મારે ફિલ્ટર માર્યા વગરની
રિઅલ જિંદગી જીવવી છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હવે તોફાન છે તેથી, ઝુકાવું છું હું કિશ્તીને,
તમન્નાઓ બધીએ ક્યારની આકાર માંગે છે,
ન વર્તન ગમે જો મારું તો તું વ્યવહાર રહેવા દે,
જમાના, જાણીજોઈને કેવી તકરાર માગે છે
-કૈલાસ પંડિત
સમયની સાથે લોકોની જિંદગીને પણ નવાનવા રંગ લાગતા રહે છે. ટેક્નોલોજીની સાથે માણસ પણ ડિજિટલ થઇ રહ્યો છે. આપણી સંવેદનાઓ પણ હવે સ્ક્રીન પર ઊગે છે અને આથમે છે. ખુશી પણ પાંચ બાય પાંચના સ્ક્રીન પર ઠાલવવામાં આવે છે અને વેદના પણ પડદા પર પ્રગટ કરવામાં આવે છે. સાંત્વના, સધિયારો, સહાનુભૂતિ અને દિલાસો ઇમોજીથી વ્યક્ત થઇ રહ્યાં છે. હગનું ઇમોજી મૂકી દેતા વખતે જરાયે સ્પર્શ અનુભવાતો નથી. ડાન્સનું રમકડું વહેતું કરીએ ત્યારે રૂંવાડાંમાં નયા ભારનો રોમાંચ પણ અનુભવાતો નથી. બીજાની જિંદગી સાથેની નિસબત ઘટતી જાય છે. આપણે આપણાથી જ દૂર થઈ રહ્યા હોઇએ ત્યારે બીજાની નજીક તો ક્યાંથી જઈ શકવાના છીએ? જિંદગીની વાતો હવે સ્ટેટસમાં લખીને સંતોષ માની લેવાય છે. જિંદગીની ફિલોસોફી રીલ બનીને રહી જાય છે. રિઅલમાં કેટલો ફેર પડે છે એ સમજાતું નથી. બીજા પાસેથી અપેક્ષાઓ વધતી જાય છે. કોઈ મને પ્રેમ કરે, મારું ધ્યાન રાખે, મારી કેર કરે, મને પેમ્પર કરે, મને મેસેજ કરે, મારી પોસ્ટમાં કમેન્ટ કરે, મને ફોલો કરે, મારાં વખાણ કરે, મને પ્રોત્સાહિત કરે અને મારી વ્યક્તિ મારી જ બનીને રહે! જોકે, એમાં કશું ખોટું નથી. પોતાની જાતને સવાલ એટલો જ પૂછવાનો કે, હું જે ઇચ્છું છું એવું હું કોઇના માટે કરું છું ખરો? વન-વે હોય ત્યારે બધા એક તરફ જ જતા હોય છે, કોઇ સામું મળતું નથી. સંબંધ પણ વન-વે ન ચાલે. બંને પક્ષે સ્નેહ સરખો રહેવો જોઇએ. માણસ સમયની સાથે એકલો પડતો જાય છે. બધા હોય તો પણ એક ખાલીપો વર્તાયા રાખે છે. બાજુમાં બેઠા હોય તો પણ અજાણ્યા સાથે બેઠા હોય એવું લાગે છે.
