તું હવે આ વાત
બીજા કોઈને ન કહીશ!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આંખ ન મીંચાય તો કે’જે મને, ઊંઘ વંઠી જાય તો કે’જે મને,
શુદ્ધ ગુજરાતીમાં સમજાવું છું, તોય ન સમજાય તો કે’જે મને!
-ખલીલ ધનતેજવી
આપણને ખબર પણ ન હોય અને આપણે જેની કલ્પના સુધ્ધાં ન કરી હોય એવી આપણી જ વાતો ઘણી વખત ફરતી હોય છે! આપણે આપણા વિશેની જ વાત સાંભળીએ ત્યારે આપણા જ આશ્ચર્યનો પાર ન રહે! આપણા મોઢામાંથી નીકળી જાય કે, હેં! આવું તને કોણે કહ્યું? આપણી આજુબાજુમાં કેટલાંક લોકો એવા હોય છે જે દરેક વિશે કોઈ ને કોઈ વાતો કહેતાં અને ફેરવતાં રહે છે. કેટલાંક લોકો તો વળી એટલા કોન્ફિડન્સ સાથે વાત કરતા હોય છે કે ખોટી વાત પણ સાચી લાગે. આપણે એવા લોકોને રોકી નથી શકવાના. આપણે કોઈની પ્રકૃતિ બદલાવી ન શકીએ। આપણે એટલું ધ્યાન રાખવાનું હોય છે કે, કોની કેટલી વાતને સાચી માનવી. વાત બધાની સાંભળો પણ ખરાઈ કર્યા વગર કોઇની વાત સાચી ન માની લો! અમુક લોકો ફેંકાફેંક પણ કરતા હોય છે. હવામાં તીર મારવાની એ લોકોને આદત હોય છે. એવા લોકોની વાતોનું ડિસ્કાઉન્ટ કરી નાખવાનું! મોટા ભાગના ઇશ્યૂઝ એ તારા વિશે એવું કહેતો હતો કે એ તારા વિશે એવું કહેતી હતી એના કારણે જ થતા હોય છે. અમુક લોકોમાં પથરા બધાવી દેવાની ત્રેવડ અને આવડત હોય છે. એક યુવાનની આ વાત છે. તેને એક ભાઈએ કહ્યું કે, પેલો તારા વિશે ખરાબ બોલતો હતો. એ ભાઈને એમ હતું કે, હમણાં એ પૂછશે કે, શું બોલતો હતો? એ યુવાને કહ્યું, બોલવા દ્યો, મારે એ શું કહેતો હતો એ પણ નથી જાણવું. આપણને એ વાતની ખબર હોવી જોઈએ કે, કઈ વાતે ક્યાં ફુલપોઇન્ટ મૂકવો. ઘણા લોકો ક્યાંય પૂર્ણવિરામ મૂકતા જ નથી, એ અલ્પવિરામ મૂકતા રહે છે અને વાત પૂરી જ થતી નથી.
આપણું મગજ કેવી વાતોમાં વાપરવું એ આપણે નક્કી કરવાનું હોય છે. આપણે જો કોઈના પર જ નજર માંડીને બેસીએ તો આપણા ઉપરથી જ નજર હટી જાય છે. ઘણા લોકો આપણું મગજ ફેરવી નાખે છે. આપણે આપણા કામમાં હોઈએ અને એ આવીને આપણને એવી વાતો કરે છે કે, આપણે ધંધે લાગી જઈએ. એણે કેમ આવું કહ્યું હશે? એવું કહેવા પાછળ એની ગણતરી શું હશે? કોઈએ એને ચડાવ્યો હશે? કોણ મારું ખરાબ ઇચ્છે છે? આવું કરવાથી કોને શું ફાયદો છે? ઘણા લોકો આવા વિચારોને કારણે જ એવા ભયમાં જીવવા લાગે છે કે, બધા મારા દુશ્મનો છે, કોઈ મારું સારું જોઈ શકતું નથી, બધા મને પાડી દેવા ઇચ્છે છે. બધા કિસ્સામાં એવું હોતું નથી. આપણે વિચારોના ઘોડા દોડાવ્યા રાખીએ છીએ અને છેલ્લે ઘોડો એવી જગ્યાએ આવીને ઊભો રહે છે જ્યાં કોઈ હોતું જ નથી. આપણે જો સાવધ અને સતર્ક ન રહીએ તો લોકો આપણને ગૂંચવી નાખે છે.
