કોઈનું દુ:ખ દૂર કરવાનું
સુખ ગજબનું હોય છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
દોડતું આવી છુપાઈ જાય છે, કો’ક મારામાં સમાઈ જાય છે,
લાગણીનું સરનામું હું શું લખું? આંખ પણ સાલી ભરાઈ જાય છે.
-શૈલેષ પંડ્યા, `ભીનાશ’
દરેક માણસને ક્યારેક એવો વિચાર આવતો હોય છે કે, આખરે આ જિંદગીનો મતલબ શું છે? હું જે કરું છું એ શેના માટે અને કોના માટે કરું છું? માણસ પોતાના જ વિચારોમાં ખોવાઈ જતો હોય છે. એક હદ સુધી વિચારીને માણસ પાછો ફરી જાય છે. ક્યારેક એવું લાગે છે કે જિંદગી આપણા કંટ્રોલમાં છે. ક્યારેક જિંદગી એ સ્ટેજ પર આવીને ઊભી રહી જાય છે કે, આપણને કંઈ સમજાય જ નહીં! જિંદગીનો કંટ્રોલ જ ગુમાવી દીધો હોય એવું લાગે છે. કશું જ આપણા હાથમાં નથી. ક્યારેક જિંદગીમાં કોલાહલ હોય છે, તો ક્યારેક શૂન્યાવકાશ અને સન્નાટાનો અહેસાસ થાય છે. જિંદગી પણ આપણી સાથે ગજબની રમત રમતી રહે છે. આપણે ધાર્યું હોય એવું થાય નહીં અને ક્યારેક એવું થઈ જાય જેની આપણે સપનામાંયે કલ્પના કરી ન હોય. એક મુકામે પહોંચ્યા પછી એવું લાગે કે, શું મારે અહીં પહોંચવું હતું? જવું હોય છે ક્યાં અને પહોંચી જવાય છે ક્યાં? માણસ આખરે જે કંઈ કરતો હોય છે એનો અંતિમ ઉદ્દેશ શું હોય છે? એક માણસ સંત પાસે ગયો. સંત સાથે સત્સંગ દરમિયાન સંતે સવાલ કર્યો. તારે શું જોઇએ છે? એ માણસે જવાબ આપ્યો, સુખ, શાંતિ, આનંદ, ખુશી અને હળવાશ! સંતે પૂછ્યું, એ મળે છે? માણસે કહ્યું, ક્યારેક સુખની અનુભૂતિ થાય છે તો ક્યારેક સુખ છટકી જતું હોય એવું લાગે છે. સુખ પાછળ દોડવામાં ક્યારેક દુ:ખી થઇ જવાય છે. સંતે કહ્યું, સુખ પાછળ દોડે છે શા માટે? આંખો મીંચીને એવો વિચાર કર કે, હું સુખી છું! એ માણસે કહ્યું કે, આપણે આવો વિચાર કર્યા પછી પણ એવો વિચાર આવી જાય છે કે, ખરેખર હું સુખી છું ખરો? આપણે પછી મુશ્કેલીઓ, સમસ્યાઓ અને પડકારો વિશે વિચારવા લાગીએ છીએ. એવું થાય છે કે, આટલી મુશ્કેલીઓનો અંત આવે તો સુખ ફીલ થશે. એ મુશ્કેલી દૂર થાય છે ત્યાં નવી મુશ્કેલી પેદા થઇ ગઇ હોય છે.
