ક્યારેક લાગે છે કે હું મારા સપનાની જિંદગી જીવું છું! -ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ક્યારેક લાગે છે કે હું મારા
સપનાની જિંદગી જીવું છું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


જિના મુશ્કિલ હૈ કિ આસાન જરા દેખ તો લો,
લોગ લગતે હૈં પરેશાન જરા દેખ તો લો,
ઇન ચરાગોં કે તલે એસે અંધેરે ક્યું હૈ,
તુમ ભી રહ જાઓગે હેરાન જરા દેખ તો લો.
-જાવેદ અખ્તર



જિંદગીને વખાણો કે વખોડો, જિંદગી જેવી છે એવી જ રહેવાની છે. જિંદગી આખરે કેવી છે? એનો સીધો અને સટ જવાબ છે, આપણે માનીએ એવી! જિંદગી પ્રત્યેનો આપણો નજરિયો કેવો છે એના પર આપણી જિંદગી કેવી છે એનો આધાર રહે છે. ઘણા લોકોને પોતાની સામે જ ફરિયાદો હોય છે. મારાં નસીબ જ ખરાબ છે, મારી લાઇફમાં સુખ લખ્યું જ નથી, મને બધા હેરાન જ કરે છે, મારા ભાગે ઢસરડા જ આવ્યા છે, મારી સાથે ક્યારેય કંઇ સારું થતું જ નથી! આવા જ વિચારો આવ્યે રાખે તો પછી સુખ કે શાંતિ ક્યાંથી ફીલ થવાનાં છે? બે ઘડી શાંતિથી વિચાર કરો, તમારી જિંદગીમાં સૌથી સારું શું બન્યું છે? કંઇક તો એવું હશે જ જ્યારે તમને પોતાને એવું થયું હશે કે હું ખૂબ નસીબદાર છું. બધા માણસો નસીબદાર હોય છે, પ્રોબ્લેમ એ છે કે બહુ ઓછા લોકો પોતાને નસીબદાર માને છે. સારું બન્યું હોય એને આપણે નજરઅંદાજ કરતા હોઇએ છીએ અને ખરાબ બન્યું હોય એને વાગોળતા રહીએ છીએ. એક છોકરી અને છોકરાની આ વાત છે. બંને વચ્ચે ખૂબ જ સારી દોસ્તી હતી. ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં પલટાઇ ગઇ. બંને એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખતાં હતાં. મેરેજની વાત આવી ત્યારે બંનેના પરિવારે ના પાડી દીધી. આખરે બંનેએ જુદાં પડવાનું નક્કી કરવું પડ્યું. બંનેને ખૂબ પીડા થઈ પણ બીજો કોઇ રસ્તો જ નહોતો. છોકરીની ફ્રેન્ડે તેને કહ્યું કે, તું કમનસીબ છે કે એની સાથે મેરેજ ન કરી શકી. છોકરીએ કહ્યું, ના, એવું નથી, હું લકી છું કે એ મારી લાઇફમાં આવ્યો હતો. અમે જેટલો સમય રહ્યાં એટલો સમય બહુ જ સારી રીતે રહ્યાં છીએ. જુદાં પડવાની વેદના થાય છે પણ જો એ નસીબ હોય તો એ મળ્યો એ પણ નસીબ જ હતાંને? એની સાથે રહીને હું વધુ સારી બની છું. એની સાથેની ક્ષણો ભરપૂર જીવી છું. હું એની સાથેનો સારો સમય જ યાદ રાખવા ઇચ્છું છું. કુદરતે એની સાથે એટલો સમય પણ ન આપ્યો હોત તો? જે આપ્યું છે એ ઘણું હતું, જે નથી આપ્યું એને શા માટે યાદ રાખું? જિંદગીને દૂરબીનથી જોવી જોઈએ પણ એમાંયે પૂરતું ધ્યાન રાખવું પડે કે, દૂરબીન સીધું હોય, જો ઊંધું થઇ જાય તો જે પાસે હોય એ પણ દૂર દેખાય છે.
