આપણે આપણી ભાષાને કેટલો પ્રેમ કરીએ છીએ? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણે આપણી ભાષાને
કેટલો પ્રેમ કરીએ છીએ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. ગુજરાતી ભાષા મરવાની નથી પણ
ડચકાં ખાઈને જીવતી રહે એ કેટલું યોગ્ય છે?
ગુજરાતીને જીવતી અને ધબકતી રાખવા માટે આપણે કેટલા સક્રિય છીએ?


———–

હમણાંનો એક સાવ સાચો કિસ્સો છે. એક ગુજરાતી પરિવારમાં ભાષા વિશે વાત થતી હતી. અંગ્રેજી સ્કૂલમાં ભણતો નાનકડો દીકરો બધું સાંભળતો હતો. અચાનક જ તેણે સવાલ કર્યો, પપ્પા, ભાષા એટલે શું? પપ્પાએ જવાબ આપ્યો, લેન્ગવેજ! દીકરાએ કહ્યું, ઓ યસ લેન્ગવેજ! આ તો એક ઘરની વાત છે, આવું અથવા તો આના જેવું હવે વધુ ને વધુ ઘરોમાં બનવા લાગ્યું છે. સફેદ કહો તો બાળકને ખબર નથી પડતી, તેને વ્હાઇટ કહેવું પડે છે. પીળાને યલો કહો તો જ તેને ખબર પડે છે. મા-બાપ ગુજરાતીમાં ભણેલાં હોય તો સંતાનોને હજુયે ગુજરાતીનો થોડોક મહાવરો હોય છે, જેનાં માતા-પિતા જ અંગ્રેજી માધ્યમમાં ભણેલાં છે એને તો મોટા ભાગના ગુજરાતી શબ્દો સમજાતા નથી! અઠ્યોતેર કે નેવ્યાસી એટલે કેટલા એવું પૂછો તો તેને ફાંફાં પડી જાય છે. કરુણતા એ છે કે, પેરેન્ટ્સ એનું ગૌરવ લે છે. અમારાં દીકરા કે દીકરીને તો અંગ્રેજીમાં જ ખબર પડે છે, ગુજરાતી તો એને વાંચતા જ નથી આવડતું! આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે ત્યારે એક સવાલ પોતાની જાતને પૂછવાની જરૂર છે કે, હું ખરેખર મારી માતૃભાષાને કેટલો પ્રેમ કરું છું? ગુજરાતી હોવાનું ગૌરવ બધાને છે પણ ગુજરાતી ભાષાનું ગૌરવ કેટલાને છે? કહેવા ખાતર તો કહી દેશે કે, અમને બિલકુલ ગુજરાતી ભાષાનું ગૌરવ છે પણ લખવા, વાંચવા અને બોલવામાં સૌથી વધુ ઉપયોગ અંગ્રેજીનો જ કરતા હોય છે. અંગ્રેજી શીખવું જ જોઇએ, આજના સમયમાં અંગ્રેજી મસ્ટ છે, શરત એટલી કે, માતૃભાષા તો આવડવી જ જોઇએ. બે કે તેનાથી વધુ ભાષા આવડતી હોય એ તો સારી વાત છે પણ સૌથી મોખરે આપણી પોતાની ભાષા જ હોવી જોઇએ.
માતૃભાષા દિવસ બાંગ્લાદેશના યુવાનોએ પોતાની બાંગ્લા ભાષા માટે આપેલા બલિદાનની યાદ અપાવે છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા એ વખતે અત્યારનું બાંગ્લાદેશ પાકિસ્તાનના હિસ્સામાં ગયું હતું. પાકિસ્તાને ઉર્દુ ભાષાને સત્તાવાર ભાષા જાહેર કરી હતી. એ સમયે પૂર્વી પાકિસ્તાન તરીકે ઓળખાતા બાંગ્લાદેશમાં લોકો બંગાળી ભાષા જ બોલતા હતા. લોકોએ માત્ર ઉર્દુને સત્તાવાર ભાષા જાહેર કરવાની સામે આંદોલન કર્યું. તારીખ 21મી ફેબ્રુઆરી, 1952ના રોજ ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિશાળ રેલી કાઢી હતી. પાકિસ્તાનની પોલીસે વિદ્યાર્થીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. પાંચ યુવાનોનાં મોત થયાં હતાં અને અસંખ્ય ઘાયલ થયા હતા. બાંગ્લાદેશની વિનંતી બાદ આ ઘટનાની યાદમાં યુનેસ્કોએ તારીખ 17મી નવેમ્બર, 1999ના રોજ દર વર્ષે તારીખ 21મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી. આ દિવસ આમ તો ભાષા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે પણ તેના બદલે અનેક દેશમાં આ દિવસ પોતાની ભાષા બચાવવાનો પણ બની ગયો છે.
માતૃભાષા માટે ઘણા દેશોમાં ખૂબ જ નોંધપાત્ર કામ થયું છે. આપણા ગુજરાત કરતાં પણ ઓછી વસતી ધરાવતા 40 દેશોએ માતૃભાષા વિકસાવી છે. આ દેશોમાં નોર્વે, સ્વીડન અને ઇઝરાયેલનો સમાવેશ થાય છે. ઇઝરાયેલની સ્થાપના બાદ યહૂદીઓએ તો હિબ્રુ યુનિવર્સિટી સ્થાપીને ભાષાને ધબકતી કરી દીધી હતી. દુનિયામાં એકેય એવો યહૂદી નહીં મળે જેને પોતાની હિબ્રુ ભાષા લખતા, વાંચતા અને બોલતા ન આવડતી હોય. યહૂદીઓ ભેગા મળે ત્યારે હંમેશાં હિબ્રુ ભાષામાં જ વાત કરશે. ઇઝરાયેલની એક વાર્તા છે જેનો મર્મ સમજવા જેવો છે. બે સ્ત્રીઓ કૂવે પાણી ભરવા ગઇ હતી. બંને વચ્ચે કોઇ મુદ્દે ઝઘડો થયો. ઉશ્કેરાયેલી એક સ્ત્રીએ બીજી સ્ત્રીને એવો શાપ આપ્યો કે, જા તારું સંતાન તારી માતૃભાષા ભૂલી જાય! માતૃભાષાનો મહિમા કેટલો હશે એ આ વાર્તા પરથી સમજી શકાય છે.
માણસ પોતાની સંવેદનાઓ સૌથી સારી રીતે માતૃભાષામાં જ વ્યક્ત કરી શકે છે. આપણને ભલે ગમે એટલી ભાષા આવડતી હોય પણ સપનાં તો ગુજરાતીમાં જ આવે છે. એમ તો રમૂજમાં એવું પણ કહેવાતું આવ્યું છે કે, માણસ ગુસ્સે થાય ત્યારે પોતાની ભાષાની ગાળ જ મોઢામાં આવી જાય છે! ગુજરાતી ભાષામાં એટલી બધી કહેવતો, રૂઢિપ્રયોગો અને ખૂબીઓ છે જેટલી ભાગ્યે જ કોઈ ભાષામાં હશે. કહેવતો, ઉક્તિઓ અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ પણ હવે ઘટી ગયો છે. નવી પેઢીની માતાઓ હાલરડાં ભૂલી ગઈ છે. લગ્નગીતો ગવાય છે પણ હવે એ સિંગર્સ ગ્રૂપ જ ગાતાં હોય છે. ફટાણાં પણ હવે ભાગ્યે જ સાંભળવાં છે. મરશિયા પણ ગુજરાતી સાહિત્યનો જ એક હિસ્સો છે. મરશિયા ભલે ગવાતા ન હોય પણ એમાં જે હૈયાફાટ શબ્દો હતા એ સ્વજનના મોતથી ભારે થઇ ગયેલા વ્યક્તિને હળવા કરી દેતા હતા. હવે કોઈ રડે નહીં ત્યારે મનોચિકિત્સક પાસે લઇ જવામાં આવે છે. મરશિયામાં એ તાકાત રહી છે કે, ગમે એવો માણસ હોય, ગમે એવો આઘાત લાગ્યો હોય, એ ચોધાર આંસુએ રડી પડે. આપણી ભાષામાં દરેક પશુના બચ્ચા માટે પણ વિશેષ શબ્દ છે. કૂતરાના બચ્ચાને ગલૂડિયું કહેવાય એ બધાને ખબર છે, હાથીના બચ્ચાને મદનિયું, ગધેડાના બચ્ચાને ખોલકું, બકરાના બચ્ચાને ગીદલું, ગાયના બચ્ચાને વાછરડું કહેવાય છે, આવા તો બીજા અનેક શબ્દો છે. અંગ્રેજીને ઇન્ટરનેશનલ લેન્ગવેજ કહેવાય છે એમાં ના નહીં પણ અંગ્રેજી કરતાં અનેક ભાષાનું વૈવિધ્ય દાદ આપવી પડે એવું છે. અંગ્રેજીમાં પ્રેમ માટે એક જ શબ્દ છે, લવ. ગુજરાતીમાં પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, સખ્યભાવ. સંબંધ મુજબ પ્રેમ અને લાગણીના અલગ અલગ શબ્દો આપણી ભાષામાં છે. આપણી ભાષામાં કર્મ શબ્દ છે. કર્મ શબ્દનું અંગ્રેજી શું કરશો? વર્ક? એ તો કામ માટેના અંગ્રેજી શબ્દ છે.
ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગો ગુજરાતીમાં જ લખી હતી. આજે દુનિયાની અનેક ભાષામાં તેનું ભાષાંતર થયું છે. ગાંધીજીએ જો પોતાની આત્મકથા ગુજરાતીમાં ન લખી હોત તો તેઓ પોતાના ભાવ આટલી સુંદર રીતે રજૂ કરી શક્યા હોત ખરા? વિનોબા ભાવે પંદર ભાષા જાણતા હતા. તેમણે કહ્યું હતું કે, હું આટલી બધી ભાષા એટલા માટે શીખી શક્યો, કારણ કે મને મારી માતૃભાષા સારી રીતે આવડતી હતી. ગુજરાતી સાહિત્યની વાત હોય કે ગુજરાતી ફિલ્મ, સીરિયલ કે વેબ સીરિઝની વાત હોય, ગુજરાતીઓનો જે પ્રેમ તેમને મળવો જોઇએ એ મળતો નથી. હવે તો બહુ ઓછા લોકોને સ્પષ્ટ અને ભૂલો વગરનું ગુજરાતી લખતા આવડે છે. અંગ્રેજી લખતી વખતે સ્પેલિંગમાં એક અક્ષર ખોટો હશે તો ચલાવી નહીં લે પણ ગુજરાતીમાં વ્યાકરણની ઐસીતૈસી કરી નાખશે. હ્રસ્વવાળુંને સાતડો અને દીર્ઘવાળુંને એકડો કહેનારા લોકોની પણ કોઈ કમી નથી. હું સોચું છે, મેં એ મનમાંથી નીકાળી દીધું છે એવા શબ્દો કોઈના મોઢેથી સાંભળવા મળે ત્યારે હસવું કે રડવું એ નક્કી થઇ શકે નહીં. ઘણી ગુજરાતી માતાઓ પોતાના સંતાનને એવું કહે છે કે, આ લે મિલ્ક ડ્રિંક કરી લે! એક બાઇટ ઇટ કરી લે! અંગ્રેજી બોલવું હોય તો પૂરું બોલો અને સાચું બોલો, આપણાવાળા તો એમાં પણ લોચા વાળે છે. સરવાળે એ નથી રહેતા ગુજરાતીના કે નથી રહેતા અંગ્રેજીના! માતૃભાષાનો આદર કરવો, માતૃભાષાને પ્રેમ કરવો અને માતૃભાષાને જીવતી રાખવી એ સંસ્કૃતિ અને પરંપરાનો જ એક ભાગ છે. જે સમાજ પોતાની ભાષાથી દૂર જાય છે એ ધીમેધીમે સંસ્કૃતિ ગુમાવી દે છે!
હા, એવું છે!
દુનિયામાં એવી કેટલી ભાષા છે જે ધીમેધીમે ઘસાતી જાય છે? આ પ્રશ્નનો જવાબ ચોંકી જવાય એવો છે. દુનિયાની 7186 ભાષાઓમાંથી 43 ટકા ભાષાઓ લુપ્ત થઈ રહી છે. એક રિપોર્ટ એવું કહે છે કે, દર 40 દિવસે એક ભાષા મરી રહી છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *