મહેરબાની કરીને હવે
તું મારો છુટકારો કર!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
સંજોગ કૈંક એવા થયા, જીવવું પડ્યું,
ક્યારેક જ્યાં જવું ન હતું, જવું પડ્યું,
થાકીને લોથપોથ હતાં હૈયું, હાથ, પગ,
ઇચ્છાની લાશ બાથમાં લઇ દોડવું પડ્યું.
-દીપક ઝાલા, `અદ્વૈત’
સંબંધ સંતોષ પણ આપે છે અને સંતાપ પણ આપે છે. સંબંધ શાંતિ પણ આપે છે અને ઉકળાટ પણ આપે છે. કોઇ સંબંધ ક્યારેય એકસરખો રહેતો નથી. સંબંધ સાવ નજીકનો હોય કે થોડોક દૂરનો હોય, એમાં ચડાવ-ઉતાર આવતા જ રહેવાના છે. ક્યારેક ઝઘડા થાય, ક્યારેક વિવાદ થાય, ક્યારેક સંઘર્ષ થાય એ બહુ સહજ અને સ્વાભાવિક છે. સંબંધ જો સાચો હોય તો થોડોક હચમચીને પાછો સ્થિર થઇ જાય છે. મનદુ:ખ પૂરું થાય એટલે સંબંધ પાછો હતો એવો ને એવો થઇ જતો હોય છે. દૂધના ઉભરા જેવું સંબંધમાં પણ થતું હોય છે. ઉકળાટ હોય ત્યારે ઉભરો આવી જાય છે. થોડોક સમય થાય એટલે પાછું બધું ઠેકાણે આવી જાય છે. એવું ન થાય તો એ ચિંતાનો વિષય છે. કેટલાંક સંબંધમાં આપણને એવું થાય છે કે, એની સાથે મજા નથી આવતી, આવું થાય ત્યારે એનું કારણ શોધવું પડે છે. કારણ મળી જાય એ પછી એનું મારણ પણ શોધવું પડે છે. આપણી ભૂલ હોય તો સુધારવી પડે છે. સામેની વ્યક્તિની ભૂલ હોય તો એને શાંતિથી સમજાવવું પડે છે. ઘણી વખત એવું થાય છે કે, સંબંધમાં ડિસ્ટન્સનું કારણ તો મળી જાય છે પણ એનું મારણ નથી મળતું. કેટલાંક સંબંધો લાઇલાજ બીમારીઓ જેવા થઇ જાય છે જેનો કોઇ ઉપાય મળતો નથી. એ સંબંધ પૂરા જ કરવા પડતા હોય છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે આપણે પીછો છોડાવવો હોય તો પણ છોડાવી શકતા નથી. કેટલાંક સંબંધો આપણને ન ગમે તો પણ જાળવવા પડતા હોય છે.
એક યુવતીની આ વાત છે. તેને પતિ સાથે કોઇ ને કોઇ વાતે નાનામોટા પ્રોબ્લેમ થતા રહેતા. એ યુવતી એને સ્વાભાવિક સમજતી. પતિ-પત્ની વચ્ચે આવું થાય. પ્રોબ્લેમ ગંભીર હતા નહીં. પ્રોબ્લેમ સાવ જુદો જ હતો. પતિનો એક ફ્રેન્ડ હતો. પતિ ઘરની તમામ વાતો એ મિત્રને કરે. એનો મિત્ર ઘરે આવે અને મિત્રની પત્નીને સમજાવવાના પ્રયાસો કરે. એ મિત્રને બંને વચ્ચે પડવાની મજા આવતી હતી. પત્નીથી પતિના એ મિત્રનું વર્તન જ સહન થતું નહોતું. અમારા પ્રશ્નો છે, અમે બંને સાથે મળીને સૉલ્વ કરી લઈશું. પતિને પણ તેણે કહ્યું કે, ઘરની બધી જ વાત મિત્રને કરવાની કંઇ જરૂર નથી. પતિ સમજતો જ નહોતો. એક વાર ફરીથી પતિનો મિત્ર ઘરે આવ્યો અને સમજાવવાનો પ્રયાસ કર્યો. એ વખતે યુવતીથી ન રહેવાયું. યુવતીએ મોઢામોઢ કહી દીધું કે, અમે અમારું ફોડી લઈશું, મહેરબાની કરીને તું અમારો છુટકારો કર. અમારામાં બુદ્ધિ છે. દરેક વાતે સમજાવવાની જરૂર નથી. પત્નીનું વર્તન પતિને ન ગમ્યું. એ મામલે પણ બંનેને ઝઘડો થયો. પત્નીએ પતિ કહ્યું કે, તારે એને વાત કરવી હોય તો કરજે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તું એને કહી દેજે કે મને કંઇ શિખવાડવાનો પ્રયાસ ન કરે. આપણી લાઇફમાં પણ ક્યારેક આવા લોકો આવી જતા હોય છે, જેની વાત સાંભળીને આપણને કહી દેવાનું મન થાય કે, ભાઈ, તું તારું કામ કરને! આવા લોકોને પ્રેમથી ટેકલ કરી લેવાના હોય છે. જો કોઇ વાતમાં ન સમજે તો સ્પષ્ટ પણ થવું પડતું હોય છે. દુનિયામાં એવા લોકોની પણ કમી નથી જેનું મોઢું ન તોડી લઇએ ત્યાં સુધી એ મોઢું બંધ કરતા નથી.
લોકોને કેટલા નજીક આવવા દેવા એનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. ધ્યાન ન રાખીએ તો કેટલાંક લોકો આપણી લાઇફમાં બૅક સીટ ડ્રાઇવિંગ કરવા લાગે છે. આપણા હમદર્દ, આપણા સાથી, આપણા દોસ્ત અને ઘણા કિસ્સામાં આપણા પ્રેમી બનીને પણ માણસો આપણી લાઇફમાં એન્ક્રોચમેન્ટ કરવા લાગે છે. એક છોકરીની આ વાત છે. તેને કૉલેજમાં સાથે ભણતા એક છોકરા સાથે દોસ્તી થઇ. દોસ્તી પ્રેમમાં પરિણમી. થોડોક સમય તો બધું બહુ સરસ રીતે ચાલ્યું. ધીમેધીમે એ છોકરો પોતાની પ્રેમિકાને સૂચનાઓ આપવા લાગ્યો. તું આવું ન કર, તું આ ન પહેર, તું સોશિયલ મીડિયા પર આવું ન કરે, પહેલાં પહેલાં તો પ્રેમિકા તેનું માનતી હતી પણ ધીમેધીમે પ્રેમીનું દબાણ વધવા લાગ્યું. તેં આવું કેમ કર્યું? મને કેમ ન પૂછ્યું? છોકરી કંટાળી ગઇ. આ માણસ અત્યારથી આવું કરે છે તો પછી કોણ જાણે શું કરશે? આખરે એ છોકરીએ બ્રેકઅપ કરી નાખ્યું. તેની ફ્રેન્ડે તેને કહ્યું કે, તેં બહુ સારું કર્યું. જે રિલેશન પેઇન આપે તેને દૂર જ કરવા પડે છે. કેટલાંક લોકો એમાં પણ બહુ ચાલાક હોય છે. એ પ્રેમ, લાગણી અને ચિંતાના નામે પોતાનું ધાર્યું કરાવે છે. મને તારી ચિંતા થાય છે. તારી પરવા છે એટલે તને કહું છું. આવી વાતો કરીને પોતાનું ધાર્યું કરાવતા હોય છે.
માણસને પારખતા આવડવું જોઇએ. કોઇ કારણ વગર આપણી ચિંતા કરતા હોય તો પણ ચેતતા રહેવું જોઇએ. ઘણા લોકો બહુ ભાવુક હોય છે. કોઇ જરાકેય પ્રેમથી વાત કરે એટલે તેની વાતોમાં આવી જાય છે. એને એટલું ભાન પણ નથી હોતું કે, મને જે પ્રેમ કે લાગણી લાગે છે એ હકીકતમાં સકંજો અને સાણસો છે. ફસાઇ ગયા પછી એ છૂટવા માટે તરફડિયાં મારે છે. સંબંધને સો ટકોરા મારીને તપાસવો પડે છે. આપણી જિંદગીમાં આવતા બધા લોકો ખરાબ નથી હોતા એ વાત સાચી પણ ખોટાં જોખમ શા માટે લેવાં? પ્રેમ અને દોસ્તીમાં ગળા સુધીનો ભરોસો હોય એ સારી વાત છે પણ એ ભરોસો ત્યારે જ મૂકવો જ્યારે ભરોસો મૂકવા જેવા અનુભવો થયા હોય. કેટલાંકમાં ઇમ્પ્રેસ કરવાની ગજબની તાકાત હોય છે. જે લોકો સતત બીજાને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતા હોય એનાથી પણ સાવચેત રહેવા જેવું હોય છે. એક છોકરીની આ વાત છે. એની બાજુમાં રહેતો એક છોકરો એને મદદ કરવાના નામે નજીક આવવાનો પ્રયાસ કરતો રહેતો હતો. એનાં કામ કરી દેવાના પ્રયાસ કરે. કહ્યા વગર પણ અમુક કામ કરી આપે. એક દિવસ છોકરીએ તેને કહ્યું કે, મારી ચિંતા કરવાની કોઇ જરૂર નથી. મને કોઇ હેલ્પની જરૂર હશે તો હું સામેથી કહીશ. તું જે કરી રહ્યો છે એ મને નથી ગમતું. ઘણાં છોકરાઓ કે છોકરીઓ કહેવાનું હોય ત્યારે આવું કહી શકતાં નથી અને પછી પેટ ભરીને પસ્તાય છે. જિંદગીમાં સૌથી વધુ ક્લેરિટીની જો કશામાં જરૂર પડતી હોય તો એ રિલેશન્સમાં છે. સંબંધનું પેઇન બીજી બધી વેદના કરતાં અઘરું હોય છે. આગળ વધતા પહેલાં વિચારવાનું હોય છે કે, અટવાઈ જવાય એવું તો નથીને?
છેલ્લો સીન :
કયો માણસ ક્યારે કેવી પલટી મારશે એ કોઈ કહી શકતું નથી. જેના પર ગળા સુધીનો ભરોસો હોય એ જ ગળું દબાવવા સુધી જઇ શકે છે. જેના પર નયા ભારનો ભરોસો ન હોય એ પણ વફાદાર નીકળી શકે છે. માણસને ક્યારેય પૂરેપૂરો કળી શકાતો નથી. -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 14 જુલાઈ 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com