સારા અને સાચા રહેવાની મેં મોટી કિંમત ચૂકવી છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

સારા અને સાચા રહેવાની
મેં મોટી કિંમત ચૂકવી છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


હું જે ધારું કોઈ દિવસ થાય ના? દર્દ ચારેકોરથી વહેરાય ના?
દમ હજી દરિયામાં ક્યાં છે એટલો! તું ડુબાડી દે તો કહેવાય ના.
-જુગલ દરજી


દુનિયાના નિયમો, દુનિયાનો મિજાજ, દુનિયાની માન્યતાઓ અને દુનિયાના ખયાલો બહુ વિચિત્ર હોય છે. આ જગત એવું છે જ્યાં સારા લોકોને નબળા માનવામાં આવે છે અને બદમાશને શક્તિશાળી સમજવામાં આવે છે. ક્યારેક કેટલાંક લોકોનો દબદબો જોઇને એવો વિચાર આવ્યા વગર ન રહે કે આ માણસમાં એવી તે શું લાયકાત છે કે, તે આટલો બધો પાવર કરે છે? એક યુવાન સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો કે, મારી સાથે એક યુવાન કામ કરે છે. એ દરેકને ડરાવે છે. પોતે ખોટું કરે છે અને બીજા પાસે પણ કરાવે છે. હું કંઇ જ ખોટું કામ કરતો નથી. એકદમ સત્યના રસ્તે ચાલું છું. પૂરી પ્રામાણિકતાથી અને ખૂબ જ મહેનતથી મારું કામ કરું છું. જો સારાની કદર થતી હોય તો મારો કેમ કોઈ ભાવ પૂછતું નથી? સંતે કહ્યું, ભાવ એનો પુછાતો હોય છે જે વેચાવવા તૈયાર હોય છે. અમૂલ્યની કોઈ કિંમત આંકી શકાતી નથી. દુનિયામાં બધા લોકો બિકાઉ હોતા નથી. કેટલાંક લોકો પોતાની કિંમત પોતે જ નક્કી કરી લેતા હોય છે. એને એટલું મળી જાય એટલે એ હાએ હા કરવા લાગે છે. દુનિયામાં બે વસ્તુ છે, એક છે વેલ્યૂ અને બીજી છે ન્યૂસન્સ વેલ્યૂ. ન્યૂસન્સ હોય એનાથી લોકો ડરતા હોય છે. એને પજવીશું તો એ હેરાન કરશે એવો ડર રહેતો હોય છે. બીજી વાત એ છે કે, બધા લોકો કંઇક ને કંઇક ફોલ્ટમાં હોય છે. તેને અંદરખાને એ પણ ડર લાગતો હોય છે કે, હું એની સામે પડીશ તો એ મારી પણ પોલ ખોલી નાખશે. હવે બીજી વાત, તું કહે છે કે, તારી કોઇ કદર નથી કરતું. તારે કદર કરાવીને કરવું છે શું? તને તારા પોતાનું ગૌરવ હોય એ પૂરતું છે. બીજાને જે કરવું હોય એ કરે, આપણને એટલી ખબર હોય એ પૂરતું છે કે હું સાચો અને સારો છું. જે લોકો બીજાને જોઇને પોતાનું અસ્તિત્ત્વ નક્કી કરે છે એ હંમેશાં ખોટા રસ્તે ચડી જાય છે. આપણને ઘણી વખત એવો પણ વિચાર આવી જાય કે, બધા ખોટું કરે જ છે, મારે સારા રહીને શું કરવું છે? એક છોકરીની આ સાવ સાચી વાત છે. એ સરકારી જોબ કરતી હતી. કંઇ જ ખોટું ન કરે. એક વખત તેના કલીગે કહ્યું કે, તને બધા મૂરખ કહે છે. સામેથી રૂપિયા આવતા હોય તો પણ તું નથી લેતી. એ છોકરીએ કહ્યું, હું રૂપિયા નથી લેતી એટલે મને મૂરખ કહે છે, રૂપિયા લેતી હોઉં તો શું કહેત? એ જને કે, કરપ્ટ છે! મારે કોઇનાં સર્ટિફિકેટ જોઈતાં નથી. હું બીજાની નજરમાં સારી રહેવા માટે પણ પ્રામાણિક નથી રહેતી, હું તો મારા માટે જ બધું કરું છું. મને કોઈ ડંખ ન રહેવો જોઇએ. તમે બધાનો વિચાર કરવા જાવ તો ક્યારેય તમારા માર્ગ પર ચાલી ન શકો.
