તમને ખબર છે? આશાવાદ
આવરદા વધારી આપે છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
નિરાશાવાદીની સરખામણીમાં આશાવાદી માણસ સાડા સાત વર્ષ જેટલું વધુ જીવે છે.
આપણા વડીલો એટલે જ તો ખરાબ થયું હોય ત્યારે પણ એવું કહેતા હોય છે કે,
જે થાય એ સારા માટે થાય છે!
———–
જિંદગીનું સૌથી મોટું સત્ય શું છે? એ જ કે, જિંદગી ક્યારેય સીધી લીટીમાં ચાલતી નથી. રંગ બદલતા રહેવું એ જિંદગીની ફિતરત છે. સેટ થયેલી જિંદગી ગમે તે ઘડીએ અપસેટ થઈ જાય છે. ક્યારેક એવું પણ થાય છે કે, આપણું ક્યાંય ધ્યાન પડતું ન હોય અને અચાનક જ કોઈ એવી ઘટના બને છે કે, આખી જિંદગી જ બદલાઈ જાય છે. એક રીતે જોવા જઇએ તો જિંદગી એટલે જ ઇન્ટરેસ્ટિંગ છે. બધું જ રૂટિન ચાલતું હોય તો જિંદગીની મજા જ શું રહે? જિંદગી જ્યારે મસ્ત ચાલતી હોય ત્યારે માણસ એકદમ મોજમાં હોય છે. જેવી કંઇક સમસ્યા આવે કે, તે ઉદાસ, નિરાશ અને હતાશ થઇ જાય છે. જાતજાતના વિચારો કરવા લાગે છે. મારાં નસીબમાં જ આવું બધું લખ્યું છે. હવે શું થશે? હું આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળીશ? મારી પાસે હવે કોઇ રસ્તો જ બચ્યો નથી. ધીમે ધીમે માણસ ડિપ્રેશનમાં સરી જાય છે. અમુક લોકો અલગ પ્રકારના પણ હોય છે. ગમે તે થાય એને કોઇ ફેર પડતો નથી. નિષ્ફળતા મળે, ગેરફાયદો થાય, બીજું કંઇ અયોગ્ય બને ત્યારે પણ એ લોકો એવું વિચારે છે કે, આવું તો થયા રાખે, એમાં કંઈ રોવા થોડું બેસાય છે?
અમેરિકામાં હમણાં એક ખૂબ જ રસપ્રદ સંશોધન થયું છે. પોઝિટિવ અને નેગેટિવ થિંકિંગ કરતા લોકો પર કરાયેલા અભ્યાસ બાદ એવું તારણ મળ્યું હતું કે, જે લોકો હકારાત્મક વિચારો કરે છે એ સાડા સાત વર્ષ વધુ જીવે છે! આ જ વાતને જરાક જુદી રીતે પણ કહી શકાય એમ છે. જે લોકો નકારાત્મક વિચારો કરે છે એ વહેલા મરે છે. આ અભ્યાસ કરનારા નિષ્ણાતો એવું કહે છે કે, એક તો જિંદગીએ તમને ખરાબ સ્થિતિમાં મૂક્યા હોય છે અને ઉપરથી તમે તમારી સ્થિતિને વધુ દારૂણ બનાવો છો. એના કારણે બેવડો માર પડે છે. આપણે ત્યાં વડીલો એવું કહેતા રહે છે કે, સારું થાય કે ખરાબ, દરેકમાં ઈશ્વરનો કંઈક સંકેત હોય છે. જે થતું હશે એ કંઈક સારા માટે જ થતું હશે, આપણે મુશ્કેલીમાં હોઇએ ત્યારે કોઇ આવી વાત કરે એનાથી ગુસ્સો પણ આવી જાય છે, શું ધૂળ સારું થવાનું છે? અલબત્ત, ઘણા કિસ્સામાં એવું પણ બને છે જ્યારે આપણને એ વાત સાચી લાગે. એક માણસની વાત છે. એ નોકરી કરતો હતો. તેના બોસે એક દિવસ તેને તતડાવીને નોકરીમાંથી કાઢી મૂક્યો. તેનો કોઇ વાંક હતો નહીં. તે આ આઘાતમાંથી માંડ માંડ બહાર આવ્યો. બીજે ક્યાંય નોકરી મળતી નહોતી એટલે ડિસ્ટર્બ રહેતો હતો. કંઇ મેળ ન પડ્યો એટલે પેટિયું રળવા માટે આખરે તેણે ખાણીપીણીની લારી શરૂ કરી. જોતજોતામાં થયું એવું કે, તેની લારી પર લાઇનો લાગવા માંડી. મેળ પડ્યો એટલે તેણે દુકાન ખોલી. ધીમેધીમે ફ્રેન્ચાઇઝી આપવા માંડ્યો. તેને એક વખત સફળતાનો રાઝ પૂછવામાં આવ્યો. એ યુવાને કહ્યું કે, મારી સફળતાનો રાઝ મારી નિષ્ફળતા છે. ક્યાંય મેળ પડતો નહોતો એટલે જ લારી શરૂ કરી હતી. જો ક્યાંક નોકરી મળી ગઇ હોત તો હજુ નોકરી જ કરતો હોત! આપણી જિંદગીમાં પણ ક્યારેક એવું થયું જ હોય છે, જ્યારે એ ઘટના બની હોય ત્યારે આઘાતનો પાર ન હોય પણ પછી એમ થયું હોય કે, જો એ થયું ન હોત તો આવું થયું ન હોત!
જિંદગીમાં સમસ્યા આવે તો એનો સામનો કરો. તમે કંઈ એકલા નથી જેને લાઇફમાં પડકાર આવ્યો હોય, દરેકે દરેક માણસને ક્યારેક ને ક્યારેક કોઇ સમસ્યા આવી જ હોય છે. કોઇને પણ પૂછજો, તો એ પોતાની કહાની સંભળાવશે. ઘણા તો એવું પણ કહેશે કે, મારી સાથે જે બન્યું છેને એને તો હું જ સહન કરી શકું, મારી જગ્યાએ બીજું કોઇ હોય તો ક્યારનુંયે ભાંગી ગયું હોય! પડકારોનો સામનો કરવાની સજ્જતા જ આપણી ક્ષમતા નક્કી કરે છે. દરેક સંજોગોમાં ટકી રહેવાની તમારી ત્રેવડ છે? જો હોય, તો તમને કોઈ ને કોઈ માર્ગ મળી જ જશે.
અમેરિકાની યેલ યુનિવર્સિટીના પ્રોફેસર બેકા લેવીએ એક સંશોધન બાદ કરેલી વાત પણ જાણવા જેવી છે. માણસની જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ એની માનસિકતામાં ફેરફાર થાય છે. ઉંમર વધવા સાથે ઘણા લોકો નિરાશાવાદી થતા જાય છે. નેગેટિવ વિચારો કરે છે. હવે કેટલું જીવવાનું? મોતના વિચારો કરીને ડરતા રહે છે. કોઈ નાનકડી બીમારી આવે તો પણ થથરી જાય છે. હકીકતે તો માણસ જેમ મોટો થાય એમ શાણપણ વધવું જોઇએ. વિચારો વધુ પાકટ અને વ્યાપક બનવા જોઇએ. આપણે ઘણા કિસ્સાઓમાં એવું પણ જોતા હોઇએ છીએ કે, માણસની કોઈ જિજીવિષા જ ન રહી હોય. માણસ તો મરતો મરશે, એની જિજીવિષા એની પહેલાં મરી જતી હોય છે. જેની જિજીવિષા પ્રબળ હોય છે એ ગમે તેવા સંજોગો સામે ઝીંક ઝીલી લે છે. જે લોકો ઉંમર જોઇને જિંદગી