તું કેમ દરેક વાતને
સીરિયસલી લઈ લે છે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
લે દે કે અપને પાસ ફકત ઇક નજર તો હૈ,
ક્યું દેખેં જિંદગી કો કિસી કી નજર સે હમ,
માના કી ઇસ જમીં કો ન ગુલઝાર કર શકે,
કુછ ખાર કમ તો કર ગયે ગુજરે જિધર સે હમ.
-સાહિર લુધિયાનવી
આપણી જિંદગીમાં રોજે રોજ કંઇક ને કંઇક બનતું રહે છે. ક્યારેક સારું તો ક્યારેક ખરાબ, ક્યારેક સરળ તો ક્યારેક અઘરું, ક્યારેક ગમે એવું તો ક્યારેક ન ગમે એવું, ક્યારેક હસવું આવે એવું તો ક્યારેક રડાઇ જાય એવું, ક્યારેક દિલ ધક ધક કરવા લાગે એવું તો ક્યારેક ધ્રાસકો પડે એવું કંઇક ને કંઇક બનતું રહે જ છે. કેટલીક ઘટનાઓની અસર લાંબા સમય સુધી રહે છે, તો કેટલાંક બનાવો તરત જ વિસરાઇ જાય છે. ઘા ઊંડો હોય તો રૂઝાતા વાર લાગે છે. લિસોટા પડે એ બહુ પીડા આપતા નથી. નજીકની વ્યક્તિ જ જ્યારે ઘા કરે ત્યારે એક ટીસ ઊઠતી હોય છે. દિલમાં ઘસરકા વાગે, આંખમાં ચુવાક થાય, મગજ બહેર મારી જાય અને કંઇ જ ન સમજાય એવું પણ ઘણી વખત જિંદગીમાં બનતું હોય છે. દરેક સાથે ક્યારેક તો એવું બન્યું જ હોય છે જે જિંદગીભર ન ભુલાય. પ્રેમ, સંબંધ અને દોસ્તી માણસને સૌથી વધુ પજવે છે. સુખ માટે પણ એ જ કારણભૂત છે અને દુ:ખ માટે પણ એ જ જવાબદાર હોય છે.
જિંદગીમાં સુખી થવા માટે એટલું ધ્યાન રાખવું પડતું હોય છે કે, કઈ વાત યાદ રાખવી અને કઈ વાત ભૂલી જવી. આમ તો આપણે ઘણી વાતો ભૂલી જવી હોય છે પણ જે ભૂલવું હોય છે એ જ ભુલાતું નથી. અચાનક જ કોઇ વાત યાદ આવી જાય છે અને ચહેરા પર ઉદાસી છવાઇ જાય છે. એક છોકરીની આ વાત છે. તેના પ્રેમીએ તેની સાથે ચીટિંગ કર્યું હતું. છોકરીએ તેની સાથે બ્રેકઅપ કરી નાખ્યું. જુદાં પડ્યાં પછી પણ તેને એ વાત સતાવતી હતી કે, મેં એના પર આંખ મીંચીને ભરોસો કર્યો અને એણે જ મને છેતરી. તેણે એક મિત્રને કહ્યું કે, મારે જૂનું કંઈ યાદ નથી કરવું છતાં પણ એ યાદ આવી જ જાય છે. તેના મિત્રએ કહ્યું, એક સરળ રસ્તો એ છે કે, જેવી જૂની વાત યાદ આવે કે તરત જ એવું વિચારવા માંડ કે મારે એ વિશે કોઈ વિચાર જ નથી કરવા. ઘણી વખત વિચારોને પણ ડાયવર્ટ કરવા પડે છે. વિચારોને પણ કંટ્રોલ કરવા પડતા હોય છે. વિચારોને છુટ્ટો દોર આપી ન શકાય. જે વિચારો આપણને હતાશ અને નિરાશ કરતા હોય એને વહેલીતકે હડસેલવા એ જ બેસ્ટ ઉપાય હોય છે.
જિંદગીમાં દરેક વાતને સીરિયસલી લેવાની પણ જરૂર હોતી નથી. ગંભીરતાનો પણ એક ભાર હોય છે. ભારને હળવો ન કરીએ તો ભારે થઇ જવાય છે. ઘણા લોકોને એવી આદત હોય છે કે, એ નાની નાની વાતો પણ વધુ પડતી ગંભીરતાથી લેતા હોય છે. નાનું કામ પણ એને મોટું લાગે છે. પરફેક્શનના પણ ઘણા પ્રોબ્લેમ હોય છે. એક ઓફિસમાં બે યુવાનો કામ કરતા હતા. એક યુવાન એકદમ પરફેક્ટ. બધું જ કામ ખૂબ ધ્યાન રાખીને કરે. એની પાસે દરેક વાતની નોંધ હોય. એના માથા પર કામ જ સવાર હોય. તેની સાથે કામ કરતો યુવાન એકદમ રિલેક્સ. એક વખત બોસે બંનેને એક કામ સોંપ્યું. જે પરફેક્શનમાં માનતો હતો એ યુવાને કહ્યું કે, ચલ આપણે બોસે કહ્યું છે એ કામ કરી નાખીએ. બીજા યુવાને કહ્યું કે, હજુ તો ડેડલાઇનને ઘણો સમય છે, થઇ જશે. પેલા યુવાને કહ્યું કે, આપણે કામ કરી નાખીએ તો પછી શાંતિને? બીજા યુવાને કહ્યું કે, એ કરી નાખ્યા પછી પણ તને શાંતિ થશે? તું બીજા કામનું ટેન્શન લઇ લઇશ. તેણે કહ્યું, કામ કરવું જોઇએ, સરસ રીતે કરવું જોઇએ, સમયસર કરવું જોઇએ પણ એને સવાર થવા દેવું જોઇએ નહીં. સ્વભાવમાં જ જો હાયવોય ઘૂસી જશે તો કોઇ કામમાં રિલેક્સ ફીલ થશે જ નહીં. હા, સીરિયસ અને ખૂબ અગત્યનું હોય એવા કામમાં વધુ દરકાર રાખવી પડતી હોય છે. એને હળવાશથી પણ ન લેવું જોઇએ.
કામની જેમ જ કઈ વાતને કેટલી ગંભીરતાથી લેવી એની સમજ હોવી જોઇએ. એક ભાઇની આ વાત છે. એ કોઇ વાત કરે એ પહેલાં એવું કહે કે, ધ્યાનથી સાંભળજે હોં, બહુ મહત્ત્વની વાત છે. એટલું કહ્યા પછી વાત એટલી વાહિયાત કરે કે આપણને એવો સવાલ થાય કે આમાં મહત્ત્વનું શું છે? દરેક માણસની વાત કહેવાની, સમજવાની અને વાતને સ્વીકારવાની કેપેસિટી અને સમજ જુદી જુદી હોવાની છે. સંવેદનશીલ માણસને નાની નાની વાતમાં લાગી આવે છે. કોઇ જરાકેય ઊંચા અવાજે વાત કરે તો એ હર્ટ થઇ જાય છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. એના ગ્રૂપમાં એ સૌથી વધુ સેન્સેટિવ. દરેકે દરેક વાતને સીરિયસલી લેવાની જ એની પ્રકૃતિ. કોઇ કંઈ કહે તો પણ એનું એનાલિસિસ કરવા બેસી જાય. એણે એવું કેમ કહ્યું હશે? એનો કહેવાનો મતલબ શું હતો? એ કંઈ સંભળાવવા ઇચ્છતો હતો? એક વખત એ પોતાના ગ્રૂપ સાથે ફરવા ગઇ. બધા મજાક-મશ્કરી કરતા હતા. એક ફ્રેન્ડે તેની મસ્તી કરી તો તેને લાગી આવ્યું. થોડી વાર પછી એની ફ્રેન્ડે સોરી કહ્યું. મારો તને હર્ટ કરવાનો ઈરાદો નહોતો. એ પછી તેણે કહ્યું કે, યાર તું દરેક વાતને કેમ આટલી બધી સીરિયસલી લઇ લે છે? દરેક વાતને આટલી ગંભીરતાથી લઇશ તો ક્યારેય હળવી રહી જ નહીં શકે. તું તો બોલવામાં પણ વિચાર કરે છે. હા, બોલતાં પહેલાં ધ્યાન રાખવું જોઇએ એમાં ના નહીં પણ જ્યાં ધ્યાન રાખવાનું હોય ત્યાં રાખવાનું. બધા નિયમો બધે લાગુ પાડવાની કંઈ જરૂર નથી.
