સફળ થવા માટે પોતાની
જાત સાથે કેટલું સખત થવું?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
જિંદગીમાં સૌથી અઘરું કામ પોતાના જ
બોસ બનવાનું છે! માણસે પોતાની જાત
સાથે પણ થોડા દયાળુ અને ઉદાર થવું જોઈએ!
———–
શિસ્ત, સંયમ, સાધના અને સખત મહેનત માણસને સફળ બનાવે છે. માણસ પોતાની જાત સાથે કેવો છે એના પર એની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહે છે. સફળ માણસોની જિંદગી એ વાતનું ઉદાહરણ છે કે, એણે પોતાના મુકામ સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે. જે વ્યક્તિ જ્યાં હોય ત્યાં સુધીની તેણે મહેનત કરી હોય છે. પ્રયાસો કર્યા વગર કંઈ હાંસલ થતું નથી. ઘણા કિસ્સામાં લોકો નસીબને યશ કે અપયશ આપે છે. નસીબ પણ છેલ્લે તો મહેનતથી જ ચમકતું હોય છે. નવરા બેસી રહીએ તો નસીબ કોઈ યારી ન આપે. સામે ભોજન પડ્યું હોય એનાથી પેટ ભરાઈ જતું નથી. હાથેથી કોળિયા ભરવા પડે છે અને દાંતેથી ચાવવું પણ પડે છે. સફળતા અને સુખ એ બંને જુદા જુદા વિષયો છે. સફળ થઇ જવાથી સુખી થઇ જવાતું નથી. સુખી હોય એ બધા સફળ જ હોય એવું પણ જરૂરી નથી. જિંદગી અને સફળતા વિશે દુનિયામાં અનેક અભ્યાસો અને સંશોધનો થયાં છે. હમણાંનો એક સ્ટડી એવું કહે છે કે, જિંદગી, સુખ અને સફળતાનો આધાર સરવાળે એના પર જ રહે છે કે, માણસ પોતાની જાત સાથે કેવો છે?
તમે કેટલા ડિસિપ્લિન્ડ છો એનો વિચાર ક્યારેય તમે કર્યો છે? મતલબ કે, તમારે તમારી કરિયરનો ગ્રાફ જેટલો ઊંચો લઇ જવો હોય એના માટે તમે જરૂરી પ્લાનિંગ કર્યું છે? પ્લાનિંગથી વાત પતી જવાની નથી. પ્લાનિંગ કર્યા બાદ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ તેનું એક્ઝિક્યૂશન છે. એના માટે શિડ્યૂલ બનાવવું પડે છે. ગોલ એચિવ કરવા માટે રોડમેપ તૈયાર કરવો પડે છે. સરવાળે સવાલ સમયનો આવે છે. ટાઇમટેબલ બનાવવું સહેલું નથી. ઘણુંબધું ગમતું હોય એવું પડતું મૂકવું પડે છે અને મહેનતને વધુ સમય આપવો પડે છે. જેમ જેમ સમય જાય છે એમ એમ માણસને મોહિત અને વિચલિત કરે એવાં સાધનો અને સુવિધાઓ વધતાં જાય છે. એના કારણે જે કરવું હોય એ વધુ ને વધુ અઘરું બનતું જાય છે. અગાઉના સમયમાં લોકો પાસે સમય હતો. પોતાના શોખથી માંડીને પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે તેઓમાં ક્લેરિટી હતી. હવે મોબાઇલ અને એન્ટરટેઇનમેન્ટનાં બીજાં સાધનો યુવાનોને પોતાના તરફ ખેંચે છે. અત્યારે આઇપીએલ ચાલે છે. પોતાના સ્ટડીમાં કે અન્ય કામોમાં વ્યસ્ત યુવાનો મન મક્કમ કરીને આઇપીએલની મેચ જોવાનું ટાળે છે પણ છેલ્લે સ્કોર તો ચેક કરી જ લે છે, પોતાને ગમતી ટીમ કે ગમતો પ્લેયર હોય તો હાઇલાઇટ્સ પણ જોઇ લે છે. જ્યારે મોબાઇલ કે ટીવી નહોતાં ત્યારે આટલી બધી ચિંતાઓ નહોતી. સોશિયલ મીડિયા જેવું પણ હતું નહીં. હવે તો રીલ્સ જોવાનું શરૂ થાય પછી સમય ક્યાં ચાલ્યો જાય છે એની જ કંઇ ખબર પડતી નથી. અગાઉના સમય કરતાં અત્યારની જનરેશનને વધુ મક્કમતાની આવશ્યક્તા રહે છે. હોય નહીં ત્યારે તો તમને કંઈ લલચાવાનું નથી, જ્યારે બધું સામે હોય ત્યારે જ એને પડતું મૂકીને પોતાના કામમાં ધ્યાન પરોવવાનું મુશ્કેલ સાબિત થતું હોય છે.
