કોઇ દિવસ વિચાર્યું છે કે, મને મારી કેટલી કદર છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કોઇ દિવસ વિચાર્યું છે કે,
મને મારી કેટલી કદર છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

લોકો આપણી કદર કરે, આપણું મહત્ત્વ જળવાઇ રહે, એ માટે આપણે પોતે જ ઘણી બધી તકેદારી રાખવી પડતી હોય છે.
લોકો ઇગ્નોર ન કરે એવું ઇચ્છતા હોઇએ તો અમુક વાતોની કાળજી રાખવી પડે છે


———–

દરેક માણસ એવું ઇચ્છતો હોય છે કે, લોકો મને માન આપે, લોકો મારું સન્માન જાળવે, લોકો મારો આદર કરે, મારી હાજરીની નોંધ લેવાય, કોઇ મને ઇગ્નોર ન કરે, મારી વાતને ગંભીરતાથી લે અને મારું કહ્યું માને. આવી ઇચ્છા રાખવામાં કંઇ જ ખોટું નથી. ઊલટું આવી ઇચ્છા જ આપણા વજૂદને સર્જતી હોય છે. અલબત્ત, એવું થાય એ માટે પોતાની જાતને સાબિત કરવી પડતી હોય છે. લોકો એમ જ માન નથી આપવાના. લોકો આદર આપવામાં બહુ કંજૂસ હોય છે, પણ એક વખત જો એમને એવું લાગે કે, આ માણસ ડિઝર્વ કરે છે, આ માણસે કંઇક અચીવ કર્યું છે અને આ માણસ સન્માનને લાયક છે તો પછી એ માન-સન્માન આપવામાં કંઇ બાકી પણ નહીં રાખે. સોશિયલ મીડિયા પર પોસ્ટ લખવાથી માંડીને સ્ટેટસમાં પણ લખશે કે, અમને તમારું ગૌરવ છે. એના માટે સૌથી વધુ જરૂરી એ હોય છે કે, આપણને આપણી પોતાની પૂરેપૂરી કદર હોય. આપણા સમયનું મૂલ્ય હોય. આપણા શબ્દની સમજ હોય અને આપણા વર્તનની દરકાર હોય. પૂરતું માન ન મળવાનું કારણ મોટાભાગે માણસ પોતે જ હોય છે.
કોને માન નથી મળતું એ વિશે થોડાક અભ્યાસો થયા છે એની આ વખતે વાત કરવી છે. જરાક એ ચેક કરવા જેવું છે કે, હું તો ક્યાંય આવું નથી કરતો કે કરતીને? મને માન નથી મળતું એનાં કારણો ક્યાંક આ તો નથીને? વેલ, શું છે આ અંગેની અભ્યાસની વિગતો? તમે બધા માટે ઇઝી અવેલેબલ રહેતા હોવ તો લોકો તમારી વેલ્યૂ કરતા નથી. કોઇને જરૂર હોય અને આપણે હાજર થઇ જઇએ એ સારી વાત છે, પણ દરેક વખતે દરેક માટે હાજર હોઇએ તો લોકો આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંડે છે. આપણી દાનત ગમે એટલી સારી હોય તો પણ લોકો આપણી કદર કરતા નથી. બને ત્યાં સુધી કોઇ બોલાવે નહીં ત્યાં સુધી જવાની જરૂર હોતી નથી. લોકો આપણને નવરા ન સમજવા જોઇએ. એના વિશે એક સરસ વાત પણ કહેવામાં આવી છે કે, જ્યાં તમારી ગેરહાજરીની નોંધ ન લેવાતી હોય ત્યાં જવાનું ટાળવું. આપણને ન જઇએ તો એમ થવું જોઇએ, કે એ કેમ હાજર નથી? જવું જોઇએ ત્યાં જવું જ, પણ જ્યાં આપણા જવાથી કે ન જવાથી કંઇ ફેર પડવાનો ન હોય ત્યાં જઇએ તો આપણી કિંમત ઘટતી હોય છે. એને તો કહીશું એટલે એ આવી જ જશે એવું ઘણા લોકો વિશે બોલાતું હોય છે, આપણા વિશે એવું ન બોલાવું જોઇએ. ઘણા લોકોને વારેવારે કહેવું પડે છે કે, જોજો હો, તમારે ખાસ આવવાનું છે. વાત ખોટો ભાવ ખાવાની નથી, વાત બધા માટે ઇઝી અવેલેબલ ન રહેવાની છે. ઘણા લોકો ઇરાદાપૂર્વક પોતાનું ઇમ્પોર્ટન્સ જતાવવા મોડા આવતા હોય છે, એવા નાટક કરવાની પણ જરૂર હોતી નથી. માત્ર આપણે આપણા વિશે વિચારવાનું હોય છે કે, મારે જવું જરૂરી છે? મારી કોઇ રાહ જુએ છે? હું જઇશ તો એને ખુશી થશે? જો જવાબ હા હોય તો ચોક્કસ જવું. ઘણી વખત આપણને જ એવું થાય છે કે, યાર જવાનું મન નથી થતું, મન ન થાય ત્યાં જવાનો પણ ખાસ કોઇ મતલબ હોતો નથી. આપણી છાપ આપણે જ પેદા કરતા હોઇએ છીએ. પોતાનો સમય પોતાના લોકો માટે અને પોતાના માટે રાખો, બધે દોડવાની ક્યાં જરૂર છે?
