એને આવો વિચાર
કેમ નહીં આવ્યો હોય?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઓર પાસે અવાય એમ નથી, તોય અળગા થવાની નેમ નથી,
કેમ તમને છુપાવું મારામાં, હું જ મારામાં હેમખેમ નથી.
– હેમંત પુણેકર
વિચાર શું છે? વિચાર કેમ આવે છે? વિચાર વિશે બહુ વાતો થઇ છે, પણ માણસના વિચારોને હજુ પૂરેપૂરા ઓળખી જ શકાયા નથી. માણસ શું છે? માણસ સરવાળે એ જ છે જેવા એના વિચારો છે. વિચારો ક્યારેક હાથમાંથી સરકી જાય છે. દરેક માણસને ખબર છે કે, સારા વિચારો કરવા જોઇએ. ખરાબ કે નકારાત્મક વિચારો આપણી માનસિકતા અને જિંદગી બગાડે છે. વિચારોને આપણે નેગેટિવ અને પોઝિટિવ જેવી જુદી જુદી કેટેગરીમાં મૂકીએ છીએ. આ કેટેગરી પણ આખરે તો માણસે જ નક્કી કરી છે. વિચાર તો વિચાર જ છે. દરેક વખતે સારા વિચારો જ આવે એવું જરૂરી નથી. વિચારો આપણી સ્થિતિ, આપણા સંજોગો, આપણી માનસિકતા અને આપણા અસ્તિત્વના આધારે ઘડાતા અને બદલાતા રહે છે. કોઇ વિચાર કાયમી નથી. માણસ વિશે એવું કહેવાય છે કે, એ બદલતો રહે છે. થોડુંક વિચારીએ તો એવું જ લાગે કે માણસ તો હોય એનો એ જ રહે છે, જે બદલે છે એ તો એના વિચાર છે. ક્યારેક કોઇ વિચાર આવે ત્યારે એમ થાય છે કે, મને આવો વિચાર કેમ આવ્યો? મારે આવા વિચારો નથી કરવા. ક્યારેક તો એવો વિચાર આવી જાય છે જ્યારે આપણે ભગવાનની માફી માંગી લઇએ છીએ કે, હે ભગવાન મને માફ કરજે કે મારાથી આવો વિચાર થઇ ગયો. વિચારો દૂઝણા છે. એક વિચારમાંથી બીજો વિચાર જન્મે છે. વિચારો ફૂટતા રહે છે અને ક્યારેક સ્ફોટક પણ બની જાય છે. સકારાત્મક વિચારોનો સમૂહ માણસને સંત બનાવી દે છે અને નકારાત્મક વિચારો માણસને નપાવટ બનાવી દે છે.
તમારા વિચારો તમારા કાબૂમાં છે? આવો સવાલ તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો? વિચારો ક્યારેક આપણા કાબૂમાં હોય છે અને ક્યારેક આપણે વિચારોના કાબૂમાં આવી જતા હોઇએ છીએ. કેટલાક વિચારો આપણા પર હાવી થઇ જતા હોય છે. આપણે ગમે એટલા ઝાટકા મારીએ તો પણ એ વિચારો ખંખેરી શકાતા નથી. વિચારોથી પીછો છોડાવવો આસાન નથી. એક સંત હતા. એક વખત એ જેલમાં સત્સંગ માટે ગયા. કેદીઓ સાથે વાતો કરી. એક કેદીએ સંતને સવાલ કર્યો. તમારા અને અમારામાં શું ફેર છે? સંતે કહ્યું કે, આમ તો કંઇ ફેર નથી. તમે પણ માણસ છો અને હું પણ માણસ છું. ફેર માત્ર એટલો છે કે, હું મારા વિચારોને છટકવા દેતો નથી, તમારા વિચારો જ્યારે તમે ગુનો કર્યો ત્યારે તમારા હાથમાંથી છટકી ગયા હતા. વિચારો ઘણી વખત પાછા આપણા હાથમાં આવે ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હોય છે. થતા થઇ જાય છે અને પછી એવો વિચાર આવે છે કે, આ મારાથી શું થઇ ગયું? આવું ન થયું હોત તો સારું હતું. વિચારોનો એક લય હોય છે. લય ખોરવાઇ ત્યારે પ્રલય થતો હોય છે. આપણે ભટકી જતા હોઇએ છીએ. સાચો અને સારો માણસ એ જ છે જેના વિચારો એકસરખા રહે છે. વિચારો જરાકેય આડાઅવળા થાય કે તરત જ એ વિચારોને પકડીને પાછા હતા ત્યાં જ લાવી દે છે.
