સ્ક્રીન એડિક્શન : તમે તો ભોગ બની ગયા નથીને? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


સ્ક્રીન એડિક્શન : તમે તો
ભોગ બની ગયા નથીને?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

માણસને સ્ક્રીનની એટલી બધી આદત થઇ ગઇ છે કે
હવે સામે સ્ક્રીન ન હોય તો પણ જાતજાતના ભાસ થાય છે
આંખો બંધ કરો તો ઇમોજી દેખાય છે!


———–

તમે ક્યારેય માર્ક કર્યું છે કે, દિવસ દરમિયાન તમારી સામે કેટલી સ્ક્રીન આવે છે? મોબાઇલ તો આપણા હાથમાં જ હોય છે. મેળ પડે કે તરત જ આપણે મોબાઇલ જોઇ લઇએ છીએ. ઘરમાં ટીવી ચાલુ હોય છે. ઘરની સિક્યોરિટી પણ હવે ડિજિટલ થઇ ગઇ છે. ઘરના દરવાજે પહેલાં ડોરઆઇ લગાવવામાં આવતી હતી. હવે ત્યાં કેમેરા હોય છે અને કોણ આવ્યું છે એ આપણને સ્ક્રીન પર દેખાય છે. કારમાં પણ હવે ડિજિટલ સ્ક્રીન હોય છે. રોડ પર જતા હોઇએ ત્યાં હોર્ડિંગ્સ પણ હવે ડિજિટલ સ્ક્રીન જ હોય છે. ઓફિસમાં કામ કરતા હોઇએ ત્યારે સામે કમ્પ્યૂટર કે લેપટોપ હોય છે. એ સિવાય પણ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઇ સ્વરૂપે સ્ક્રીન આપણી નજર સામે આવી જ જાય છે. આપણી આંખ સ્ક્રીનનો આટલો બોજ સહન કરી શકે એમ છે ખરી? રાત પડ્યે આંખ પર રીતસરનો ભાર વર્તાય છે. આંખમાં તો હજુયે ટીપાં નાખી લેશો પણ મગજ પર સ્ક્રીનની જે અસર થાય છે એનું શું કરશો? આ બધા વચ્ચે જે સંશોધનો થઇ રહ્યાં છે એ એવું કહે છે કે, લોકોનો સ્ક્રીન ટાઇમ સતત વધી રહ્યો છે. દુનિયા ડિજિટલ થઇ રહી છે. જે પરિવર્તનો થઇ રહ્યાં છે એને તમે રોકી શકવાના નથી. હા, તમે ઇચ્છો તો તમારી જાતને સ્ક્રીન એડિક્શનથી બચાવી શકો છો. એ પહેલાં તો આપણને એટલી ખબર હોવી જોઇએ કે, હું સ્ક્રીન એડિક્શનનો શિકાર બન્યો છું. કેટલીક બીમારીઓ એવી હોય છે જેનાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી. સ્ક્રીન એડિક્શનમાં પણ આપણને ખબર જ નથી પડતી કે, આપણે ક્યારે એનો ભોગ બની ગયા!
તમે દરરોજ કેટલા કલાક મોબાઇલ વાપરો છો? હવે તો મોટા ભાગના ફોનમાં એવી સુવિધા છે જે તમને તમારો ફોન યુસેઝ ટાઇમિંગ બતાવી દે. દિવસ દરમિયાન કેટલો સમય ફોન વાપર્યો, કેટલી વખત ફોન પિક કર્યો, કઈ એપ્લિકેશન કેટલો સમય જોઈ, એની ઝીણામાં ઝીણી વિગતો તમે ઇચ્છો તો તમે મેળવી શકો છો. જોકે, એવી ચિંતા કરે છે કોણ? સમય મળ્યો નથી કે, મોબાઇલ લઇને બેસી જવાનું. રાતના મોડે સુધી ટીવી પર કે મોબાઇલમાં કોઇ ને કોઇ ઓટીટી પ્લેટફોર્મ પર વેબસીરિઝ કે કંઇક ને કંઇક જોતાં રહેવાનું. દેશમાં અત્યારે ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. લોકો હવે ટીવીને બદલે મોબાઇલમાં મેચ જોતા થઇ ગયા છે. ટ્રાવેલિંગ દરમિયાન પણ લોકો મોબાઇલ પર કંઇક ને કંઇક જોતા રહે છે. એક રીતે જોવા જઇએ તો એમાં કશું જ ખોટું નથી પણ મોબાઇલના ઉપયોગમાં પેલી વાત તો લાગુ પડે જ છે કે, એનીથિંગ એક્સેસ ઇઝ પોઇઝન. અતિ સર્વત્ર વર્જયેત. આપણે નક્કી કરવું પડે છે કે, મોબાઇલ કે બીજી કોઇ ડિજિટલ ડિવાઇસનો કેટલો ઉપયોગ કરવો.
