દર વખતે સારા વિચારો
જ આવે એવું જરૂરી નથી
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આંખોની સાથે સાથે ફરકતો નથી હવે,
આ અંધકાર કંઈ સમજતો નથી હવે,
મોટેથી બોલવા સમું અંતર રહી ગયું,
પડઘો તો કોઈ વાતનો પડતો નથી હવે.
-સતીશ નકાબ
જિંદગી એ બીજું કંઈ નથી પણ આપણે અને આપણા વિચારો છે. માણસનું વ્યક્તિત્વ એના વિચારોથી જ ઘડાય છે. માણસ શું વિચારે છે તેના પરથી તેની દાનત પણ છતી થાય છે. વિચારો પણ પારદર્શક અને સાત્ત્વિક હોય છે. જે વ્યક્તિનાં વિચાર અને વાણી સરખાં છે એ માણસ સજ્જન છે. વિચારે એવું જ બોલે અને બોલે એવું જ જીવે એ માણસ સાધુ ન હોય તો પણ સંત જેવો જ હોય છે. આપણા બધાનાં મનમાં સતત કંઇક ને કંઇક ચાલતું રહે છે. વિચારોની પણ ગતિ હોય છે. વિચારોનો પણ એક લય હોય છે. વિચારોની પણ એક દિશા હોય છે. વિચારો ક્યારેક દિશા ચૂકી જાય તો આડા રસ્તે ફંટાઈ જાય છે. વિચારોને પણ માંજતા રહેવા પડે છે. વિચારોને ચમકાવતા ન રહીએ તો વિચારોને પણ કાટ ચડી જાય છે. માણસની ઉંમર જેમ વધે એમ તેના વિચારો પણ પાકટ થવા જોઇએ. બાળક હોય ત્યારે બાલિશ વર્તન શોભે પણ મોટા થયા પછી તો મેચ્યોરિટીની જ આવશ્યક્તા રહે. માણસમાં જેમ જેમ જિંદગી ઉમેરાય તેમ તેમ સમજણ, ડહાપણ, બુદ્ધિ અને જ્ઞાનમાં પણ વધારો થવો જોઇએ. ઘણા લોકો મોટા થાય એમ તોછડા અને બેફામ થતાં જાય છે. આવા લોકોના વિચારો આડા પાટે ફંટાઈ ગયા હોય છે. એક યુવાન હતો. તેના ઘરના લોકો જ ખોટાબોલા અને ગમે તે કરે એવા હતા. એ યુવાનને એ બધું ગમતું નહીં. એ યુવાન એક સંત પાસે ગયો. સંતને કહ્યું કે, હું તો કોઈનું ખરાબ ઇચ્છતો નથી, મારા ઘરના લોકો કેમ આવા છે? સંતે કહ્યું, આપણે સારા હોઇએ એટલે બીજા પણ સારા જ હોય એવું જરૂરી નથી. દરેકની પોતાની વિચારસરણી હોવાની છે, એ સાચી પણ હોય અને ખોટી પણ હોઈ શકે. સંસ્કારો વારસામાં મળે છે એવી વાતો બહુ થાય છે પણ દરેક કિસ્સામાં એ વાત સાચી ઠરતી નથી. દરેક માણસ પોતાની રીતે ઘડાતો હોય છે. આપણું ટાંકણું આપણા હાથમાં હોય છે. આપણી જિંદગીને આપણે કેવો આકાર આપવો એ આપણે નક્કી કરવાનું હોય છે. તમે કોઇને માર્ગદર્શન આપી શકો પણ જેને પોતાના વિચારોમાં કોઇ બદલાવ જ ન કરવો હોય એનું તમે કંઇ કરી ન શકો. સંતે કહ્યું, તને તારા વિચારો સાચા લાગે છે અને તારા ઘરના લોકોના વિચારો ખોટા લાગે છે. બનવાજોગ છે કે, તારા ઘરના લોકોને તારા વિચારો પણ ખોટા લાગતા હોય. એક ચોર પરિવાર હતો. ચોરી એનો પરંપરાગત ધંધો હતો. એ બધા ચોરીને બહાદુરી અને પરાક્રમ જ ગણતા હતા. આ પરિવારનો એક છોકરો હતો. એ ચોરીને ખરાબ માનતો હતો અને બધાને રોકવાનો પ્રયાસ કરતો હતો. એક દિવસે બધાએ ભેગા થઇને તેને ઘરમાંથી કાઢી મૂક્યો. એને કહ્યું કે, તું બધાને વટલાવવાનો પ્રયાસ કરે છે. આપણી પરંપરા તને ખોટી લાગે છે! ખોટું કરતા હોય એને સાચા લોકો પણ ખોટા જ લાગતા હોય છે. પોતે કરે એ જ સાચું એવું માનનારાઓની આ દુનિયામાં બહુમતી છે! આપણે એ નક્કી કરવાનું હોય છે કે, આપણે કેવા રહેવું છે? બધા વિચારતા હોય એમ વિચારવું અને એમ જ જીવવું બહુ સહેલું હોય છે, કંઇક જુદી રીતે જીવવા માટે વિચારોની દિશા પણ બદલાવવી પડતી હોય છે.
વડીલો વિશે એવું કહેવાતું આવ્યું છે કે, એ આપણું ભલું જ ઇચ્છતા હોય છે. અલબત્ત, એ જે રીતે આપણું ભલું ઇચ્છતા હોય એ રીત આપણને યોગ્ય ન પણ લાગે. વડીલો પણ દર વખતે સાચા જ હોય એવું જરૂરી નથી. એના વિચારો એનો ઉછેર અને એના અનુભવો પરથી ઘડાયા હોય છે. એની જગ્યાએ સાચા હોય શકે પણ આપણે એની જગ્યાએ રહેવાનું હોતું નથી. આપણે આપણી જગ્યા બનાવવાની હોય છે. આપણને પણ ઘણી વખત ખોટા વિચારો આવતા હોય છે. ક્યારેક કોઇ બદમાશી કરે ત્યારે એવા વિચારો આવે છે કે, સારા માણસનો જમાનો જ નથી. કોઇ ખોટી રીતે આગળ વધે ત્યારે એવો વિચાર આવે છે કે આપણે ખોટી ગધ્ધામજૂરી કરીએ છીએ. સારા રહેવામાં કંઇ માલ નથી. એક છોકરાની આ વાત છે. એ મહેનતુ હતો. સાચા રસ્તે જ આગળ વધવામાં માનતો હતો. એક તબક્કે તેને એવા વિચારો આવવા લાગ્યા કે, મારે પણ ગમે તે શોર્ટકટ અપનાવીને આગળ વધવું છે. આદર્શો અને સિદ્ધાંતો ગયા ચૂલામાં. સારા રહીને જોઈ લીધું, હવે ખરાબ થઇને બધાને બતાવી દેવું છે. જો કે, તેને પોતાના આવા વિચારોનો જ અફસોસ થયે રાખતો. એક વખત એ એક ફિલોસોફરને મળ્યો. તેણે કહ્યું કે, મને બહુ ખરાબ વિચારો આવે છે. ફિલોસોફરે કહ્યું કે, સૌથી સારી વાત એ છે કે તને ખબર છે કે તને જે વિચારો આવે છે એ સારા નથી. એનો મતલબ એ પણ થયો કે, તારો માંહ્યલો સારો જ છે. હવે ખરાબ વિચારોની વાત, દુનિયામાં એવો એકેય માણસ નહીં હોય જેને ક્યારેય ખરાબ કે ખોટા વિચારો ન આવ્યા હોય. બધાને ક્યારેક નબળા અને નક્કામા વિચારો આવતા જ હોય છે. ખોટા વિચારો આવી જાય એનો વાંધો નથી, ધ્યાન એ રાખવાનું કે એ વિચારો આપણા પર હાવી ન થઇ જાય, એ વિચારો અમલમાં ન મુકાઇ જાય. આપણે કંઇક ખોટું કરવાનું વિચારીએ ત્યારે આપણને અંદરથી કોઇક રોકતું પણ હોય છે. ના મારાથી આવું ન થાય, મને આવું ન શોભે, હું આવું ન કરું. આપણા સંસ્કાર આપણને રોકતા હોય છે. ખોટા કે ખરાબ વિચાર ક્યારેક તો આવવાના જ છે, એને સમજીને ટાળતા પણ શીખવું પડે છે. વિચારોને ડાયવર્ટ કરવા પડે છે. આપણને એટલી સમજ હોવી જોઇએ કે આ વિચાર મારા માટે સારો નથી. આ વિચાર મને મુશ્કેલીમાં મૂકશે. એક સંત હતા. તેણે ખોટા વિચાર વિશે કહ્યું કે, આપણે ટેકરી પર ઊભા હોઈએ ત્યારે એવો વિચાર આવી જાય છે કે, અહીંથી પડી જઇએ તો? આવો વિચાર આવે એ પછી આપણે વધુ સાવચેત થઇ જઇએ છીએ કે, ક્યાંક સાચે જ પડી ન જવાય. અમુક વિચાર વખતે પણ સાવચેત થઇ જવું પડે છે કે, ક્યાંક સાચે આવું ન થઇ જાય. વિચારો તો જેવા કરીએ એવા આવે. ક્યારેક આપણને પોતાને ગળે ન ઊતરે એવા વિચારો પણ આવતા હોય છે. આપણને એમ થાય કે, મને કેમ આવો વિચાર આવ્યો? આવી જાય, વિચારો તો છુટ્ટા ઘોડા જેવા છે. એને લગામ બાંધવી પડે. એવા જ વિચારો કરવા જોઇએ કે જેનાથી આપણને આપણી જાત માટે ગૌરવ થાય. વિચારોને કંટ્રોલ ન કરીએ તો વિચાર આપણને કંટ્રોલમાં લઈ લે છે અને એનાં પરિણામો સારાં હોતાં નથી!
છેલ્લો સીન :
આપણામાં જ સંત અને શેતાન વસેલા હોય છે. કોને જીવતો રાખવો અને કોને મારી નાખવો એનો નિર્ણય આપણે કરવો પડે છે! – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 30 જૂન 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com