પતિ, પત્ની, દાંપત્યજીવન
અને આડા સંબંધોનું સત્ય
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
દાંપત્યજીવનમાં વફાદારીનું તત્ત્વ ઘટતું જાય છે એવું
હમણાં થયેલા એક સરવૅમાં બહાર આવ્યું છે. બહુ ઓછા સંબંધો સીધા રહે છે.
આડા, ઊભા અને ત્રાંસા બાંગા સંબંધો વધી રહ્યા છે!
———–
રિલેશનશિપ ક્રાઇસીસ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. મોટા ભાગના લોકોના સંબંધો સંકટમાંથી પસાર થઇ રહ્યા છે. પતિ-પત્નીના દાંપત્યજીવન સામે સવાલો ખડા થઈ રહ્યા છે. એકબીજાને વફાદાર હોય એવા લોકોની સંખ્યા સતત ઘટતી જાય છે. કોઇને પોતાની વ્યક્તિથી સંતોષ નથી. દરેકને પોતાની વ્યક્તિમાં પ્રોબ્લેમ જ દેખાય છે. જોઇને આંખો ઠરે એવાં કપલ્સ બહુ ઓછાં થઈ રહ્યાં છે. ઘણાં કપલ્સ દેખાતાં હોય છે સુખી પણ વાસ્તવમાં બંને કેટલાં ખુશ હોય છે એ સૌથી મોટો સવાલ છે. દાંપત્યનો પણ દેખાડો થવા લાગ્યો છે. પ્રેમીઓ અને પતિ-પત્નીના સંબંધો હવે સીધા રહ્યા નથી. આડા સંબંધો આમ તો પહેલેથી ચાલ્યા આવે છે પણ જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ આડા સંબંધોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સંબંધો આડા, ઊભા અને ત્રાંસા, બાંગા થવા લાગ્યા છે. હમણાંના એક-બે સરવૅમાં જે વાત બહાર આવી છે એ ચોંકાવનારી છે. લોકો હવે લગ્નેતર સંબંધ બાંધવામાં કોઇ છોછ નથી રાખતા. મેરિડ લોકો મેરેજ સલામત રાખવા માંગે છે અને સાથોસાથ બીજા સંબંધો પણ બાંધે છે. દેશમાં એનાં પણ સંશોધનો થયાં છે કે, આખરે કેમ માણસને પોતાની વ્યક્તિથી સંતોષ નથી? શું ખૂટે છે? ઇન્ટરનેટ ટેક્નોલોજીએ બેવફાઈમાં વધારો કર્યો છે. સોશિયલ મીડિયા અને બીજી ડેટિંગ એપથી લોકો કોઇ ને કોઇની સાથે જોડાયેલા હોય છે. ફેન્ટસી માટે પણ લોકો બીજા સંબંધો બાંધવા લાગ્યા છે. દાંપત્યજીવન વિશે એવું કહીએ તો જરાયે વધુ પડતું નથી કે, તમારી વ્યક્તિ જો માત્ર ને માત્ર તમારી હોય તો તમે નસીબદાર છો!
માત્ર મેરિડમેન જ આવું કરે છે એવું બિલકુલ નથી, યુવતીઓ પણ તેમાંથી બાકાત નથી. વાત માત્ર ફિઝિકલ રિલેશન્સની નથી પણ બીજાં કારણસર પણ લગ્નેતર સંબંધો રાખવામાં આવે છે. કોઈ કેસમાં પોતાની વ્યક્તિ પાસે સમય નથી, તો કેટલાંક કિસ્સામાં ઇમોશનલ નીડ અને ઇન્ટલેક્ચ્યુલ સેટિસ્ફેક્શનના સવાલ છે. એક કપલની આ વાત છે. બાકી બધું બરાબર છે, કોઈ ઇશ્યૂ નથી પણ પત્નીને પતિનું બૌદ્ધિક સ્તર નીચું લાગે છે. એ કહે છે કે, વાત કરવામાં કંઇક તો ડેપ્થ હોવી જોઇએને? એ તેના મિત્રો સાથે વાતો કરવા માટે સંબંધ રાખે છે! કારણો અલગ અલગ છે. આપણા દેશમાં એક ડેટિંગ એપ દ્વારા કરવામાં આવેલા સરવૅમાં એવું બહાર આવ્યું છે કે, 60 ટકા મેરિડ કપલ લગ્નેતર સંબંધો ધરાવે છે. 46 ટકા પરિણીત પુરુષોના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. 33 ટકા પુરુષો અને તેનાથી બે ટકા વધુ એટલે કે 35 ટકા સ્ત્રીઓ વર્ચ્યુઅલ ફ્લર્ટ કરે છે. દેશનાં મોટાં શહેરોમાં જ આવું બધું થાય છે એવું માનવાની પણ બિલકુલ જરૂર નથી. મેટ્રોપોલિટન સિટીમાં તો બહુ કોમન છે જ પણ નાનાં નાનાં શહેરો પણ તેમાંથી બાકાત નથી. સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સે નાનાંમોટાં શહેરોનો ભેદ ખતમ કરી દીધો છે.
