કઈ ઉંમરે મોબાઇલ વાપરવો જોઈએ?
કોઈ એજલિમિટ હોવી જોઈએ કે નહીં?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
બાળક 13 વર્ષનું થાય ત્યાં સુધી મોબાઇલ ન આપવા અને 18 વર્ષ સુધી
સોશિયલ મીડિયા વાપરવા ન દેવાની સલાહ આપવામાં આવે છે.
નર્સરીમાં તો કોઇ પણ જાતના સ્ક્રીન રાખવાની પણ ના પાડવામાં આવે છે!
———–
દુનિયામાં જે પરિવર્તનો આવી રહ્યાં છે એના કારણે સૌથી વધુ જો કંઈ ચેલેન્જિંગ થતું જતું હોય તો એ પેરેન્ટિંગ છે. એક સમય હતો જ્યારે પરિવારમાં છોકરાંવ ક્યારે મોટાં થઇ જતા એની ખબર સુધ્ધાં ન પડતી. હવે છોકરાઓને મોટા કરવા એ ખાવાના ખેલ નથી. મા-બાપનું દરેક શિડ્યૂલ બાળકના ટાઇમટેબલના આધારે નક્કી થાય છે. બાકી બધું તો ઠીક છે પણ બાળકોના સ્વભાવમાં જે પરિવર્તનો આવ્યાં છે એણે પેરેન્ટ્સની હાલત ખરાબ કરી નાખી છે. બાળકો હવે નાની નાની વાતે ઉશ્કેરાઈ જાય છે. બાળકોને પણ ડિપ્રેશન આવવા લાગ્યાં છે. અગાઉના સમયમાં આવી વાત કરી હોય તો વડીલો પાસેથી એવું જ સાંભળવા મળતું કે, હજુ તો ઊગીને ઊભા થાવ છો ત્યાં વળી ડિપ્રેશન શેનું આવે છે? બાળકોમાં જે બદલાવ આવી રહ્યા છે એની પાછળનું જો કોઇ સૌથી મોટું કારણ હોય તો એ મોબાઇલ છે. મોબાઇલ જ બાળકોનાં મગજ બગાડી રહ્યું છે. બાળકો અને મોબાઇલના ઉપયોગ વિશે દુનિયામાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. એમાં સૌથી મોટો સવાલ એ છે કે, બાળકને કઈ ઉંમરે મોબાઇલ વાપરવા આપવો જોઇએ?
નિષ્ણાતો જે દલીલ કરે છે એ સમજવા જેવી છે. આપણે જો ડ્રાઇવિંગ માટે અને મેરેજ માટે ઉંમર નક્કી કરતા હોય તો પછી મોબાઇલ માટે પણ ઉંમર નક્કી કરવી જોઇએ. ફ્રાંસમાં રાષ્ટ્રપતિ ઇમેનુલ મેક્રૌંએ બાળકોને મોબાઇલ ક્યારથી આપવો જોઇએ એ વિશે અભ્યાસ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ હમણાં તેનો રિપોર્ટ આપ્યો. બાળકો પર મોબાઇલ અને અન્ય સ્ક્રીનની થતી શારીરિક અને માનસિક અસરો વિશે અભ્યાસ કર્યા પછી આ સમિતિએ એવું કહ્યું કે, 11 વર્ષની ઉંમર સુધીનાં બાળકોને મોબાઇલ આપવો જોઈએ નહીં. 11થી 13 વર્ષની વયનાં બાળકોને જો મોબાઇલ આપવો પડે એમ હોય તો એમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવી જોઇએ. મતલબ કે, સ્માર્ટ ફોન નહીં પણ સાદો મોબાઇલ આપવો જોઇએ. 13 વર્ષથી મોટાં બાળકોને જ સ્માર્ટ ફોન આપવા જોઇએ.
