મેં જિંદગીમાં ક્યારેય
સુખ જોયું જ નહીં!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
થકના ભી લાઝમી થા કુછ કામ કરતે કરતે,
કુછ ઔર થક ગયા હૂં આરામ કરતે કરતે,
યે ઉમ્ર થી હી એસી જૈસી ગુજાર દી હૈ,
બદનામ હોતે હોતે બદનામ કરતે કરતે.
-જફર ઇકબાલ
જિંદગી વિશે એક વાત યુગોથી કહેવાતી આવી છે કે, જિંદગી સુખ દુ:ખનો સરવાળો છે. લાઇફમાં અપ્સ અને ડાઉન્સ આવતા જ રહે છે. જિંદગીનું મોસમ જેવું છે. મોસમ બદલતી રહે છે એમ જિંદગીમાં પણ પરિવર્તનો આવતા રહે છે. જિંદગીમાં આફતો પણ આવવાની જ છે. દુનિયામાં કોઇ માણસ એવો નહીં હોય જેણે ડાઉનફોલનો સામનો ન કર્યો હોય. તમે કોઇને પણ એવો સવાલ પૂછજો કે, તમે તમારી લાઇફમાં કેવા કેવા પડકારોનો સામનો કર્યો છે? એ વ્યક્તિ લાંબી કથા સંભળાવશે. કોઇ માણસ એવું નહીં કહે કે, મારી જિંદગીમાં કોઇ ચેલેન્જ આવી જ નથી. ઉલટું કેટલાંકની લાઇફમાં તો એવા એવા પડકારો આવ્યા હોય છે જેના વિશે સાંભળીને આપણને એમ થાય કે, જબરદસ્ત હિંમતવાળી વ્યક્તિ છે આ તો! આપણે એની જગ્યાએ હોઇએ તો તૂટી જ જઇએ! માણસ કેવો છે એ પોતાનું દુ:ખ પણ બીજા સાથે સરખાવે છે. કોઇને હેરાન, પરેશાન, દુ:ખી જોઇને કહે છે કે, એના કરતા તો આપણે ઘણા નસીબદાર છીએ, આપણી હાલત તો એના કરતા ક્યાંય સારી છે. દરેકની સ્થિતિ સારી જ હોય છે, આપણે એ સ્થિતિને કેવી રીતે મૂલવીએ છીએ એના પર આપણા સુખ અને દુ:ખનો આધાર રહેતો હોય છે. આપણે જિંદગીના ક્યા બનાવોને વાગોળતા રહીએ છીએ તેના પરથી આપણે જિંદગીને કેવી રીતે જોયે છીએ અને કેટલી સમજીએ છીએ એ નક્કી થતું હોય છે!
એક યુવતીની આ સાવ સાચી વાત છે. તેની પાસે જિંદગી સારી રીતે જીવી શકાય એટલું બધું જ હતું પણ તેને હંમેશાં ફરિયાદ જ રહેતી હતી. પોતાનાથી સુખી લોકોને જોઇને એ પોતાને દુ:ખી માની લેતી. કોઇની લકઝરી કારને જોઇને એ પોતાની કારને ઠોઠીયું કહેતી. એક વખત એ એક સાધુને મળી. તેણે સાધુને કહ્યું કે, મેં તો મારી જિંદગીમાં ક્યારેય સુખ જોયું જ નથી. સાધુએ કહ્યું, તારી વાત જ ખોટી છે, તારે એમ કહેવાની જરૂર છે કે, મેં ક્યારેય સુખને માણ્યું જ નથી, સુખને ગણકાર્યું જ નથી, મેં મારી પાસે છે એનાથી જ પ્રોબ્લેમ છે. જેને સુખ ફીલ કરવું હોયને એ તો ઠંડો પવન મહેસૂસ કરીને કરી શકે, પંખીનો કલરવ સાંભળીને ઝૂમી ઉઠે, ફૂલોની ખુશ્બૂ માણીને મહેકી ઉઠે, નાના બાળક સાથે રમીને તેની સાથે હસી શકે, મંદિરે જઇને ભગવાને સાજાનરવા રાખ્યા છે તેનો આભાર માની શકે, તું તો એવું કંઇ જ નથી કરતી. તારી પાસે સરસ મજાનું નાનું ઘર છે પણ તને એ નથી ગમતું કારણ કે તું બીજાના બંગલા જોઇને બળતી રહે છે. તારી નજર જ બીજા પર રહે છે એટલે તું તારા પર તો નજર રાખી જ નથી શકતી. તારો પ્રોબ્લેમ એ છે કે, તુ દુ:ખને એનલાર્જ કરીને જુએ છે અને સુખની સામે તો નજર જ નથી નાખતી!
ડિપ્રેશન અગાઉ પણ આવતા હતા, લોકો હતાશ અગાઉ પણ થતાં હતા પણ એના જે કારણો હતા એ જુદા હતા, હવે તો માણસ નાના નાના કારણોસર ડિપ્રેશનમાં સરી જાય છે. એક મનોચિકિત્સકે કહેલી આ વાત છે. એક ટીનએજ છોકરાને તેની પાસે ટ્રિટમેન્ટ માટે લાવવામાં આવ્યો હતો. તે ઉદાસ રહેવા લાગ્યો હતો કારણ કે, તેના મિત્ર કરતા તેને સોશિયલ મીડિયા પર ઓછી લાઇક મળતી હતી! બીજા એક કપલની વાત હતી. વાઇફ ડિસ્ટર્બ રહેતી હતી. તેનું કારણ એ હતું કે, તેનો હસબન્ડ તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલી રીલ્સ લાઇક કરતો નહોતો! એ છોકરીએ કહ્યું કે, મારો પતિ જ જો લાઇક ન કરતો હોય તો બીજા તો ક્યાંથી કરવાના છે? મારા હસબન્ડે તો મને એનકરેજ કરવી જોઇએ. પતિએ કહ્યું કે, રીલ્સ બનાવીને તું કંઇ એવું ગ્રેટ કામ નથી કરતી કે તને એનકરેજ કે એપ્રેસિએટ કરવાનું મન થાય, તું તો ગાંડા કાઢે છે! લોકો વાહિયાત વાતોમાં હતાશ થવા લાગ્યા છે. મનોચિકિત્સકે કહ્યું કે, જેમાં ખરેખર ડિપ્રેશ થઇ જવા જેવું હોય એમાં લોકોને કંઇ થતું નથી અને સાવ ક્ષુલ્લક વાતમાં માથે હાથ દઇને બેસી જાય છે! લોકોની સંવેદનાને લૂણો લાગી રહ્યો હોય એવું લાગે છે. હવે ગમે એવી કરૂણ ઘટનાને જોઇને લોકોની આંખના ખૂણા ભીના થતાં નથી. પોતાની નજીકની વ્યક્તિ સાથે કંઇ બન્યું હોય તો એને પણ લોકો જાણે રીલ્સ જોતા હોય એટલી સહજતાથી જોવા લાગ્યા છે. આવું જ ચાલ્યું તો લોકો સાંત્વના અને આશ્વાસન આપવાનું પણ ભૂલી જશે. આપણે હવે ઇમોજીથી સંતોષ માનવા લાગ્યા છે. ઇમોજીએ માણસ પાસેથી શબ્દો છીનવી લીધા છે. માણસ અગાઉ પોતાની વાત કહીને વ્યક્ત થઇ જતો હતો. કોઇને સારું લગાડવા માટે કે કોઇના પર ગુસ્સે થવા માટે પણ તેની પાસે શબ્દો હતા, હવે ખુશ હોય તો પણ ઇમોજી મોકલી દે છે અને નારાજ હોય તો પણ ઇમોજી હાજર જ છે. એક વખત એક યુવાનને તેના મિત્રએ કહ્યું કે, ઇમોજી મોકલતી વખતે તને જે ફિલિંગ થઇ એ લખીને બતાવ. એ લખી તો ન શક્યો, ઉલટું તેણે એવું કહ્યું કે, લખવાની શું જરૂર છે, ઇમોજી આપણા માટે જ તો બનાવ્યા છે. માણસ ઇમોજીથી ઇમોશન વ્યક્ત કરવા લાગ્યો છે અને રોબોટની જેમ જીવવા લાગ્યો છે. એકલતા માણસને કોરી ખાવા લાગી છે. માણસ ધીમે ધીમે પોતાને દુ:ખી સમજવા લાગ્યો છે. અગાઉના સમયમાં વડીલો અને સ્વજનો સંતોષની વાત કરતા હતા, જેટલું હોય એનો આનંદ માણવાનું શીખવતા હતા, હવે તો બધાને બધું જોઇએ છે અને બહુ ઝડપથી જોઇએ છે. મોબાઇલનું નવું મોડલ આવે એટલે એની પાસે સારી રીતે ચાલતો ફોન હોય તો પણ એને જૂનો, નકામો અને આઉટડેટેડ લાગવા માંડે છે. ચીજ વસ્તુઓ જૂની લાગે ત્યાં સુધી હજુયે વાંધો નથી, હવે તો લોકોન જૂના સંબંધો પણ ખપતા નથી. બધાને રિલેશનમાં પણ રિસ્ક લેવું છે. ટેમ્પરરી રિલેશન્સને સિચ્યુએશનશીપ જેવા નામ આપી દેવામાં આવે છે. હાથે કરીને કોઇ સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવે છે અને પછી એનો જ લાભ ઉઠાવવામાં આવે છે. આનંદ છીછરો થઇ ગયો છે અને ખુશી હલકી થઇ રહી છે, એના કારણે જ હતાશા આસાનીથી ત્રાટકવા લાગી છે. સ્ટાન્ડર્ડની જ જેને પરવા કે ખબર નથી એનું સ્ટાન્ડર્ડ ક્યાંથી ઊંચું રહેવાનું છે? માણસને પોતાનું ગૌરવ રહ્યું નથી અને સોશિયલ મીડિયા પર જેનો દબદબો છે એને ફોલો કરી રહ્યા છે. ફોલો કરવામાં કંઇ વાંધો નથી પણ આખરે તમને એમાંથી મળે છે શું? એક નવી ઘટના પણ હવે જોવા મળી રહી છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર સંતો, સેલિબ્રિટીઓ અને મોટિવશનરને ફોલો કરે છે. એની વાત ધ્યાનથી સાંભળે છે. લાઇક અને કમેન્ટ પણ કરે છે પણ પછી જે સાંભળ્યું હોય એમાંનું કંઇ જ કરતા નથી. એ સારું સાંભળીને જ સંતોષ માની લે છે. માણસ તો મોટીવેટ પણ ખોટી રીતે થઇ રહ્યો છે. કંઇક સારું સાંભળીને કે વાંચીને થોડી વાર તે ઉત્સાહિત અને પ્રોત્સાહિત થાય છે પણ થોડી જ ક્ષણોમાં એ હતા એના એ જ થઇ જાય છે. ઉલટું સેલિબ્રિટીઓને જોઇને એવું વિચારવા માંડે છે કે, આપણે તો કંઇ ન કરી શક્યા! આપણી તો જિંદગી જ નક્કામી છે. માણસ સૌથી પહેલા પોતાનું ગૌરવ ગુમાવે છે. તમને એવું થાય છે કે, તમે દુ:ખી છો? જો એવું થતું હોય તો સૌથી પહેલા એ ચેક કરો કે મને એવું કેમ લાગે છે? જે કારણો મળે એને દૂર કરો અને નક્કી કરો કે, મારે મારી જિંદગી મસ્ત રીતે જીવવી છે. હું ખુશ છું, મારા જેવું સુખી દુનિયામાં કોઇ નથી. તમે જો પોતાને સુખી અને ખુશ નહીં સમજો તો કોઇ તમને ખુશ કે સુખી કરી શકવાનું નથી! તમે માનો તો સુખી જ છો અને ન માનો તો તમને દુ:ખી થતા કોઇ રોકી શકવાનું નથી!
છેલ્લો સીન :
જિંદગી પાસેથી આપણે શું જોઇએ છે એ આપણને નક્કી કરવાનું હોય છે. જિંદગી પાસે આપણે જેવું માંગીએ એવું જ એ આપણને આપે છે. આપણે રોદણાં જ રડવા હોય તો એના બહાના પણ જિંદગી પૂરા પાડી દે છે. મજામાં રહેવું હોય તો એના કારણો પણ જિંદગી આપણને આપે જ છે. ચોઇસ આપણે કરવાની હોય છે! -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 10 માર્ચ 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com