સફળ થવા માટે મહેનત સિવાય અને ઘણુંબધું નજરઅંદાજ કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ પણ ક્યાં છે? તમે દરરોજ જે ધાર્યું હોય એ કરી શકો છો? જેટલી મહેનત કરવાનું નક્કી કર્યું હોય એટલી તમારાથી થાય છે? જો આનો જવાબ હા હોય તો માનજો કે તમે ખરા અર્થમાં ડિસિપ્લિન્ડ છો. જો જવાબ ના હોય તો માનજો કે, તમારે જે બનવું છે એના માટે તમારા પ્રયાસોમાં કમી છે. અમેરિકાનો એક અભ્યાસ એવું કહે છે કે, સફળતા માટે માણસે પોતાના બોસ બનવું પડે છે. પોતાના બોસ બનવાનું કામ સૌથી અઘરું છે. તેના ઉદાહરણમાં એવું કહેવાયું છે કે, દરેક કર્મચારીને કામની વાત હોય કે રજાની વાત હોય ત્યારે એવો વિચાર આવી જાય છે કે, મારે દર વખતે બોસની પરવાનગી લેવી પડે છે, આના કરતાં હું જ બોસ હોત તો કેવું સારું હતું? બોસ બન્યા પછી ખબર પડે છે કે, બીજાની પરવાનગી લેવા કરતાં પોતાની જ પરવાનગી લેવાનું કામ વધુ અઘરું છે. નોકરી કરતા હોવ તો તમે બોસ પાસેથી રજા માંગી શકો પણ તમારી જ કંપની હોય તો? તમને ઘણાબધા વિચાર આવી જાય છે કે, બ્રેક લઉં કે નહીં? જે લોકો પોતાના બોસ છે, પોતાની માલિકીનો બિઝનેસ ચલાવે છે કે પછી મોટા હોદ્દા પર જોબ કરે છે એ લોકો બીજા કર્મચારીઓની સરખામણીમાં વધુ મહેનત કરે છે. કેટલાંક કિસ્સામાં તો પોતાની જાત પર અત્યાચાર પણ કરતા હોય છે.