દરેક માણસે એ નક્કી કરવું પડતું હોય છે કે, મારે કેવા રહેવું છે? આપણે બગડવું ન હોય તો કોઈ આપણને બગાડી શકતું નથી. આપણે ખોટું કરતા હોઇએ તો એમાં પણ વાંક તો આપણો જ હોય છે. આપણે જે હોઇએ એના માટે માત્ર ને માત્ર આપણે જ જવાબદાર હોઇએ છીએ. આપણે કોઇના કારણે સુધરી શકીએ પણ બગડતા તો આપણા કારણે જ હોઇએ છીએ. અત્યારના સમયમાં એક વાત પણ યાદ રાખવા જેવી છે કે, તમે સારા અને સાચા રસ્તે હશો તો તમને લોકો સીધા નહીં પણ નબળા જ સમજશે. માણસને માપવાના દુનિયાના કાટલા જ બદલાઈ ગયા છે. શક્તિ અને સામર્થ્યની વ્યાખ્યા જ બદલાઈ ગઇ છે. લોકો હિસ્ટ્રીશિટરને પણ સલામો ઠોકે છે. એનાં વખાણ પણ કરે છે. એના વિશે ઊંચી ઊંચી વાતો પણ કરે છે. કોઇની હિંમત છે કે, એની સામે પડે! એની સામે ભલભલાના ટાંટિયા ઢીલા થઇ જાય છે! લોકો જ કેટલાંક અયોગ્ય તત્ત્વોને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપે છે કે, પેલી વ્યક્તિ પોતાની જાતને જ તાકાતવર સમજવા લાગે છે.
દુનિયા એક નંબરની ડરપોક છે. જરાકમાં ગભરાય છે. થોડાક સ્વાર્થમાં લલચાઇ જાય છે. અસત્ય, બદમાશી, ઢોંગ કે દંભનો સામનો કરવાની તાકાત જ લોકોમાં રહી નથી. તમે સાચા હો પછી કોઇ વાતથી ડરવાની જરૂર જ શું છે? હા, સારા રહેવાની કિંમત ક્યારેક ચૂકવવી પડતી હોય છે. એ જ તો આપણને અમૂલ્ય બનાવે છે. બધા જેમ ચાલતા હોય એમ ચાલવાનું બહુ સહેલું છે. એક માણસની આ વાત છે. એ સરકારી નોકરી કરતો હતો. ક્યારેય ખોટું ન કરે. થોડો સમય તો બરાબર ચાલ્યું પણ બાદમાં એ પણ બધા જેવો થઇ ગયો. તેના એક મિત્રે કહ્યું, તું તો બહુ પ્રામાણિકતાથી કામ કરતો હતોને? અચાનક શું થયું? એ માણસે કહ્યું કે, મેં સાચા અને સારા રહેવાની બહુ મોટી કિંમત ચૂકવી છે. હવે હું થાકી ગયો છું. હું ખોટું નહોતો કરતો એટલે મારી સાથેના કર્મચારીઓએ મને એકલો પાડી દીધો હતો. મારી સામે ખોટી ફરિયાદો કરી. મારી બદલી કરાવી નાખી. હું અહીંથી તહીં ભટકતો રહ્યો. મને મારા એક બોસે જ એવી સલાહ આપી કે, તારે ટકવું હોય તો બધા કરે છે એમ કરવા માંડ, બાકી કોઈ તને શાંતિથી જીવવા નહીં દે! આખરે મેં પણ એ રસ્તો લઇ લીધો જે રસ્તે બધા ચાલે છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, તું એમ કહે કે તેં સરળ રસ્તો પસંદ કરી લીધો. સાચા રહેવું અઘરું છે એમાં ના નહીં પણ અશક્ય નથી. મક્કમતાની ત્યારે જ જરૂર પડે જ્યારે તમારે સામા પ્રવાહે તરવાનું હોય.
દુનિયા ભલે એવી વાતો કરતી હોય કે બધું ખાડે ગયું છે, હવે પ્રામાણિક અને ઇમાનદાર એ જ વ્યક્તિ છે જેને ખોટું કરવાનો મોકો નથી મળ્યો. સાચી વાત એ છે કે, જેને સાચા અને સારા રહેવું છે એ કોઈ પણ સંજોગોથી ડરતા અને ડગતા નથી. જેને જે કરવું હોય એ કરે, હું એ જ કરીશ જે મારે કરવું છે એવું જે નક્કી કરી જાણે છે એ જ આજના સમયમાં ટકી શકે છે. હવે તો ખોટું કરવામાં પણ દેખાદેખી થવા લાગી છે. એક જ ઓફિસમાં બે કર્મચારીઓ કામ કરતાં હતા. બંને બધી રીતે પૂરા હતા. એક કર્મચારી ખોટી રીતે અઢળક નાણાં કમાતો હતો. બીજાને એ સમજાતું નહોતું કે, ખોટું તો હું પણ કરું છું પણ એની પાસે કેમ વધારે દૌલત હોય એવું લાગે છે? શું એ મારાથી વધારે કમાય છે? શું હું ખોટું કરવામાં નબળો પડું છું? લોકોની ગણતરીઓ કરવાની રીત સમૂળગી બદલાઇ ગઇ છે. છેલ્લે એક સંતે કહેલી વાત યાદ આવે છે, તેમણે કહ્યું કે, તમને સારો અને સાચો માણસ મળેને તો એને આદર આપજો. એને કહેજો કે, અમને તમારું ગૌરવ છે. સારા માણસો ટકી રહે એ માટે એવું કરવું જરૂરી છે. જે ખોટું ન કરતા હોય, જે સારી રીતે બધા સાથે વર્તતા હોય, જે પોતાના કામથી કામ રાખતા હોય એને નબળા ન સમજો, સાચા શક્તિશાળી લોકો એ જ છે. તમે સારી અને સાચી રીતે જીવતા હોવ, તમારું કામ ઇમાનદારી અને નિષ્ઠાપૂર્વક કરતા હોવ તો તમે મહાન જ છો. એક માણસે કહ્યું કે, મારા માટે સૌથી મહત્ત્વની વાત એ જ છે કે, હું મારી નજરમાંથી નીચો ન પડું. મને મારું ગૌરવ છે અને એ જ મારા માટે પૂરતું છે!
છેલ્લો સીન :
કોઈએ કેડી બનાવવાની તસ્દી ન લીધી હોત તો દુનિયામાં કદાચ કોઈ રસ્તો જ ન હોત! કોઈએ બનાવેલા માર્ગ પર ચાલવું બહુ આસાન છે, જેને કંઇક કરવું હોય છે એ બીજા કોઇ માટે નહીં તો એટલિસ્ટ પોતાના માટે તો અલગ માર્ગ બનાવી જ જાણે છે!
-કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 29 ઓક્ટોબર, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

11 thoughts on “સારા અને સાચા રહેવાની મેં મોટી કિંમત ચૂકવી છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

  1. saacha ane saaraa rahevu kadach aghru hashe pan ashaky nathi. tamara saarap ni bija ne aadat pado. e loko tamara saarap ni raah jota thai jase

  2. Pingback: tok essay help

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *