માફ કરી કરીને આખરે
કેટલી વાર માફ કરવું?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ,
વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.
-હરિશચંદ્ર જોશી
સંબંધને સમજવો સહેલો નથી. જિંદગીમાં જો કંઈ સૌથી અઘરું હોય તો એ સંબંધને સમજવાનું કામ છે. કેટલાંક સંબંધો વારસામાં મળે છે તો કેટલાંક સંબંધ આપણે આપણી મરજીથી બાંધીએ છીએ. વારસાના સંબંધોમાં કોઇ ચોઇસ મળતી નથી, એ તો જે છે અને જેવા છે એવા જ રહેવાના છે. આપણે બાંધેલા સંબંધમાં આપણને પસંદગીનો અવકાશ મળે છે. કોની સાથે કેવો અને કેટલો સંબંધ રાખવો એ આપણે નક્કી કરી શકીએ છીએ. એમાં પણ એક હકીકત એ છે કે, ટકોરા મારીને રાખેલો સંબંધ પણ ક્યારે બોદો બોલવા માંડે એ નક્કી હોતું નથી. કેટલાંક સંબંધો જિવાતા હોય છે, જ્યારે કેટલાંક સંબંધો ઢસડાતા હોય છે. રાખવા ખાતર રખાતા અથવા તો રાખવા પડતા સંબંધોનો ભાર લાગતો હોય છે. આપણને એમ થાય કે હવે તો આનાથી છુટકારો મળે તો સારું છે. સંબંધો બચાવવા વિશે બહુ વાતો થાય છે. એ વાતથી જરાયે ઇનકાર ન થઇ શકે કે સંબંધો આપણી જિંદગીને જીવવા જેવી બનાવે છે પણ સંબંધો જ્યારે ટોક્સિક થઇ જાય ત્યારે એ જ સંબંધો ગૂંગળામણ આપવા લાગે છે. આપણે બધા જ જિંદગીના કોઈ ને કોઈ તબક્કે સંબંધની ગૂંગળામણ અનુભવી હોય છે. આપણા પ્રેમને, આપણી લાગણીને, આપણા સારાપણાને જ્યારે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે ત્યારે સંબંધો સામે સવાલો ઊભા થાય છે. સંબંધોના સવાલોના જવાબો આપણે જ શોધવા પડે છે. દર વખતે એ જવાબો સારા જ હોય એવું જરૂરી નથી, ક્યારેક અઘરા અને આકરા નિર્ણયો લેવા પડે છે. એક ડૉક્ટરની આ વાત છે. તેના ફ્રેન્ડ સર્કલમાં વિવાદ થયો. એક મિત્ર હતો એ બધા પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરતો હતો. મિત્ર હતો એટલે બધા ચલાવી લેતા હતા. એક તબક્કે બધાને થયું કે, હવે હદ થાય છે. ડૉક્ટરની સલાહ માંગી ત્યારે તેણે એક સમજવા જેવી વાત કરી. તેણે કહ્યું કે, દરેકને પોતાનું શરીર વહાલું હોય છે. શરીરના નાનામાં નાના અંગનું પોતાનું આગવું મહત્ત્વ છે. આમ છતાં જ્યારે કોઇ અંગ સડી જાય ત્યારે તેને કાપવું પડતું હોય છે. જો એને કાપવામાં ન આવે તો એ આખા શરીરમાં ઝેર ફેલાવી દે છે. સંબંધનું પણ એવું જ છે. કેટલાંક સંબંધ આપણી જિંદગીમાં એવી નેગેટિવિટી ભરી દે છે કે, આપણી હાલત બગડી જાય. જે પહેલાં એકદમ પોઝિટિવ હોય, આપણને એનર્જી પૂરી પાડતા હોય એ જ ક્યારેક આપણી જિંદગીમાં પરેશાની પેદા કરવા લાગે છે. એક તબક્કે આપણે સંબંધો માટે નિર્ણય લેવો પડે છે.
દરેક માણસે સમયે સમયે પોતાના સંબંધો પર પણ બિલોરી કાચ માંડીને ચેક કરતાં રહેવા પડે છે. હવે એ સંબંધમાં સત્ત્વ રહ્યું છે કે નહીં? ઘણી વ્યક્તિઓ આપણામાં નેગેટિવિટી ભરવાનું કામ કરતી હોય છે. એક પિતાની આ વાત છે. તેના દીકરાને પરિવારની એક વ્યક્તિ ચડાવતી હતી. ઘરના સભ્યો માટે જ કાનભંભેરણી કરતી હતી. દીકરો તેની વાત માનવા લાગ્યો હતો. પિતા આ વાત જાણી ગયા. પિતાના રૂમમાં એક ડસ્ટબિન હતું. પિતા રોજ દીકરાના રૂમમાં જઇને પોતાના ડસ્ટબિનનો કચરો દીકરાના રૂમમાં ઠાલવી આવતા. દીકરો થોડા દિવસ તો કંઈ ન બોલ્યો પણ જ્યારે થાકી ગયો ત્યારે પિતાને કહ્યું, આ તમે શું કરો છો? કેમ તમે તમારો કચરો મારા રૂમમાં નાખી જાવ છો? પિતાએ હળવેકથી કહ્યું, પેલો માણસ રોજ તારા મગજમાં કચરો ભરી જાય છે એ તને નથી દેખાતો? કેટલીક ગંદકી દેખાતી નથી પણ આપણી જિંદગી એનાથી ખરડાતી હોય છે. આપણું મગજ કચરાપેટી નથી કે કોઇ આવીને પોતાનો કચરો આપણામાં ઠાલવી જાય. આપણે એ જોતા રહેવું પડે છે કે, મારો બગીચો તો ઠીક છેને? આપણો બગીચો ઘણાથી સહન થતો હોતો નથી, એ બગીચાને ઉકરડો બનાવવા મથતા રહે છે. એવા લોકોથી સાવચેત રહેવું પડે છે. આપણી નજીક જે હોય છે એ મિત્ર કે સ્વજનના રૂપમાં શત્રુ કે દુર્જન નથીને એ તપાસતા રહેવું પડે છે!
સંબંધની વાત હોય ત્યારે માફ કરી દેવાનું અથવા તો જતું કરી દેવાનું બહુ કહેવામાં આવે છે. આ વાત ખોટી નથી પણ તેનીયે એક લિમિટ હોય છે. જતું એનું કરી દેવાય જેનાથી ખરેખર ભૂલ થઇ હોય, માફ એને કરાય જે સુધરવા ઇચ્છતું હોય, જેને માફીથી કોઈ ફેર પડતો ન હોય, માફ કર્યા પછી પણ એ અગાઉ જેવાં જ કરતૂત કરવાનાં હોય તો બહેતર છે કે એને માફ જ ન કરવામાં આવે! આપણી માફી આપણી મૂર્ખામીમાં ન ખપવી જોઇએ. એક કપલની આ સાવ સાચી વાત છે. પત્ની ખૂબ જ સારા અને સંસ્કારી પરિવારની હતી. તેનો પતિ છેલબટાઉ હતો. એ છોકરીઓને ફસાવતો અને રંગરેલિયા મનાવતો. એક વખત પત્નીએ તેને રંગેહાથ પકડી લીધો. પતિએ માફી માંગી લીધી. હવે બીજી વખત આવું નહીં થાય એવું કહીને કરગર્યો પણ ખરો. પત્નીએ પહેલી ભૂલ સમજીને માફ કરી દીધો. થોડા દિવસ પછી પતિ હતો એવો ને એવો થઇ ગયો. ફરી પકડાયો, ફરી માફી માંગી. પત્નીને સમજાઈ ગયું કે, આ વ્યક્તિ કોઇ દિવસ સુધરવાની નથી. પતિ સાથે ડિવૉર્સ માટે તેણે પિતાને વાત કરી. પિતાને કહ્યું, તમારી પાસેથી હું જતું કરવાનું અને માફ કરી દેવાનું શીખી છું પણ પપ્પા માફ કરી કરીને કેટલી વાર કરું? પિતાએ કહ્યું, માફ એક જ વાર કરવાનું હોય. ખરેખર જો કોઈનાથી ભૂલ થઇ હોય તો એ બીજી વખત ભૂલ નહીં કરે, કોઈ વારંવાર એકની એક ભૂલ કરે એનો સીધો મતલબ એ છે કે, એ આપણને મૂરખ સમજે છે. એ તો દર વખતે કરે છે એમ જતું કરી દેશે. આપણે સોરી કહી દઈશું એટલે વાત પૂરી થઇ જશે. એક માળી હતો. તેણે કહ્યું કે, સંબંધ એક છોડ જેવો છે. એને જાળવવો પડે. એને પાણી પાવું પડે, ખાતર આપવું પડે, એને ખીલવા દેવું પડે. જોકે, કેટલાંક છોડનાં મૂળિયાંમાં જ સડો પેસી જાય છે. એ છોડને તમે પછી ગમે તે કરો તો પણ ઊગતા નથી. સંબંધોનું પણ એવું જ છે. સંબંધોનો સડો દેખાતો નથી પણ વર્તાતો હોય છે. કોઇ ડિસ્ટન્સ એકઝાટકે પેદા થતું નથી, દૂરિયાં ધીમે ધીમે વધે છે. કોઈ સાથે પેઇનફુલ્લી કનેક્ટેડ રહેવા કરતાં મુક્ત કરી દેવાના અને મુક્ત થઇ જવાનું! માણસે અમુક વખતે પોતાની પણ દયા ખાવી જોઇએ. આપણે ઘણાનાં મોઢે એવું સાંભળીએ છીએ કે, મારો કંઈ વાંક? આ સવાલ બીજાને પૂછવા કરતાં માણસે સૌથી પહેલાં પોતાની જાતને પૂછવો જોઇએ. હું જે સ્થિતિમાં મુકાયો છું કે મુકાઈ છું એમાં મારો તો કંઈ વાંક નથીને? માણસે સૌથી પહેલી ક્લીનચિટ પોતાની જાત પાસેથી મેળવવાની હોય છે. જ્યારે એવું નક્કી થઇ જાય કે જે થયું છે કે જે થઇ રહ્યું છે એમાં મારો કોઇ વાંક નથી તો પછી ફાઇનલ નિર્ણય કરવો પડે છે. સુખી થવા માટે ક્યારેક છેડો પણ ફાડવો પડે છે. એના માટે બધું કરી છૂટો જે તમારા માટે જીવે છે, તમારા સુખ અને સંવેદનાની જેને પરવા છે, જેને તમારું પેટમાં બળે છે, જેને કંઇ પડી જ નથી તેના માટે હેરાન થવું એ મૂર્ખામી અને બેવકૂફી છે. આપણે મૂરખ બનતા રહીએ તો લોકો આપણને મૂરખ બનાવતા જ રહેશે. દિલને જ્યારે એવું ફીલ થાય કે બસ, બહુ થયું ત્યારે સંબંધોના રસ્તે પણ ધ એન્ડનું બોર્ડ મારવું પડતું હોય છે!
છેલ્લો સીન :
કોઈના માટે એટલી બધી ગાંઠો ન બાંધી લો કે ગઠ્ઠો થઇ જાય! ગૂંગળામણ દર વખતે કોઈના કારણે જ થાય એ જરૂરી નથી, આપણે સર્જેલું વાતાવરણ પણ ઘણી વાર આપણી ગૂંગળામણનું કારણ હોય છે. ગૂંગળામણ અને ગભરામણથી મુક્તિ સહજ રહેવાથી જ પ્રાપ્ત થાય છે! – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 17 માર્ચ 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com