લગ્નેતર સંબંધોનાં કારણો પણ જાણવાં જેવાં છે. આજનાં પતિ-પત્ની પાસે એકબીજા માટે પૂરતો સમય નથી. કપલમાંથી એક ફ્રી થાય ત્યારે બીજા પાસે સમય હોતો નથી. વર્કિંગ કપલ્સે જાગતી અવસ્થામાં ઘર કરતાં બહાર વધુ રહેવું પડે છે. કપલના રસના વિષયો જુદાજુદા છે. પતિ-પત્ની એકબીજાનો શોખ અપનાવતાં નથી એટલે એવું વિચારે છે કે એને ગમે એ ભલે એ કરે, મને ગમે એ હું કરીશ. એક સમયે બંનેની પ્રાયોરિટીઝ સરખી રહેતી હતી, હવે બંનેની પ્રાયોરિટીઝ પણ બદલાઈ ગઇ છે. બંનેને એકબીજાથી જુદું કંઇક એચિવ કરવું છે. બંનેના ગોલ જુદા જુદા છે. લવમેરેજના કિસ્સામાં પણ એવું જોવા મળે છે કે, મેરેજ પછી થોડો સમય તો ખાસ કંઈ વાંધો આવતો નથી, ધીમેધીમે એમાં પણ કોઇ ને કોઇ વાતે વાંધા પડવા લાગે છે. એક બીજું રસપ્રદ કારણ એ પણ છે કે, મેરેજ વખતે પતિ-પત્ની બંનેનું ઇન્ટલેક્ચ્યુલ લેવલ ઓલમોસ્ટ સરખું હોય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ બેમાંથી એક આગળ નીકળી જાય છે અને બીજું પાછળ રહી જાય છે. એના કારણે પતિ કે પત્ની બીજી વ્યક્તિ તરફ વળે છે. બીજાં એકબે કારણો તદ્દન જુદાં છે. આપણા દેશમાં અમુક જ્ઞાતિઓમાં નાની ઉંમરે મેરેજ કરી દેવામાં આવે છે. મેરેજ બાદ થોડાં જ વર્ષમાં પતિ-પત્ની વચ્ચે બધું જ એકદમ રૂટિન થઇ જાય છે. કોઇ રોમાંચ રહેતો નથી. માણસ રોમાંચ મેળવવા બહાર નજર દોડાવે છે. નાની ઉંમરે બાળક થઇ જાય પછી પત્નીનું ધ્યાન બાળક પ્રત્યે વધુ રહે છે. જો બંનેમાં પૂરતી અંડરસ્ટેન્ડિંગ ન હોય તો સંબંધોમાં ગેપ આવે છે અને પરિણામે માણસ બીજા સંબંધો તરફ વળે છે. સોશિયલ મીડિયાની દેખાદેખીના કારણે પણ સંબંધો આડા ફાટે છે. સોશિયલ મીડિયા પર કોઈને જોઇને અથવા તો કોઇનાથી પ્રભાવિત થઇને સંબંધો બાંધવામાં આવે છે. ઘણા લોકો તો ટાઇમપાસ કરવા માટે પણ સંબંધો બાંધે છે.