સ્ક્રીન એડિક્શનના કારણે લોકો જાતજાતના ભ્રમમાં રાચવા લાગે છે. મુંબઈની કેઇએમ હોસ્પિટલ દ્વારા હમણાં સ્ક્રીન એડિક્શન વિશે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ એવું કહે છે કે, જે લોકો સ્ક્રીન એડિક્શનનો ભોગ બનેલા છે તેને ફોન હાથમાં ન હોય તો પણ રિંગ સંભળાય છે, મેસેજનો ટોન વાગ્યો એવો ભાસ થાય છે. આંખો બંધ કરે તો પણ ઇમોજી દેખાય છે. જે લોકોને વધુ સમય ગેઇમ રમવાની આદત છે તેને જે ગેઇમ રમતા હોય તેનાં પાત્રો કે ચીજવસ્તુ અથવા તો ઇમોજી દેખાતાં રહે છે. આ બધું તો ઠીક છે પણ જો કોઇ વ્યક્તિ એક જ વ્યક્તિના વીડિયો કે પોસ્ટ વધુ પડતી જોતી હોય તો એવું માનવા લાગે છે કે મારે તેની સાથે રિલેશન છે. કાલ્પનિક સંબંધો ક્યારેક હાનિકારક પણ સાબિત થાય છે. જેને ક્યારેય મળ્યા ન હોય, જેની સાથે ક્યારેય વાત પણ ન કરી હોય કે જેને ક્યારેય જોઇ પણ ન હોય એ વ્યક્તિ પોતાની લાગવા માંડે છે. તેને પેરાસોશિયલ રિલેશનશિપ તરીકે ઓળખવામાં આવે છે. ડિજિટલ એડિક્શન વિશેનું બીજું એક રિસર્ચ એવું જણાવે છે કે, જે વ્યક્તિ દરરોજ ત્રણ કલાકથી વધુ સ્ક્રીન સામે હોય છે એ કારણ વગરના ઉચાટમાં જીવવા લાગે છે. તેને સતત એવું થાય છે કે, કંઇક ખૂટી ગયું છે, હું પાછળ રહી ગયો છું, બધા આગળ નીકળી ગયા છે. આ બધાના કારણે એ હાઇપર એક્ટિવ, આક્રમક અને અધીરા થઇ જાય છે. નાની ઉંમરમાં ડિપ્રેશનનું કારણ ડિજિટલ ઓવરડોઝ જ છે.
ધ ન્યૂએજ ડિજિટલ મીડિયા કન્ઝમ્પશન : ધ સરવૅ ઓન સોશિયલ મીડિયા, ઓટીટી કન્ટેન્ટ એન્ડ ઓનલાઇન ગેઇમિંગ નામે એક અભ્યાસ અમદાવાદ આઇઆઇએમ અને દિલ્હીના એનજીઓ ઇસ્યા સેન્ટર્સ દ્વારા કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, લોકો સરેરાશ 194 મિનિટ એટલે કે સવા ત્રણ કલાક જેટલો સમય સોશિયલ મીડિયા પાછળ ખર્ચે છે. એ સિવાય ટીવી કે બીજી ડિજિટલ ડિવાઇસનો સમય તો જુદો. એક વખત મોબાઇલ હાથમાં લીધા પછી કોઇ કંટ્રોલ જ રહેતો નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે તમને જે ગમતું હોય, તમે જે જોતા હો એ જ સતત તમારી સામે આવતું રહે છે. તમે લલચાઇ જાવ છો, જોવાનું રોકી જ નથી શકતા, મૂળ કામ જેના માટે મોબાઇલ હાથમાં લીધો હોય છે એ પણ ભુલાઈ જાય છે. ઓચિંતાનું યાદ આવે છે કે, મારે શું કામ હતું? લોકોને એમ પણ થાય છે કે, હું આ શું કરું છું? સોશિયલ મીડિયા અને બીજાં પ્લેટફોર્મ આપણી રગેરગથી વાકેફ છે, એટલે જ એ આપણો સમય ખાઇ જવા માટે તમામ પેંતરાઓ અપનાવે છે. સમય બગડે એ તો હજુ સમજી શકાય પણ આપણને ખબર ન પડે એમ આપણું મગજ, આપણું બિહેવિયર અને આપણી લાઇફસ્ટાઇલ પણ બદલાઈ જાય છે.