જિંદગીને પૂરેપૂરી જીવવી એ જ જીવનનો સાચો મંત્ર છે. એક કપલની આ સાવ સાચી વાત છે. બંને પ્રેમથી રહેતાં હતાં. સરસ જિંદગી જીવતાં હતાં. એક સમયે ખબર પડી કે, પત્નીને ગંભીર બીમારી છે. ડૉક્ટરોએ કહ્યું કે, હવે તેની પાસે થોડાંક જ વર્ષો છે. મેક્સિમમ ત્રણ કે ચાર વર્ષ. પતિએ નક્કી કર્યું કે, હવે હું તેના માટે જ જીવીશ. પોતાનો બધો સમય પત્ની સાથે જ રહેતો. જ્યાં સુધી સાથ છે ત્યાં સુધી જીવી લેવું છે એવું નક્કી કરીને એ રહેતો હતો. છએક મહિના થયા. અચાનક એક દિવસ પતિનો એક્સિડન્ટ થયો. એ પથારીવશ હતો. ડૉક્ટરે કહી દીધું કે, હવે એ થોડા દિવસનો મહેમાન છે. પતિને પણ અંદાજ આવી ગયો હતો કે, હવે હું લાંબું ખેંચી શકું એમ નથી. તેણે પત્નીનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યું, મને તો એમ હતું કે, હું તારા માટે જીવી રહ્યો છું, તારું ધ્યાન રાખવામાં અને તને પ્રેમ કરવામાં જ સમય વિતાવતો હતો. કેવું છે, હું માનતો હતો કે હું જે કંઇ કરું છું એ તારા માટે કરું છું, હવે લાગે છે કે મેં જે કંઇ કર્યું એ મારા માટે જ કરતો હતો! મને સંતોષ છે કે, તારી સાથે પ્રેમથી રહ્યો. આપણે આપણી વ્યક્તિ માટે કંઈક કરતા હોઇએ ત્યારે એ આપણા માટે પણ હોય છે એ મને હવે સમજાય છે!
જિંદગી સ્ક્રેચ કાર્ડ જેવી છે. સ્ક્રેચ કાર્ડ ઘસતી વખતે ખબર નથી હોતી કે, અંદરથી શું નીકળવાનું છે. જિંદગી પણ રોજેરોજ આપણી સામે સ્ક્રેચ કાર્ડ લઇને આવે છે. કઇ ઘટના શું લઇને આવે એ નક્કી નથી હોતું. જે આવે એ સ્વીકારવું એ જ જિંદગી પ્રત્યેનો સારો અને સાચો અભિગમ છે. એક વાત યાદ રાખવા જેવી હોય છે કે, બધું સારું નથી જ થવાનું, તેની સાથે બીજી પણ એક વાત ભૂલવા જેવી નથી કે, બધું ખરાબ પણ નથી જ થવાનું! જિંદગીમાં અમુક પળો એવી આવે જ છે જ્યારે આપણને એમ થાય છે કે, હું મારી સપનાની જિંદગી જીવું છું. આપણે જિંદગી વિશે જે કલ્પનાઓ કરી હોય છે એનાથી સારું અને વધુ જ જિંદગીએ આપણને આપ્યું હોય છે. મોટા ભાગના લોકોનાં મોઢે એક વાત સાંભળવા મળતી હોય છે કે, મેં તો ક્યારેય વિચાર્યું જ નહોતું કે, મારી જિંદગીમાં આવું થશે. ક્યારેક કોઇ ઘટના ચમત્કાર જેવી હોય છે. એક યુવાનની આ વાત છે. એ બેકાર હતો. એજ્યુકેટેડ હતો પણ ક્યાંય કામ નહોતું મળતું. રોજ મનને મનાવીને જીવતો હતો. આખો દિવસ નવરો બેસી રહેતો. એક દિવસ બેઠો હતો ત્યાં જ એક કંપનીમાંથી