ચહેરાના ભાવ પરથી માણસ
માણસને જજ કરતો હોય છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
માણસ જાણીતા લોકોને તો નિયમિત મળતો હોય છે. અજાણી વ્યક્તિ જ્યારે પહેલી વખત આપણને મળતી હોય ત્યારે એ આપણા ચહેરાના ભાવ જોઇને આપણી સાથે સારું કે નરસું વર્તન કરે છે. કરુણતા એ વાતની છે કે, લોકો હવે નાટક કરીને ચહેરાના ભાવ બદલતા રહે છે!
———–
માણસના ચહેરા દિવસે ને દિવસે વધુ ને વધુ તંગ થઇ રહ્યા છે. દરેકના ચહેરા પર એક અજાણ્યો ઉચાટ અને ઉત્પાત જોવા મળે છે. હસતા ચહેરા ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યા છે. કોઇ અજાણ્યા સામે હસીએ તો એને સવાલ થાય છે કે, આણે મને સ્માઇલ કેમ આપ્યું હશે? બાળકના ચહેરાને નીરખીને જોજો, સહજતા અને નિર્દોષતા તેમના ચહેરા પર ઝળકતી હશે. માણસ જેમ જેમ મોટો થતો જાય છે એમ એમ ભારે થતો જાય છે. હવે તો બાળકો પણ થોડાંક મોટાં થાય કે તેના ચહેરા પર અકળામણ દેખાવા લાગે છે. આપણે દરરોજ અરીસામાં જોઇએ છીએ પણ ક્યારેય આપણા ચહેરાને ધ્યાનથી માર્ક કરીએ છીએ ખરા? મારા ચહેરા પર હળવાશ તો છેને? ચહેરાની માસૂમિયત મુરઝાઇ તો નથી ગઇને? ચહેરો આપણી માનસિકતાની ચાડી ખાઇ જાય છે. જેવું આપણી અંદર ચાલતું હોય એવું જ ચહેરા પર વર્તાતું હોય છે. ચહેરો માણસની પ્રકૃતિનું આઇડેન્ટિટી કાર્ડ છે એવું કહીએ તો પણ વધુ પડતું નથી. જેનું મન શાંત હશે એનો ચહેરો સૌમ્ય જ હશે. જેના ચહેરા પર હાસ્ય હશે એનો માંહ્યલો પણ મજામાં જ હશે.
ચહેરાના ભાવ પર હમણાં એક રસપ્રદ સંશોધન થયું છે. જર્મનીની રેગેન્સબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રિયાસ મુહલબર્ગરે હમણાં દુનિયાની 68 યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સના ફેસિયલ બિહેવિયર પર સંશોધન કર્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક મૉડેલ તૈયાર કરીને કરાયેલા રિસર્ચમાં એવું બહાર આવ્યું હતું કે, લોકો સામેની વ્યક્તિને એના ચહેરાના એક્સપ્રેશન પરથી જજ કરે છે. માણસ પહેલાં ચહેરાના ભાવ જુએ છે અને પછી નક્કી કરે છે કે, આની સાથે વાત કરવી કે નહીં? કરવી તો કેવી રીતે કરવી? માત્ર વર્તન જ નહીં, શબ્દોની પસંદગી પણ સામેની વ્યક્તિને જોઇને કરે છે. એક રીતે કહીએ તો માણસ ચહેરાના ભાવના આધારે તેને માપે છે. આમ તો આપણે બધા જ જાણે-અજાણે આવું કરતા હોઇએ છીએ. ચહેરા પરથી જ એ ખ્યાલ આવી જાય છે કે, ભાઈનો કે બહેનનો મૂડ કેવો છે? આપણે જે વાત કરવી છે એ વાત કરવાનો અત્યારે રાઇટ ટાઇમ છે કે નહીં? આપણે ઘરમાં મા-બાપ કે વડીલ સાથે પણ વાત કરતા પહેલાં એ વિચારીએ છીએ કે, આમને અત્યારે છંછેડવાં જેવાં છે કે નહીં? કામની વાત કરતા પહેલાં થોડીક આડીઅવળી વાતો કરીને પણ એ ચેક કરી જોશે કે એમના હાવભાવમાં કેવુંક પરિવર્તન આવે છે? ઘણા સાથે વાત કરતાં પહેલાં ભૂમિકા બાંધવી પડે છે. વાત છેડ્યા પછી એવું લાગે કે, મેળ નહીં પડે તો માણસ જે વાત કહેવી હોય એ કહેવાનું માંડી વાળે છે. વાત મુલતવી રાખે છે. ક્યારેક એવું પણ બને છે કે, પેન્ડિંગ રાખેલી વાત ક્યારેય થતી જ નથી. માણસ નક્કી કરી લે છે કે, જવા દે, એની સાથે પનારો પાડવો નથી.