દરેક માણસને ક્યારેક તો ખરાબ વિચાર આવ્યા જ હોય છે. સારો માણસ ખરાબ વિચારને અમલમાં મૂકતો નથી. મારાથી આવું ન થાય. મને આવું ન શોભે. માણસ કંઇ પણ ખોટું કરતો હોય ત્યારે એક વખત તો તેનો માંહ્યલો તેને રોકતો જ હોય છે. અંદરથી એક અવાજ ઊઠે છે કે, રહેવા દે, આ સારું નથી. માણસ તેને ખંખેરી નાખે છે. એ વિચારને ટાળી દે છે. કયો વિચાર ટાળવો અને કયો વિચાર સાકાર કરવો એની જેનામાં સમજ છે એ માણસ દરેક પરિસ્થિતિમાં ટકી રહે છે. ક્યારેક કોઇની સરસ વાત સાંભળીને આપણને એવું થાય છે કે, આને આવા વિચાર ક્યાંથી આવતા હશે? ક્યારેક કોઇ માણસ નબળી કે ખરાબ વાત કરે ત્યારે પણ એવું થાય છે કે, આને કેમ આવા વિચારો આવે છે? ઘણી વખત તો કોઇના વિચારો માટે પણ આપણે જજમેન્ટલ બની જતા હોઇએ છીએ. એણે આવો વિચાર ન કરવો જોઇએ! આવું કરતા પહેલાં એને કંઇ વિચાર નહીં આવ્યો હોય? વિચાર તો આવ્યો જ હોય છે. વિચાર આવ્યા વગર તો એણે એવું કર્યું જ ન હોત. એનો વિચાર સાચો કે સારો નહોતો, જેવો વિચાર હતો એવું એણે કર્યું.
બે વ્યક્તિના વિચારો ક્યારેક એકસરખા હોતા નથી. માણસને માણસ સાથે આર્ટ ઓફ એડજસ્ટમેન્ટ એટલે જ શીખવી પડે છે, કારણ કે બંનેના વિચારો જુદા છે. આપણે આપણી વ્યક્તિ પાસે પણ એવી અપેક્ષા રાખતા હોઇએ છીએ કે જેવું હું વિચારું એવું જ એ વિચારે. એ ક્યારેય શક્ય બનવાનું નથી. આપણા વિચારો પર આપણો કાબૂ રહેતો ન હોય તો બીજાના વિચારો પર તો ક્યાંથી રહેવાનો છે? આપણે ક્યારેક આપણા વિચારો કોઇના પર ઠોકી બેસાડતા હોઇએ છીએ. સામેની વ્યક્તિને અનુકૂળ હોય ત્યાં સુધી એ આપણા વિચારોને અનુસરશે, જ્યારે એના વિચારો બદલાશે ત્યારે એ આપણા વિચારોનો ઉલાળિયો કરી દેશે. આપણે પણ ક્યારેક આવું કર્યું જ હોય છે. માનવું હોય ત્યાં સુધી માનીએ, પણ જ્યારે વિશ્વાસ ઊઠી જાય ત્યારે એને ગણકારવાનું બંધ કરી દઇએ છીએ. આપણા વિચારો બદલાઇ ગયા હોય છે. વિચારો સમયની સાથે પરિપક્વ થાય છે. ઉંમરની સાથે વિચારો બદલાતા રહે છે. સમજણ, બુદ્ધિ અને જ્ઞાન એ બીજું કંઇ જ નથી. વિચારોના જુદા જુદા પડાવ છે. માણસ કયા પડાવ સુધી પહોંચે છે તેના પરથી તેની બુદ્ધિક્ષમતા નક્કી થાય છે. કોઇ અમુક મુકામે આવીને અટકી જાય છે, તો કોઇ એક કક્ષા સુધી પહોંચીને ભટકી જાય છે. પાગલખાનું એવા લોકોનું ઉદાહરણ છે જેના હાથમાંથી એના વિચારો હંમેશ માટે છટકી ગયા છે. વિચારો કાબૂમાં ન હોય એને કોઇનાથી ફેર પડતો નથી. આપણને ફેર પડે છે, કારણ કે આપણે વિચારો કરીએ છીએ. આપણને વિચારોની સમજ છે.
કોણે કેવા વિચારો કરવા જોઇએ એ આપણે નક્કી ન કરી શકીએ. ક્યારેક કોઇ એવી વાત કરે છે જે સાંભળીને આપણને કહેવાનું મન થાય છે કે, તને આવો વિચાર જ કેમ આવ્યો? તને જરાયે શરમ ન આવી? આપણે પણ ઘણી વખત ન બોલવાનું બોલી દઇએ છીએ. આપણા બચાવમાં પછી આપણે જ એવું કહેતા હોઇએ છીએ કે, યાર બોલતા બોલાઇ ગયું. એક્ચ્યુઅલી કંઇ જ બોલતા બોલાઇ જતું હોતું નથી, આપણા મનમાં એ ક્યારેક ચાલ્યું જ હોય છે. સંબંધો અને જિંદગીને જો સાત્ત્વિક રાખવા ઇચ્છતા હોઇએ તો આપણે આપણા વિચારો પર નજર રાખતા રહેવી જોઇએ. આપણી ગતિ, મતિ, પ્રકૃતિ અને પ્રવૃત્તિ એવી જ રહેવાની છે, જેવા આપણે વિચાર કરીએ!
છેલ્લો સીન :
દાનત જો સારી નહીં હોય તો વિચાર પણ સારા નહીં આવે. આપણા ઇરાદાઓ આપણને અમુક રીતે વિચારવા પ્રેરતા હોય છે. કાવતરાં ઘડીએ, ષડ્યંત્ર રચીએ તો એના જ વિચારો આવવાના છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 11 ઓગસ્ટ, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com