તને તો મારી પોસ્ટને લાઇક
કરવાની પરવા પણ નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જિંદગી નામે અહીં play store છે, તું ખુશીની app download કર,
આંસુઓનો log clear કર અને, એક-બે સપનાં પછી upload કર.
-હિમલ પંડ્યા
સંબંધો હવે ડિજિટલ થઈ ગયા છે. આપણે બધા રિઅલ કરતાં વર્ચ્યુઅલ વર્લ્ડમાં વધુ જીવવા લાગ્યા છીએ. કંઈ પણ હોય આપણને અપલોડ કરવા જોઈએ છે. ફોટા, વીડિયો અને રીલ્સ મસ્ટ થઇ ગયાં છે. વાત નાની હોય કે મોટી, દેખાવવી મસ્ત જોઇએ. બધાને ખબર પડવી જોઇએ કે, જુઓ અમે કેવી મજા કરીએ છીએ. વટ પાડવા, ઇમ્પ્રેશન જમાવવા કે કોઇને બાળવા માટે સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે. દરેકને વધારે લાઇક્સ જોઇએ છે. ફોલોઅર્સ વધારવા માટે કંઈ પણ ગતકડાં થાય છે. સમયની સાથે અમુક બદલાવ આવતા હોય છે. આવવા પણ જોઇએ. સોશિયલ મીડિયા આજે છે તેના કરતાં આવતી કાલે વધુ પાવરફુલ હશે. સોશિયલ મીડિયા પર રોજે રોજ કંઇક ને કંઇક નવું આવતું રહે છે. એ લોકોને ખબર છે કે, જો નવું નવું નહીં આપીએ તો લોકો કંટાળી જશે. ટેક્નોલોજીમાં જે પરિવર્તનો આવી રહ્યાં છે એ આપણે રોકી શકવાના નથી. એક યુવાનની આ વાત છે. તે એક વડીલ પાસે ગયો. વડીલને તેણે સવાલ કર્યો, તમને લાગે છે કે બધું ખાડે જઈ રહ્યું છે? વડીલે કહ્યું, બિલકુલ નહીં, મને તો એવું લાગી રહ્યું છે કે, બધું સારું થઈ રહ્યું છે. ઇઝી થઇ રહ્યું છે. ટેક્નોલોજીના કારણે લાઇફ સરળ થઇ ગઇ છે. બાકી રહી વાત સોશિયલ મીડિયાની, તો એમાં વાંક ટેક્નોલોજીનો છે જ નહીં, વાંક તો લોકોનો છે. લોકો જ જો મોબાઇલ લઇને બેઠા રહે તો બીજું શું થાય? વ્યસન કોઇ પણ હોય એ સરવાળે નુકસાન જ કરતું હોય છે. આપણે એનાથી બચવું પડે છે. તમને કોઇ ગળાના સમ દઇને સોશિયલ મીડિયા વાપરવાનું નથી કહેતું, તમારાથી રહેવાતું નથી એટલે તમે ચોંટેલા રહો છો.
ભય વિશે એવું કહેવાતું આવ્યું છે કે, માણસ ખરેખરા જોખમ કરતાં કાલ્પનિક ભયથી વધુ ડરતો રહે છે. સોશિયલ મીડિયા સાથે પણ થોડોક કાલ્પનિક ભય જોડાયેલો છે. જો હું સોશિયલ મીડિયા પર એક્ટિવ નહીં રહું તો હું ફેંકાઈ જઇશ, મારે ટકવા માટે બધું કરવું પડશે. હવે તો જે કંઈ થાય છે એનું સીધું રિફ્લેક્શન સોશિયલ મીડિયામાં ઝિલાય છે. સોશિયલ મીડિયામાં હોવું ખોટું નથી, તેનો અતિરેક ખોટો છે. માણસે હવે સોશિયલ મીડિયાના મુદ્દે પણ સ્થિતપ્રજ્ઞ રહેવું પડે એમ છે. કોઈનું જોઇને જે બળી મરતો નથી, વધુ લાઇકથી જે હરખાઇ જતો નથી અને છવાઇ જવા માટે જે વલખાં મારતો નથી એ સ્થિતપ્રજ્ઞ છે! સોશિયલ મીડિયામાં પણ ઘણું સાક્ષીભાવે જોવું પડતું હોય છે. સોશિયલ મીડિયાની વૉલ પર જે ચિતરામણ થાય છે એ સાચું હોવા કરતાં ભ્રામક વધુ હોય છે. દેખાડાનું સૌથી મોટું માધ્યમ સોશિયલ મીડિયા છે. હવે કૂથલી પણ સોશિયલ મીડિયા પર જ થાય છે. તમને મજા આવે છે? તો કૂથલી કરો. આપણે એ નક્કી કરવાનું હોય છે કે, મારી પાસે જે સમય છે એનો મારે કેવી રીતે ઉપયોગ કરવો છે? સમય તમારો છે, ચોઇસ પણ તમારી રહેવાની છે. કંઇ પણ કરતાં પહેલાં થોડુંક વિચારી લેવું જોઇએ કે, હું આ કયા ભોગે કરું છું?
માણસ ધીમેધીમે વાતો ઓછી કરવા લાગ્યો છે અને ચેટિંગ વધુ કરવા લાગ્યો છે. આપણે ટચ સ્ક્રીનના આદી બની ગયા છીએ અને સ્પર્શનો અહેસાસ ગુમાવી રહ્યા છીએ. આપણી અપેક્ષાઓ પણ ડિજિટલ થઇ ગઇ છે. હું કંઇક પોસ્ટ કરું એટલે અમુક લોકોએ તો લાઇક કરવાની જ. હમણાંની એક સાવ સાચી ઘટના છે. એક છોકરો અને છોકરી ખાસમખાસ ફ્રેન્ડ. છોકરી કંઈ પણ અપલોડ કરે એટલે તરત જ તેનો ફ્રેન્ડ રિસ્પોન્સ કરે. એકાએક છોકરાએ તેની ફ્રેન્ડની પોસ્ટને લાઇક કરવાનું બંધ કરી દીધું. તેની લાઇક ન હોય કે કમેન્ટ પણ ન હોય. છોકરીને ખરાબ લાગી ગયું. તેણે પોતાના ફ્રેન્ડ સાથે ઝઘડો કર્યો. તને તો હવે મારી પોસ્ટ લાઇક કરવાની પણ પરવા નથી. આ વાત જાણીને છોકરાએ કહ્યું કે, હું કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું છું. વાંચવાનું હોવાથી મેં સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. હું સોશિયલ મીડિયા જોતો જ નથી તો પછી લાઇક કે કમેન્ટ કરવાનો તો સવાલ જ ક્યાં છે? છોકરીએ કહ્યું કે, દોસ્તીમાં અમુક કરવું પડે એ તો કરવું જ જોઇએ! મને મારી તમામ પોસ્ટ પર તારી લાઇક તો જોઇએ જ છે. તને ખબર છે, તું લાઇક ન કરે કે તું કમેન્ટ ન કરે તો મને બીજા ફ્રેન્ડ્સ એવું કહે છે કે, તમારે કંઇ પ્રોબ્લેમ થયો છે? છોકરાએ કહ્યું કે, તને ખબર છે કે આપણે કોઇ પ્રોબ્લેમ થયો નથી એ પૂરતું નથી? છોકરીએ કહ્યું, ના એ પૂરતું નથી. દોસ્તી હોય કે દુશ્મની હું સરાજાહેર કરું છું! છોકરાએ કહ્યું, તું તારે કરને, મને શા માટે ઢસડે છે?
લોકો હવે ખબરઅંતર પણ જુદી રીતે પૂછવા લાગ્યા છે! એક મિત્રએ તેના ફ્રેન્ડને ફોન કર્યો. તેણે પૂછ્યું, કેમ છે? બધું બરાબર છેને? તેના મિત્રને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, કેમ આવું પૂછે છે? મિત્રએ કહ્યું, હમણાં તેં ઘણા દિવસથી સોશિયલ મીડિયા પર કંઈ નથી મૂક્યું એટલે! તું તો રેગ્યુલર કંઇક ને કંઇક મૂકતો રહે છે. કંઇ ન જોયું એટલે થયું કે, લાવ પૂછી જોઉં કે બધું ઓકે તો છેને? મિત્રએ કહ્યું, અરે ભાઈ, બધું ઓકે છે, કોઇ પ્રોબ્લેમ નથી. તું હવે સોશિયલ મીડિયા પર જોઇને કંઈ પણ માની લઇશ? આપણે કોઇની પોસ્ટ જોઇને કેટલું બધું ધારી કે માની લેતા હોઇએ છીએ? એક છોકરીની આ સાવ સાચી વાત છે. એ સોશિયલ મીડિયા પર કોઇ ને કોઇ ફોટા અપલોડ કરતી રહે. તેની ફ્રેન્ડ એ ફોટાઓ જુએ અને લાઇક પણ કરે. એવી કમેન્ટ પણ કરે કે, લાઇફ તો તું જીવે છે, તારે તો જલસા છે, તારી ઇર્ષા થાય એવું તું કરતી રહે છે. એ ફ્રેન્ડને તેની બીજી એક ફ્રેન્ડે કહ્યું કે, એની તો સાઇકોલૉજિકલ ટ્રીટમેન્ટ ચાલે છે. આ વાતથી તેની બહેનપણીને આઘાત લાગ્યો. તેણે પૂછ્યું, પણ એ તો રોજેરોજ કોઇ ને કોઇ જગ્યાના ફોટા મૂકતી રહે છે. ફ્રેન્ડે કહ્યું, એ બધા જૂના ફોટા છે, બાકી તો એ ડિસ્ટર્બ રહે છે. તેના ઘરમાં બધું ઓકે નથી. ફ્રેન્ડે કહ્યું કે, હું તો એમ માનતી હતી કે એ બહુ સુખી અને ખુશ છે. તેની ફ્રેન્ડે કહ્યું કે, સોશિયલ મીડિયા પર જે દેખાતું હોય છે એવું હોતું નથી. જે હોય છે એવું ક્યાં દેખાડી શકાતું હોય છે? આમ તો આપણાં દુ:ખ, દર્દ, વેદના, પરેશાની, મુશ્કેલી, ઉપાધિ બધાને કહેવાની જરૂર પણ હોતી નથી. ધ્યાન માત્ર એટલું રાખવાનું કે, જેને દિલની બધી વાત કહી શકાય એવા લોકો પણ આપણી જિંદગીમાં હોવા જોઇએ. કોઈ હાથ, કોઈ ખભો હશે તો જ જરૂર પડ્યે સધિયારો મળી રહેશે. લાઇક કરવાવાળા હજારો હશે તો પણ જ્યારે જરૂર પડશે ત્યારે પોતાના લોકો જ કામ લાગવાના છે. સોશિયલ મીડિયા પર બધું કરો પણ વાસ્તવિક દુનિયાથી અને પોતાના લોકોથી દૂર ન થઇ જવાય એની કાળજી રાખો. આપણે પોતાના લોકોની પરવા કરતા નથી અને સોશિયલ મીડિયા પરના લોકો પર નજર માંડીને બેઠા હોઇએ છીએ. લોકો ધીમેધીમે બહુ એકલા પડતા જાય છે, એનું કારણ મોટા ભાગે પોતે જ હોય છે. કોઇને નજીક રાખવા માટે નજીક રહેવું પડતું હોય છે. સાત્ત્વિક અને સજીવન સંબંધો માટે સજાગ રહેવું પડે એવો અત્યારનો સમય છે!
છેલ્લો સીન :
માણસની સંવેદનાઓ સહિતનું બધું જ ડિજિટલ થઇ રહ્યું છે. માણસ પણ ધીમેધીમે રોબોટ જેવો બનતો જાય છે. એવો રોબોટ જે પોતાની સ્વીચ પોતે જ પાડે છે અને પોતે જ બંધ કરી દે છે. સ્ક્રીનની સામે જીવતો માણસ આંખ મિલાવીને વાત કરવાનું ભૂલતો જાય છે! -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 31 માર્ચ 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com