આપણે આપણાથી જ અજાણ્યા થવા લાગ્યા છીએ. હમણાંની એક સાવ સાચી ઘટના છે. એક ભાઇ ફ્લાઇટમાં સફર કરતા હતા. જેવા પોતાની સીટ પર બેઠા કે તરત જ એ લેપટોપ ખોલીને સેવ કરેલી ફિલ્મ જોવા લાગ્યા. ફ્લાઇટ ટેકઓફ થઇ એને એક કલાક થઇ ગયો. એ ભાઈનું ધ્યાન ક્યાંય હતું જ નહીં! એક કલાક પછી બાજુમાં બેઠેલી વ્યક્તિએ તેને હલાવીને હલો કહ્યું. બે ક્ષણ તેની સામે જોઈને કહ્યું, અરે તું! બાજુમાં તેનો એક સમયનો જીગરજાન મિત્ર બેઠો હતો. એ મિત્રે કહ્યું, હું તને ક્યારનો જોઉં છું, યાર એટલો બધો પોતાનામાં ખોવાઇ ન જા કે આજુબાજુમાં કોણ છે એનો અંદાજ પણ ન રહે! આપણે સાથે ભણતા હતા ત્યારે સૂર્યાસ્ત જોવા નદીએ જતા હતા. હમણાં ફ્લાઇટમાંથી ડૂબતો સૂરજ દેખાતો હતો અને તારું ધ્યાન લેપટોપમાં જ હતું! તેં મારી સામે ન જોયું એનો કોઈ વાંધો નથી પણ તેં તો તારી સામે પણ નથી જોયું! આવું એટલા માટે કહું છું કે, તને એક સમયે પ્રકૃતિને માણવાનો શોખ હતો. એક વખત બુક વાંચવાની વાત કરી ત્યારે તેં કહ્યું હતું કે, મને તો લોકોના ચહેરા વાંચવાની મજા આવે છે. એક સમયે કોઇકના ચહેરા વાંચવાવાળો તું ક્યારેય તારો ચહેરો વાંચે છે ખરો? આપણામાંથી કેટલા લોકો પોતાનો ચહેરો વાંચે છે? આપણે તૈયાર થવા માટે અરીસાની મદદ લઈએ છીએ. ક્યારેક એ જ અરીસાની હેલ્પ આપણા જ ફેસ રીડિંગ માટે કરવા જેવી છે. પોતાની સામે આંખ માંડીને વિચારજો કે, જિંદગી એવી જ જઈ રહી છે જેવી તમે વિચારી હતી? બીજું કંઈ નહીં તો માત્ર એટલું વિચારજો કે, મને મારી જિંદગી જીવવાની મજા તો આવે છેને? હવે તો આપણને આપણા માટે પ્રશ્નો પણ નથી થતા! પ્રશ્નો જ ન થાય તો જવાબો ક્યાંથી મળવાના છે? જિંદગીનો એક સિદ્ધાંત એ છે કે, જિંદગીને વહેવા દેવી. અલબત્ત, એનો મતલબ એવો જરાયે નથી કે, જે થાય એ થવા દેવું! જિંદગીને તપાસતા રહેવી પડે છે કે, એ રાઇટ ટ્રેક પર તો છેને? જિંદગીની ગાડી આડે પાટે તો નથી ચડી ગઇને?
તમારી લાઇફ કેટલી રિઅલ રહી છે? એક છોકરો અને એક છોકરી પહેલી વખત મળતાં હતાં. બંને સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતાં હતાં. છોકરીને જોઈને છોકરાએ કહ્યું, તું તો સોશિયલ મીડિયામાં દેખાય છે એવી જ છે! છોકરીને સમજાયું નહીં. તેણે પૂછ્યું, કેમ આવું કહે છે? છોકરાએ કહ્યું, મને એમ હતું કે, તું ફિલ્ટર મારીને ફોટા હોય એના કરતાં વધુ સારા કરીને અપલોડ કરતી હોઇશ! છોકરીએ કહ્યું, ફોટાની વાત તો એની જગ્યાએ છે, હું તો મારી જિંદગી પણ કોઇ પણ જાતના ફિલ્ટર વગર જીવવામાં માનું છું. જે છે એ છે. માણસ તરીકે સારી થઇ શકું તો ઘણું છે. મારું ફિલ્ટર મારા વિચારો છે, એ ફિલ્ટર હું મારતી રહું છું. અંદરથી સારા થવાનું ફિલ્ટર યુઝ કરતા આવડી જાય તો પછી બહારના દેખાવની બહુ ચિંતા કરવા જેવું રહેતું નથી. આપણે બધા બહારની ચિંતા વધુ કરીએ છીએ. બહારથી જાજરમાન, ગોર્જિયસ દેખાવવું છે, અંદરથી ભલે ખોખલા અને બોદા હોઈએ!