ડિજિટલ એડિક્શનના કારણે રિલેશનશિપ ક્રાઇસીસના કિસ્સાઓમાં પણ જબરજસ્ત વધારો થયો છે. એક સાઇકિયાટ્રિસ્ટે કહેલી વાત સાંભળવા જેવી છે. એક પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતાં હતા. પત્નીએ એક દિવસે કહ્યું કે, તું મને સ્પેસ જ નથી આપતો. આ સાંભળીને પતિએ કહ્યું કે, તારે મારાથી સ્પેસની જરૂર નથી, તારી સ્પેસ માટે તારે મોબાઇલથી દૂર રહેવાની જરૂર છે. આખો મામલો મેન્ટલ ટ્રીટમેન્ટ સુધી પહોંચ્યો હતો. આવા તો અનેક કિસ્સાઓ આપણી આજુબાજુમાં જ જોવા મળતા હોય છે કે, લોકોને પોતાના મોબાઇલ સિવાય બીજી કોઇ વાતમાં રસ જ ન હોય. આપણે ખુદ પણ ક્યારેક એવું જ કરતા હોઈએ છીએ. ધ્યાન ફોનમાં હોય છે. કોઇ કંઇ વાત કરે તો હાએ હા કરીએ છીએ પણ એમાં ધ્યાન નથી હોતું કે એ ખરેખર શું કહે છે! વૅલ, છેલ્લે એક વાત, સ્ક્રીન એડિક્શન અને તેનાથી પેદા થતા મેન્ટલ ડિસઓર્ડરથી બચવાનો ઉપાય શું? બહુ સહેલો અને સરળ ઉપાય છે. મોબાઇલનો ઉપયોગ મર્યાદિત કરી નાખો. પોતાના માટે જ એક ટાઇમ લિમિટ નક્કી કરો કે, હું રોજના આટલા સમય કરતાં વધુ સમય મોબાઇલ નહીં વાપરું. જરૂર હોય ત્યારે મોબાઇલનો ઉપયોગ કરવામાં કશું જ ખોટું નથી. આમ તો લોકો ખરેખર કામ માટે મોબાઇલનો ઉપયોગ બહુ ઓછો જ કરે છે, મોટા ભાગનો સમય સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પાછળ વપરાય છે. માત્ર મોબાઇલ જ નહીં, બીજા સ્ક્રીનથી પણ દૂર રહો. ખુલ્લા વાતાવરણમાં અને પ્રકૃતિની નજીક જાવ, મિત્રો અને બીજાં સ્વજનોને મળતા રહો. યાદ રાખો, ડિજિટલ એડિક્શનથી પોતાની જાતનું રક્ષણ આપણે પોતે જ કરવું પડશે. આદત પડી ગઇ હોય તો ધીમે ધીમે દૂર કરવાનો પ્રયાસ કરો. માનસિક તંદુરસ્તી માટે એ બહુ જ જરૂરી છે!
હા, એવું છે!
માણસની શારીરિક અને માનસિક શક્તિમાં ડિજિટલ વર્લ્ડે જબરજસ્ત ફેરફારો કર્યા છે. વર્તમાન સમયમાં માનસિક બીમારીનાં કારણોમાં વર્ચ્યુઅલ વર્લ્ડ સૌથી મોખરે છે. લોકો કાલ્પનિક દુનિયામાં એવા ખોવાઈ જાય છે કે તેને વાસ્તવિક વિશ્વનું ભાન જ નથી રહેતું. જેમ જેમ સમય જશે એમ એમ ડિજિટલ મેન્ટલ ડિસઓર્ડરનો ખતરો વધતો જ જવાનો છે! હજુ સમય છે, સાવધાન થઈ જવામાં જ સાર છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 25 ઓક્ટોબર, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *