બસ યાર, બહુ થયું,
પ્લીઝ હવે માની જાને!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના,
એકબીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મૂંઝવણ વિના.
– બાલુભાઇ પટેલ
રિસાવાની મજા તો જ છે જો મનાવવાળામાં નજાકત અને સલુકાઇ હોય! એક કપલની આ સાવ સાચી વાત છે. પત્ની ઘણી વખત રિસાઇ જતી. એનો પતિ ખૂબ જ પ્રેમથી એને મનાવતો, પટાવતો અને માની જવાની રિક્વેસ્ટ કરતો. એક વખત પત્નીએ ખુલ્લાદિલે કહ્યું કે, ઘણી વખત તું મનાવતો હોય ત્યારે મારે માની જવું હોય છે, પણ તું એટલા પ્રેમથી મનાવતો હોય છે ને કે એમ થાય હજુ થોડો સમય નથી માનવું! હજુ મારે તારી પાસે થોડીક લાડકી થવું છે. ક્યારેક તો હું રિસાવાનું કારણ શોધું છું, જેથી તું મને મનાવે. તું તો ક્યારેય મારાથી નારાજ જ નથી થતો એટલે મને ખબર જ નથી કે, મને પણ મનાવતા આવડે છે કે નહીં. પ્રેમ કે દાંપત્યજીવનમાં ક્યારેક કોઇ મુદ્દે માથાકૂટ થવાની જ છે. સાવ ક્ષુલ્લક વાતમાં કંઇક બોલાઇ જાય છે અને વાત ઝઘડા સુધી ફંટાઇ જાય છે. માથાકૂટ થતાં તો થઇ જાય છે, પણ પછી બંનેને એવું થાય છે કે, મારાથી આવું ક્યાં થઇ ગયું. એ પછી મનાવવાની રાહ જોવાતી હોય છે. ઘણા કિસ્સામાં તો બંને એવી રાહ જોતા હોય છે કે, કંઇક એવું થાય કે વાત પતે! ઘર ભારે લાગવા માંડે છે. કારણ વગરનો એક અંજપો ઘેરી વળે છે. વાત પતે ત્યારે હાશ થાય છે. ઝઘડા પછી એવું લાગતું હોય છે કે, આપણે હતા એના કરતાં થોડાક વધુ નજીક આવી ગયા. તારા જેવું કોણ થાય એવું કહીને આપણે વાત પૂરી કરતા હોઇએ છીએ. એવા સમયે આપણે આપણા જેવા થતા હોઇએ છીએ. આવું બધું ત્યારે જ બને જ્યારે બંને એકબીજાને પ્રેમ કરતાં હોય. પ્રેમ ન હોય તો રિસાવાની પણ કોઇ મજા રહેતી નથી.
એક કપલની આ વાત છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા. પતિ જરાયે જતું ન કરે એવો હતો. એક વખત તેની પત્નીએ કહ્યું કે, મેં તો રિસાવાનું બંધ જ કરી દીધું છે. એને ક્યાં કંઇ ફેર પડે છે? રિસાઇને પછી મારે મારી મેળે જ માની જવાનું હોય તો પછી રિસાવાનો અર્થ શું છે? મને અપેક્ષા હોય એવું વર્તન ક્યારેય એના તરફથી થાય જ નહીં! સ્ત્રી હોય કે પુરુષ, બંનેને ક્યારે એવું હોય છે કે પોતાની વ્યક્તિ એને પેમ્પર કરે. દાંપત્યજીવનમાં થોડીક મજાક મસ્તી પણ જરૂરી છે. ઘણા કિસ્સામાં એવું બને છે કે, પ્રેમ હોય ત્યારે અને મેરેજ પછી થોડો સમય લાઇફ એકદમ હેપનિંગ અને રોમેન્ટિક હોય, પણ થોડા સમયમાં જ એ બધું એવું અલોપ થઇ જાય કે શોધવા બેસીએ તો પણ ન મળે. વિચાર આવી જાય કે ક્યાં ગઇ એ મસ્તી? ક્યાં ગયાં એ તોફાન? હવે કેમ કંઇ રોમાંચ જેવું નથી લાગતું? રોમાંચને પણ જો તરોતાજા ન રાખીએ તો રોમાંચને પણ સુકારો લાગી જાય છે. સંબંધમાં ગેપ એકઝાટકે આવતો નથી, એ ધીમે ધીમે સર્જાતો હોય છે. સમજુ કપલને સમજાઇ જાય છે કે, કંઇક મિસિંગ છે. લાઇફમાં અમુક સમય ક્રાઇસિસ આવતી હોય છે, એ સમય દરમિયાન મૂડ ઠીક ન રહે એ સ્વાભાવિક છે, પણ રેગ્યુલર લાઇફમાં તો રોમાંચ બરકરાર રહેવો જોઇએ.
એક કપલ છે. હસબન્ડનો બિઝનેસ છે. બિઝનેસમાં થોડા ઇશ્યૂ થવા લાગ્યા. પતિ અપસેટ રહેવા લાગ્યો. પત્ની તેને સાથ આપતી હતી. પતિને થયું કે, મારા કારણે મારી પત્ની પણ ડિસ્ટર્બ રહે છે. તેણે પોતાનું વર્તન બદલાવી નાખ્યું. એ પત્ની સાથે સરસ રીતે રહેવા લાગ્યો અને મોજમસ્તી કરવા લાગ્યો. પત્નીએ પૂછ્યું, કેમ ટેન્શન છે તો પણ તું હળવો રહેવા લાગ્યો. પતિએ કહ્યું કે, મેં થોડોક વિચાર કર્યો, ટેન્શનમાં રહેવાથી પ્રોબ્લેમ દૂર થઇ જવાના છે? મને એવું પણ લાગ્યું કે, મારો ભાર હું તારા પર થોપી દઉં છું. મારા કારણે તું પણ મજામાં રહી શકતી નથી. મેં નક્કી કર્યું કે, જે થવાનું હશે એ થશે, પણ રહેવું છે તો સરસ રીતે જ. એક જૂના જમાનાની વાર્તા છે. એક વેપારી હતો. એને એક દિવસ ધંધામાં એક હજાર રૂપિયાની ખોટ ગઇ. ઘરે આવીને તેણે પત્નીને વાત કરી. પત્નીએ પૂછ્યું, હવે શું? પતિએ કહ્યું, હવે લાપસી મૂક! પત્નીને આશ્ચર્ય થયું કે ખોટ ગઇ છે અને લાપસી? પત્નીએ પૂછ્યું, લાપસી કેમ? પતિએ કહ્યું, એમ માનીશું કે, ખોટ સો રૂપિયાની વધારે ગઇ! કોઇ સ્થિતિને કઇ રીતે લેવી એ તો આપણા પર હોય છે. આપણે ઘણી વખત બહારની સ્થિતિને આપણા પણ હાવી થવા દેતા હોઇએ છીએ. આપણે તો દબાઇએ છીએ, આપણી વ્યક્તિને પણ આપણે મુક્ત રીતે શ્વાસ લેવા દેતા નથી.
ઘણા લોકો તો ટેન્શનમાં એકદમ ચીડિયા થઇ જતા હોય છે. તને ખબર નથી, મને કેટલું ટેન્શન છે, તારે તો બસ વાતો કરવી છે. આવી વાતોમાં પણ ઝઘડા થતા હોય છે. થઇ જાય, ક્યારેક મૂડ બરાબર ન હોય, ક્યારેક કોઇ બીજા વિચારોમાં કે કામમાં અટવાયેલા હોઇએ ત્યારે નાની અમથી વાતમાં પણ મગજ છટકી જાય છે. એક કપલની આ વાત છે. પતિ કંઇક કામ કરતો હતો. પત્ની રોમેન્ટિક મૂડમાં હતી. કામ કરતા પતિની તેણે મસ્તી કરી. પતિને મગજ ગયો. તેણે કહ્યું, જોતી નથી હું કામ કરું છું? પત્ની નારાજ થઇને ચાલી ગઇ. પતિને પછી વિચાર આવ્યો કે, એ કેટલી મસ્તીથી મારી પાસે આવી હતી અને મેં તેનો મૂડ બગાડી નાખ્યો. તેણે પત્ની પાસે જઇને સોરી કહ્યું. મારે આવું નહોતું કરવું જોઇતું. બે-પાંચ મિનિટ તારી સાથે મસ્તી કરી લીધી હોત તો કંઇ ફેર ન પડત. પત્નીએ કહ્યું, તને બધું સમજાય છે પણ મોડું. તને મારા મૂડની પડી જ નથી હોતી, તને અનુકૂળ હોય ત્યારે જ મારે મસ્તી કરવાની? તારા સમય અને તારા મૂડની રાહ જોવાની? પતિએ કહ્યું, તારી વાત સાચી છે, મારી ભૂલ છે. પત્ની માનતી નહોતી. આખરે પતિએ કહ્યું, બસ બહુ થયું યાર, હવે માની જાને, તું મૂડમાં નથી તો મને મજા આવતી નથી. આપણને પણ મજા આવતી હોતી નથી, પણ આપણે કહેતા નથી કે, યાર માની જા, મને નથી ગમતું. ભાર લાગે છે. ઝઘડો થાય એમાં કોઇ ઇશ્યૂ નથી, ધ્યાન એટલું જ રાખવાનું હોય છે કે, ઝઘડો જેમ બને એમ વહેલા પૂરો થાય. ક્યારેક ને ક્યારેક ઝઘડા થવાના જ છે. જેમ બને એમ ઝઘડા વહેલા પૂરા કરવા એ પણ પ્રેમની જ એક નિશાની છે. એના વગર ચાલવાનું તો નથી જ પછી લાંબું ખેચવાનો અર્થ શું? જિંદગી જીવવા જેવી રહે એ માટે રોમાંચ અને રોમાન્સને સજીવન રાખવો પડે છે.
છેલ્લો સીન :
રિસાવું અને ઝઘડવું સહજ અને સ્વાભાવિક છે, પણ માની જવું એ કળા અને આવડત છે. ક્યાં વાત પૂરી કરવી એની જેને સમજ છે એની જિંદગીમાં માધુર્ય સજીવન રહે છે. -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 18 ઓગસ્ટ, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com