યંગસ્ટર્સ જુદી માટીનો છે. એને જરાકેય ન ફાવે તો ફટ દઇને નોકરી મૂકી દે છે. નોકરી કરનારાની ફિલસૂફી જ બદલી ગઇ છે. ત્રીસ-પાંત્રીસ વર્ષનાં યુવક કે યુવતીને પૂછજો કે, તેં અત્યાર સુધીમાં કેટલી નોકરી બદલી? એ લાંબું લિસ્ટ આપી દેશે. બીજો સવાલ એવો કરજો કે, સૌથી વધુ મજા ક્યાં આવી? એ કદાચ કોઇ એક કંપનીનું નામ આપીને કહેશે કે, આ જગ્યાએ સૌથી વધુ મજા આવી હતી. જો એ જગ્યાએ સૌથી વધુ મજા આવી હતી તો એ નોકરી શા માટે છોડી? એનો જવાબ કદાચ એવો હશે કે, એ તો બીજે નોકરી કર્યા પછી ખબર પડી કે આના કરતાં તો પેલી કંપની સો દરજે સારી હતી. કામ કરવા વિશે એક હકીકત એ હોય છે કે, આપણે જે કંપનીમાં કામ કરતા હોઇએ ત્યાં કોઇ ને કોઇ ઇશ્યૂ તો હોવાના જ છે. ઘણા બધા પ્લસ પોઇન્ટ્સ પણ હોવાના જ છે. જેટલું સારું હોય અને જેટલું ખરાબ હોય એમાંથી આપણે શેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ એના પર આપણા ગમા કે અણગમાનો આધાર રહેતો હોય છે.
વર્ક પ્લેસ ડિપ્રેશન વિશે આજકાલ બહુ વાતો થઇ રહી છે. નોકરી કરતી વખતે અને નોકરી બદલતી વખતે કેટલીક બાબતોની જો પરવા ન કરીએ તો ડિપ્રેશનમાં સરી જવાની પૂરેપૂરી શક્યતાઓ રહે છે. કેટલાક કિસ્સાઓમાં એવું બને છે કે, આપણી જોબ ચાલુ હોય અને બીજી કંપનીમાંથી જોબની મસ્ત ઓફર આવે. પગાર સારો હોય, પોસ્ટ ઊંચી હોય અને કંપની જાણીતી હોય ત્યારે માણસ ફટ દઇને ઓફર સ્વીકારી લે છે. નવી જગ્યાઓ જાય છે ત્યારે પહેલાં તો બધું સારું સારું લાગે છે. જેમ જેમ સમય જાય એમ એમ કંપનીઓ પણ ઓળખાતી હોય છે. ઘણા કિસ્સામાં એવું થાય છે કે, હું આ ક્યાં આવી ગયો કે ક્યાં આવી ગઇ? મારી મતિ ભમી ગઇ હતી કે, મેં આ નોકરી સ્વીકારી. અગાઉની નોકરીમાં ક્યાં દુ:ખી હતો કે આ નવી ઉપાધિ વહોરી લીધી. ક્યાંક વર્ક કલ્ચર સારું નથી હોતું તો ક્યાંક કામના કલાકો વધારે હોય છે. ક્યાંક બોસનો સ્વભાવ ઉગ્ર હોય છે તો ક્યાંક કલિગ જ વિચિત્ર હોય છે. નવી જગ્યાએ ગયા પછી જે આઘાત લાગે છે એને શિફ્ટ શોક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા કિસ્સાઓમાં આવું થઇ શકે છે. આ વિશે નિષ્ણાતો કહે છે કે, એક તો કોઇ નવી નોકરી જોઇન કરો ત્યારે બહુ ઊંચી અપેક્ષાઓ ન બાંધો. ઊલટું પોતાની જાતને એવી રીતે તૈયાર કરો કે નવી જગ્યાએ પ્રોબ્લેમ તો થવાના જ છે. એડજસ્ટ થતા વાર લાગશે, પણ ધીમે ધીમે બધું થઇ જશે. પોતાની જાતને પણ ઘણી વખત સમય આપવો પડે છે.
નવી નોકરીનો પહેલો દિવસ મોટા ભાગે ફોર્માલિટીઝમાં જતો હોય છે. થોડો સમય નવા કામની અને નવી કંપનીની વર્કિંગ સ્ટાઇલને સમજવામાં લાગે છે. ધીમે ધીમે રિઆલિટી સામે આવે છે. ઘણા કિસ્સામાં આપણને કલ્પના હોય એના કરતાં વાતાવરણ વધુ સારું હોવાની શક્યતાઓ પણ રહે છે. પોઝિટિવ હોય તો કોઇ વાંધો નથી, પણ નેગેટિવ હોય તો એને તમારા મગજ પર સવાર થવા ન દો. જો મજા નથી આવતી, ખોટા ભરાઇ ગયા, એવા જ વિચાર કરશો તો તમારા કામ પર ઇફેક્ટ પડશે અને એના કારણે તમે વધુ મુશ્કેલીમાં મુકાશો. ગમે એટલી સારી કે મહાન કંપની હશે ત્યાં બધું આપણને ગમતું હોય એવું તો નહીં જ હોવાનું. થોડીક બાંધછોડ તો કરવી જ પડે. ન ગમતું હોય તો પણ નોકરી ફટ દઇને બદલી શકાતી નથી. ભલે હવે યંગસ્ટર્સ થોડા સમયમાં નોકરી બદલી નાખતા હોય, પણ નોકરી આપનારા પણ એ વાત ચેક કરતા હોય છે કે, આ ભાઇ કે બેન ક્યાં કેટલું ટક્યાં છે. નોકરી નવી હોય ત્યારે કોઇ બાબતમાં ઉતાવળ ન કરો. તમારા ભાગે જે કામ આવ્યું છે એને બેસ્ટ રીતે પૂરું કરવાનો પ્રયાસ કરો. માનો કે કોઇ ઇશ્યૂ હોય તો પણ એક ઘા ને બે કટકા કરવાવાળી વૃત્તિ ટાળો. નોકરી બદલવાનું તો જ વિચારો જો તમે જે જગ્યાએ નોકરી કરતા હોવ એનું કામ તમારાં મૂલ્યો સાથે મેળ ખાતું ન હોય. તમારું મન ન માનતું હોય એવું કરવું પડતું હોય. તમારો કોઇ ગ્રોથ થવાનો ન હોય. તમને એવું લાગતું હોય કે, આ કામ કરવાથી મને શારીરિક કે માનસિક હાનિ થઇ રહી છે, મારાથી સહન થતું નથી. આવું થાય તો જ નોકરી બદલવાનો વિચાર કરો. હવેની જનરેશન એવું માને છે કે, અમુક સમય થાય એટલે નોકરી ચેન્જ કરી નાખવાની. વેલ, એમાં કશું ખોટું નથી, પણ એ તો વિચાર કરવો જ પડે કે નવી કંપનીમાં મારો ગ્રોથ છે કે નહીં? મારે જે અચીવ કરવું છે એ કરી શકીશ કે નહીં? નવી કંપની વિશે ત્યાં કામ કરતા અને કામ કરી ચૂકેલાઓના ફીડબેક મેળવો અને પછી જ નોકરી બદલવાનો નિર્ણય કરો.