એક્સપર્ટ્સની આ સમિતિએ તો ત્યાં સુધી કહ્યું કે, બાળક ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી તો એ કોઇ સ્ક્રીનના સંપર્કમાં ન આવવું જોઇએ. મતલબ કે, તાજું જન્મેલું બાળક ઘરમાં હોય તો ઘરમાં ટીવી પણ રાખવું ન જોઇએ. ઘણી નર્સરી અને પ્રાઇમરી સ્કૂલમાં સ્ક્રીન રાખવામાં આવે છે. કેટલાંક સ્થળોએ તો સ્માર્ટ બ્લેક બોર્ડ એટલે કે સ્ક્રીન પર જ ભણાવવામાં આવે છે. સાઇકોલૉજિસ્ટ્સ કહે છે કે, નર્સરીમાં તો કોઇ પણ પ્રકારના સ્ક્રીનની મંજૂરી જ ન હોવી જોઇએ. હવે તો બાળકોનાં રમકડાં પણ હાઇટેક થઇ ગયાં છે. એવાં રમકડાંઓની કમી નથી જેને વાઇફાઇ સાથે કનેક્ટ કરીને રમી શકાય. મનોચિકિત્સકો આવાં રમકડાં પર પણ પ્રતિબંધ ફરમાવાવનું કહે છે. બાળકો નેચરથી દૂર થતાં જાય છે અને આખો દિવસ કોઇ ને કોઇ સ્ક્રીન સામે જ મંડાયેલાં હોય છે. બાળકોના ભવિષ્ય માટે આ બહુ જ ખતરનાક છે.
માત્ર ફ્રાંસની જ વાત નથી, અમેરિકા સહિત અનેક દેશોમાં બાળકોને મોબાઇલ વાપરવા દેવા સામે લાલબત્તી ધરવામાં આવે છે. આપણે ત્યાં આ મુદ્દે ખાસ કશું થતું નથી. ઉલટું જે દૃશ્યો જોવા મળે છે એ ટેન્શન પેદા કરે એવાં છે. બાળક ઘોડિયામાં હોય ત્યાં એને મોબાઇલ પકડાવી દેવામાં આવે છે. આ બાળક મોટું થાય પછી મોબાઇલ વગર રહી જ શકતું નથી. હવેનાં બાળકો મોબાઇલ ન આપો ત્યાં સુધી જમતાં નથી. રડતા બાળકને છાનું રાખવા મા-બાપ મોબાઇલ પકડાવી દે છે. હવે તો મા-બાપને કંઇ કહો તો એ પણ તરત જ કોરોનાનું નામ આગળ ધરી દેશે. કોરોનાના સમયમાં બાળકોના ક્લાસ ઓનલાઇન થઇ ગયા હતા. એ વખતથી જ એને આદત પડી ગઇ છે. આવાં મા-બાપને પૂછો કે, તમે તેની આદત છોડાવવા માટે કંઈ કર્યું? તો એની પાસે કોઈ જવાબ નહીં હોય. આ વિશે એક બીજો અભ્યાસ પણ નોંધપાત્ર વાત કરે છે. મા-બાપ પોતે આખો દિવસ મોબાઇલ લઇને બેઠાં હોય તો છોકરાઓને આદત પડવાની જ છે. જે મા-બાપ એવું ઇચ્છતાં હોય કે એનાં સંતાનો મોબાઇલનો ઉપયોગ ટાળે તો સૌથી પહેલાં તો મા-બાપે મોબાઇલનો ખપપૂરતો જ ઉપયોગ કરવાનું રાખવું જોઇએ. પૈસેટકે ખમતીધર મા-બાપ તો બાળક નાનું હોય ત્યાં જ એને મોબાઇલ અને ટેબલેટ લઇ આપે છે. પેરેન્ટ્સ વળી એવું પણ માને છે કે, જો બાળકો ગેઝેટ્સ વાપરશે તો સ્માર્ટ થશે અને નહીં વાપરે તો પાછળ રહી જશે. લોકો જાતજાતના ભ્રમમાં જીવી રહ્યા છે.
ફ્રાંસની સમિતિએ સોશિયલ મીડિયા વિશે એવું કહ્યું છે કે, 18 વર્ષ સુધી બાળકોને સોશિયલ મીડિયા વાપરવાની છૂટ ન હોવી જોઇએ. આપણે ત્યાં નાનાં નાનાં બાળકોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. ઘણા કિસ્સામાં તો મા-બાપ જ સંતાનોનાં એકાઉન્ટ શરૂ કરીને એના રીલ્સ મૂકતા હોય છે. મા-બાપે એ વાત સમજવી જોઈએ કે બાળકો એ મનોરંજનનું સાધન નથી. કૂમળું માનસ ધરાવતાં બાળકોને કંઈ સમજ હોતી નથી પણ મા-બાપને તો હોય છેને? કેટલાંક દેશમાં મા-બાપ સંતાનોના ફોટા પણ સોશિયલ મીડિયા પર મૂકી શકતાં નથી. તમે આજે બાળકોના જે ફોટો મૂકો છે, એ બાળકો જ્યારે મોટાં થઇને એ બધું જોશે ત્યારે શું વિચારશે? મારા પેરેન્ટ્સે મારા આવા ફોટો મૂક્યા હતા? બાળસહજ હરકતો નુમાઇશની ચીજ નથી. આપણે ત્યાં બાળક સમજણું થાય એ સાથે જ સોશિયલ મીડિયા વાપરવા લાગે છે. તેના કારણે બાળકમાં દેખાદેખી અને ઇર્ષાના ભાવ જન્મે છે. આપણે ત્યાં કેટલાંક પેરેન્ટ્સ બાળકોને ડરાવી ધમકાવીને સોશિયલ મીડિયા વાપરવાની ના પાડે છે. બાળકને ડરાવીને નહીં પણ સમજાવીને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનું કહેવામાં આવે છે.
મોબાઇલના કારણે બાળકનો માનસિક વિકાસ રૂંધાય છે અને શારીરિક ક્ષમતાને પણ મોટી અસર થાય છે. બાળકો હવે શેરીમાં રમતાં નથી. ઘરમાં બેસી રહે છે અને કોઇ ને કોઇ સ્ક્રીન સામે જ હોય છે. બાળકનું બિહેવિયર ક્યારેય ચેક કર્યું છે? એ જે બોલે છે અને જેવું વર્તન કરે છે એનો મેઇન સોર્સ કયો છે? બાળક એ ક્યાંથી શીખ્યું? બાળક તોછડી ભાષા અને અપશબ્દો પણ બોલવા માંડે છે. ઘણાં બાળકોના એવા રીલ્સ આપણે જોયા છે જે પોતાનાં મા-બાપ કે ટીચર્સ વિશે ગમેતેમ બોલતાં હોય છે અને મા-બાપ હસતાં હોય છે. આવી ઘટનાઓ એ મજાકનો વિષય નથી. આપણે ત્યાં બાળકોના મોબાઇલ કે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે કોઇ નિયમો નથી. સરકાર તો જ્યારે જે કરવાનું હશે એ કરશે પણ દરેક મા-બાપે આ માટે સતર્ક રહીને પોતાના અને પોતાના બાળક માટેના સ્વૈચ્છિક નિયમો બનાવવા જોઈએ. બાળકોને સંસ્કાર આપવાનું કોઈ કાયદો કહેતો નથી. કાયદો ન હોવા છતાં દરેક પેરેન્ટ્સ પોતાનું સંતાન સંસ્કારી બને એવા પ્રયાસો કરતા રહે છે. મોબાઇલનો જરૂર પૂરતો ઉપયોગ એ પણ એક પ્રકારના સંસ્કાર જ છે. બાળકનું મગજ ભમી જાય એવું બધું જ મોબાઇલ અને સોશિયલ મીડિયામાં અવેલેબલ છે. સમજુ અને વૅલ એજ્યુકેટેડ લોકો પણ મોબાઇલ અને સોશિયલ મીડિયાની લતથી બચી શકતા ન હોય તો પછી બાળક તો ક્યાંથી બચી શકવાનું છે? સમાજશાસ્ત્રીઓ કહે છે કે, એક સમય આવશે જ્યારે દુનિયા સાઇબર ઇશ્યૂઝ સમજશે અને તેના ઉપયોગની મર્યાદાઓ બાંધશે. એ સમય તો જ્યારે આવે ત્યારે પણ અત્યારે જે થઈ રહ્યું છે એ જોખમી છે. બાળકોને મોબાઇલ અને સોશિયલ મીડિયાથી દૂર રાખો અને તમે પણ જરૂર પૂરતો જ મોબાઇલનો ઉપયોગ કરો. આપણે આપણી અને સંતાનોની લાઇફ સાથે ડિજિટલ ચેડાં તો નથી કરી રહ્યાને? એ બધાએ વિચારવાની જરૂર છે!
———
પેશ-એ-ખિદમત
કહીં સે આયા તુમ્હારા ખયાલ વૈસે હી,
ગઝલ કા હોના હુઆ હૈ કમાલ વૈસે હી,
તેરા જવાબ મેરે કામ કા નહીં હૈ અબ,
કિ મૈં તો ભૂલ ચૂકા હૂં સવાલ વૈસે હી
-જુબૈર કૈસર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 15 મે 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com