ભૂતકાળ :
જો ચલા ગયા ઉસે ભૂલ જા!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
જિંદગીમાં માણસે એ પણ નક્કી કરવું પડતું હોય છે કે,
શું યાદ રાખવું અને શું ભૂલવું?
કેટલીક ઘટનાઓ, વાતો અને પ્રસંગો ભૂલી જવામાં જ માલ હોય છે!
———–
જિંદગીમાં કેટલાંયે પડાવ અને કેટલાંયે મુકામ આવે છે. ક્યાંક ગમી જાય છે, ક્યાંકથી મન ઊઠી જાય છે. ક્યાંકથી જવાનું મન નથી થતું પણ જવું પડે છે. ક્યાંકથી ભાગી જવાનું મન થાય છે પણ ભાગી શકાતું નથી. એક જિંદગીમાં કેટલું બધું બનતું હોય છે? ક્યારેક કોઇ ઘડી રળિયામણી લાગે છે તો ક્યારેક એક એક ક્ષણ મણ મણના ભાર લઇને આવે છે. કોઇ ઘટના શાંતિથી સૂવા નથી દેતી, તો કોઇ ઘટના સફાળા જગાડી દે છે. આનંદ અને અજંપા વચ્ચે જિંદગી ઝૂલતી રહે છે. રોજ નવું નવું ભાથું બંધાતું જાય છે. આપણે બધા જ આપણો ભૂતકાળ સાથે લઇને ફરતા હોઇએ છીએ. જિંદગીમાં ડિલીટનું બટન નથી હોતું. મોબાઇલના ટચ સ્ક્રીન પર એક સામાન્ય અમથા સ્પર્શથી ડિલીટ થઇ જતી તસવીરની જેમ કોઈ ઘટનાનો નાશ કરી શકાતો નથી. એ તો જોડાઇ ગઇ હોય છે, જડાઇ ગઇ હોય છે. બાય ધ વે, તમને તમારી જિંદગીમાંથી કોઇ એક ઘટના ડિલીટ કરવાની પરવાનગી મળે તો તમે કઇ ઘટનાને ડિલીટ કરવા ઇચ્છશો? હવે બીજો સવાલ, એ ઘટનાને ડિલીટ કરતા તમને કોણ રોકે છે?
ભૂતકાળ વિશે હમણાં થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, જે પોતાના ખરાબ ભૂતકાળને વારેવારે વાગોળતા નથી એ વધુ સુખ, ખુશી અને આનંદનો અનુભવ કરી શકે છે. આમ તો આ અભ્યાસમાં કંઇ નવું નથી, આપણને બધાને એ વાતની ખબર જ છે કે, જૂની અને દિલ દુભાવે એવી વાતો કે ઘટનાઓને યાદ કરીને દુ:ખ જ મળવાનું છે. પ્રોબ્લેમ એ છે કે, કેટલીક વાત આપણા મગજમાંથી ખસતી જ નથી! એમાં પણ એવો સવાલ કરવામાં આવે છે કે, ખસતી નથી કે તમે ખસવા દેતા નથી? એક યુવાનની આ સાવ સાચી વાત છે. તેણે લવમેરેજ કર્યા હતા. મેરેજ પછી પત્ની સાથે બન્યું નહીં. બંનેએ ડિવૉર્સ લીધા. પતિથી ડિવૉર્સ સહન થતાં નહોતા. તે એક જ વિચાર કરતો હતો કે, મારો શું વાંક હતો? મેં તો એને સુખી કરવાના અને એની સાથે પ્રેમથી રહેવાના તમામ પ્રયાસો કર્યા હતા. તેની જીદ, તેના દુરાગ્રહો અને તેના સ્વભાવના કારણે જ વાંધા પડતા હતા. એની સ્થિતિ એ થઇ કે, એને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઇ જવો પડ્યો. યુવાને પોતાને જે વિચાર આવે છે એની બધી વાત કરી. સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે, તારો કોઇ વાંક નહોતો તો પછી તું આટલો બધો દુ:ખી શા માટે થાય છે? બીજી વાત એ કે, વાંક ગમે એનો હોય, ડિવોર્સ થયા છે એ હકીકત છે. એ હકીકતથી તું ક્યારેય ભાગી શકવાનો નથી. હવે તું એના જ વિચાર કરતો રહીશ તો તું દુ:ખી જ થતો રહેવાનો છે. તું તારા વિચારને ડાયવર્ટ કર. એવો જ એક બીજો કિસ્સો છે. એક છોકરીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. તેણે પોતાના બોસની કેટલીક વાતો ન માની એટલે એની સાથે રમત રમીને નોકરીમાંથી કાઢી મૂકી. એ છોકરી ડિસ્ટર્બ થઇ ગઇ. તેને પણ સાઇકિયાટ્રિસ્ટ પાસે લઇ જવી પડી. સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે, તારે તો ખુશ થવું જોઇએ કે તેં કોઇ ક્રોમ્પ્રોમાઇઝ ન કર્યું. હવે બીજી વાત, દુનિયામાં સારા લોકો જ મળે એવું જરૂરી નથી. બદમાશ લોકો પણ મળવાના જ છે. જે થયું એમાંથી બહાર નીકળી જા.
