તું આવી છીછરી અને
હલકી વાત ન કર!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આંખો જરી ખૂલી અને સપનાં ફળી ગયાં,
રેતીના ગામમાં મને ઝરણાં મળી ગયાં,
એકાદ જો ખુશી હતે, વ્હેંચી શકત નહીં,
સારું કે એમના મને ઢગલા મળી ગયા.
-દક્ષેશ કોન્ટ્રાક્ટર `ચાતક’
દરેક માણસનો એક સ્વભાવ હોય છે, દરેક માણસની એક ફિતરત હોય છે. માણસ કોની સાથે રહે છે, કોની સાથે વાતો કરે છે, કેવી વાતો કરે છે એના પરથી એ ઘડાતો હોય છે. સંગ એવો રંગ એવું એટલે જ તો કહેવાતું આવ્યું છે. માણસની જિંદગીનો સૌથી મોટો આધાર એ કેવા લોકોની પસંદગી કરે છે એના પર જ રહે છે. માણસ જેની આસપાસ રહેતો હોય, જેની વાત સાંભળતો હોય, જેની સલાહ લેતો હોય, જેની વાત માનતો હોય એ ખરેખર કેવો છે એ ચેક કરતા રહેવું જોઇએ. સારો માણસ હંમેશાં સારો જ રહેવાનો છે. ગમે તે થાય તો પણ એ ખરાબ થઇ શકશે નહીં. ખરાબ માણસ સારા હોવાનું નાટક કરશે, છેલ્લે તો એ પણ જેવો હોય એવો પરખાઇ જવાનો છે. આપણને એ સમજ હોવી જોઇએ કે, આપણી નજીક છે એમાંથી કોણ ભરોસાપાત્ર છે અને કોણ વિશ્વાસ કરવાને લાયક નથી. માણસને સમજવામાં અને ઓળખવામાં થાપ ખાઇ ગયા તો પસ્તાવા સિવાય કોઇ માર્ગ રહેતો નથી. આપણે ઘણાના મોઢે એવું સાંભળીએ છીએ કે, મારી મતિ ભમી ગઇ હતી તે મેં એની વાત માની. મારી જિંદગીની એ સૌથી મોટી ભૂલ હતી કે, મેં તેના પર ભરોસો મૂક્યો. માણસને માપવાનું કોઇ મીટર નથી. કોની દાનત કેવી છે એ ઘડીકમાં વર્તાતું નથી. અલબત્ત, જો માણસની વાણી અને તેના વર્તનનું બારીકાઇથી નિરીક્ષણ કરીએ તો ખબર પડી જાય છે કે કોણ કેવો છે.
એક સરસ મજાનો કિસ્સો વાંચવા મળ્યો હતો. એક કંપનીના માલિકને પોતાને ત્યાં જનરલ મેનેજરની ભરતી કરવાની હતી. ઘણી બધી અરજીઓ આવી હતી. છેલ્લે બે યુવાનો નક્કી થયા. બેમાંથી એકને નોકરીએ રાખવાનો હતો. બંનેનું ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ એકદમ સરખા હતા. ફાઇનલ પસંદગી માટે માલિકે બંનેને ડિનર પર એક હોટલમાં બોલાવ્યા. બંને યુવાનો આવ્યા. માલિક સાથે ડિનર લીધું. માલિકે બંનેને નોકરી કે કામ સંબંધે એક શબ્દ ન પૂછ્યો. અલકમલકની વાતો કરી. ડિનર પતી ગયું. જુદા પડતી વખતે બંનેમાંથી એકને નોકરીની હા અને બીજાને નોકરીની ના પાડવાની હતી. છૂટા પડતી વખતે એકને માલિકે કહ્યું કે, તમને જોબનો ઓર્ડર મળી જશે. બીજા યુવાનને સારા શબ્દોમાં ના પાડી દીધી. બીજા યુવાનને આશ્ચર્ય થયું. તેણે કહ્યું, નોકરી ન આપી એનો કોઇ વાંધો નથી, પણ મને એટલું કહેશો કે અમારા બંનેનું બધું એકસરખું હોવા છતાં તમે એની પસંદગી કેમ કરી? મને કેમ ના પાડી? માલિકે તેને જવાબ આપ્યો. તમે વેઇટર સાથે જે રીતે વાત કરતા હતા અને એ વ્યક્તિ તેની સાથે જે રીતે બિહેવ કરતી હતી એના પરથી જ મેં નિર્ણય કર્યો હતો કે કોને રાખવો અને કોને ન રાખવો. તમારો ટોન, તમારી વાત કરવાની રીત અને તમારો શિષ્ટાચાર એ સૌથી મહત્ત્વના છે. ખાલી આવડત હોવી પૂરતું નથી. માણસને તમે કેવી રીતે ટ્રીટ કરો છો તે પણ ઇમ્પોર્ટન્ટ છે. માણસ સાથે હેસિયત જોઇને નહીં, પણ માણસને માણસ સમજીને વાત કરવી જોઇએ. આપણે જેવું વર્તન કરીએ એની નોંધ લેવાતી જ હોય છે.
હળવી મજાક, મસ્તી અને ક્યારેક ગાળાગાળી પણ મિત્રોમાં થતી રહેતી હોય છે. મિત્રો સાથે કોઇ સંકોચ કે ફોર્માલિટી હોતી નથી. સારું લગાડવાનું હોતું નથી કે ઇમ્પ્રેસ કરવાના હોતા નથી. આમ છતાં મિત્રો કેવા છે એ તો જોવું જ પડે છે. માણસ કેવો છે એ જાણવા વિશે એ પ્રયોગ અજમાવવાનું કહેવામાં આવે છે. કોઇની સાચી ઓળખ જોઇતી હોય તો એ ચેક કરો કે એના મિત્રો કોણ છે? તેને ત્યાં જે લોકો કામ કરે છે એ કેટલા જૂના છે? માણસ એવો જ હોવાનો જેવા તેના મિત્રો હોય. પોતાના જેવા લોકો સાથે જ માણસને ફાવતું હોય છે. જિંદગીમાં મિત્રો જરૂરી છે એમાં ના નહીં, પણ મિત્રો એવા પણ ન હોવા જોઇએ જેના કારણે આપણે ઉપાધિમાં મુકાવવું પડે. અત્યારનો સમય સાચા મિત્રોને પારખવા પણ અઘરા પડે એવો છે. માણસની દાનત ઘડીકમાં ક્યાં પરખાતી હોય છે? માણસને તો પારખવો પડે અને સમયે સમયે ચકાસતો પણ રહેવો પડે. કોઇ માણસ કાયમ એકસરખો રહેતો નથી. એવા તો કોઇ વિરલા જ હોય છે, જે સમય બદલે કે બીજું કંઇ પણ થાય, એનામાં કોઇ ફેર પડે જ નહીં. આપણે ઘણા વિશે એવું કહેતા હોઇએ છીએ કે, એને હું વર્ષોથી ઓળખું છે, એ એવો ને એવો કે એવી ને એવી છે. એનામાં નયા ભારનો ફેર નથી. ઘણા વિશે એવું પણ સાંભળતા રહીએ છીએ કે, એ પહેલાં આવો નહોતો. ખબર નહીં કેમ આવો થઇ ગયો!
સમયની સાથે આપણામાં પણ બદલાવ આવતો હોય છે. જેમ જેમ ઉંમર વધે એમ એમ સમજ પણ વધવી જોઇએ. એક છોકરાની આ વાત છે. તેનો એક મિત્ર હતો. બંને વચ્ચે બચપણથી ખૂબ જ સારી દોસ્તી હતી. એક મિત્ર મોટો થતો ગયો એમ એમ ઉછાંછળો થતો ગયો. બીજો ગંભીર થતો ગયો. એક વખત મિત્રએ એક છોકરી વિશે ભદ્દી મજાક કરી. તેના મિત્રએ કહ્યું કે, તું આવી છીછરી અને હલકી વાત ન કર. હવે આપણે નાના નથી. તેના મિત્રએ કહ્યું, કેમ તને એવું લાગે છે કે મારી સાથે રહીને તું બગડી જઇશ? તેના મિત્રએ કહ્યું, ના, એવું નથી, હું ઇચ્છું છું કે મારી સાથે રહીને તું થોડોક સુધર! તું જો કહેવાનું બંધ નહીં કરે તો મારે સાંભળવાનું બંધ કરવું પડશે. બોલવું એ કળા છે, તો સાંભળવું એ પણ આવડત છે. બધું સાંભળવાની જરૂર હોતી નથી. કેટલુંક એવું હોય છે, જે કાને અથડાય કે તરત જ પાછું ઠેલી દેવું પડે છે. બધું અંદર ઉતારવાની કોઇ જરૂર હોતી નથી. બધા જ શબ્દો સુંદર થઇને જ સામે આવે એવું જરૂરી નથી, કચરા જેવી વાતો મગજ બગાડે છે. માણસ બોલ્યા વગર રહી શકે છે, સાંભળ્યા વગર રહી શકતો નથી. સંભળાય ભલે આજુબાજુનું બધું, પણ શું ધ્યાને લેવું અને શું અવગણવું એ આપણે નક્કી કરવાનું હોય છે. કોણે શું બોલવું એ આપણા હાથમાં નથી, પણ આપણે શું સાંભળવું એ તો આપણા હાથમાં હોવું જ જોઇએ. જિંદગીમાં દરેકે દરેક વાતને ગંભીરતાથી લેવાની જરૂર નથી. ગંભીરતાથી જેટલું ધ્યાને લેવાનું છે એનાથી વધારે જરૂર હળવાશથી વાતોને લેવાની હોય છે. માણસમાં હળવાશ ઘટતી જાય છે, ભાર વધતો જાય છે. સંબંધ એવા લોકો સાથે રાખો જેની સાથે હળવાશ ફીલ થાય. ભારે જ થતા રહેશો તો ભાંગી પડશો!
છેલ્લો સીન :
આપણી ઇમેજ આપણે જ બનાવતા હોઇએ છીએ. આપણી વાણી, આપણું વર્તન અને આપણા વિચારો ગમે એટલા છુપાવીએ, એ જેવા હોય એવા છતાં થઇ જ જાય છે! – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 28 જુલાઇ 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com