સુખની વ્યાખ્યા શું? મજા આવે એ સુખ છે? કોઇ ટેન્શન ન હોય એ સુખ છે? આપણું ધાર્યું થાય એ સુખ છે? શું દરેક પરિસ્થિતિમાં સુખી અને ખુશ રહેવું શક્ય છે? એવું શક્ય હોત તો બધા જ લોકો સુખી અને ખુશ ન રહેતા હોત! ક્યારેક તો કોઇ કારણ વગર મજા આવતી હોતી નથી. આપણને પોતાને જ સમજાતું નથી કે, કોઈ તકલીફ નથી છતાં મજા કેમ નથી આવતી? ક્યારેક અનેક ચેલેન્જીસ વચ્ચે પણ સારું લાગતું હોય છે. સુખની કોઇ એક વ્યાખ્યા થઇ શકે નહીં. દરેક માટે સુખ જુદું જુદું હોય છે. ભૂખ્યા માણસને બે ટંક પેટ ભરીને જમવાનું મળી જાય એ સુખ છે. માણસ સતત સુખ માટે ભટકતો રહે છે. કોઇ ને કોઇ આશરો શોધતો હોય છે. એ આશરો ક્યારેક મળી પણ જાય છે. થોડો સમય સારું પણ લાગે છે પછી એમાં પણ કોઇ રોમાંચ રહેતો નથી. એક ફિલોસોફર હતો. એક છોકરી તેની પાસે ગઇ. તેણે ફિલોસોફરને સવાલ કર્યો. દુ:ખ શા માટે આવે છે? ફિલોસોફરે કહ્યું, સુખની અનુભૂતિ થાય એ માટે! માણસથી એકધારું કંઈ જ સહન ન થઇ શકે. ગતિ સતત ચાલુ રહેવી જોઇએ. એ સતત ઉપરની જ રહે એવું જરૂરી નથી. દુ:ખ, વેદના, પીડા એ પણ સંવેદનાનો જ એક હિસ્સો છે. હેપીનેસ તેની સાથે થોડુંક પેઇન લઇને આવે છે. આપણે જેને પ્રેમ કરતા હોઇએ એની ચિંતા રહેવાની છે. પોતાની વ્યક્તિની ચિંતા હોવી એ પણ પ્રેમ જ છે. એક છોકરીની આ વાત છે. એ એક યુવાનને ખૂબ જ પ્રેમ કરતી હતી. યુવાન પણ તેની પાછળ પાગલ હતો. બંનેએ મેરેજ કર્યા. એક વખત એ છોકરીએ કહ્યું કે, બધું જ છે છતાં ડર લાગ્યા રાખે છે. એ ઘરે પાછો ન આવે ત્યાં સુધી એવા વિચારો આવ્યે રાખે છે કે, એને કંઈ થયું તો નહીં હોયને? એને કંઇ થઇ તો નહીં જાયને? બહુ ખુશ હોવ ત્યારે પણ ડર લાગે છે કે, કંઇક થઇ નહીં જાયને? આવા ડરનો કોઇ મતલબ હોતો નથી પણ એવું થતું હોય છે.
તમને ક્યારે સુખની અનુભૂતિ થાય છે? આ સવાલ તમે જેટલા લોકોને પૂછશો એટલા પાસેથી અલગ અલગ જવાબ મળશે. એક યુવાનને આ સવાલ જ પૂછવામાં આવ્યો કે, તને સાચા સુખનો અહેસાસ ક્યારે થાય છે? એ યુવાને કહ્યું કે, કોઇનું દુ:ખ દૂર કરીને! કોઇના ચહેરા પર આનંદ જોઇને જ સાચો આનંદ મળે છે. તમે કોઇના સુખ, કોઇની ખુશી અને કોઇના આનંદ માટે નિમિત્ત બની શકો ત્યારે જે સુખ મળે છે એ બીજા સુખ કરતાં જુદું અને થોડુંક અલૌકિક હોય છે. માણસ વિશે ભલે એવું કહેવાતું હોય કે, દરેક માણસ પોતાના માટે જીવતો હોય છે પણ સાવ એવું હોતું નથી. માણસ માત્ર પોતાના માટે જ નહીં, પોતાના લોકો માટે જીવતો હોય છે. પોતાના લોકોને એણે સુખી કરવા હોય છે. પત્ની, બાળકો, મા-બાપ કે બીજા પરિવારજનો માટે માણસ સખત મહેનત કરતો હોય છે. બધાની ડિમાન્ડ હોય છે, એ ડિમાન્ડને સંતોષવાની એક ખુશી હોય છે. પોતાના લોકો માટે તો માણસ બધું કરતો જ હોય છે, એવા લોકોની પણ કમી નથી જે પારકા કે અજાણ્યા લોકોની ખુશી માટે પણ કંઇક ને કંઇક કરતા રહે છે. એક યુવાન હતો. તે ગરીબ લોકોના વિસ્તારમાં જઇને એ લોકોને મદદ કરવાના સતત પ્રયાસો કરતો. બાળકો માટે આઇસક્રીમ લઇ જતો. એક વખત તેના મિત્રએ પૂછ્યું, તું આવું બધું શા માટે કરે છે? યુવાને કહ્યું, ક્યારેક કોઇનું નાનકડું દુ:ખ દૂર કરી શકું ત્યારે મને સુખની ગજબની અનુભૂતિ થાય છે. એ પછી તેણે એક વાત કરી. તેણે કહ્યું, હું સામાન્ય પરિવારમાં ઉછર્યો છું. સ્કૂલની ફી ભરવાના રૂપિયા નહોતા. ચોપડા જ્ઞાતિના મંડળમાંથી લઇ આવતો હતો. કોઈ ક્યારેક નાનકડી ચીજવસ્તુઓ આપતા તો પણ આનંદ થઇ જતો. એ વખતે જિંદગી સામે કોઈ ફરિયાદ નહોતી અને આજે પણ નથી. જોકે, એવો વિચાર આવી જાય છે કે, કોઇએ મારા માટે જે કર્યું છે એવું જ કંઇક મારે પણ કોઇના માટે કરવું જોઇએ. મને જેણે મદદ કરી છે એનું ઋણ તો હું ક્યારેય ઉતારી શકું એમ નથી પણ હું બીજા કોઇને મદદ તો કરી શકુંને? ઋણ ઉતારવાના અને ફરજ અદા કરવાના ઘણા રસ્તા હોય છે, મેં આ રસ્તો અપનાવ્યો છે. હું કોઇ મહેરબાની કરતો નથી. પુણ્ય મળતું હશે કે કેમ એ તો મને ખબર નથી પણ ખુશી તો મને દર ક્ષણે ફીલ થાય છે. કોઈ બાળકના હાથમાં આઇસક્રીમ આપો અને એના ચહેરા પર જે ખુશી જોવા મળે એની ટાઢક જિંદગીમાં શાતા વરસાવી દે છે. સુખ તો હંમેશાં હાથવગું હોય છે આપણે ઘણી વખત સુખ મેળવવા માટે ફાંફાં મારતા હોઇએ છીએ. સુખ, ખુશી અને આનંદ દરેક માણસે પોતાની રીતે શોધવાનાં હોય છે, એ રીત એવી હોવી જોઇએ જેનાથી દુખી, નારાજ, ઉદાસ કે હતાશ ન થવાય. તમારા સુખને તમે ઓળખો છો? તમને ખબર છે તમને શેનાથી સુખ મળે છે? કોની સાથે હોવ ત્યારે તમને સારું લાગે છે? કેટલાંક જવાબો માણસે પોતે શોધવા પડતા હોય છે. સુખ વિશે છેલ્લે એક વાત, સુખ તો હાજરાહજૂર જ હોય છે આપણે દુ:ખને નોતરીએ છીએ એટલે સુખ આપણાથી દૂર થઇ જાય છે. દુ:ખમાં જ પરોવાયેલા રહેશો તો સુખ વર્તાશે જ નહીં, દુ:ખને ખંખેરવું પડતું હોય છે. દુ:ખને પકડી રાખીએ તો એ આપણને વળગેલું જ રહે છે!
છેલ્લો સીન :
તમે આખી દુનિયાના લોકો કરતાં એક ટકો પણ જુદા પડો છો? થોડુંક નવું વિચારો છો? કંઈક અનોખું કરો છો? બીજું કંઈ ન થઇ શકે તો પણ માણસે છેલ્લે પોતે હોય એવા જ રહેવું જોઇએ! આપણે ઘણાને ફોલો કરતા હોઇએ છીએ, થોડાક પોતાને પણ ફોલો કરવા જોઇએ! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 05 નવેમ્બર, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com