સંવેદનશીલ હોવું સારી વાત છે પણ બધી જ જગ્યાએ વહી જવાની કે કોઇ જગ્યાએ અટકી જવાની આવશ્યક્તા હોતી નથી. સંવેદનાને પણ કંટ્રોલમાં રાખવી પડતી હોય છે. ઇમોશન્સને પણ મેનેજ કરવા પડે છે. સંવેદનાનો અર્થ એવો નથી કે બધા સાથે સારા જ રહેવું. સારા સાથે સારા રહેવું જ જોઇએ પણ જે લોકો સારા નથી એની સાથે સારા રહેવાની કોઇ જરૂર હોતી નથી. ખરાબ સાથે ખરાબ થવાની પણ કંઇ જરૂર નથી, એવા લોકોથી દૂર રહેવામાં જ માલ હોય છે. બધાથી આપણે દૂર પણ થઇ શકતા નથી. એવા સંજોગોમાં સેઇફ ડિસ્ટન્સ રાખવું પડતું હોય છે. કેટલાંક સંબંધો આગ જેવા હોય છે. આગની આપણને જરૂર પડે છે પણ એની સાથે સંબંધ રાખવામાં સાવચેત રહેવું પડે છે. આપણે તાપણું કરીએ ત્યારે ટાઢ ઉડાડવા માટે અગ્નિમાં હાથ નથી નાખતા, હૂંફ રહે એટલે દૂરથી જ તાપ લઇએ છીએ. આવું જ આગ જેવા સંબંધોમાં કરવું પડે છે. દાઝી ન જવાય એની દરકાર રાખીને એની સાથે સંબંધ રાખવા પડે છે. બધા સાથે બધી બાબતે બેલેન્સ રાખવા માટે સૌથી વધુ કંઇ જરૂરી હોય તો એ આપણા પર આપણો જ કંટ્રોલ છે. માણસે પોતાના વિશે પણ વિચાર કરતા રહેવું જોઇએ કે, મારી વાણી અને મારું વર્તન કેવું છે? પોતાની જાતનું મૂલ્યાંકન સૌથી વધુ અઘરું છે, કારણ કે મોટા ભાગના લોકો પોતાને હંમેશાં સાચા જ સમજતા હોય છે. દુનિયા સાથે તટસ્થ હોય એવા લોકો પણ પોતાની સાથે તટસ્થ રહી શકતા નથી. ગંભીરતા અને સહજતા સમતોલ રહેવી જોઇએ. જ્યાં ગંભીર રહેવાનું હોય ત્યાં સહજ ન રહેવાય અને જ્યાં સહજ અને સરળ રહેવાનું હોય ત્યાં ગંભીર રહેવાની કોઇ જરૂર હોતી નથી. ડેપ્થમાં ઊંડે સુધી જઇને પણ પાછું સપાટી પર તો આવી જવું પડતું હોય છે. જિંદગીમાં એટલા ભારે થઇ જવાની જરાયે જરૂર નથી કે પોતાનો જ ભાર લાગે!
છેલ્લો સીન :
તમે કોઈની ફિકર, ચિંતા, ઉપાધિ કરો એમાં કશું ખોટું નથી, માત્ર એટલું ચેક કરી લેવાનું કે એ વ્યક્તિને આપણી કેટલી પરવા છે? ઘણી વખત આપણને કોઇ મૂરખ બનાવતું હોતું નથી, આપણે જ સામે ચાલીને બેવકૂફ બનતા હોઇએ છીએ! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 07 જાન્યુઆરી 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com