બીજી મહત્ત્વની વાત એ છે કે, દરેક કામ માટે કોઇના પર આધારિત ન રહો. ઘણા લોકોને દરેક કામમાં અને દરેક બાબતમાં કોઇનો સાથ કે કોઇની મદદ જોઇએ છે. એ એકલા કંઇ કરી જ શકતા નથી. ક્યાંક જવું હોય તો પણ એને કોઇકની કંપની જોઇએ છે. દરેકેદરેક બાબતમાં એ કોઇના પર ડિપેન્ડ જ રહે છે. કોઇ ન હોય તો એને મજા જ નથી આવતી. મજા કરવા માટે પણ એને કોઇ જોઇતું હોય છે. આવા લોકો પોતાનાં સુખ અને આનંદની ચાવી બીજાના હાથમાં આપી દે છે. આપણે ચાવીવાળું રમકડું નથી કે કોઇ ચલાવે એમ ચાલીએ અને કોઇ નચાવે એમ નાચીએ. આપણી પોતાની ચોઇસ, આપણી પોતાની પ્રાઇવસી અને આપણું પોતાનું પ્લેઝર હોવું જોઇએ. અગંત વગર ન ચાલે એ સમજી શકાય એવી વાત છે, પણ દરેક બાબતમાં કોઇ જોઇએ એ યોગ્ય નથી. આવા લોકો પોતાની જાત સાથે રહી શકતા નથી હોતા. એકલા રહેવાનું આવે તો એ ફફડી જાય છે. આપણે સતત કોઇનો સહારો ઇચ્છીએ તો લોકો આપણને ઇમ્પોર્ટન્સ આપવાનું બંધ કરી દે છે. માણસે એકાંતને માણતા શીખવું જોઇએ. થોડાક એવા શોખ પણ કેળવવા જોઇએ જે પોતાને આનંદ આપે. ગમે એની સાથે ગપ્પાં મારવાનો કોઇ મતલબ હોતો નથી. માણસની બેસ્ટ કંપની પોતાની જાત સાથેની જ હોય છે. જે લોકો બીજા પર જ ડિપેન્ડ રહે છે એને પોતાનું જ મહત્ત્વ હોતું નથી. માણસે ક્યારેક સોલો ટ્રિપ પણ કરવી જોઇએ. જેને પોતાને એકલા આનંદ માણતા આવડતું નથી હોતું એ બીજાને ક્યારેય મજામાં રાખી શકતા નથી.
ઘણા લોકો કોઇને ના પાડી શકતા નથી. ના પાડવાની આવડત ન હોય તો બધા લોકો આપણો ઉપયોગ કરી જાય છે. દરેક વાતમાં હા પાડીએ તો લોકો એવું માની લે છે કે, આ તો સાવ નવરો કે નવરી છે. ના પાડતા શીખો. આ બધા માટે જરૂરી એ પણ છે કે, આપણે આપણું વજૂદ ખડું કરીએ. લોકોને ખબર હોય, કે આ વ્યક્તિ બિઝી છે, એ કોઇ મહત્ત્વનું કામ કરે છે તો એ તમને કોઇ ફાલતું કામ સોંપશે જ નહીં. ઘરમાં પણ માર્ક કરજો, આપણે સ્ટડી કરતા હોઇએ કે બીજા કોઇ મહત્ત્વના કામમાં રોકાયેલા હોઇએ તો ઘરના લોકો આપણને કામ સોંપતા નથી. કોઇ કામ સોંપે તો પણ ઘરના વડીલ એવું કહે છે કે, એને રેવા’દે, એ જે કરે છે એ કરવા દે, એ એના કામમાં બિઝી છે, એ મહત્ત્વનું કામ કરે છે.
પોતાની જિંદગીનો ગોલ નક્કી કરો. કંઇક બનવું છે, કંઇક કરવું છે, પોતાની જાત સાબિત કરવી છે, જિંદગી વેડફવી નથી એવો નિર્ણય કરો. એવું બિલકુલ જરૂરી નથી, કે દરેક માણસ મહાન બની શકે. હા, દરેક માણસ પોતાના કામમાં શ્રેષ્ઠ તો બની જ શકે છે. આપણને જે કામ મળ્યું છે, આપણે જે કરીએ છીએ એ બેસ્ટ રીતે કરીએ તો એ પૂરતું છે. માણસે પોતાના કામને અને પોતાની જાતને હન્ડ્રેડ પર્સન્ટ આપવા જોઇએ. આપણે ઘણા એવા લોકોને જોતા હોઇએ છીએ કે એમનું કામ નાનું હોય, પણ એ બેસ્ટ રીતે કરતા હોય. જે કામ કરતા હોઇએ તેને એન્જોય કરવું એ પણ એક આવડત છે. આપણા કામમાં વેઠ એટલે જ ઊતરતી હોય છે, જો આપણે આપણા કામને જ નબળું અને નક્કામું સમજીએ. સુખ અને સફળતા સરવાળે તો આપણે જે સ્થિતિ અને સંજોગ છે એને કેવી રીતે લઇએ છીએ, કેવી રીતે જોઇએ છીએ અને કેટલું સમજીએ છીએ તેના પર જ આધાર રાખે છે. એક વાત ચોક્કસ છે, કે આપણને જો આપણી કદર, આપણું મહત્ત્વ અને આપણી ખુમારી નહીં હોય, તો એ કોઇ આપણી કદર કરવાનું નથી. બહારની શરૂઆત અંદરથી થતી હોય છે. પહેલાં પોતાને ઓળખો, તો જ દુનિયા તમને ઓળખશે.


———

પેશ-એ-ખિદમત
દેખેં કરીબ સે ભી તો અચ્છા દિખાઇ દે,
ઇક આદમી તો શહર મેં ઐસા દિખાઇ દે,
અબ ભીક માંગને કે તરીકે બદલ ગએ,
લાજિમ નહીં કે હાથ મેં કાસા દિખાઇ દે.
(ભીક-ભીખ / લાજિમ-જરૂરી / કાસા-કટોરો)
– જફર ગોરખપુરી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 07 ઓગસ્ટ, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *