જવાબદારી સમજવામાં અને નિભાવવામાં બહુ ફેર છે! : ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


જવાબદારી સમજવામાં અને
નિભાવવામાં બહુ ફેર છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


કામ લાગી આંખ તો સામાન્ય ચીજો દેખવા,
ખાસ તો બસ બંધ આંખે દેખવાનું હોય છે,
ફક્ત દાબીને ખભો તેં તો વધુ દુ:ખી કર્યો,
જે પ્રસંગે કચકચાવીને ભેટવાનું હોય છે.
-વિકી ત્રિવેદી


દરેક માણસની એક ફિતરત હોય છે. એક સાઇકી હોય છે. દરેક માણસ ચોક્કસ રીતે જ વિચારતા હોય છે અને એ જ રીતે આચરણ પણ કરતા હોય છે. ઘણાની મથરાવટી જ મેલી હોય છે. એને સીધા વિચાર ક્યારેય આવતા જ નથી. એનું દિમાગ જુદી અને ખોટી દિશામાં જ કામ કરતું હોય છે. ઘણા લોકોનાં કરતૂતો જોઇને આપણને એવો વિચાર આવી જાય કે, એને આવું કરતાં પહેલાં કોઇ વિચાર આવ્યો નહીં હોય? વિચાર તો આવ્યો જ હોય છે પણ એ વિચાર તદ્દન જુદો અને જોખમી હોય છે. દરેક ગુનેગાર એવું સમજતો હોય છે કે, આપણે જે કરીએ છીએ એ કોઇને ખબર નહીં પડે. એને પોતાનું પ્લાનિંગ પરફેક્ટ જ લાગે છે. એ ભૂલી જાય છે કે, ખોટું કે અસત્ય વહેલું કે મોડું પકડાઇ જ જતું હોય છે. પાપ છાપરે ચડીને પોકારે છે એવું એમ જ તો નહીં કહેવાયું હોયને? કેટલાંક માણસો સખત મહેનતુ હોય છે. પૂરી નિષ્ઠાથી કામ કરવું એ જ તેમની આદત હોય છે. એને પણ કોઇ બદલાવી ન શકે. એક યુવાન સંતને મળ્યો. તેણે સંતને સવાલ કર્યો, દુનિયામાં કેટલા પ્રકારના માણસો છે? સંતે હસીને જવાબ આપ્યો કે, જેટલા માણસો છે એટલા જ માણસના પ્રકાર છે! દરેક માણસ જુદો અને અનોખો છે. સામાન્ય રીતે માણસોના બે જ પ્રકાર પાડવામાં આવે છે. સારો માણસ અને ખરાબ માણસ. એમાં પણ વળી ભેદભરમ છે. સારા માણસમાં પણ કેટલીક બુરાઇઓ હોઈ શકે છે. ખરાબ માણસમાં પણ કેટલીક ખૂબીઓ હોય છે. દુનિયામાં બધું જ જજ થઇ શકે છે, માત્ર માણસ જજ થઇ શકતો નથી! માણસ આપણને ગમે ત્યારે ખોટો પાડી શકે છે. આંખ મીંચીને જેના પર ભરોસો કર્યો હોય એ પણ આંખે અંધારાં લાવી દે છે!
દરેક માણસના માથે કંઇક ને કંઇક જવાબદારીઓ હોય છે. જવાબદાર માણસ જ પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક બજાવે છે. બેજવાબદાર લોકો ઘણી વખત જવાબદારી નિભાવવાનો ડોળ કરતા હોય છે. આવા લોકો પરખાઇ પણ જતા હોય છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. ભણેલોગણેલો પણ એક નંબરનો ચાલાક. એની સાથે વાતો કરો તો તમને એવું લાગ્યા વગર ન રહે કે, બંદામાં દમ છે! જવાબદારી એટલે શું, જવાબદારી કેવી રીતે નિભાવાય, જવાબદારીનું ભાન એટલે શું એ વિશે એ એટલી બધી ડાહી ડાહી વાતો કરે કે માણસ અંજાઇ જાય. આ યુવાન જ્યારે જવાબદારી નિભાવવાની વાત આવે ત્યારે શોધ્યો ન જડે. ભાઇનાં કંઈ ઠેકાણાં જ ન હોય. એક વખત તેના વડીલે તેને પકડીને કહ્યું, જવાબદારી સમજવામાં અને જવાબદારી નિભાવવામાં બહુ ફેર છે. તું જવાબદારી સમજે છે પણ નિભાવતો નથી. જ્યારે જ્યાં ઊભા રહેવું જોઇએ ત્યારે આપણે ત્યાં ન હોઇએ તો આપણે ભાગેડુ જ છીએ. તારી ભાગવાની વૃત્તિ બંધ કર અને જવાબદારી નિભાવવાનું શરૂ કર.
કેટલાંક લોકો પોતે દરેક સંઘર્ષનો સામનો કરીને પણ પોતાની જવાબદારી નિભાવતા હોય છે. એક છોકરીની આ વાત છે. તે ઘરમાં સૌથી મોટી હતી. તેનાથી નાનો એક ભાઈ અને એક નાની બહેન હતી. પિતા બિઝનેસમેન હતા. એકદમ સેટલ્ડ અને ઇઝી લાઇફ હતી. અચાનક જિંદગીએ વળાંક લીધો. પિતાને બિઝનેસમાં ખોટ ગઇ. ટેન્શનમાં જ રહેતા પિતાને હાર્ટએટેક આવ્યો અને તેનું અવસાન થયું. માતા ઘરરખ્ખુ ગૃહિણી હતી. તેને દુનિયાદારીની કંઇ ખબર નહોતી. માત્ર સત્તર વર્ષની આ છોકરીએ બધું સંભાળી લીધું. કૉલેજ પૂરી કરીને જોબ પર લાગી ગઇ. બંને ભાઈ-બહેનને ભણાવ્યાં. માતાનું પણ ધ્યાન રાખ્યું. એક વખત તેની ફ્રેન્ડ્રે પૂછ્યું, તારામાં આટલી તાકાત ક્યાંથી આવે છે? એ છોકરીએ કહ્યું કે, ઈશ્વર જ્યારે મુસીબત આપે છે ત્યારે સાથોસાથ આપણને ખબર ન પડે એ રીતે તેનો સામનો કરવાનું સામર્થ્ય પણ આપતો હોય છે. આપણે બસ એને ઓળખવાનું હોય છે. મારાં નસીબમાં મારાં ભાઈ-બહેન અને માતાનું કરવાનું લખ્યું હશે. મારાથી થાય એ બધું મેં કર્યું છે. મને ખુશી એ વાતની છે કે, હું બધું કરી શકી છું. મારાં ભાઈ-બહેન પણ મને માન આપે છે અને કહે છે કે, તું છે તો અમે ટકી શક્યાં. ક્યારેક તો મને એવું પણ લાગે છે કે, આપણી ખરી ક્ષમતા આપણે ફસાયા હોય ત્યારે જ બહાર આવે છે. પપ્પા હોત અને બધું બરાબર ચાલતું હોત તો કદાચ મને ખબર જ ન પડત કે, હું આટલું બધું કરી શકું છું.
તમે તમારી જવાબદારી બરાબર નિભાવો છો? નિભાવતા હો તો ખૂબ સારી વાત છે. આપણે આપણી જવાબદારી નિભાવતા હોઇએ તો પણ ઘણી વખત એવું બનતું હોય છે કે, સામેની વ્યક્તિને કંઇ જ ફેર ન પડે. એ ટેકન ફોર ગ્રાન્ટેડ જ લે. એક છોકરાની આ વાત છે. ઘરમાં એક વખત બધા વાતો કરતા હતા. પિતા હળવાશમાં એવું બોલ્યા કે, મેં તમારા માટે કેટલું બધું કર્યું છે. બે-ચાર ઉદાહરણો પણ આપ્યાં. દીકરાએ થોડીક વાર તો સાંભળ્યું પછી એવું કહ્યું કે, તમે કંઈ મહેરબાની થોડા કરો છો? તમારી જવાબદારી છે એ તો તમારે નિભાવવી જ પડેને! પિતા આ વાત સાંભળીને સુન્ન થઇ ગયા. તેણે દીકરાને કહ્યું કે, જવાબદારી નિભાવવાની ન જ ન હોય, બધી જવાબદારી નિભાવી છે અને હજુ પણ નિભાવીશું. તું એટલું સમજ કે, તારી જવાબદારી એટલી તો છે જ કે તું સારી રીતે વાત કરે. કોની સાથે કેવી રીતે વાત કરવી એનું જો તને ભાન ન હોય તો તારે સમજવું જોઇએ કે, તારા વિચારોમાં કંઇક પ્રોબ્લેમ છે. જવાબદારી માત્ર કામથી જ નથી નિભાવવાની હોતી, વાણી અને વર્તનથી પણ નિભાવવાની હોય છે!
આપણા લોકો પાસેથી આપણે જો એવું ઇચ્છતા હોઇએ કે એ પોતાની જવાબદારી નિભાવે તો આપણે પણ આપણી જવાબદારી નિભાવવી જોઇએ. સંબંધોમાં બધું બે પક્ષે હોવું જોઇએ. એક પક્ષે હોય તો એ લાંબું ન ચાલે. કોઇ પોતાની જવાબદારી થોડીક નિભાવશે પણ જ્યારે તેને એવું લાગશે કે એને તો કોઇ ફેર પડતો નથી ત્યારે એ પણ મોઢું ફેરવી લેશે. પ્રેમની પણ એક જવાબદારી હોય છે. આપણી વ્યક્તિની કેટલીક અપેક્ષાઓ તો આપણી પાસે રહેવાની જ છે. બાકી કંઇ ન હોય તો પણ દરેક વ્યક્તિને એમ તો હોય જ છે કે, મારી વ્યક્તિ મને પેમ્પર કરે. જવાબદારી સહજ હોવી જોઇએ. ઘણા લોકો જવાબદારીનો બોજ લઇને પણ ફરતા હોય છે. જવાબદારીનાં ગાણાં પણ ગાતાં હોય છે. તેને ખબર નથી મારા માથે કેટલી જવાબદારી છે. એક યુવાને આવી વાત કરી ત્યારે એના મિત્રએ કહ્યું કે, તને ખબર છે કે મારા માથે કેટલી જવાબદારી છે? દરેકના ભાગે પોતાના પૂરતી જવાબદારી હોય જ છે. એ જવાબદારી આર્થિક પણ હોય છે, સામાજિક પણ હોય છે અને ક્યારેક ઇમોશનલ રિસ્પોન્સિબિલિટી પણ હોય છે. દુનિયામાં એવા લોકોની કમી નથી જેઓ જ્યારે જરૂર હોય ત્યારે હાજર હોય. તેને બોલાવવા પડતા નથી, તેઓ હાજર જ હોય છે. કંઇ કામ હોય તો કહેજે એવું કહીને ગુમ થઇ જતા લોકોની પણ કમી નથી. દરેકની એક ઇમેજ હોય છે. એ માણસે કહ્યું છે તો એ એનાથી થાય એટલું કરી જ છૂટશે. ઘણા વિશે આપણને ખબર જ હોય છે કે, એ ઊંચી ઊંચી વાતો કરે છે પણ એ કંઇ કરશે નહીં. અણીના સમયે આડાઅવળા થઇ જનારા લોકો પકડાઇ પણ જતા હોય છે અને પરખાઇ પણ જતા હોય છે. જવાબદારી દિલથી નિભાવો. જેના માટે જે કરવાનું હોય એ કરી છૂટીએ એ પણ જિંદગીની એક મજા જ છે. એ સંતોષ પણ કંઇ નાનોસૂનો હોતો નથી કે, મેં મારે જે જવાબદારી નિભાવવી જોઇએ એ નિભાવી છે!
છેલ્લો સીન :
શાણપણ, ડહાપણ અને આવડતનો જો જરૂર હોય ત્યારે ઉપયોગ ન થાય તો જ્ઞાન પણ અજ્ઞાન જ સાબિત થાય છે. –કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 22 ઓક્ટોબર, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *