સંબંધોમાં પણ ક્યારેક રામ
કે ભૂત કરી લેવું જોઈએ!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ, દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો,
એકાંત છેક તળિયે મળે તો મળી શકે, ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો.
-નયન દેસાઈ
સંબંધ ક્યારેય સીધી લીટીમાં ચાલતા નથી. ગમે એટલી નજીકની વ્યક્તિ હોય એની સાથે પણ ક્યારેક તો કોઇ બાબતે મતભેદ થવાનો જ છે. પોતાની વ્યક્તિ સાથે જ્યારે કોઇ મુદ્દે વિવાદ સર્જાય ત્યારે આપણે કેવી રીતે વર્તીએ છીએ તેના પરથી જ આપણા સંબંધોની સમજણ નક્કી થતી હોય છે. સંબંધો સાચવવા જતું કરવું પડે છે. આપણને ખબર હોય કે, વાંક આપણો નથી, ભૂલ આપણી વ્યક્તિએ કરી છે ત્યારે પણ આપણને વાત સંભાળી લેતા આવડવું જોઇએ. સંબંધોની એક નજાકત હોય છે. સંબંધોનું એક સત્ત્વ હોય છે. સંબંધોની પોતાની સંવેદનાઓ હોય છે. ભલે એવું કહેવાતું હોય કે, સંબંધોમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઇએ પણ કંઇક સ્વાર્થ તો રહેવાનો જ છે. છેલ્લે એવી ભાવના તો રહેવાની જ છે કે, મારી વ્યક્તિ મારી રહે, મને સાચવે, મને પેમ્પર કરે, મારી કેર કરે. આપણે જેને પ્રેમ કરતા હોઇએ, આપણે જેના માટે બધું કરવા તૈયાર હોઇએ એની પાસે આપણને પણ એટલી અપેક્ષા હોય છે કે, એ પણ આપણને પ્રેમ કરે, આદર આપે, સન્માન જાળવે. સંબંધ ક્યારેક કસોટીએ ચડે છે, કારણ કે બે વ્યક્તિ ક્યારેય એકસરખી હોતી નથી. બંને એકબીજાને પ્રેમ કરતાં હોય તો પણ બંનેની રીત જુદી હોય છે. આપણે આપણી વ્યક્તિને ઓળખવી પડે છે. એને તેના નેગેટિવ પોઇન્ટ્સ સાથે સ્વીકારવી પડે છે. એક કપલની આ વાત છે. બંનેને એકબીજા પ્રત્યે પૂરો પ્રેમ હતો. મેરેજ થયા પછી પત્નીને સતત એવું લાગતું હતું કે, મારો હસબન્ડ મારી કેર કરતો નથી. આઇ લવ યુ કહેતો નથી. એને પોતાના કામની જ પડી છે. ફરવા જવા માટે ક્યારેય રજા લેતો નથી. એક વખત પત્ની બીમાર પડી. પતિએ રજા લઇ લીધી અને આખો દિવસ પત્નીની સાથે રહ્યો અને તેનું ધ્યાન રાખ્યું. પત્નીને આશ્ચર્ય થતું હતું. તેને થયું કે, આ સાવ હું ધારું છું એવો નથી. એને મારી પડી તો છે જ. પત્ની સાજી થઇ ગઇ એ પછી તેણે પતિને કહ્યું કે, મને ખબર નહોતી કે, તું મારું આટલું ધ્યાન રાખીશ. પતિએ કહ્યું કે, કેમ એવું? ધ્યાન તો રાખું જને! પત્નીએ કહ્યું કે, મને સવાલ એટલો જ છે કે, બીમાર પડું ત્યારે જ ધ્યાન રાખવાનું? સાજીસારી હોઉં ત્યારે કંઇ ધ્યાન નહીં રાખવાનું? પતિએ કહ્યું, તારી વાત સાચી છે પણ મને અમુક વસ્તુ ખબર પડતી નથી. તારે મને કહી