ફોન આવ્યો. તેને કહેવામાં આવ્યું કે, તમે જે જોબ માટે એપ્લાય કર્યું હતું એના માટે તમારી પસંદગી કરવામાં આવી છે. તમે વહેલીતકે હાજર થઇ જાવ. એ તરત જ કામ પર હાજર થઇ ગયો. સારો પગાર હતો. કામ પણ ગમે એવું હતું. તેના સારા કામથી થોડા જ સમયમાં કંપનીમાં પ્રમોશન મળ્યું. રહેવા માટે ફ્લેટ અને કાર પણ આપવામાં આવી. એ યુવાને કહ્યું કે, ક્યારેક માન્યામાં નથી આવતું કે મને આટલું બધું મળ્યું છે. બધા સાથે ક્યારેક આવું થયું જ હોય છે પણ મળે એ પછી આપણે એને સામાન્ય ગણવા લાગીએ છીએ. કામ મળ્યું હોય ત્યારે રાજીના રેડ થઇ જઇએ છીએ અને પછી એ જ કામને વખોડવા લાગીએ છીએ. ફરિયાદો શરૂ થાય છે, આવું કામ થોડું હોય, નવરાશ જ મળતી નથી. એક યુવાને તેના મિત્રને કહ્યું કે, એટલા બિઝી રહેવાય છે કે વાત જવા દે! તેના મિત્રે કહ્યું કે, સાવ નવરો હતો ત્યારે તું આવું જ તો ઝંખતો હતો! મળી ગયું એટલે હવે તને એમાં ઇશ્યૂ દેખાવા લાગ્યા છે! આપણે બધા જ એવું કરતા હોઇએ છીએ. ઇચ્છીએ એ મળી જાય પછી એને એન્જોય કરવાને બદલે વખોડીએ છીએ! આપણી જિંદગી પર સૌથી મોટો અને સૌથી પહેલો અધિકાર આપણો પોતાનો હોય છે. એના માટે જરૂરી એ છે કે, જિંદગીનો કમાન્ડ આપણા હાથમાં હોય. જિંદગીમાં એવું ઘણી વખત બનવાનું છે કે, જિંદગી હાથમાંથી સરકી જવા લાગે, એવા સમયે જિંદગીને સરકવા ન દેવી એ જ જિંદગી જીવવાની કળા છે. સારું છે એને માણતા અને નઠારું છે એને દૂર હડસેલતા શીખવું પડે છે. જ્યાં સુધી આવડે નહીં ત્યાં સુધી જ બધું અઘરું લાગતું હોય છે. આવડી જાય પછી વાંધો આવતો નથી. આપણને જિંદગી જીવતા આવડે છે? આપણા વહાણ માટે આપણે જ દીવાદાંડી બનવું પડતું હોય છે. પડકારો અને સંકટો તો આવવાનાં જ છે. કોની જિંદગી એવી છે જે સાવ સીધી લીટીમાં ચાલી હોય? હાથની રેખાને ધ્યાનથી જોજો, એકેય રેખા સાવ સીધી નહીં હોય! જિંદગીનું પણ એવું જ છે. ક્યારેક ચડાવ તો ક્યારેક ઉતાર થવાનો જ છે. જે છે એને જે એન્જોય કરી જાણે છે એ જ જિંદગી જીવી જાણે છે!
છેલ્લો સીન :
જિંદગી સવાલો, ફરિયાદો કે અફસોસ માટે નથી, જિંદગી જવાબો, અહેસાસ અને અનુભૂતિ માટે છે. આપણે ક્યારેય આપણને ફીલ કરીએ છીએ? આપણી જાતને મજામાં રહેવાનું પ્રોમિસ આપીએ છીએ? બીજા માટે કરીએ છીએ એવું આપણા માટે કેટલું કરીએ છીએ? થોડુંક વિચારી જોજો! – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *