કેટલા સંબંધો ફાઇવ સ્ટાર
રેટિંગ આપવા જેવા હોય છે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ટુકડા રૂપે મળે છે, જે બધું, એ બધું ક્યાં સોયથી સંધાય છે?
છે ભૂલા પડવાનો એક જ ફાયદો, કેટલા રસ્તા પરિચિત થાય છે!
-અમિત વ્યાસ
સંબંધમાં પ્રેમ અને પેઇન આપવાની સૌથી મોટી તાકાત હોય છે. સંબંધ ગમે તેવો હોય એ ક્યારેક તો પેઇન આપે જ છે. આપણે હર્ટ એટલે જ થઇએ છીએ, કારણ કે હર્ટ કરનાર પર આપણને લાગણી હોય છે. આપણે જેને પ્રેમ કરતા હોઇએ, જેના પ્રત્યે લાગણી હોય, જેની ઝંખના હોય, જેની ચિંતા હોય, જેની યાદ સતાવતી હોય, એ જ વ્યક્તિ જ્યારે દિલ દુભાય એવું કંઇક કરે ત્યારે સૌથી વધુ આઘાત લાગે છે. આપણે દુ:ખી થઈએ છીએ, ગુસ્સે થઇએ છીએ, નારાજ થઇએ છીએ અને એક તબક્કે જતું કરીને પાછો પ્રેમ કરવા માંડીએ છીએ. સંબંધ એમ તૂટતા નથી. સંબંધ ત્યારે જ તૂટે છે જ્યારે એક પછી એક ઘા પડતા જ જાય! આપણને સવાલ થાય છે કે, હવે માફ કરી કરીને કેટલી વાર માફ કરવું? થાકી જવાય ત્યારે જ છુટકારો મેળવવાના વિચારની શરૂઆત થાય છે. બસ, બહુ થયું, ઇનફ ઇઝ ઇનફ, હું કંઈ મૂરખ નથી કે એની ભૂલ ચલાવી લઉં. મેં તો કહ્યું હતું કે, આ લાસ્ટ ટાઇમ છે, હવે જો આવું ફરી થયું તો પછી મારે કોઈ નિર્ણય લેવો પડશે. સંબંધોના નિર્ણયો સૌથી અઘરા હોય છે, કારણ કે હાથ છૂટી ગયા પછી પણ હથેળીમાં કશુંક વર્તાતું રહે છે. આંખો બંધ કરી દઇએ પછી પણ કેટલાંક ચહેરા ઉપસતા હોય છે. જૂની ઘટનાઓ દિલ પર દસ્તક દઇને સ્મરણોના દરવાજા ખોલી નાખે છે. વધુ પેઇન થાય છે. વિચાર આવી જાય છે કે, શું ધાર્યું હતું અને શું થઈ ગયું!
બધા સંબંધો સાચવી શકાતા નથી. કેટલાંક સંબંધો તૂટવા માટે જ સર્જાયા હોય છે. તમે ગમે તે કરો તો પણ કેટલાંક સંબંધો બચાવી શકાતા નથી, એનું કારણ એ જ હોય છે કે, સંબંધ ક્યારેય એક પક્ષે ટકી ન શકે. આપણે ગમે એટલા સારા હોઇએ તો પણ આપણે દરેક સંબંધ બચાવી શકતા નથી. સામે પણ સત્ત્વ હોવું જોઇએ. એક છોકરીની આ વાત છે. તેના એક દોસ્તે તેની સાથે બદમાશી કરી. બંનેની દોસ્તી તૂટી ગઇ. છોકરી આ ઘટનાથી બહુ ડિસ્ટર્બ થઇ. છોકરી તેના દાદા સાથે બધી જ વાત શૅર કરતી હતી. છોકરીએ કહ્યું, દાદા, આવું કેમ થતું હશે? જેની સાથે સૌથી સારું બનતું હોય એ કેમ આવું કરતા હોય છે? દાદા કંઈ ન બોલ્યા પણ પોતાની જૂની બેગમાંથી થોડાક કાગળ કાઢ્યા. એ કાગળ પૌત્રીના હાથમાં આપ્યા. આ બધા કાગળમાં ટોપ ટેન નામ હતાં. પૌત્રીએ સવાલ કર્યો, આ શું છે? દાદાએ કહ્યું, એ લિસ્ટ ધ્યાનથી જો, એમાં નામો બદલાતાં રહ્યાં છે! દાદાએ પછી એ કાગળોનું રહસ્ય ખોલ્યું. તેમણે કહ્યું કે, હું તારા જેવડો હતો ત્યારે મને પણ આવા જ સવાલો થતા હતા. પંદર વર્ષનો થયો ત્યારે મેં મારા સૌથી નજીકના દસ લોકોનું લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું. હું દર પાંચ વર્ષે ટોપ ટેન રિલેશન્સનું નવું લિસ્ટ બનાવતો હતો. વર્ષો વિતતાં ગયાં, કેટલાંક નામો વિસરાઇ ગયાં, નવાં નામો આવ્યાં. સરવાળે દર પાંચ વર્ષે લિસ્ટ બદલાતું રહ્યું. જિંદગીનો આ ક્રમ છે. લોકો બદલાતા રહે છે. જિંદગીનું પણ સફર જેવું છે. પ્રવાસીઓ આવે છે અને થોડો સમય સાથ આપે છે. કોઇ સારા હોય છે, તો કોઇ ખરાબ પણ હોય છે. કોઇ સુખ આપવા આવ્યા હોય છે, તો કોઈ દુ:ખ આપે છે. આવું થતું જ રહેવાનું છે.
ક્યારેક કોઈ સાથે ત્રૂટક ત્રૂટક સંબંધ હોય તો પણ એ જિવાતો હોય છે. એક પતિ -પત્નીની આ વાત છે. બંને એકલાં રહેતાં હતાં. એમના ઘરે એક બહેન કામ કરવા આવતાં હતાં. એ બહેનની સાથે એનો નાનકડો પૌત્ર પણ આવતો. એ ઘરે આવે અને રમે. ધીમે ધીમે એ પતિ-પત્નીનો લાડકો થઇ ગયો. બંને એની રાહ જોતાં હોય. એના માટે ચોકલેટ અને બીજી ખાવાપીવાની વસ્તુ લાવી રાખે. એની સાથે રમે. એક વખત પત્નીએ પતિને કહ્યું, કયા ભવનું લેણું હશે આની સાથે? આમ જોઈએ તો એની સાથે કોઈ સંબંધ નથી અને આમ આપણે એની રાહ જોતા હોઈએ છીએ. પતિએ કહ્યું કે, એનો ચહેરો જોજે, એ પણ રાહ જ જોતો હશે કે ક્યારે દાદી કામ કરવા જાય અને ક્યારે હું તેની સાથે જાઉં. પતિએ એ પછી કહ્યું કે, જે ઘરમાં બાળકને જવાનું મન થાયને એ ઘર જ જીવંત હોય છે. જે ઘરે જતા બાળક ડરે એ ઘરમાં ભલે ગમે એટલી લાઇટો હોય પણ એક છૂપો અંધકાર હોય છે. બાળકો એમ જ ઘરે નથી આવતાં, એને ચોકલેટ પીપરનો તો મોહ હોય જ છે પણ તે ત્યાં જ જાય જ્યાં એને સારું લાગે. કેટલાંક સંબંધો એવા હોય છે જેનાં કોઈ નામ નથી હોતાં, એ બસ હોય છે. કોઇ કારણ વગરના સંબંધો થોડીક ક્ષણો સુખ આપે છે પણ એ ક્ષણો ઘણી વખત કલાકોના દુ:ખને દૂર હડસેલવા માટે પૂરતા હોય છે!
એક યુવાનની આ વાત છે. તે એક મોટા શહેરમાં એકલો રહેતો હતો. કંઇ પણ મંગાવવાનું હોય તો એ ઓનલાઇન મંગાવી લેતો. એક વખત એક છોકરો ફૂડની ડિલિવરી કરવા આવ્યો. જતી વખતે એવું બોલ્યો કે, સર ફાઇવ સ્ટાર રેટિંગ આપજો! હસીને તેણે ઓકે કહ્યું. જોકે પછી એને વિચાર આવ્યો કે કેટલા સ્ટાર આપવા એ તો મારે નક્કી કરવાનું હોયને? આખરે તેણે ફાઇવ સ્ટાર આપી દીધા. એક વખતની ડિલિવરી અને થોડીક ક્ષણોના સંવાદ બાદ ફાઇવ સ્ટાર રેટિંગ આપ્યા પછી તેને વિચાર આવ્યો કે, આપણા કેટલા સંબંધો ફાઇવ સ્ટાર રેટિંગ આપવા જેવા હોય છે? ટકોરાબંધ સંબંધોની સંખ્યા કેમ ઓછી જ હોય છે? સંબંધો ઓછા હોય એનો વાંધો ન હોય પણ જેટલા હોય એટલા જીવંત હોય તો પૂરતું છે. બે મિત્રોની આ વાત છે. બંને વચ્ચે સારું બનતું હતું પણ કોઇ એક મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો. એક મિત્રએ સંબંધ ઓછો કરી નાખ્યો. બોલવાનું ઘટાડી નાખ્યું. બીજો મિત્ર તેની પાસે ગયો અને કહ્યું કે, આપણી વચ્ચે ઝઘડો થયો છે તો તું ઝઘડી લે પણ આમ બોલવાનું બંધ ન કર. એ પછી તેણે કહ્યું કે, મારે બીજા કોઈ મિત્રો નથી. તું એક જ તો એવી વ્યક્તિ છે જેના પર હું ભરોસો કરું છું. મારી લાઇફમાં તારું બહુ ઇમ્પોર્ટન્સ છે. પ્લીઝ, તું મારાથી દૂર ન થા. મારે તને ગુમાવવો નથી. તમારી લાઇફમાં એવું કોઇ છે જેને જોઇને તમને એવું થાય કે, મારે આ વ્યક્તિને ગુમાવવી નથી? જો એવું થતું હોય તો એનું જતન કરજો.
જિંદગીમાં કોઈ પોતાનું હોવું જોઈએ. એવી વ્યક્તિ જેની સાથે હસવાથી ખુશી બેવડાય અને જેની સાથે રડવાથી હળવાશ અનુભવાય. સમય બદલાઇ રહ્યો છે. વર્ચ્યુઅલ સંબંધો વધી રહ્યા છે અને વાસ્તવિક સંબંધો ઘટી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હજારો ફ્રેન્ડ કે ફોલોઅર્સ હોય પણ જો સાથે બેસીને વાત કરવાવાળું કોઇ ન હોય તો સમજજો કે લાઇફમાં કંઇક મિસિંગ છે. સાચી લાઇક એ છે જ્યારે આપણી નજીકની વ્યક્તિ આપણી પીઠ થાબડે અને જરૂર પડ્યે આપણને સાચી વાત કરતા પણ ન અચકાય. જેની પાસે જવાનું મન થાય અને કોઈ નક્કી કરેલા વિષયો વગર વાતો કરી શકાય અને ગપ્પાં મારી શકાય. દોસ્ત એ છે જેની સાથે વાત કરવા માટે કોઈ સબ્જેક્ટની જરૂર જ નથી પડતી, એ મળે એટલે ગપ્પાંથી માંડીને જ્ઞાન સુધીના વિષયો આપોઆપ મળી આવે છે. એવા સંબંધ સાચવી રાખજો, એ જ ખરેખર ફાઇવ સ્ટાર રેટિંગને લાયક હોય છે!
છેલ્લો સીન :
કોઈ ને કોઈ સંબંધમાં ક્યારેક ઠોકર તો વાગવાની જ છે. ઠોકર વાગ્યા પછી જ માણસ એની દરકાર રાખે છે કે બીજી ઠોકર ન વાગે! અનુભવ જ માણસને સમજુ, શાણા અને પારખું બનાવે છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 21 એપ્રિલ 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com