ધ કોન્ફરન્સ બોર્ડના સરવે અનુસાર દુનિયામાં 28 કરોડ લોકો વર્ક પ્લેસ પર કામના દબાણના કારણે ડિપ્રેશનનો ભોગ બનેલા છે. અમેરિકામાં 34 ટકા કર્મચારીઓ કામના પ્રેશરના કારણે ડિપ્રેશન અનુભવી રહ્યા છે. ઓફિસમાં હતાશ હોય એ માણસ ઘરે પણ સારી રીતે રહી શકતો નથી. ઘરે આવ્યા પછી પણ એ ઓફિસના વિચારોમાં જ હોય છે. ઓફિસ જવાનો સમય થાય ત્યારે એ કંટાળો અનુભવવા લાગે છે. ઘરમાં સરખી રીતે રહી શકતા ન હોવાના કારણે તેના સંબંધો પણ બગડે છે. એવું કહેવાતું આવ્યું છે કે, જોબનું પ્રેશર ઘરે ન લાવો અને ઘરનું ટેન્શન ઓફિસે ન લઇ જાવ. કહેવામાં અને સાંભળવામાં આવું બધું સારું લાગે, પણ એવી કોઇ સ્વિચ નથી હોતી કે, આપણે ફટ દઇને ઘરે હોય ત્યારે ઘરમાં અને ઓફિસે હોઇએ ત્યારે કામમાં હન્ડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વ થઇ શકીએ. ઘરમાં હોઇએ ત્યારે ઓફિસ અને ઓફિસે હોઇએ ત્યારે ઘર થોડું થોડું તો આપણી સાથે હોય જ છે. બંનેને એકબીજાથી બને એટલાં દૂર રાખવાં જોઇએ. ઘરની જવાબદારીઓ નિભાવવાની હોય છે, જોબમાં ટાર્ગેટ અચીવ કરવાના હોય છે અને બોસને જવાબ આપવાનો હોય છે. બોસ જો સારો અને સમજુ હોય તો હજુયે વાંધો નથી આવતો, પણ બોસ જો આકરા પાણીએ હોય તો જવાબ દેવા અઘરા પડી જાય છે. દરેક વખતે કંપનીનો વાંક કાઢવો પણ વાજબી હોતો નથી. દરેક માણસે એ પણ વિચારવું જોઇએ કે મારામાં તો કોઇ પ્રોબ્લેમ નથીને? મારામાં સુધારો કરવાની જરૂર હોય એ હું કરું છું? સમયની સાથે હું અપડેટ થતો રહું છું? હું મારી કંપનીની ડિમાન્ડ ફુલફિલ કરી શકું છું? સર્વાઇવલ માટે સેલ્ફ એનાલિસિસ કરતા રહેવું પડે છે અને જરૂરી લાગે એ સુધારા પણ કરતા રહેવું પડે છે. પહેલાં પોતાની જાતને ચેક કરો અને પછી કંપનીના અને વર્ક કલ્ચરના વિચાર કરો. ગ્રોથ દેખાતો હોય ત્યારે નોકરી બદલો, પણ બદલવા ખાતર નોકરી ન બદલો. સતત એવું લાગે કે મજા જ નથી આવતી તો કોઇ નજીકની વ્યક્તિની સલાહ લો. વધુ પડતી હતાશા લાગતી હોય તો મનોચિકિત્સકનું માર્ગદર્શન લેવામાં પણ કશું ખોટું નથી. કામને એન્જોય કરવાનો પ્રયાસ કરો. કામથી ભાગો નહીં. તમે તમારું બેસ્ટ આપશો તો તમારી કદર થવાની જ છે.
———
પેશ-એ-ખિદમત
દરવાજા ભી જૈસે મેરી ઘડકન સે જુડા હૈ,
દસ્તક હી બતાતી હૈ પરાયા હૈ કિ તુમ હો,
મૈં હૂં ભી તો લગતા હૈ કિ જૈસે મૈં નહીં હૂં,
તુમ હો ભી નહીં ઔર યે લગતા હૈ કિ તુમ હો.
– અહમદ સલમાન
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 21 ઓગસ્ટ, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com