છાનાખૂણે બધું ચાલતું રહે ત્યાં સુધી તો વાંધો નથી આવતો પણ જ્યારે પતિ કે પત્ની બેમાંથી જે કોઇ આડા સંબંધો રાખતાં હોય એ પકડાઈ જાય ત્યારપછી દાંપત્યજીવનમાં પ્રોબ્લેમ ઊભા થાય છે. ભરોસો ખતમ થાય પછી જીવવામાં ખાસ કંઈ મજા રહેતી નથી. ઘણા કિસ્સામાં તો લગ્નજીવન ચલાવવા ખાતર ચલાવવામાં આવે છે. પતિ-પત્ની સાથે રહેતાં હોય છે, બાકી મેન્ટલ ડિવૉર્સ તો ક્યારનાયે થઇ ગયા હોય છે. અમુક કિસ્સામાં બાળકોના કારણે લગ્નજીવન લંબાવાતું રહે છે. આડા સંબંધોના કારણે ડોમેસ્ટિક વાયોલન્સનું પ્રમાણ પણ વધતું જાય છે. પતિ કે પત્નીને કોઇ બીજા સાથે સંબંધ છે એની ખબર પડે પછી વૉચ રાખવાનું શરૂ થાય છે. એકબીજાના ફોન ચેક કરવામાં આવે છે. હવે તો એવી ઘણી એપ્લિકેશન્સ છે જેનાથી પોતાની વ્યક્તિના ફોન પર નજર રાખવામાં આવે છે. કેટલાંક કિસ્સામાં તો ડિટેક્ટિવ રાખવાની ઘટના પણ બને છે. પોતાની વ્યક્તિને રંગેહાથ પકડવા માટે લોકો કોઈ પણ હદ સુધી જવા લાગ્યા છે. સરવાળે દાંપત્યજીવનનો તો દાટ જ વળે છે.
આપણે ત્યાં લગ્નને સાત સાત ભવનો સંગાથ માનવામાં આવે છે. સપ્તપદીના ફેરા વખતે અગ્નિની સાક્ષીએ એકબીજા પ્રત્યે સાથ અને સમર્પણનાં વચનો આપવામાં આવે છે. તારા સિવાય કંઈ નહીં અને તારા સિવાય કોઇ નહીં એવી વાતો પ્રારંભમાં થાય છે પણ ધીમેધીમે બધું ઓસરી જાય છે. લગ્નજીવનને ટકાવવા માટે મહેનત કરવી પડે છે. સાચી મેરિડ લાઇફ એ છે જે સહજ અને સરળ રીતે વહેતી રહે અને જીવવાની મજા આવે. બધાં જ કપલ એવાં છે એવું જરાયે નથી, કેટલાંક પતિ-પત્ની એટલી સરસ રીતે જીવે છે જે જોઈને સંતોષ થાય. બીજાની વાતો સાંભળીને સીધાંસાદાં અને સારાં કપલ્સને પણ ક્યારેક ટેન્શન થઇ જાય છે કે, અમારી લાઇફમાં તો આવું કંઇ નહીં થાયને? વફાદારીના ક્લાસ નથી હોતા, દાંપત્યના પાઠ નથી ભણાવાતા, એ તો જાતે જ શીખવા પડે છે. વફાદારી ઇચ્છો છો તો વફાદાર રહો. પ્રેમ જોઇએ છે તો પ્રેમ કરો. પોતાની વ્યક્તિની કોઇની સાથે સરખામણી ન કરો. જિંદગીમાં જે છે એનાથી સંતોષ માનો. જે છે એની કદર કરો. જિંદગી બહુ સરળ છે, હાથે કરીને જિંદગી આડા પાટે ચડી ન જાય એની કાળજી રાખવી પડતી હોય છે. સંબંધો માટે સાવધાન રહેવાનો આ સમય છે.
———
પેશ-એ-ખિદમત
જબ સે કરીબ હો કે ચલે જિંદગી સે હમ,
ખુદ અપને આઇને કો લગે અજનબી સે હમ,
કુછ દૂર ચલ કે રાસ્તે સબ એક સે લગે,
મિલને ગયે કિસી સે મિલ આયે કિસી સે હમ.
-નિદા ફાઝલી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 17 જુલાઈ, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com