જીવતા હોય છે એ ખરી રીતે તો જિંદગી જીવતા જ હોતા નથી. જિંદગી સારી રીતે જીવવા માટે મનમાંથી તમામ પ્રકારના ડર કાઢી નાખવા જરૂરી હોય છે. આપણે મોટા ભાગે તો કાલ્પનિક ભયથી જ પીડાતા હોઇએ છીએ. આમ થશે તો? તેમ થશે તો? થાય ત્યારે ચિંતા કરવાની. જે લોકો કાલ્પનિક ભયથી પીડાય છે એ લોકો એક જ વેદના એક કરતાં વધુ વખત અનુભવે છે. મોટા ભાગે તો આપણે કલ્પના કરતા હોઇએ એવું બનતું નથી, બને તો પણ એ એવું અઘરું લાગતું નથી. કંઇક બને પછી આપણે જ એવું બોલતા હોઇએ છીએ કે, આપણે ખોટા ડરતા હતા નહીં? સવાલ એ છે કે, તમને ડરવાનું કહ્યું’તું કોણે? કલ્પનાના ઘોડા તો તમે જ દોડાવતા હતા,
આશાવાદ અને હકારાત્મક્તા માણસને હળવા રાખે છે. કેટલાંક લોકો એવું પણ કહે છે કે, પડશે એવા દેવાશે, આ વાતને પણ હળવાશથી લેવામાં આવે છે કે, આપણે કહીએ કે પડશે એવા દેવાશે પણ જ્યારે પડે છેને ત્યારે દેવાતા નથી! તેની સામે એવી દલીલ પણ કરવામાં આવે છે કે, પહેલાં પડવા તો દો, બાકીની ચિંતા પછી કરજો. એક નિષ્ણાત એના માટે ભૂતનો દાખલો આપે છે. ઘણા લોકો ભૂતથી ડરતા હોય છે. આમ તો ભૂત જેવું કંઈ હોતું નથી પણ ભૂતના નામનો જે ડર છે એ જ ભૂત છે. પડછાયો જોઈને ડરી જઈએ તો એમાં વાંક બીજા કોઇનો નહીં, આપણો જ હોય છે. જિંદગીને સાક્ષીભાવે જોવાનું આપણાં શાસ્ત્રો પણ કહે છે. દરેક વાતમાં વહી ન જાવ. સુખમાં વહી જશો તો હજુ ચાલશે પણ દુ:ખ કે મુશ્કેલીમાં વહી જશો તો ડૂબી જવાના ચાન્સીસ વધી જશે. લાંબું અને સારું જીવવું હોય તો આશાવાદ કેળવો, નિરાશા ટાળો, સારું જ થયું છે અને સારું જ થવાનું છે. જો વિચારો સરકી જશે તો જિંદગી ભટકી જશે. સારું વિચારીને અને ખરાબ વિચારો ટાળીને આપણે કંઈ જ ગુમાવવાનું નથી, ઉલટું મેળવવાનું ઘણું છે. સારી અને સ્વસ્થ જિંદગી જીવવા માટે તમારા વિચારોનું મૂલ્યાંકન કરતા રહો. વિચારો કે ક્યાંક હું નેગેટિવ તો નથી વિચારતોને? જવાબ જો હા હોય તો અત્યારથી જ બદલાવ લાવો!
હા, એવું છે!
સમય, સંજોગ અને સ્થિતિ નબળાં હશે તો ચાલશે પણ વિચારો જો નબળા પડ્યા તો હતાશાનો ભોગ બનશો. સારું વિચારવામાં કશું જ ગુમાવવાનું નથી ઉલટું તેના અસંખ્ય ફાયદા છે. વિચારોને કાબૂમાં ન રાખીએ તો વિચારો આપણને કાબૂમાં કરી લે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 11 ઓક્ટોબર, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com