ઘણા બોસ એવા હોય છે જે પોતાના હાથ નીચે કામ કરતા હોય એની તો દયા નથી ખાતા, પોતાના પર પણ રહેમ નથી રાખતા! જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ સાઇકોલોજીમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ જે લોકો પોતાના બોસ છે એ લોકો ઘણા કિસ્સામાં વધુ પડતો સમય પોતાના કામને જ ફાળવે છે. આ પણ એક જોખમી કામ છે. આખો દિવસ કામ કરવાથી તમે કદાચ સફળ તો થઇ જશો પણ સુખી કે ખુશ નહીં થઇ શકો. ઘણા લોકો કામમાં એવા ખોવાયેલા હોય છે કે, પોતાને અને પોતાના પરિવારને સમય જ નથી આપતા. તમે કોઇની નોકરી કરતા હોવ અને તમારા હાથમાં કંઇ ન હોય ત્યારે તમે સમય ન આપો એ અલગ વસ્તુ છે, જ્યારે તમારે શું કરવું એ તમારા હાથમાં હોય ત્યારે તમારે એ વિચારવું જોઇએ કે, હું જે કરું છું એ બરાબર કરું છુંને? આમ તો જે લોકો જોબ કરે છે એણે પણ પોતાનો શિડ્યૂલ એ રીતે નક્કી કરવો પડે જેમાં સુખ અને શાંતિની અનુભૂતિ થાય. એક વાત યાદ રાખવા જેવી છે કે, જિંદગી માત્ર કામ કરવા માટે જ નથી, જિંદગી સરવાળે તો સારી રીતે જીવવા માટે છે. તમે સખત મહેનત કરીને પણ જો સારી રીતે જીવી શકતા ન હોવ તો માનજો કે તમે ખોટા રસ્તે છો. માણસે સમયે સમયે પોતાના રસ્તાને પણ ચેક કરતા રહેવું પડે છે કે, હું રાઇટ ટ્રેક પર તો છુંને? ઘણા લોકો કામમાંથી ક્યારેય બ્રેક જ લેતા નથી. ચાલે એમ ન હોય ત્યારે નાછૂટકે જ રજા લે છે. બીમાર પડે ત્યારે જ રજા રાખે છે. મજા માટે પણ થોડીક રજા રાખવી જોઇએ. સારી રીતે કામ કરવા માટે થોડોક આરામ અને થોડુંક રિલેક્સેશન પણ જરૂરી છે. આખી દુનિયામાં એક વર્કોહોલિક કમ્યુનિટી ઊભી થઇ રહી છે. આ કમ્યુનિટીના લોકો એવા છે જેને કામ સિવાય કંઈ સૂઝતું જ નથી. થોડીક મોજમજા કરી લે તો પણ એને ગિલ્ટ થવા લાગે છે કે, મેં મારો સમય બગાડ્યો! આ સમયમાં હું કેટલું બધું કામ કરી શક્યો હોત! ફરવા જાય તો પણ એ લોકો પૂરું એન્જોય કરી શકતા નથી. કામ એમના માથે સવાર રહે છે. વધુ પડતો આરામ ખરાબ છે, એવી જ રીતે વધુ પડતું કામ પણ જોખમી છે. પોતાનો સાચો બોસ એ જ છે જે પોતાનું ટાઇમટેબલ એવી રીતે ફિક્સ કરે છે જેમાં કામ અને આરામ બંને માટે પૂરતો સમય રહે. પોતાની સાથે પણ થોડાક ઋજુ બનો. સફળતાની દોડ એવી બધી જોરદાર ચાલી છે કે, માણસ પોતાની જાત સાથે વધુ ને વધુ ક્રૂર બની રહ્યો છે. વધુ પડતી મહેનત કરવાથી નામ અથવા તો થોડાંક વધુ નાણાં મળી જશે પણ જિંદગી ફૂંકાતી રહેશે. કામને પણ એન્જોય કરો. હવે લોકો કામને બોજ માનવા લાગ્યા છે. કામને જિંદગીના એક ભાગ તરીકે જુઓ. કામ જિંદગીનો એક ભાગ છે, જિંદગી નથી. કામને પણ જીવો પણ આખી જિંદગી કામ પાછળ જ ન ખર્ચાઇ જાય એની પણ તકેદારી રાખો!
———
પેશ-એ-ખિદમત
ઇંસાન કી બુલંદીઓ પસ્તી કો દેખ કર,
ઇંસા કહાં ખડા હૈ હમેં સોચના પડા,
અપના હી શહર હમ કો બડા અજનબી લગા,
અપને હી ઘર કા હમકો પતા પૂછના પડા.
-હબીબ હૈદરાબાદી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 24 એપ્રિલ 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com