દેવું. પત્નીએ કહ્યું, બીમાર પડી ત્યારે તો મારે કહેવું નહોતું પડ્યું કે, મારી સાથે રહેજે. મારે રહેવું જોઇએ એ તને કેમ સમજાઇ ગયું? પતિએ કહ્યું કે, બધી વાત દરેક વખતે સમજાઇ જાય એવું જરૂરી નથી. ક્યારેક તમારે તમારી વ્યક્તિને પ્રેમથી સમજાવવી પણ પડે છે કે, તું આવું કરે તો મને ગમે. તારી અપેક્ષાઓ હોય એ સમજી શકાય એવી વાત છે પણ તારી અપેક્ષાઓ શું છે એ તો મને ખબર પડવી જોઇએને? આપણે ઘણી વખત એવું વિચારતા હોઇએ કે, એટલી ખબર ન પડે? ખબર ન પડતી હોય તો ખબર પડવી જોઇએ! ઘણી વખત તો બેમાંથી એક વ્યક્તિ ઝઘડા પર ઊતરીને ખબર પાડી દેવાના મૂડમાં આવી જાય છે. ચૂપ થઇ જાય છે. ચૂપ રહેવા કરતાં ક્યારેક ઝઘડી લેવું બહેતર હોય છે. એક કપલ હતું. બંનેએ કહ્યું કે, અમારે માથાકૂટ થાય ત્યારે અમે ઝઘડી લઇએ છીએ. જે કહેવું હોય એ મોઢામોઢ કહી દઇએ છીએ અને પછી વાત પૂરી કરી દઇએ છીએ. સૌથી મહત્ત્વની વાત એ જ હોય છે કે, વાત પૂરી થઇ જાય. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે વાત પૂરી થતી નથી અને લંબાતી જાય છે. ઝઘડો, વિવાદ, માથાકૂટ જેમ બને એમ વહેલાં ખતમ થાય એ સારા અને સ્વસ્થ સંબંધ માટે જરૂરી છે.
એક ફેમિલીની આ વાત છે. દીકરી પરણીને સાસરે ગઇ હતી. પતિ સાથે ઝઘડો થયો એટલે દીકરી પિયર આવી ગઇ હતી. આપણે ત્યાં ઘણાં ફેમિલીમાં ખાતી વખતે હાથમાંથી પડી ગયેલી ચીજવસ્તુનો ફરીથી ઉપયોગ કરવા માટે એવું બોલાય છે કે, રામ કે ભૂત? રામ કહે તો એ ચીજ ખાઇ લેવાની અને ભૂત કહે તો ફેંકી દેવાની? દીકરી એક વખત ચોકલેટ ખાતી હતી. દીકરીના હાથમાંથી ચોકલેટ પડી ગઇ. પિતા સામે બેઠા હતા. પપ્પા સામે જોઇને દીકરીએ પૂછ્યું, રામ કે ભૂત? પિતાએ કહ્યું, રામ. દીકરીએ ચોકલેટ હાથમાં લઇને મોઢામાં મૂકી દીધી. થોડી વાર પછી પિતા બોલ્યા, દીકરા સંબંધમાં પણ ક્યારેક રામ કે ભૂત કરી લેવું જોઇએ! નીચે પડી ગયેલી વસ્તુની જેમ ક્યારેય સંબંધ પણ ડાઉન થાય છે. નીચે પડી ગયેલો સંબંધ ઘણી વખત નક્કામો હોતો નથી. એ સંબંધને પણ રામ કહીને પાછો જીવતો કરી લેવાનો હોય છે. જો તારો સંબંધ ભૂત કહેવા જેવો હોત તો મેં તને કહી દીધું હોત કે, ડિવૉર્સ લઇ લે. તમારા બંને વચ્ચે જે ઝઘડો છે એ માત્ર ને માત્ર ઇગોનો છે. સંબંધને સાચવવા માટે ઇગોને ઓગાળવો પડે છે. ઓગાળી દીધેલો ઇગો સંબંધને પાક્કો અને મજબૂત બનાવતો હોય છે. પોતાની વ્યક્તિ પાસે કેવો ઇગો? જો તમે પોતાની વ્યક્તિ માટે જતું ન કરી શકો તો તમારી સમજણનો કોઇ અર્થ રહેતો નથી. સમજણનો એક અર્થ એ છે કે, આપણને ખબર હોય કે કોને સાચવવાના છે અને કોને જવા દેવાના છે!
