તમને પથારીમાં પડ્યા પછી
કેટલી વારમાં ઊંઘ આવે છે?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
અપૂરતી અને અધકચરી ઊંઘ એ આજના સમયની
સૌથી મોટી સમસ્યા છે. માણસ સવારે ઊઠે ત્યારે
રિલેક્સ ફીલ કરવાને બદલે થાકેલા હોય એવું અનુભવે છે!
સારી ઊંઘ સારા સ્વાસ્થ્યની નિશાની છે!
———–
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં એવું કહ્યું કે, મને ત્રીસ સેકન્ડમાં ઊંઘ આવી જાય છે! તમને કોઇ સવાલ કરે કે, પથારીમાં પડ્યા પછી તમને કેટલી વારમાં ઊંઘ આવે છે તો તમે શું જવાબ આપો? ઊંઘનું સુખ કે ઊંઘનું દુ:ખ એ દરેક માણસની વ્યક્તિગત બાબત છે. સારી ઊંઘ એ સારા સ્વાસ્થ્યની નિશાની છે. આમ તો એવું કહેવાતું રહે છે કે, રાતે સારી ઊંઘ આવે અને સવારે પેટ સાફ આવે એ માણસ નસીબદાર છે! ઊંઘને માણસની માનસિક અવસ્થા સાથે પણ ઘણું બધું લાગેવળગે છે. ક્યારેક કોઇ વાતે અપસેટ હોઇએ તો આસાનીથી ઊંઘ નથી આવતી. નિદ્રારાણી ક્યારેક એવી રિસાઇ જાય છે કે, આપણે પડખાં ઘસતાં રહીએ છીએ. ઊંઘ વિશે અનેક અભ્યાસો થયા છે છતાં ઊંઘ વિશે હજુ ઘણું એવું છે કે કોઇ છાતી ઠોકીને કંઈ કહી શકે એમ નથી. સર્વસામાન્ય જે વાત છે એ એવી છે કે, માણસે આઠ કલાક ઊંઘ લેવી જોઇએ. આ આઠ કલાકનો સમય પણ ફિક્સ રહેવો જોઇએ. મતલબ કે, સૂવાનો એક નક્કી ટાઇમ હોવો જોઇએ. ગમે ત્યારે સૂઓ એ ન ચાલે. દિવસના ચોવીસ કલાકમાં આઠ કલાક કામ, આઠ કલાક ઇતર પ્રવૃત્તિ અને આઠ કલાક ઊંઘ એ રીતે દિવસનો ભાગ પાડવો જોઇએ. આ વાત આમ તો નવી નથી, બધાને ખબર પણ છે, જોકે એ મેન્ટેન થતું નથી એ પણ હકીકત છે. કોઇ વિરલો કે વિરલી જ તેને કાયમ માટે ફોલો કરી શકે છે. રોજેરોજ કંઇક ને કંઇક એવું થાય છે કે, ઊંઘ ડિસ્ટર્બ થઇ જાય છે.
હમણાંનો એક અભ્યાસ એવું કહે છે કે, બે કલાકની ઓછી ઊંઘ માણસની કાર્યક્ષમતામાં ચાલીસ ટકાનો ઘટાડો કરી નાખે છે. ઊંઘ શરીરમાંથી થાક અને તણાવ દૂર કરે છે. પૂરતી ઊંઘ ન થાય તો માણસ ચીડિયો થઇ જાય છે. સવાલ એ પણ છે કે, ઊંઘ ઓછી કેમ થાય છે? એક તો ઊંઘવાનો પૂરો સમય નથી મળતો? બીજું સમય હોય તો પણ ક્યારેક ઊંઘ નથી આવતી. ઊંઘ વિશે એવું પણ કહેવાય છે કે, ઊંઘ માણસના કંટ્રોલમાં હોવી જોઇએ. માણસને જ્યારે સૂવું હોય ત્યારે એ સૂઇ શકવો જોઇએ. સૂઇ નથી શકતો એનાં ઘણાં કારણો છે. સૌથી મોટું કારણ છે, વિચારો. મોટા ભાગના લોકો રાતે સૂતી વખતે પોતાને જે વાતનું ટેન્શન હોય એના વિચારો કરે છે. ઉપાધિ થાય એવા વિચારો કરતાં કરતાં ઊંઘ આવી જાય તો પણ ઊંઘમાં ઉચાટ જ વર્તાવાનો છે. સપનાં પણ એવાં જ આવવાનાં છે, જે આપણા સબકોન્સિયસ માઇન્ડમાં ચાલતું હોય. બે ઘડી વિચાર કરજો કે રાતે સૂતી વખતે તમે કેવા વિચાર કરો છો? ચિંતા કરવા માટે આખો દિવસ છે. રાતે સૂતી વખતે સારા વિચાર કરો. ભગવાનનો આભાર માનો. જે છે એનો સંતોષ ફીલ કરો. આપણે બધા ગૂડ નાઇટ અને સ્વીટ ડ્રિમ્સ કહીએ છીએ પણ નાઇટ બેડ હોય છે અને ડ્રિમ્સ ડરામણાં હોય છે.
ઊંઘ અને લાઇફસ્ટાઇલને સીધો સંબંધ છે. જો રાતે ઊંઘ ન આવતી હોય તો તમારા દિવસ પર નજર કરો. માણસની ઊંઘ હરામ કરવામાં સૌથી મોટો જો કોઇનો ફાળો હોય તો એ મોબાઇલ છે. દરેક વ્યક્તિનો સ્ક્રીન ટાઇમ સતત વધી રહ્યો છે. રાતે સૂતી વખતે પણ માણસ મોબાઇલ મૂકતો નથી. સૂતા પહેલાં મોટા ભાગનો લોકો છેલ્લું કામ મોબાઇલ જોવાનું કરે છે. ટીવી પર વેબસીરિઝ કે મોબાઇલમાં રીલ્સ જોયા રાખે છે. તેનાથી આંખ અને મગજને સ્ટ્રેસ પહોંચે છે. બેડરૂમમાં ટીવી રાખવાની તો ના જ પાડવામાં આવે છે. હવે મોબાઇલ ટીવીની ગરજ સારવા લાગ્યું છે. સારી ઊંઘ માટે રાતના સમયે મોબાઇલથી બને એટલા દૂર રહો. ઊંઘ ખરાબ થઇ છે એટલે ઊઠવાનું પણ બગડી ગયું છે. મોટા ભાગના લોકો એલાર્મ સિવાય ઊઠી શકતા નથી. સાચી ઊંઘ એ છે જે સહજતાથી પૂરી થાય. એક અભ્યાસ એવું કહે છે કે, માત્ર 25 ટકા લોકો ઊંઘ ઊડે ત્યારે રિલેક્સ હોય છે. બાકીના લોકોની ઊંઘ ફફડાટ સાથે પૂરી થાય છે. ઊઠતાંવેંત જ નેગેટિવ વિચારો આવવા લાગે છે. એવા લોકોની પણ કમી નથી જેને સવારે ઊઠ્યા પછી પહેલો વિચાર એ આવે છે કે, રાતે સમયસર સૂઇ ગયા હોત તો સારું હતું!
જિંદગી સારી રીતે જીવવા માટે ભોજન, પાણી અને હવા જેટલાં જરૂરી છે એટલી જ જરૂરી ઊંઘ છે. ગુનેગારોને કબૂલાત કરાવવા માટે જે પદ્ધતિઓ છે તેમાં એક અને અસરકારક પદ્ધતિ ગુનેગારને સૂવા ન દેવાની છે. માણસને ઊંઘવું હોય અને એને ઊંઘવા ન મળે ત્યારે એ ગાંડા જેવો થઇ જાય છે. જે કહો એ માનવા લાગે છે. 1997માં ઊંઘના મુદ્દે એક નોંધપાત્ર ઘટના બની હતી. ઊંઘ્યા વગર માણસ કેટલું રહી શકે એ વિશે એક સ્પર્ધા રાખવામાં આવી હતી. તેની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં કરવામાં આવી હતી. એક માણસે 18 દિવસ 21 કલાક અને 40 મિનિટ સુધી ન ઊંઘવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. જોકે, બાદમાં એની હેલ્થ ઉપર એવી ખરાબ અસર થઇ કે, ગિનીસ બુકે આ રેકોર્ડની કેટેગરી જ બંધ કરી દીધી. એને સમજાયું કે, આવા ધંધા કરવા જેવા નથી. સૂતા વગર માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. માણસના શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન હોય છે જે સૂવાની અને ઊઠવાની પેટર્ન નક્કી કરે છે. બોડીક્લૉક આપણા શરીરની આદતોથી જ નક્કી થાય છે. ઘણા લોકો બેડરૂમમાં ઓફિસવર્ક કે બીજાં કામો કરે છે. નિષ્ણાતો એવું કરવાની પણ ના પાડે છે. બેડરૂમને સૂવા પૂરતો જ મર્યાદિત રાખો.
ઊંઘ ન આવવાનું બીજું એક કારણ રાતની ફૂડ હેબિટ છે. લોકો દિવસે ઓછું અને રાતે વધારે ખાય છે. આપણા ખાવામાં ફાસ્ટ ફૂડનું ચલણ વધી ગયું છે. એક તો મોટા ભાગના લોકો ઓવરઇટિંગ કરે છે, ન ખાવાનું ખાય છે, તેના કારણે પેટ અપસેટ રહે છે. ડ્રિંક કરવાની આદત ધરાવતા લોકો એવું માનતા હોય છે કે, પીવાથી સારી ઊંઘ આવી જાય છે. નશાના કારણે ઊંઘ આવી જાય પણ એ ઊંઘની ક્વોલિટી સારી નથી હોતી. રાતના સમયે ખાવા-પીવામાં જે લોકો ધ્યાન નથી રાખતા એની ઊંઘ અને હેલ્થ બગડવાનો ખતરો સૌથી વધુ હોય છે. અનિદ્રા અને ઊંઘ રિલેટેડ બીમારીઓ વળી જુદી જ વાત છે. એના માટે સારવાર છે. સાજાનરવા લોકોની ઊંઘ એ વ્યક્તિગત કારણોને આધીન હોય છે. દરેકે પોતે પોતાનાં કારણો શોધવાનાં હોય છે. બધાનાં કારણો એક ન હોઈ શકે. મોબાઇલ, ફૂડ હેબિટ, સ્ક્રીન ટાઇમ જેવાં કારણો મોટા ભાગના લોકોને અસર કરે છે, એ સિવાયનાં બીજાં ઘણાં કારણો પણ છે. રાતે મનને હળવું રાખો, કોઇ બોજ લઇને ન સૂઓ. કપલ્સ માટે એવી સલાહ આપવામાં આવે છે કે, રાતે કોઇ ઝઘડો, વિવાદ, દલીલ કે ઉશ્કેરાટ ન થાય એની કાળજી રાખો. બધી જ દુન્યવી ચિંતાઓને બહાર મૂકીને જ બેડરૂમમાં પ્રવેશો. આપણે કરીએ છીએ ઊંધું, બેડરૂમમાં જઇને જે વિચારો અને માથાકૂટો કરવાનું શરૂ કરીએ છીએ. તમે જો સરખી ઊંઘ કરતા નથી અથવા તો તમને જો સરખી ઊંઘ આવતી નથી તો તમે તમારા સ્વાસ્થ્ય સાથે જ ચેડાં કરી રહ્યા છો. સારી ઊંઘ એ દરેકે પોતાની જાત સાથે નિભાવવાની જવાબદારી છે. ચેક કરતા રહેજો, તમે પૂરતી ઊંઘ તો લો છોને? ન લેતા હોય તો આજથી જ શરૂ કરી દો. સારું અને લાંબું જીવવું હોય તો સારી અને પૂરતી ઊંઘ લો. આ એવી બાબત છે જે આપણે જ કરવી પડે, એ આપણા હાથમાં પણ છે. બસ, આપણી દાનત હોવી જોઇએ!
હા, એવું છે!
ઊંઘ વિશે એક નિષ્ણાતે બહુ સરસ વાત કરી છે. સારી ઊંઘ એ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. ઊંઘ સારી થઇ હશે તો એ તમને આખો દિવસ વળતર આપશે. ઊંઘ જો સારી નહીં હોય તો તમે ખોટમાં રહેશો. કહેવાનો મતલબ એ છે કે, સારી ઊંઘ માણસને સારું કામ કરવાની શક્તિ પ્રદાન કરે છે. ઊંઘ પૂરી ન થઇ હોય તો કામમાં લોચા પડવાની શક્યતાઓ વધી જાય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 07 ફેબ્રુઆરી 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com