જૂની વાતો અને યાદો
કેમેય ભુલાતી નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
રેતમાં તરવા જવાની જીદમાં, તરફડ્યા જળ ત્યાગવાની જીદમાં,
જાતથી નારાજ કેવા થઇ ગયા! સૌને રાજી રાખવાની જીદમાં.
-મિલિન્દ ગઢવી
આપણી જિંદગીમાં જેમ જેમ સમય ઉમેરાતો જાય છે એમ એમ સ્મરણો, યાદો, ઘટનાઓ, પ્રસંગો, બનાવો અને બીજું ઘણું બધું ઉમેરાતું રહે છે. રોજે રોજ આપણી સાથે કંઇકને કંઇક બનતું રહે છે. કોઇ મળે છે, કોઇ જુદું પડે છે, કંઇક સારું થાય છે, કંઇક એવું પણ બને છે જે આપણને હચમચાવી નાખે છે. જિંદગીની ઘટમાળ સતત ચાલુ જ રહે છે. કેટલીક સુંદર ક્ષણો એવી હોય છે જે જોઇને આપણને એમ થાય કે, આ સમય અહીં જ રોકોઇ જાય તો કેવું સારું! ક્યારેક કોઇ ઘટના એવી બને છે કે, એક એક ક્ષણ એક એક વર્ષ જેટલી લાંબી લાગે છે. કહેવામાં તો એવું આવે છે કે, દુ:ખના દિવસના પણ ચોવીસ કલાક જ હોય છે, સાચી વાત છે પણ એ ચોવીસ કલાસ કાઢવા બહુ આકરા હોય છે. ક્યારેક એમ થાય છે કે, આ સમય પસાર થઇ જાય તો સારું. કોઇ તમને એવો સવાલ કરે કે, તમારી લાઇફનો બેસ્ટ ટાઇમ ક્યો હતો તો તમે ક્યા સમયની વાત કરો? બીજો સવાલ, સૌથી ખરાબ સમય કયો રહ્યો હતો? કેટલીક ઘટનાઓ નજર સામે તાજી થાય ત્યારે આંખોના ખૂણામાં ભેજ બાજી જાય છે. હ્રદય જોર જોરથી ધડકવા લાગે છે. ક્યારેક ગભરામણ પણ થવા લાગે છે. આપણે એ સમય કેવી રીતે પસાર કર્યો હોય છે એ આપણું મન જાણતું હોય છે. દરેકની સેન્સિટિવિટી અલગ અલગ હોય છે. કેટલાંક લોકો નાની દુર્ઘટના પણ સહન કરી શકતા નથી. કેટલાંક એવા સક્ષમ હોય છે કે, એ ખરાબમાં ખરાબ સમયનો મક્કમતાથી સામનો કરી શકે છે. એને જોઇને આપણને એમ લાગે કે, આની જગ્યાએ બીજો કોઇ હોય તો ભાંગી જ ગયો હોય!
આપણે બધા જિંદગીની યાદો અને સ્મરણો લઇને ફરતા રહીએ છીએ. સારા સ્મરણો યાદ આવે ત્યારે હળવાશ લાગે છે. ચહેરા પર થોડીક ક્ષણો રોનક આવી જાય છે. જેવી ઘટના એવી તેની અસર રહે છે. એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો કે, જિંદગીમાં સૌથી સારી વાત કઇ છે? સંતે કહ્યું, ભૂલવાની શક્તિ. ઇશ્વરે આપણામાં ભૂલવાની ક્ષમતા રાખેલી છે. બે ઘડી વિચાર કર, જન્મથી આજ દિવસ સુધીનું બધું જ યાદ રહેતું હોત તો શું થાત? આપણે કેટલા ભારે થઇ ગયા હોત? બચપણની અમુક વાતો સિવાય આપણને કંઇ યાદ હોતું નથી. યુવાન થઇએ એ પછીનું યાદ હોય છે પણ એનાથી છૂટકારો મેળવવા માટે ઘણું બધું ભૂંસતા રહેવું પડે છે. તમારી જિંદગીની કઇ વાત એવી છે જે તમે કાયમ માટે ભૂલી જવા ઇચ્છો છો? કંઇક તો એવું બન્યું જ હોય છે જેના વિશે આપણને એમ થાય કે આવું ન થયું હોત તો સારું હતું. મજાની વાત એ છે કે, જે ભૂલવું હોય છે એ જ ભૂલી શકાતું નથી. એ ગમે એટલું જૂનું થાય તો પણ તાજું જ રહે છે.
એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ થયો. છોકરીએ એ છોકરા સાથે મેરેજ કરીને સરસ મજાની જિંદગી જોવાના સપના સેવી રાખ્યા હતા. બંને નિયમિત મળતા અને દરરોજ કલાકો સાથે વિતાવતા. જિંદગી બહુ રોમાંચક અને આહલાદ્ક લાગતી હતી. એક દિવસ છોકરાએ તેને કહી દીધું કે, હું કંઇ તારી સાથે મેરેજ કરવાનો નથી, તારે સંબંધ રાખવો હોય તો રાખ. છોકરીને આંચકો લાગ્યો. આ કેવી વાત કરે છે? મેં તો એને જીવનસાથી માની લીધો હતો. છોકરીને જ્યારે એ વાતની ખબર પડી કે, એણે તો ઘણી છોકરીઓ સાથે આવું કર્યું છે ત્યારે એને વધુ આઘાત લાગ્યો. બંને જુદા પડી ગયા. છોકરી પછી પણ જૂની યાદોમાથી મુક્ત થઇ શકતી નહોતી. એ ઉદાસ અને હતાશ રહેવા લાગી. એક વખત તેની ફ્રેન્ડે તેને પૂછ્યું, આ તું શું કરી રહી છે? તારી હાલત તો જો! એ છોકરીએ કહ્યું કે, મારાથી જૂની યાદો અને જૂની વાતો કેમેય ભુલાતી નથી. તેની ફ્રેન્ડે કહ્યું કે, આપણે એક ભૂલ કરી હોય પછી એ ભૂલને ન ભુલવી એ બીજી અને અગાઉની ભૂલ કરતા પણ મોટી ભૂલ હોય છે. કેટલીક ઘટનાઓને વહેલી તકે ભૂલવી જ જિંદગી માટે બહેતર હોય છે.
જિંદગીમાં બધું આપણે ધાર્યું હોય એવું થતું નથી. કંઇક અધૂરું રહી જાય છે. માણસને સૌથી વધુ પેઇન રિલેશન્સ જ આપે છે. સંબંધ કોઇપણ હોય, એ ક્યારેક આંચકો આપે છે. આપણે ગમે એટલા સારા હોઇએ તો પણ ઘણી વખત આપણે હર્ટ થઇએ એવું થતું હોય છે. એમાંથી છૂટકારો મેળવવવાનો બેસ્ટ ઇલાજ એ છે કે, જે ઘટના બની ગઇ છે એને બહુ વાગોળવી નહીં. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે સતત જૂની વાતોને મનમાં રાખીને બેઠા રહીએ છીએ. ગઇકાલને છોડતા નથી એટલે આજને એન્જોય કરી શકતા નથી. એક માણસની આ વાત છે. તેના ભાઇએ જ તેની સાથે ચાલાકી કરીને વારસામાં મળેલી બધી જ મિલકતો પચાવી લીધી. તેણે કંઇ ન કર્યું. પોતાની રીતે મહેનત કરી. ઘણું કમાયો. આગળ પણ વધ્યો. એક વખત તે એક સંત પાસે ગયો. સંતને સવાલ કર્યો કે, મારી સાથે આવું કેમ થયું? સંતે કહ્યું, આવું તો ઘણા સાથે થયું હોય છે, તારા ભાઇને તારી સાથેના સંબંધ કરતા મિલકતમાં વધુ રસ હતો. પેલા માણસે કહ્યું. ભાઇએ મને કહ્યું હોત તો હું એને બધું જ આપી દેત, આવી બદમાશી કરવાની શું જરૂર હતી? સંતે કહ્યું, તારો ભાઇ જો તને સમજી શકતો હોત તો તેણે