સંબંધોનું એક સત્ય એ પણ છે કે, બધા સંબંધો કાયમ માટે હોતા નથી. કેટલાંક સંબંધો થોડાક સમય પૂરતા મર્યાદિત હોય છે. એ જ્યારે જિવાતા હોય છે ત્યારે સોળે કળાએ ખીલેલા હોય છે. અચાનક એ સંબંધ આથમી જાય છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. એ એક કંપનીમાં જોબ કરતી હતી. તેની સાથે હમઉમ્ર ઘણી છોકરીઓ પણ જોબ કરતી હતી. બધી છોકરીઓને બહુ સારું બનતું. રોજ સાથે જમતી. સાથે પિકનિક પર જતી. એ છોકરીને એવું લાગતું હતું કે, આ બધી જ છોકરીઓ મારી જિંદગીનો અજોડ હિસ્સો છે. હું બધી સાથે મારી અંગત વાત પણ શૅર કરી શકું છું. થોડા સમયમાં એને બીજી કંપનીમાંથી વધુ સારી જોબની ઓફર આવી. એ છોકરીએ જોબ ચેન્જ કરી. બધી ફ્રેન્ડ્સને છોડવામાં તેને બહુ પીડા થઇ. થોડા દિવસ આકરું લાગ્યું પણ પછી ધીમેધીમે એ પોતાની નવી જોબમાં સેટ થઇ ગઇ. ઘણી વખત આપણી ગમતી વ્યક્તિ સાથેથી છૂટા થવાની વેળા આવે ત્યારે આપણે મનથી એવું નક્કી કરીએ છીએ કે, ગમે તે થાય પણ હું તેની સાથેનો સંબંધ જાળવી રાખીશ. એને રેગ્યુલર ફોન કરીશ. એને મળવા જઇશ. થોડો સમય એવું ચાલુ પણ રહે છે. ધીમે ધીમે દરેક વ્યક્તિ પોતાની લાઇફમાં બિઝી થઇ જાય છે. જૂનો સંબંધ એક જગ્યાએ સચવાઇને પડ્યો હોય છે, એ સુંદર હોય છે પણ સુષુપ્ત થઇ ગયો હોય છે. કેટલાંક કામચલાઉ સંબંધો યાદ આવે ત્યારે એવું થયા વગર ન રહે કે, એ મારી જિંદગીનો બેસ્ટ ટાઇમ હતો. તમારી જિંદગીનો બેસ્ટ ટાઇમ કયો હતો? યાદ કરજો, મોટા ભાગે તો એ સમય કોઇની સાથે જિવાયેલો સંબંધ જ હશે. સંબંધોને જીવો. સંબંધો માટે જરૂર હોય ત્યાં જતું પણ કરો. જિંદગીને સારી રીતે જીવવા માટે આપણે જેમ ઘણું બધું સાચવીએ છીએ એમ સંબંધને પણ જતનથી જાળવવો જોઇએ. મુશ્કેલ સમયમાં સારા સંબંધ સિવાય કશું કામ લાગતું નથી. તૂટી જવા જેવી ક્ષણોમાં પણ સંબંધ આપણને સાચવી લેતા હોય છે. તૂટવા ન દે એ માટે સંબંધને ખૂટવા ન દો.
છેલ્લો સીન :
કયો સંબંધ જાળવવો અને કયો સંબંધ જતો કરવો એની સમજ જિંદગી સારી રીતે જીવવા માટે જરૂરી છે. દરેક સંબંધને પકડી રાખવાની જરૂર નથી. છોડી દેવા જેવા હોય એને વહેલીતકે છોડી દેવામાં ભલું છે! -કેયુ.
kkantu@gmail.com