પ્રેમ, લવ, ઇશ્ક, મહોબ્બત, પ્યાર
આશિકી… બે દિલની દાસ્તાન
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
પ્રેમમાં પડવું અઘરું નથી. પ્રેમ નિભાવવો સહેલો નથી. હવે સોસાયટીમાં અગાઉ કરતાં પ્રેમને વધુ સ્વીકૃતિ મળવા લાગી છે પણ સાચો પ્રેમ કરે છે કેટલા? પ્રેમમાં અપ-ડાઉન ભલે આવે પણ પ્રેમ સુકાઈ જવો ન જોઇએ!
———–
આજે વસંતપંચમી અને વેલેન્ટાઇન ડેનો અનોખો સંગમ છે. આમ તો પ્રેમ માટે કોઇ વિશેષ દિવસની જરૂર જ નથી હોતી, ચાર આંખો મળે અને દિલ ધડકવા લાગે છે એ જ પ્રેમનો અવસર હોય છે. કોણ ક્યારે અને કેવી રીતે મળી જાય એ નક્કી નથી હોતું, બસ, એમ જ કંઇક ક્લિક થઇ જતું હોય છે અને પ્રેમ થઇ જાય છે. એને જોઇએ ત્યારે જ એવું લાગે કે, આ જ એ વ્યક્તિ છે જેને હું ઝંખું છું. પ્રેમની કેમેસ્ટ્રી કઇ રીતે મેચ થઇ જાય છે એનું કોઇ સાયન્સ નથી. માણસ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે એક અલૌકિક જગતમાં જ વિહાર કરવા લાગે છે. અગાઉના સમયમાં પ્રેમનો ઇઝહાર કરવાનું કામ બહુ આકરું હતું. કહેવું કઇ રીતે કે, તું મને ગમે છે? બહુબધાં પ્લાનિંગ કરવાં પડતાં હતાં. એ પછી પણ મેળ પડે તો પડે, બાકી હરિ હરિ. માનો કે કોઇ પણ રીતે મેળ પડી ગયો, પ્રેમની કબૂલાત થઇ ગઇ, સામેથી હા પણ આવી ગઇ, એ પછી પણ મિલન તો મુશ્કેલ જ હતું. ક્યાં મળવું એ સૌથી મોટો સવાલ હતો. ઘરે ખબર પડી જાય તો આભ ફાટી જતું! ગલી-મહોલ્લામાં હો-દેકારો થઇ જતો હતો. હવેની વાત જુદી છે. આજના હાઇટેક જમાનામાં પ્રેમનો ઇઝહાર બહુ ઇઝી થઇ ગયો છે. મેસેજ કરીને વાતની શરૂઆત થાય છે અને પછી બાતોં બાતોં મેં પ્રેમ જાહેર કરી દેવાય છે. વેલેન્ટાઇન ડેની હવે કોઇ રાહ જોતું નથી. વિલ યુ બી માઇ વેલેન્ટાઇન એવું કોઇ કહેતું નથી, કારણ કે એ તો નક્કી જ હોય છે. હવે તો પ્રેમી-પ્રેમિકા કે પતિ પત્ની માટે સાથે મળીને ઊજવવાનો જ આ દિવસ બની ગયો છે.
વેલેન્ટાઇન ડે વિશે આમ તો પહેલેથી એવું કહેવાઇ રહ્યું છે કે, આ દિવસ માર્કેટિંગ ડ્રિવન ફેસ્ટિવલ છે. કાર્ડ, ગિફ્ટ, ડિનર અને બીજી ઘરાકી માટે આ દિવસ જેવું બહાનું ક્યાંથી મળવાનું છે? આપણે બધા ઉત્સવપ્રેમી લોકો છીએ. દેશી હોય કે વિદેશી, કોઇ પણ જાતના ભેદભાવ વગર આપણે તહેવારો અપનાવી લઇએ છીએ. વેલેન્ટાઇન ડે વિશે ઘણા લોકો એવું જ કહે છે કે, ભલેને આ દિવસના બહાને લોકો પોતાના પ્રેમને રિફ્રેશ કરી લેતા! એ બહાને થોડીક જૂની યાદો તાજી થઇ જાય છે, જિવાઈ ગયેલી થોડીક ક્ષણોનું રિ-રન થાય છે. બસ, આ તહેવાર બોજ ન બનવો જોઇએ.
લવમેરેજ પછી ઘણા કિસ્સામાં વેલેન્ટાઇન ડે નિભાવવા ખાતર નિભાવાતો હોય છે. ગિફ્ટ આપવાની અને ડિનર માટે જવાનું તો મસ્ટ બની જાય છે. ન કરી શકાય તો એવો ટોણો સાંભળવા મળે છે કે, પહેલાં તો બધું થતું હતું! વૅલ, આમ જુઓ તો એની પણ મજા છે. વાત ખોટી પણ નથી હોતી, પહેલાં બધું થતું હોય છે, પ્રેમિકાને અડધી રાતે આઇસક્રીમ ખાવાનું મન થયું હોય તો આકાશપાતાળ એક કરીને ઇચ્છા પૂરી કરવામાં આવે છે. પ્રેમ માણસમાં એક ઝનૂન લાવે છે. પોતાની વ્યક્તિ માટે ગમે તે કરી છૂટવાનું ઝનૂન. કંઈ પણ થાય, ભલે આખી દુનિયા દુશ્મન થઇ જાય, જે થવું હોય એ થાય પણ મને તું જોઇએ! ગમે એવો શાંત અને ઠંડો માણસ પ્રેમની વાત આવે ત્યારે બગાવત પર ઊતરી આવે છે. જે મા-બાપે મોટાં કર્યાં હોય એની સામે પણ બાંયો ચડાવી લેતા અચકાતા નથી. હવે તો મા-બાપ છોકરા કે છોકરીનું ઠેકાણું શોધતા પહેલાં સામેથી જ પૂછી લે છે, કંઈ છે નહીંને? હોય તો કહી દેજે, અમને કોઇ વાંધો નથી. એમાંયે જો મા-બાપે પોતે લવમેરેજ કર્યા હોય તો પછી સવાલ જ નથી. બંને અંદરોઅંદર જ કહે છે કે, આપણને પૂછવાનો કે વાંધો લેવાનો અધિકાર જ નથી, આપણે શું કર્યું હતું?
પ્રેમમાં પડવું બહુ સહેલું છે પણ પ્રેમ નિભાવવો બહુ અઘરો બનતો જાય છે. એકબીજાને આદર આપવો, એકબીજાનું સન્માન જાળવવું એ સૌથી વધુ જરૂરી બન્યું છે. પ્રેમમાં થોડાક સમયમાં જ સુકારો લાગવા માંડે છે. નાનકડી વાતે વાંધો પડે એટલે બ્રેકઅપ થઇ જાય છે. તું તારા રસ્તે અને હું મારા રસ્તે એમ કહી દેવું બહુ સહેલું છે. રસ્તો જ્યારે તારો કે મારો નહીં પણ આપણો હોય ત્યારે જ મંઝિલ તરફ પ્રયાણ કરી શકાય છે. હવે યંગસ્ટર્સ એકબીજાને પૂછતા હોય છે કે, તારે કેટલાં બ્રેકઅપ થયાં છે? ગણવા માટે આંગળીના વેઢાનો ઉપયોગ કરવો પડે છે! પ્રેમ હજુ પરવાન ચઢે એ પહેલાં તો બ્રેકઅપ થઇ જાય છે. આમ તો એમાં પણ કંઇ ખાસ ખોટું નથી. ન ફાવે તો ધરાર પ્રેમ કરવાનો કોઇ અર્થ નથી. સવાલ એ પણ છે કે, આખરે થોડા જ સમયમાં પ્રેમરસ ખૂટી કેમ જાય છે? પ્રેમમાં અપેક્ષા ન હોવી જોઇએ એવું કહેવાતું રહ્યું છે. જોકે, આ વાત તદ્દન ખોટી છે. પ્રેમમાં અપેક્ષાઓ તો રહેવાની જ છે. મારી વ્યક્તિ મારું ધ્યાન રાખે, મારી કૅર કરે, મને પેમ્પર કરે એવાં અરમાન દરેક વ્યક્તિનાં હોય છે. અપેક્ષા રાખવામાં કંઇ વાંધો હોતો નથી, અપેક્ષા એવી ન હોવી જોઇએ કે પોતાની વ્યક્તિ સંતોષી ન શકે. આજના સમયમાં બીજો સૌથી મોટો ઇશ્યૂ કમિટમેન્ટનો છે. વફાદારી અને જવાબદારી જો હોય તો પ્રેમમાં ઓટ આવતી નથી. સંબંધોનું પોત પાતળું ન પડી જાય એ માટે સ્નેહ ઘટ્ટ રાખવો પડતો હોય છે. ભૂલો થવાની, ઝઘડા થવાના, ગેરસમજ પણ થવાની જ છે, યાદ માત્ર એટલું રાખવાનું હોય છે કે, ગમે એવી છે પણ મારી વ્યક્તિ છે. કોઇ માણસ સંપૂર્ણ હોતો નથી, કોઇ માણસ પરફેક્ટ હોતો નથી, બે વ્યક્તિએ સાથે મળીને પ્રેમને પરફેક્ટ બનાવવાનો હોય છે. કંઇક મેળવવાનો ઘણી વખત એ આધાર બનતો હોય છે કે, તમે કેટલું જતું કરી શકો છો. બધાને મેળવવું બધું હોય છે પણ જતું કંઇ કરવું નથી. મારો કક્કો જ સાચો એવી જીદ કરતા પહેલાં એ ચેક કરવું પડે છે કે, ખરેખર મારો કક્કો સાચો છે કે નહીં? કક્કો સાચો પડાવીને પણ જો પ્રેમ સજીવન રહેવાનો ન હોય તો પણ તેનો કોઇ અર્થ સરવાનો નથી! એકબીજાને સમય આપો, એકબીજાની વાત સાંભળો અને સૌથી વધુ તો એકબીજાને ફીલ કરો. આપણે ઘણી વખત જે વ્યક્તિ આપણી સૌથી નજીક હોય એની સાથે જ ઝઘડતા હોઇએ છીએ અથવા તો તેને ઇગ્નોર કરતા હોઇએ છીએ. માત્ર એક વખત એવો વિચાર કરી જોવાનો કે એ વ્યક્તિ ન હોય તો? આપણને ઘણી વખત જે હોય છે એની કદર નથી હોતી. પોતાની વ્યક્તિ પર શ્રદ્ધા હોવી જોઇએ. અત્યારે થાય છે એવું કે, દરેકને એવી વ્યક્તિ જોઇએ છે જે એને પ્રેમ કરે, આવી અપેક્ષા રાખતા પહેલાં માત્ર એટલું વિચારવાનું હોય છે કે, હું જે ઇચ્છું છું એ આપું છું ખરા? પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવાની તૈયારી રાખો. છેલ્લે એક સૌથી મહત્ત્વની વાત, શંકા પ્રેમને નાશ કરનાર સૌથી મોટું તત્ત્વ છે. હવે તો પ્રેમીઓ એકબીજાના મોબાઇલ અને સોશિયલ મીડિયા પર પણ નજર રાખતાં થઇ ગયા છે. સવાલો કરે છે, કોની સાથે ચૅટિંગ ચાલે છે? એની પોસ્ટ કેમ લાઇક કરી? શંકાના પાયા પર પ્રેમની ઇમારત ટકતી નથી. પ્રેમ માત્ર વાતો કરવાથી કે દેખાડો કરવાથી વર્તાતો નથી, પ્રેમ તો અનુભવાતો હોય છે. પ્રેમની અનુભૂતિ ત્યારે જ થાય જ્યારે બંને બાકીની બધી બાબતો બાજુએ મૂકીને એકમેકમાં ઓતપ્રોત હોય! પ્રેમમાં છો, તો પ્રેમને માણો. પ્રેમને માણી જાણે એ જ સાચા પ્રેમીઓ હોય છે! હેપી વેલેન્ટાઇન ડે અને શુભ વસંતપંચમી!
હા, એવું છે!
લવ અને ક્રાઇમને બહુ નજીકનો નાતો રહ્યો છે! હત્યા, આપઘાત, અપહરણ સહિતના ગુનાઓ સૌથી વધુ પ્રેમ અને આડા સંબંધોના કારણે થાય છે! દિલ તૂટવાની અને દિલ તોડવાની ઘટનાઓ માણસને ગુનો કરવા તરફ ઢસડી જાય છે! પોતાની વ્યક્તિને પામવા માટે પ્રેમીઓ કોઈ પણ હદ સુધી જઇ શકે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 14 ફેબ્રુઆરી 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com