જે કર્યું એ કર્યું જ નહોત! એ માણસે કહ્યું, હું બધી જ રીતે સુખી છું, મેં ઘણી સંપત્તિ કમાઇ છે પણ ભાઇએ જે કર્યું એ મારીથી ભુલાતું નથી. સંતે કહ્યું કે, તારા ભાઇએ જે કર્યું એમાં એનો વાંક છે પણ તું ભુલતો નથી એમાં એનો કોઇ વાંક નથી, એ તો તારો જ વાંક છે. આપણા સકંજામાંથી આપણે જ મુક્ત થવું પડે. વર્ષો વીતી ગયા છતાં તું ભુલતો નથી, એ તો તેનેય ભુલી ગયો છે અને તું એણે જે કર્યું છે એ પણ ભુલી શકતો નથી. ભલે તું તેણે જે કર્યું એનો બદલો ન લે, પણ એણે જે કર્યું છે એનો બદલો તારી જાત સાથે તો ન લે!
આપણે મોટા ભાગે કોઇના કારણે દુ:ખી થતા હોઇએ છીએ. દુ:ખ થાય, આપણે જેને પ્રેમ કર્યો હોય, જેનું ભલું ઇચ્છ્યું હોય, જેના માટે થાય એ બધું કર્યું હોય એ નાલાયકી કરે ત્યારે પેઇન તો થવાનું જ છે. એ પેઇનને ફીલ કરવાનું પણ એક સમય પછી એને ખંખેરી નાખવાનું. આપણે એટલો જ વિચાર કરવાનો કે, મારા હાથમાં શું છે? હું શું કરી શકું એમ છું? ઘણા કિસ્સામાં આપણે કંઇ કરી શકતા નથી, માત્રને માત્ર ભુલી શકીએ છીએ. ભુલવા જેવું ઓસડ બીજું કશું જ નથી. દુનિયાની દરેક ફિલોસોફી અને દરેક ધર્મ સરવાળે એવું જ કહે છે કે, વર્તમાનમાં જીવો. જે છે એ આ ક્ષણ જ છે. આપણને આ ક્ષણની ચિંતા કરતા નથી એને જે ક્ષણો ચાલી ગઇ છે એને પકડીને બેઠા રહીએ છીએ. તમને મજા ન આવતી હોય તો માર્ક કરજો, એનું કારણ મોટા ભાગે ભૂતકાળમાં બની ગયેલી કોઇ ઘટના જ હશે. હાથની રેખાઓમાંથી પણ ઘણી વખત ઘણું બધું સરકી જતું હોય છે. જે ચાલ્યું ગયું એ ગયું, ગમે એટલું વહાલું હોય તો પણ આપણે કંઇ કરી શકતા નથી. એ જ વાત યાદ રાખો, એ જ વાત વાગોળો જે તમને થોડીક હળવાશ આપે. કેવા સરસ દિવસો હતા, કેટલો સરસ સમય હતો. વેદના થાય એવું વાગોળશો તો અંધકારમાં જ ધકેલાતા જશો. હતાશા એ બીજું કંઇ નથી પણ આપણે પોતાના હાથે તૈયાર કરેલો અંધકાર જ હોય છે. પ્રકાશને રોકી રાખો, અંધકારને આવવાનો અવકાશ જ નહીં મળે!
છેલ્લો સીન :
તમારે યાદ રાખવા જેવું યાદ રાખવું છે? તો ભુલવા જેવું હોય એને ભૂલી જાવ! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 17 ડિસેમ્બર 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
big fan sir shu shabdo hoy chhe,i wait for sunday to read your colum
Thank you. 🙂