માણસ હોય એના કરતાં થોડોક સારો દેખાવવાનો પ્રયાસ કરે એમાં કશું ખોટું નથી. બધા એવું કરતા હોય છે. સારા દેખાવવું બધાને ગમતું હોય છે. અલબત્ત, ફોટાને સાવ જ બદલી નાખવો એ સરવાળે આપણે ન હોઇએ એવા દેખાવવાનો પ્રયાસ છે. માણસની અત્યારની સમસ્યા જ એ છે કે, એ જે નથી એવા એને દેખાવવું અને દેખાડવું છે, એના કારણે એ જે હોઇએ છીએ એ દેખાતા નથી. માણસ રૂપાળો ન હોય તો ચાલશે પણ માણસ સારો હોવો જોઇએ. માણસનું સારાપણું ઓળખાઇ જતું હોય છે. નમ્રતા કે ઉગ્રતા માણસના સ્વભાવ અને પ્રકૃતિની ચાડી ખાઈ જાય છે. તને ખબર છે હું કોણ છું? તું મને ઓળખે છે કે નહીં? મારી સાથે માથાકૂટમાં ઊતરતા પહેલાં સો વાર વિચાર કરજે, ભારે પડી જશે. ઘણાનાં મોઢે આવું સાંભળવા મળતું હોય છે. ઘણા તો પોતે શું છે એ સાબિત કરવા માટે જાતજાતના ધમપછાડા પણ કરતા હોય છે. સરવાળે તો એ પણ માણસ કેવો છે એ જ છતું કરતા હોય છે. સારા માણસે કોઈને કહેવાની જરૂર નથી. ખરાબ માણસ જેમ વર્તાઈ આવે છે એમ સારો માણસ પણ પરખાઈ જતો હોય છે. સારપની એક અનોખી આભા હોય છે. ઘણાના ચહેરા જોઈને જ એના પર ભાવ આવી જાય છે. ચહેરો માણસના મન અને દિમાગમાં શું ચાલે છે એ છતું કરી દે છે. કેટલાંકના ચહેરા જોઈને આપણને સમજાઈ જાય છે કે, એના મનમાં કંઇક ઉત્પાત ચાલી રહ્યો છે. આપણે ખુશ હોઇએ ત્યારે આપણા ચહેરાની રોનક અને આપણે ઉદાસ કે હતાશ હોઇએ ત્યારે આપણા ચહેરાની દશા જુદી હોય છે. આપણે ઘણાનો ચહેરો જોઈને કહીએ છીએ કે, એનો ચહેરો કેવો ઊતરી ગયો હતો? ચહેરો પડી જતો હોય છે અને ખીલી પણ જતો હોય છે. સારો માણસ ભલે રૂપાળો ન હોય પણ એનું સૌંદર્ય પરખાઈ આવતું હોય છે. જિંદગીને સરસ રીતે જીવવાની પ્રાથમિક શરત એ છે કે હળવા અને હસતાં રહો! પોતાનો ચહેરો પણ નિરખતા રહો. ઘણા લોકો બીજાનો ચહેરો વાંચી શકતા હોય છે પણ પોતાના ચહેરાની ભાષા જ ઉકેલી શકતા નથી!
છેલ્લો સીન :
આવતી કાલ ઉજળી બને એના માટે થાય એ બધું કરો પણ એક વાત યાદ રાખો કે, આવતીકાલની લાયમાં આજ બગડી ન જાય. ઘણા લોકો પ્લાનિંગમાં જ જિંદગી પસાર કરી દેતા હોય છે. સાચી જિંદગી એ જ છે જે રોજેરોજ જિવાતી હોય છે. સમથિંગ સ્પેશિયલની રાહ જોઈને બેઠા ન રહો, રૂટિનને પણ એન્જોય કરો! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com