ઘણા લોકો એવું પણ માનતા હોય છે કે, બધાની મારા પર નજર છે. એક યુવાનની આ વાત છે. તેણે તેના મિત્રને કહ્યું કે, બધા ટાંપીને બેઠા છે કે ક્યારે મોકો મળે અને ક્યારે આને પાડી દઈએ. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, ખોટી વાતો ન કર. બધા પોતપોતાનામાં જ એટલા વ્યસ્ત છે કે કોઈને કોઈના માટે ટાઇમ નથી. બે ઘડી માન કે, એવું છે, તો પણ તું મોકો આપીશ તો તને પાડી દઈશને? તું એના પર ધ્યાન રાખને કે કોઇને એવો મોકો જ ન મળે! દરેક ઓફિસમાં બે-ચાર લોકો એવા હોય જ છે જે બીજા પર જ નજર રાખીને બેઠા હોય છે. એક ઓફિસની આ સાવ સાચી વાત છે. એક કર્મચારી બધા પર નજર રાખે અને બોસને સાચીખોટી વાતો કરતો રહે. વર્ષ પૂરું થયું ત્યારે બધાને ઇન્ક્રિમેન્ટ આપવામાં આવ્યું. જે કર્મચારી બધા પર નજર રાખતો હતો તેનું ઇન્ક્રિમેન્ટ બોસે ઝીરો કર્યું. એ કર્મચારીને આઘાત લાગ્યો. તેને થયું કે, હું તો બોસને બધી અંદરની વાતો કહેતો હતો અને બોસે મારી સાથે જ આવું કર્યું. એનાથી રહેવાયું નહીં એટલે એ બોસ પાસે ગયો અને કહ્યું કે, મને કંઈ ઇન્ક્રિમેન્ટ ન મળ્યું? બોસે કહ્યું કે, તને જે કામ માટે રાખ્યો છે એ તો તેં કર્યું જ નથી અને બીજાનું ધ્યાન રાખવાનું જ કામ કર્યું છે. તું જે કરે છે એ બંધ કર અને તારા કામમાં ધ્યાન દે. કોણ શું કરે છે, કોનામાં કેટલો દમ છે, એ સરવાળે તો એના કામ પરથી જ ઓળખાતું હોય છે. તારું ભલું ઇચ્છતો હોય તો તું તારી ચિંતા કર. બીજા જે કરતાં હશે એ એનું ભોગવશે, તું પણ તારાં કર્યાં ભોગવવાનો છે, એટલે તને જે કામ સોંપવામાં આવ્યું છે એ કર તો ઘણું છે.
આપણે જે વાત કરીએ છીએ એનાથી આપણું માપ પણ નીકળતું હોય છે. આપણે કેવી વાત કરીએ છીએ, કોની વાત કરીએ છીએ, વાત કરતી વખતે કેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એનાથી લોકો એ નક્કી કરતા હોય છે કે, આની વાત સાંભળવા જેવી, ધ્યાને લેવા જેવી છે કે પછી એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવા જેવી છે? આપણે જ ઘણા લોકો વિશે એવું કહેતા હોઇએ છીએ કે, ધ્યાન રાખજે હોં, એની વાતોમાં ન આવતો, એની વાતોમાં આવીને ઘણા ભેરવાયા છે. વાત એવી જ કરો જે જરૂરી હોય. મિત્રો સાથે ગપ્પાં મારવાં એ એક વાત છે અને જ્યાં મહત્ત્વની ચર્ચા થતી હોય ત્યાં મંતવ્ય રજૂ કરવું એ બીજી વાત હોય છે. કઈ વાતને ટોપ ગિયરમાં નાખવી અને કઈ વાતને બ્રેક મારવી એ જો ખબર ન હોય તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. એક છોકરીની આ વાત છે. તેને એક ફ્રેન્ડ સાથે મનદુ:ખ થયું. જેની સાથે મનદુ:ખ થયું હતું એ ફ્રેન્ડે બીજી એક ફ્રેન્ડના મોઢે જેમતેમ કહ્યું. એ ફ્રેન્ડે પેલી ફ્રેન્ડ પાસે આવીને કહ્યું કે, એ તો તારા વિશે એલફેલ બોલતી હતી. વાત પૂરી કર્યા પછી તેણે પૂછ્યું, હું તારા વતી એને કંઈ કહું? એ છોકરીએ કહ્યું, ના, એને કંઈ કહેવાની જરૂર નથી, એને તો શું આ મુદ્દે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. આ વાતને અહીં જ રોકી દેજે. અમુક લોકોની છાપ જ ઓલ ઇન્ડિયા રેડિયો જેવી હોય છે. તમે એને કોઇ વાત કરો એટલે આખા ગામને ખબર પડી જાય. આવા લોકોનો ઉપયોગ ઘણા લોકો ખોટી વાતો ફેલાવવા માટે પણ કરતા હોય છે. વધુ પડતી વાતો કરવાવાળા ક્યારેક કોઇકનો હાથો પણ બની જતા હોય છે.
ઘણા લોકો પોતાની વાતો કરીને સહાનુભૂતિ પણ ઉઘરાવતા હોય છે. દરેકે જિંદગીમાં એક વાત યાદ રાખવાની હોય છે કે, જેમ આપણી ખુશી, આપણો આનંદ, આપણો ઉત્સાહ અને આપણી સફળતા આપણી હોય છે એવી જ રીતે આપણી વેદના, આપણી વ્યથા, આપણી પીડા અને આપણી નિષ્ફળતા પણ આપણા જ હોય છે. વાત સાંભળવાવાળા પણ જો પોતાના ન હોય તો એને આપણાં સુખ કે દુ:ખથી કોઈ ફેર પડતો હોતો નથી. દુનિયામાં લોકો તમને દુ:ખી જોઈને મોઢે તો સહાનુભૂતિ પાઠવશે પણ અંદરખાને ખુશ જ થશે. પોતાની અંગત વાતો બને ત્યાં સુધી પોતાના પૂરતી જ મર્યાદિત રાખવી જોઇએ. બધું જ બધાને કહેવાની અને દરેક વાત સાર્વજનિક કરી દેવાની કોઇ જરૂર નથી. આપણી જ નહીં, કોઈની વાત પણ કોઈને કહેવાની જરૂર હોતી નથી. એવા લોકોને જ કોઇની કૂથલી કરવામાં મજા પડતી હોય છે જેને બીજાં સારાં કામોમાં મજા પડતી નથી. કોઇની નિંદા કરવી એ પણ એક પ્રકારનું સેડિસ્ટિક પ્લેઝર જ છે. સાચું પ્લેઝર એ જ છે જે નિર્દોષ, સાત્ત્વિક અને સહજ હોય!
છેલ્લો સીન :
ઘણાં લોકો વાંકદેખા હોય છે. એ સુંદરતામાંથી પણ સડો જ શોધશે. આપણે શું જોઈએ છીએ એના પરથી જ આપણી દૃષ્ટિ કેવી છે એ પરખાતું હોય છે. આપણો દૃષ્ટિકોણ આપણી માનસિકતા છતી કરતો હોય છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com