આપણે બધા જ કોઈ ને કોઈ જૂની વાતોને લઇને દુ:ખી થતા રહીએ છીએ. ક્યારેક કોઇ ઘટના માંડ માંડ ભૂલ્યા હોઇએ પણ એ જ્યારે યાદ આવી જાય ત્યારે પાછા ડિસ્ટર્બ થઇ જઇએ છીએ. જિંદગીમાં પાછું વળીને જોઇએ ત્યારે જે દૃશ્યો જોવા મળે એ બધા રંગીન અને ફૂલગુલાબી જ હોય એવું શક્ય નથી, કેટલાંક દૃશ્યો બિહામણાં અને ડરામણાં પણ હોવાનાં જ છે. ભૂતકાળને ભૂંસી શકાતો નથી પણ ભૂતકાળને ભૂલી ચોક્કસ શકાય છે. ક્યારેક કેટલાંક વિચારોમાંથી છટકવું પડતું હોય છે. આપણે કહીએ છીએ કે, વિચારો પર થોડો આપણો કાબૂ છે? વિચાર તો ગમે ત્યારે ગમે એવા આવી શકે છે. તેના વિશે પણ એવું કહેવામાં આવે છે કે, આપણે જો ઇચ્છીએ તો વિચારો પર અમુક હદ સુધી કાબૂ મેળવી શકીએ છીએ. એના માટે પહેલાં તો એ નક્કી કરવું પડે કે, મારે અમુક ઘટનાના વિચાર કરવા જ નથી. એ ઘટનાના વિચાર આવી જાય ત્યારે તરત જ તેને ડાયવર્ટ કરી દેવાના. હવે એ સવાલ થાય કે, ડાયવર્ટ કેવી રીતે કરવા? એક્સપર્ટ એક ઉદાહરણ આપે છે. તેની પાસે એક વ્યક્તિ આવી હતી. તેને જૂની ઘટનાઓની જ સમસ્યા હતા. નિષ્ણાતે કહ્યું કે, તમને જ્યારે એ વિચાર આવે કે તરત જ બીજું કંઇક કરવા માંડવાનું. કંઇક ગમતું હોય એવું કરવાનું, બહાર ચક્કર મારવા નીકળી જવાનું, કંઇક વાંચવાનું, કંઇક જોવાનું, મિત્રને ફોન કરવાનો અથવા તો બીજું ગમે તે કરવાનું જે તમને બીજા વિચારો કરવાની પ્રેરણા આપે.
હવે એક બીજા રિસર્ચની વાત. મેન્ટલી ડિસ્ટર્બ રહેતા કેટલાંક લોકો પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલી વાત તો એ હતી કે, એ બધા ડિસ્ટર્બ શા માટે રહેતા હતા? તેનું સૌથી મોટું કારણ હતું, ગિલ્ટ. જિંદગીમાં માણસથી ક્યારેક કોઇક ભૂલ થઇ જતી હોય છે. ક્યારેક જાણીજોઈને તો ક્યારેક અજાણતા જ એવું થઇ જાય છે જેનો આપણને અફસોસ થતો રહે છે. એવા વિચારો આવ્યે રાખે છે કે, મેં આવું શા માટે કર્યું? મારાથી આવું કેમ થઇ ગયું? આપણે સ્વજનો સાથે પણ ઘણી વખત ન કરવા જેવું વર્તન કરી બેસતા હોઇએ છીએ. આ રિસર્ચમાં એવું બહાર આવ્યું હતું કે, ગિલ્ટ સાથે જીવતો માણસ રોજેરોજ થોડો થોડો મરતો રહે છે. સુખી થવું હોય અને શાંતિથી રહેવું હોય તો ગિલ્ટમાંથી જેમ બને એમ વહેલીતકે બહાર નીકળી જાવ. આપણે માણસ છીએ, ક્યારેક ભૂલ થઇ પણ જાય. ક્યારેક કબુદ્ધિ સૂઝે અને ન કરવાનું કરી પણ બેસીએ. કંઇક થાતા થઇ જાય પછી પસ્તાવો પણ થાય. આવા સંજોગોમાંથી છુટકારો મેળવવા માટે જે ઉપાય બતાવવામાં આવે છે એ એવો છે કે, કોઇ વ્યક્તિ સાથે કંઇ થયું હોય તો એની માફી માંગી લેવાની. એ માફી આપે કે ન આપે એ એની મરજી પણ આપણે માફી માંગીને મુક્ત થઇ જવાનું. કેટલાંક માણસોનો પ્રોબ્લેમ એ હોય છે કે, એ બીજાને તો માફ કરી દે છે પણ પોતાને માફ કરી શકતા નથી. પોતાને પણ ક્યારેક માફ કરવા પડતા હોય છે. એવું નહીં વિચારવાનું કે, મારાથી આવું કેમ થયું? મેં ન કરવાનું કરી નાખ્યું! જે થવાનું હતું એ થઇ ગયું. ધ્યાન એટલું રાખવાનું કે એવું બીજી વખત ન થાય. ખરાબ ભૂતકાળને ભૂલી જવા માટે એક વાત એ પણ જરૂરી છે કે, સારા ભૂતકાળને વાગોળતા રહો. જિંદગીમાં સારી ઘટનાઓ પણ કંઇ ઓછી બની હોતી નથી. તમે જરાક શાંતિથી વિચારશો તો એવું સમજાશે કે, જિંદગીમાં ખરાબ ઘટનાઓ બની હોય એના કરતાં સારી ઘટનાઓ બની હોય એની સંખ્યા વધુ જ હશે. આપણે શું યાદ રાખીએ છીએ અને શું ભૂલી જઇએ છીએ એના પર આપણી જિંદગીનો ઘણો મોટો આધાર રહેતો હોય છે. કુદરતે માણસને અનેક શક્તિઓ આપી છે અને તેમાં પણ જો કંઈ આશીર્વાદ રૂપ હોય તો એ છે, ભૂલી જવાની ક્ષમતા. વિચાર કરો કે, માણસ જો કંઈ ભૂલી શકતો ન હોત, આપણને જિંદગીમાં જે કંઈ થયું હોય એ બધું યાદ રહેતું હોત તો શું થાત? જિંદગીમાં ઘણું બધું એવું હોય છે જેને ખંખેરવું પડતું હોય છે. વેદના આપે એવી વાતો, ઘટનાઓ અને પ્રસંગો પણ ગૂમડાં જેવાં જ હોય છે, એને ખોતરતા રહીએ તો ક્યારેય રૂઝ આવવાની જ નથી. જે વીતી ગયું છે એને વિસરી જવું જ બહેતર હોય છે!
———
પેશ-એ-ખિદમત
મુજે પતા થા કિ યે હાદસા ભી હોના થા,
મૈં ઉસ સે મિલ કે ન થા ખુશ જુદા ભી હોના થા,
મૈં તેરે પાસ ચલા આયા લે કે શિકવે-ગિલે,
કહાં ખબર થી કોઇ ફૈંસલા ભી હોના થા.
-રાજેન્દ્ર મનચંદા બાની
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 17 એપ્રિલ 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com