જાણીતા હોય એની પ્રકૃતિથી તો આપણે હજુયે થોડાઘણા વાકેફ હોઇએ છીએ. પ્રકૃતિ અને પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં આપણે ચેક તો કરીએ જ છીએ કે સામેવાળી વ્યક્તિ આપણી વાત રાઇટ સ્પિરીટમાં લે એમ છે કે નહીં? પહેલી વખત જેને મળતા હોઇએ એની સાથે વાત કરતા પહેલાં તો ઘણોબધો વિચાર કરવો પડતો હોય છે. ઘણાનાં મોઢાં જોઇને જ આપણે એવું નક્કી કરી લઇએ છીએ કે, આની સાથે ફાવશે નહીં. ઘણાને પહેલી વખત મળતાંની સાથે જ એવું લાગે જાણે એ વ્યક્તિ અજાણી છે જ નહીં. દરેક માણસની એક ઔરા હોય છે. ઔરા દેખાતી નથી પણ વર્તાતી હોય છે. વાઇબ્સ નેગેટિવ પણ હોઇ શકે છે. લોકો બહુ શાણા થઇ ગયા છે. ઘણા લોકોનાં મોઢે એટલે જ એવું સાંભળવા મળે છે કે, આપણે સોનાની જાળ પાણીમાં નાખવી નથી! પોતાની જાળ બધાને સોનાની જ લાગતી હોય છે પછી ભલેને એ જાળ સામેની વ્યક્તિને ફસાવવા માટે હોય! આપણને પણ કોઈ કંઈ ઓફર કરે ત્યારે એના ચહેરાને માપવાનો પ્રયાસ કરીએ છીએ કે એની દાનત શું છે? એ એકદમ શા માટે વરસી પડ્યા હોય એવું લાગે છે? માણસ બહુબધા વિચારો કરીને પનારો પાડે છે. હવે તો સૌથી મોટું કંઈ હોય તો એ વિશ્વાસનું સંકટ છે. ભરોસાની ભેંસ પાડો તો નહીં જણેને?
આ સ્ટડી એમ પણ કહે છે કે, તમે લોકો સાથે જેવું વર્તન કરશો એવું જ વર્તન સામેની વ્યક્તિ કરશે. તમે કોઇના પર ગુસ્સો કરો તો એવી અપેક્ષા ન રાખી શકો કે સામેની વ્યક્તિ હસીને સારું વર્તન કરે. એ પણ સામે ગુસ્સે જ થવાનો છે. કોઈ માણસ સામે બોલી શકે એમ નહીં હોય તો સહન કરી લેશે પણ સારું વર્તન તો નહીં જ કરી શકે. માણસ ગમ ખાઇને સહન કરી લીધા પછી પણ એ વાત ભૂલતો તો નથી જ. બીજી એક વાત એ છે કે, આપણું વર્તન જો સારું હોય તો સામેની વ્યક્તિ ઝઘડવાનું નક્કી કરીને આવી હોય તો પણ તેનું વર્તન અને ઈરાદો બદલાઈ જાય છે. કહેવાનો મતલબ એ છે કે, સામેની વ્યક્તિ પાસે કેવું વર્તન કરાવવું એ મોટા ભાગે આપણા હાથમાં હોય છે.
આજના સમયમાં પ્રોબ્લેમ એ પણ છે કે, માણસ નાટક કરતા શીખી ગયો છે. ચહેરાના ભાવ પણ સ્વાર્થ અને જરૂરિયાત મુજબ બદલાવી નાખે છે. માણસ વર્તન કરે ત્યારે આપણે વિચારવું પડે છે કે, એનું વર્તન સાચું તો છેને? ઘણા લોકોના ચહેરા જુદું કહેતા હોય છે અને તેના મનમાં જુદી જ રમત ચાલતી હોય છે. આપણે છેતરાઈએ ત્યારે સમજ પડે છે કે, પેલો માણસ તો બદમાશ હતો. ખોટું હસીને સારું લગાડનાર વ્યક્તિ કરતાં સાચી રીતે નારાજ કે ગુસ્સે થનારો માણસ વધુ પ્રામાણિક હોય છે. એ જે છે એવો જ પેશ આવશે. તેના વર્તનમાં બનાવટ નહીં હોય. અલબત્ત, આવા ઓર્ગેનિક માણસોની સંખ્યા પણ ઘટતી જાય છે. માનસશાસ્ત્રીઓ એવું કહે છે કે, તમે સામેની વ્યક્તિને બદલી શકતા નથી, તમે કોઇને કન્વીન્સ કરી શકો, કોઈ વાત માટે મનાવી શકો, તમારી વાત ગળે ઉતરાવી શકો, એ પછી પણ એ શંકા તો રહે જ છે કે, એણે જે કહ્યું છે એ કરશે તો ખરોને? છેલ્લે નિષ્ણાતો એવું પણ કહે છે કે, આપણે એ નક્કી કરવાનું હોય છે કે, મારે કેવા રહેવું છે? મારે મારા ચહેરાને સહજ અને સાત્ત્વિક રાખવો છે કે પછી કરડાકીવાળો કે ડરામણો રાખવો છે? સાચો સાર તો હળવા રહેવામાં જ છે. ભારે રહેવામાં સરવાળે નુકસાન તો આપણું પોતાનું જ થવાનું છે. સંબંધો સજીવન રહેશે કે સુષુપ્ત થઇ જશે એનો આધાર છેવટે તો આપણી વાણી અને આપણું વર્તન જ છે. કોઈ પણ માણસ પોતાનું વ્યક્તિત્વ છુપાવી શકતો નથી. નાટક પણ લાંબું ટકતું નથી. માણસ જેવો હોય એવો વહેલો કે મોડો પરખાઇ આવતો હોય છે એટલે જ કહેવામાં આવે છે કે, સારા રહો. તમારી સાથે કોઇને વાત કરવાનું મન થાય છે? જો એનો જવાબ હા હોય તો વાંધો નથી પણ જો એનો જવાબ ના હોય તો આપણે વિચારવું જોઇએ કે, ક્યાંય મારામાં તો કોઇ કમી નથીને? દરેક વખતે આપણામાં જ પ્રોબ્લેમ હોય એ જરૂરી નથી. સામેની વ્યક્તિ પણ તેના માટે જવાબદાર હોઈ શકે છે. આપણે આપણી ચિંતા કરવાની, આપણે સાચા હોઇએ તો પછી કોઈ ફિકર કરવા જેવું હોતું નથી. જિંદગી સારી રીતે જીવવા માટે બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે, હળવા રહો અને હસતાં રહો!
હા, એવું છે!
માણસની ઇમેજ અને માણસનું સ્ટાન્ડર્ડ કેવું છે એ એના માંહ્યલા પર આધાર રાખે છે. અંદરથી જે માણસ સાફદિલનો હશે એનો ચહેરો સારો નહીં હોય તો પણ એ બધામાં પ્રિય હશે. દેખાવથી પહેલી ઇમ્પ્રેશન પડે છે પણ સાચી ઇમ્પ્રેશન તો અનુભવ બાદ જ ઘડાતી હોય છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 31 જાન્યુઆરી 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com