જરાક વિચાર કરજો કે હું કેવો મિત્ર છું? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જરાક વિચાર કરજો કે
હું કેવો મિત્ર છું?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


સોચતા હૂં દોસ્તોં પર મુકદમા કર દૂ,
ઇસી બહાને તારીખોં પર મુલાકાત તો હોગી.
– ગુલઝાર



આપણે કોઇ પણ સંબંધનું મૂલ્યાંકન કરીએ ત્યારે મોટા ભાગે સામેની વ્યક્તિને ધ્યાનમાં રાખીને વિચારતા હોઇએ છીએ. આ વ્યક્તિ આવી છે અને તે વ્યક્તિ તેવી છે. આપણે આપણા મિત્રો વિશે પણ વિચાર કરતા હોઇએ છીએ કે, મારો મિત્ર આવો છે. આપણે ક્યારેય એવો વિચાર કરીએ છીએ કે, એક મિત્ર તરીકે હું કેવો છું? એક બહેનપણી તરીકે હું કેવી છું? ફ્રેન્ડની જે રિઅલ ડેફિનેશન છે એમાં હું ફિટ થાઉં છું કે નહીં? વેલ, દોસ્તની વ્યાખ્યા શું? દોસ્ત કોને કહેવાય? આમ તો દોસ્તી વ્યાખ્યા કરવાનો વિષય જ નથી. દોસ્તી તો જીવવાનો વિષય છે. જેની સાથે કોઇ ભાર ન હોય, જેને ગમે તેવી વાત કરવામાં કોઇ વિચાર કરવો પડતો ન હોય, વાત શરૂ કરતા પહેલાં કોઇ ભૂમિકા બાંધવી પડતી ન હોય, એને કેવું લાગશે એની કોઇ ચિંતા ન હોય, એ જજ નથી કરવાનો એની ખાતરી હોય અને દરેક સ્થિતિ, સમય અને સંજોગ જે એકસરખો જ રહેતો હોય એ મિત્ર! માણસ હન્ડ્રેડ પર્સન્ટ જેવો હોય એવો માત્ર ને માત્ર મિત્ર સાથે જ રહેતો હોય છે. બાકીના દરેક સંબંધમાં ક્યાંક પાતળું તો ક્યાંક જાડું આવરણ રહેતું હોય છે. પતિ-પત્ની કે પ્રેમી પ્રેમિકા વચ્ચે પણ કેટલાક કિસ્સાઓમાં વાત કે વર્તન કરતા પહેલાં વિચાર કરવો પડતો હોય છે. દોસ્તીમાં એવું નથી હોતું. કુદરતને જ્યારે લોહીના સંબંધો પર શંકા પેદા થઇ હશે ત્યારે તેણે દોસ્તનું નિર્માણ કર્યું હશે. માણસને કોઇ દિશા નહીં સૂઝે, ક્યાંય સધિયારો નહીં મળે ત્યારે એ ક્યાં જશે એવો વિચાર કુદરતને આવ્યો હશે એટલે તેણે મિત્રનું સર્જન કર્યું હશે. ભગવાનને પણ ક્યાં મિત્રો નહોતા. ભગવાન કૃષ્ણની જિંદગીમાંથી દોસ્ત અને સખાઓને હટાવી દઇએ તો ભગવાનની લીલા સૂકી અને અધૂરી લાગે. દોસ્તી તો કર્ણ અને દુર્યોધનની પણ દાખલો આપવો પડે એવી છે. કર્ણને ખબર જ હતી કે મારો મિત્ર દુર્યોધન બદમાશ છે, પણ એને એ વાતનો અહેસાસ હતો કે, ગમે તેવો છે એ મારો દોસ્ત છે. દોસ્તની ભૂલો ગણવાની ન હોય. દોસ્તની ભૂલો તો એની સાથે ભોગવવાની હોય છે.
બે મિત્રની આ સાવ સાચી વાત છે. એક મિત્રથી એક ગંભીર ગુનો થઇ ગયો. તેને જેલની સજા થઇ. એ મિત્રનો પરિવાર ખાનદાન હતો. દીકરાએ અમને મોઢું બતાવવા જેવા ન રાખ્યા એવું કહીને પરિવારના લોકોએ મોઢું ફેરવી લીધું. જેલમાં તેને મળવા કોઇ નહોતું જતું. એકમાત્ર તેનો ખાસ મિત્ર ટિફિન લઇને નિયમિત રીતે જેલમાં તેને મળવા જતો. એક વખત તેના મિત્રે સવાલ કર્યો, તું કેમ આવે છે? મારી પાસે તો મારા ઘરના લોકો પણ નથી આવતા. મિત્રએ હસીને કહ્યું કે, હું ઘરનો નથી, હું તો દિલનો છું! દોસ્ત તેં ભૂલ કરી છે એમાં ના નહીં, તારી ભૂલ તું ભોગવી પણ રહ્યો છે, જ્યારે સંબંધ દોસ્તીનો હોયને ત્યારે દોસ્તની સાથે એની ભૂલ ભોગવવાની હોય છે, ભાગી જવાનું નથી હોતું. તારાથી ભૂલ થઇ ગઇ એટલે હું શું તને છોડી દઉં? સારા સમયમાં આપણે સાથે હતા, ખરાબ સમયમાં પણ આપણે સાથે જ છીએ. થવાનું હતું એ થઇ ગયું, હવે એ વાત થોડી પકડી રખાય છે? મારો પ્રયાસ તો એટલો જ છે કે, મારો દોસ્ત ખુશ રહે. હું એના માટે મારાથી થઇ શકે એટલું કરું. તારા વગર બહાર કોઇ મજા કરવાનું પણ મન નથી થતું. તારું મોઢું જોઇને સંતોષ માની લઉં છું. એક વાત યાદ રાખજે, દરેક પરિસ્થિતિમાં હું તારી સાથે છું.
માણસના સંબંધોનું પોત દિવસે ને દિવસે પાતળું પડતું જાય છે. દોસ્તીને આધુનિક જમાનાનો કેટલો રંગ લાગ્યો છે? હજુ દોસ્તી બીજા સંબંધો જેટલી ઘસાઇ નથી. કંઇ પણ હોય દોસ્ત તો જોઇએ જ! એના વગર બધું અધૂરું લાગે છે. દરેકેદરેક માણસની જિંદગીમાં બચપણથી માંડીને બુઢાપા સુધી દોસ્તની ગજબની ભૂમિકા રહે છે. ઉંમરના જુદા જુદા પડાવો પર દોસ્તો બદલતા રહે છે, પણ કેટલાક દોસ્ત એવા ને એવા જ રહે છે. દોસ્ત એવી વ્યક્તિ છે જે આપણને પહેલાં બગાડે છે અને પછી સુધરવાની સલાહો આપે છે. મોટા ભાગનાં વ્યસનો દોસ્તોને આભારી હોય છે. મિત્રો સાથે માણસે અનેક પરાક્રમો કર્યાં હોય છે. મિત્રોના કારણે માર પણ ખાધો હોય છે અને ન કરવાનાં કરતૂતો પણ કર્યાં હોય છે. દોસ્તો સાથેની ઘટનાઓ જ જિંદગીનાં સૌથી રસપ્રદ પ્રકરણો હોય છે.
બે છોકરાઓની દોસ્તી, બે છોકરીઓનાં બહેનપણાં અને એક છોકરા તથા એક છોકરીની ફ્રેન્ડશિપ જુદી જુદી રીતે જીવાતી હોય છે. બે છોકરીઓની બહેનપણીમાં મેરેજ બાદ થોડુંક ડિસ્ટન્સ આવી જતું હોય છે. લાગણી ઘટતી હોતી નથી, પણ સંજોગો જ એવા સર્જાતા હોય છે કે, અગાઉ જેટલી ઘનિષ્ઠતા રહેતી નથી. એવું ભલે કહેવાતું હોય કે, એક લડકા ઔર એક લડકી કભી દોસ્ત નહીં હો સકતે, પણ આ વાત ખોટી છે. એવા અસંખ્ય કિસ્સાઓ આપણી આજુબાજુમાં હોય છે જેમાં એક છોકરા અને એક છોકરીની દોસ્તી સોળે કળાએ જીવાતી હોય. છોકરા-છોકરીની દોસ્તીમાં એક મર્યાદા પણ હોય છે અને એક જુદા જ પ્રકારનો ગ્રેસ પણ હોય છે. દોસ્તી તૂટે ત્યારે દર્દ થતું હોય છે. એવું એમ જ તો નહીં કહેવાયું હોય, કે દોસ્ત કરતાં દોસ્તીનું મૃત્યુ વધુ આઘાતજનક હોય છે. દોસ્તી તૂટે પછી સતત કંઇક કણસતું રહે છે. દોસ્તી જેટલી તીવ્ર હોય, પેઇન એટલું જ કાતિલ હોવાનું છે. દોસ્તીમાં પણ ક્યારેક ઇગો આડે આવી જતો હોય છે. ઇરાદો ન હોય, પણ અંટસ પડી જતી હોય છે. દોસ્તીમાં જ્યારે પણ નાજુક સંબંધ આવે ત્યારે એને સાચવી અને સંભાળી લેવાનો હોય છે. દોસ્તીમાં આમ તો સોરી કે થેંક્યૂ જેવું કશું હોવું ન જોઇએ, પણ જ્યારે એવું લાગે કે મારો મિત્ર નારાજ છે ત્યારે સોરી કહી દેવામાં સાર હોય છે.
બાય ધ વે, તમારી પાસે દોસ્તીની બેસ્ટ સ્ટોરી કઇ છે? બે મિત્રો મળે ત્યારે એવી વાત કર્યા વગર નથી રહેતા કે, કેવું થયું હતું નહીં? આપણે પણ ન કરવાના ધંધા ઓછા નથી કર્યા. દોસ્તો સાથેની કથાઓ એના પૂરતી જ મર્યાદિત હોય છે. દોસ્ત જ ખરા અર્થમાં રાઝદાર હોય છે. આપણાં ઘણાં બધાં સિક્રેટ્સ માત્ર ને માત્ર દોસ્તને જ ખબર હોય છે. માણસ પોતાના પ્રેમની સૌથી પહેલી વાત મિત્રને જ કરે છે. મને પેલી ગમે છે કે પેલો કેવો ડેશિંગ છે એ વાત ફ્રેન્ડને જ કહેવાતી હોય છે. લવ વખતે જ નહીં, બ્રેકઅપ વખતે પણ દોસ્તનો સાથ જ સધિયારો આપે છે. દુનિયામાં સૌથી નસીબદાર માણસ એ જ છે જેની પાસે સારા દોસ્ત છે. એની સાથે એ પણ વિચારવા જેવું છે કે, હું તો સારો કે સારી દોસ્ત છું ને?
છેલ્લો સીન :
દોસ્ત સાથે કોઇ રમત ન રમો, કારણ કે તમે જીતી જશો તો પણ દોસ્તી હારી જશો. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 04 ઓગસ્ટ, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *