રોમાન્સ ડિટોક્સ :
બ્રેકઅપના નામે બિઝનેસ!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
દુનિયા માણસના દરેક વર્તનમાં બિઝનેસ જ શોધે છે. બ્રેકઅપ થયું હોય તો
બળાપો ઠાલવવા અને ગુસ્સો કાઢવાના પણ ધંધા શરૂ થયા છે!
પંચિગ બેગને મુક્કા મારવાથી મળી મળીને કેટલી રાહત મળવાની છે?
———–
દુનિયા હવે એ કક્ષાએ પહોંચી ગઇ છે જ્યાં સબ કુછ બિકતા હૈ! તમે બહુ ખુશ છો? પ્રેમમાં પડ્યા છો? કોઇ ઘટના સેલિબ્રેટ કરવા માંગો છો? આવો, અમે તમને ઉજવણી માટે બધું જ તૈયાર કરી આપશું. તમે દુ:ખી છો? તમારું દિલ તૂટ્યું છે? કોઇએ દગો કર્યો છે? ફીકર નોટ, એના માટે પણ અમે તમારી સાથે છીએ. આવો અને તમારું પેઇન દૂર કરો! દેશ અને દુનિયામાં આજકાલ રોમાન્સ ડિટોક્સના નામે જબરજસ્ત બિઝનેસ શરૂ થયો છે. આખી દુનિયાએ ગઇ તારીખ 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી. પ્રેમમાં પડેલા અને પરણેલા કપલ્સે ડાન્સ અને ડિનર સાથે આ દિવસ સેલિબ્રેટ કર્યો. મજા તો એ લોકોએ કરી જેનું દિલ કોઇના માટે ધડકે છે. જેનું દિલ તૂટ્યું છે એનું શું? એના માટે તો આવા દિવસ વધુ પેઇનફૂલ બની જતા હોય છે. એવા લોકોનો વિચાર કરીને ધંધાદારી લોકોએ કહ્યું, આવો અને તમને છોડીને જે ચાલ્યો ગયો છે અથવા તો ચાલી ગઇ છે એના પર ગુસ્સો ઉતારીને હળવા થઇ જાવ! અમેરિકામાં તો આ વખતે રોમાન્સ ડિટોક્સ પેકેજની જબરદસ્ત બૂમ હતી! બ્રેકઅપ થીમ પર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પંચીગ બેગ રાખવામાં આવી હતી. આ પંચીગ બેગ પર જુદા થઇ ગયેલા પ્રેમીની તસવીર લગાવીને પંચ મારવાના અને ગાળો કાઢી ભડાશ કાઢવાની! સોશિયલ મીડિયા પર મૂકવા માટે રીલ્સ પણ બનાવી આપવાની વ્યવસ્થા હતી, જેથી જૂના પ્રેમીને એ મેસેજ જાય કે, તારા વગરેય હું મજામાં છું. તું ગયો કે તું ગઇ એનાથી મારા માથે કોઇ આભ તૂટી પડ્યું નથી! આવું બધું કરવાથી ખરેખર કેટલું પેઇન ઓછું થાય છે અને તેનાથી શું ફાયદો થાય છે એ સંશોધનનો વિષય છે. જો કે, આવું બધું કરાવીને રોકડી કરવાવાળા રોકડી કરી લે છે.
બ્રેકઅપ અને ડિવાર્સ હવે બહુ કોમન થતાં જાય છે. વાતવાતમાં પ્રેમીઓ કે દંપતી એક-બીજાને કહી દે છે કે, નથી રમતા, હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે! દેશ અને દુનિયામાં અત્યારે ગૂગલ પર હાઉ ટુ ડીલ વીથ બ્રેકઅપ મોટી સંખ્યામાં સર્ચ થઇ રહ્યું છે. પ્રેમ થતાં થઇ જાય છે પણ અનુભવે સમજાય છે કે, મારી પસંદગી ખોટી હતી. ઘણા કિસ્સામાં મોજમજા કરવા માટે જ સંબંધ બંધાયો હોય છે. એક વ્યક્તિ ખરેખર દિલથી પ્રેમ કરતી હોય પણ બીજી વ્યક્તિ માટે ટાઇમપાસ હોય ત્યારે જે વ્યક્તિ ખરેખર ઇમોશનલી એટેચ હોય એની હાલત કફોડી થઇ જાય છે. કેટલાંક કિસ્સામાં પ્રેમી અને પ્રેમિકા રિયલ સેન્સમાં એક-બીજાને પ્રેમ કરતા હોય છે પણ જ્ઞાતિ કે પરિવારના વિરોધના કારણે મેરેજ નથી કરી શકતા, આવા સંજોગોમાં બંને પક્ષે પેઇન સહન કરવાનો વારો આવે છે. વાસ્તવિકતા સમજતા હોઇએ છતાં પણ એ પ્રશ્ન તો હોય જ છે કે, આખરે જુદાઇનું પેઇન સહન કેવી રીતે કરવું? આમાંથી બહાર કેવી રીતે નીકળવું? દરેકની પોતાની રીત હોય છે. કોઇ રૂપિયા ખર્ચીને, ખીજ ઉતારીને તો કોઇ ચૂપચાપ પ્રેમના દર્દને સહન કરી લે છે.
બ્રેકઅપને ટેકલ કરવા માટે અનેક ટિપ્સ આપવામાં આવે છે. સૌથી પહેલી વાત તો એ કે, બ્રેકઅપના વિચારો કરવાનું ટાળો. ચાલ્યા ગયેલા વ્યક્તિના જેટલા વધુ વિચારો કરીએ એટલું પેઇન વધુ થવાનું છે. અલબત્ત, દિલ તૂટ્યું હોય ત્યારે એના એ જ વિચારો આવતા રહે છે. વિચારોને ડાયવર્ટ કરવા સહેલા નથી પણ પ્રયાસ કરવામાં આવે તો બહુ વાંધો નથી આવતો. તેના માટે સરળ રસ્તો એ છે કે, ગમતું હોય એવું કંઇક કરવું. વાંચો, લખો, મ્યુઝિક સાંભળો, ફરવા જાવ, મિત્રો સાથે રમત રમો, બીજું કંઇપણ કરો જે તમને તમારો ગમ ભૂલવામાં મદદ કરે. તેના માટે એ પણ જરૂરી છે કે, અંગત મિત્રો સાથે રહેવું. એવા મિત્ર જેની સાથે બધી વાત શેર કરી શકાતી હોય. ઘણા લોકો બધું મનમાં જ ભરી રાખે છે. અંદરને અંદર ધૂંધવાયા રાખે છે. નજીક હોય એને કહી દો અને હળવા થઇ જાવ. રડવાનું મન થતું હોય તો રડી લો. એક રસ્તો એવો પણ બતાવવામાં આવે છે કે, તમારી સાથે જે થયું છે અને તમને જે ફીલ થઇ રહ્યું છે એને ડાયરીમાં લખી નાખો. લખવાથી રિલેક્સ થઇ જવાય છે. કોઇને કહીએ તો એ વાત બીજાને કહી દે એવો ડર લાગે છે, લખવામાં કોઇને ખબર પડતી નથી અને હળવા થઇ જવાય છે. અલબત્ત, એ ડાયરી કોઇના હાથમાં ન આવી જાય એની તકેદારી રાખવી પડે. ઘણી વખત આવા લખાણો ભવિષ્યના સંબંધો માટે જોખમી સાબિત થતા હોય છે.
એક દેશી સમજ પણ કેળવવા જેવી છે. જે થતું હશે એ કંઇક સારા માટે થતું હશે. ઇશ્વરનો કોઇ સંકેત હશે. બીજી વાત એ પણ છે કે, જિંદગીમાં દરેક વખતે આપણે ઇચ્છીએ એવું જ થાય એવું જરૂરી નથી. જિંદગીમાં કેટલાંક પેઇન પણ લખેલા હોય છે. એ ભોગવવા પડતા હોય છે. એનો સમજદારીથી સામનો કરવો. એક વાત એ પણ મહત્ત્વની હોય છે કે, કોઇ એક વ્યક્તિના જવાથી જિંદગી ખતમ થઇ જતી નથી. કેટલાંક સંબંધો ટૂંકું આયુષ્ય લઇને જ આવતા હોય છે. કેટલાંક સંબંધ સપના જેવા હોય છે. ઊંઘ ઉડે અને સપનું પૂરું થઇ જાય છે. કોઇ સપનાની જેમ સંબંધ પણ પૂરો થઇ જાય છે.
દુનિયામાં એકલતા ખતરનાક રીતે વધતી જાય છે. એકલતા પૂરવા માટે ધંધાદારીઓ દુકાનો ખોલીને જ બેઠા છે. પૈસા ખર્ચીને પ્રયાસ ભલે કરવામાં આવતા હોય પણ છેલ્લે તો આપણા પેઇનમાંથી આપણે પોતે જ પાસ થવું પડતું હોય છે. જાતને સંભાળવી પડે છે. તૂટી જવાનો કોઇ મતલબ હોતો નથી. પેઇન તો થવાનું જ છે. સંબંધ જેમ જેમ આગળ વધે એમ એમ જિંદગીમાં સ્મરણો ઉમેરાતા હોય છે. કોઇની સાથે હસ્યા હોઇએ, કોઇની રાહ જોઇ હોય, કલાકો સુધી વાતો કરી હોય અને સાથે જિંદગી વિતાવવાના સપના પણ જોયા હોય એ વ્યક્તિનો સાથ અને હાથ છૂટે ત્યારે આકરું તો લાગવાનું જ છે. એવું થાય ત્યારે સમયને, નસીબને કે બીજા કોઇને દોષ દેવાનો પણ અર્થ રહેતો નથી. જિંદગી ચાલતી રહે છે. ચાલતી રહેવાની છે. કોઇ ઘટના છેલ્લી નથી હોતી. જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી સારું થવાની શક્યતાઓ રહેવાની જ છે. કોઇ ઘટનાથી હતાશ કે નાસીપાસ થવાની જરૂર હોતી નથી.
આ બધા વચ્ચે એક વાત પણ શીખવા અને કરવા જેવી છે. થોડોક પ્રેમ પોતાને પણ કરો. આપણે બીજાને પ્રેમ કરીએ છીએ, બીજા માટે ઘણું બધું કરીએ છીએ, પોતાના માટે કેટલું કરતા હોઇએ છીએ? માણસે પોતાને પણ પેમ્પર કરવા જોઇએ. એકાંત માણવાની મજા અનોખી છે. જાત સાથે સંવાદ સાધવાનો અને જરૂર પડ્યે જાતને ફોસલાવી પણ લેવાની. જિંદગી છે, ચાલ્યા રાખે. પોતાની જાતને જ એટલી તૈયાર રાખવી કે કંઇપણ બને તો પણ તૂટી ન જઇએ. જે પડકાર આવ્યો હોય એનો સ્વસ્થતાથી સામનો કરીએ. આપણી જિંદગી આપણા માટે છે. પોતાની જાતને પ્રેમ કરો. ક્યારેક દિલ તૂટવાનું છે અને ક્યારેક નજીકની વ્યક્તિથી જ દિલ દુભાવવાનું પણ છે. અઘરો સમય પણ આવતો હોય છે પણ એ વાત યાદ રાખવાની કે, એ સમય પણ ચાલ્યો જવાનો છે. જ્યાં સુધી એવો સમય છે ત્યાં સુધી ગમે એ રીતે ટકી રહેવાનું હોય છે!
હા, એવું છે!
પ્રેમ થાય ત્યારે શું થાય છે? કેવા અને કયા હોર્મોન ઝરે છે? દિલ અને દિમાગ પર કેવી અસર થાય છે? એ વિશે મેડિકલ સાયન્સે જાતજાતના સ્ટડી અને રિસર્ચ કર્યાં છે. આમ છતાં પ્રેમ વિશે હજુ ઘણા સવાલ એવા છે જેના કોઇ જવાબ મળ્યા નથી! સૌથી મોટો સવાલ તો એ જ છે કે, અચાનક કોઇ કેમ એટલું બધું ગમવા માંડે છે કે, એના માટે માણસ દુનિયા સામે બગાવત કરવાથી માંડીને જીવ આપવા પણ તૈયાર થઇ જાય છે?
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 28 ફેબ્રુઆરી 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com